• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • This Time The Same Grahadasa As 2002 2017; The Political Atmosphere Will Be Heated, An Atmosphere Full Of Unrest And Chaos Will Be Created

જાણો ચૂંટણીસંગ્રામમાં ગ્રહો-નક્ષત્રોની ચાલ:સૂર્ય-બુધ-શુક્રની યુતિના કારણે ભાજપને નુકસાન થશે, રાજકીય માહોલ ગરમ રહે, અશાંતિનું વાતાવરણ સર્જાશે

4 મહિનો પહેલા
  • જ્યોતિષમાં સરકાર, સત્તા અને રાજકીય વિષયની વાત આવે ત્યારે સૂર્યનું મહત્ત્વ વધારે જોવા મળે છે
  • આ વર્ષે શુક્ર અને રાહુ-કેતુની સ્થિતિને જોતાં ચૂંટણી પૂર્ણ થયા પછી પણ અદભુત ખેલ જોવા મળી શકે છે

3 નવેમ્બરના રોજ ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ડિસેમ્બર માસમાં બે તબક્કામાં ચૂંટણીની જાહેર થતાં જ રાજકારણમાં પુનઃસક્રિયતા આવી ચૂકી છે. રાજકીય નેતાઓ, પ્રચારકો અને કાર્યકરો પુનઃસક્રિય થઈ ગયાં છે. ઉપરાંત રાજકીય જ્યોતિષ પણ પોતાના વિદ્યા, અભ્યાસ અને અનુભવોને આધારે આગામી ચૂંટણીના પરિણામો વિશે પુર્વાનુમાન લગાવી રહ્યાં છે. ત્યારે અમે પણ 21મી સદીમાં યોજાયેલી તમામ ચૂંટણી વખતે રહેલાં ગ્રહો-નક્ષત્રોની સ્થિતિ અને દશાનું સંપૂર્ણ વિશ્લેષણ અને મળેલાં પરિણામો વિશેના તારણ સાથે આગામી ચૂંટણી વખતે ગ્રહો-નક્ષત્રોની સ્થિતિને આધારે આવનારા પરિણામો વિશે વાત કરીએ.

2002ની ચૂંટણી પછી ગુજરાતમાં એક નવો વિકાસલક્ષી માહોલ બન્યો હતો
સૌપ્રથમ વાત કરીએ 2002ની ચૂંટણીની તો તે સમયે ગ્રહોનો રાજા સૂર્ય ઉચ્ચના કેતુ સાથે વૃશ્ચિકમાં વિરાજમાન હતો. બુધ ધન રાશિમાં તો શુક્ર સ્વગૃહી તુલામાં મંગળ સાથે યુતિ બનાવી મહાલક્ષ્મી યોગનું નિર્માણ કરતો હતો. તેમજ ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચનો થઈ તો શનિ મિથુન રાશિમાં સ્થિત થઈ સિંહ, ધન, મીન સાથે દૃષ્ટિ સંબંધ બનાવતો હતો. ઉપરાંત રાહુ પણ ઉચ્ચનો થઈ વૃષભમાં બિરાજમાન હતો.

ઉપરોક્ત ગ્રહ સ્થિતિને આધારે કહી શકાય કે આ ચૂંટણી પછી ગુજરાતમાં એક નવો વિકાસલક્ષી માહોલ બન્યો. શુક્ર-મંગળની યુતિ સ્પષ્ટ દર્શાવે છે કે ચૂંટણીમાં વેપારી વર્ગે આગળ પડી સમર્થન આપ્યું હશે. ભાજપની કુંડળી અને આ ગ્રહ સ્થિતિને આધારે કહી શકાય કે બહુમોટા બહુમતથી બીજેપી વિજય બને. જે 127 બેઠક પાપ્ત કરીને સ્પષ્ટ પણ થયું.

2007ની ચૂંટણી દરમિયાન આંતરિક વિખવાદની સ્થિતિ બની હતી
હવે વાત કરીએ 2007ની ચૂંટણીની તો તે સમયે સૂર્ય વૃશ્ચિકથી ધન રાશિમાં ગતિમાન રહ્યો સાથે બુધની યુતિથી બુધ આદિત્ય યોગનું નિર્માણ થયું હતું. આ સિવાય શુક્ર તેની ઉચ્ચ રાશિ તુલામાં સ્થિત હતો અને મંગળ મિથુનમાં તો ગુરુ સ્વગૃહી થઈ ધન રાશિમાં બિરાજમાન હતો. આ સાથે જ શનિ શત્રુ રાશિ સિંહમાં કેતુ સાથે યુતિ બનાવી તુલા, કુંભ તેમજ વૃષભ ઉપર દૃષ્ટિ સંબંધ બનાવતો હતો આ સિવાય રાહુ કુંભ રાશિમાં સ્થિત હતો.

ઉપરોક્ત ગ્રહ સ્થિતિના આધારે એવું કહી શકાય કે ચૂંટણી દરમિયાન સમયગાળામાં ઘણાં આંતરિક વિખવાદ સર્જાયા હશે. પરંતુ આ સાથે તે સમયના સત્તાપક્ષ બીજેપીને ઘણી નવી જગ્યાએ લાભ મળ્યો હશે પરંતુ જૂની જીતેલી અમુક સીટો ઉપર નુકસાન પણ થયું હશે અને આવેલી 117 સીટો એ ગતચૂંટણી કરતાં 10 સીટોનો ઘટાડો તે સ્પષ્ટ દર્શાવે જ છે.

2012ની ચૂંટણી દરમિયાન સૂર્ય, રાહુ સહિત પાંચ ગ્રહો વૃશ્ચિક રાશિમાં હતાં
હવે વાત કરીએ 2012ના ચૂંટણી સમયગાળામાં રહેલાં ગ્રહોની સ્થિતિની તો તે સમયે પ્રથમ તબક્કાના મતદાન વખતે સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર અને રાહુ આ પાંચેય ગ્રહો વૃશ્ચિક રાશિમાં હતાં. જ્યારે ચંદ્ર અને રાહુ નીચના માનવામાં આવે છે. સાથે જ, મંગળ ધન રાશિમાં અને ગુરુ વૃષભ રાશિમાં કેતુ સાથે યુતિ બનાવી સ્થિત હતાં. આ સિવાય શનિ ઉચ્ચ રાશિ તુલામાં સ્થિત થઈ ધન, મેષ અને કર્ક સાથે દૃષ્ટિકોણ બનાવતો હતો. આ સિવાય કેતુ વૃષભમાં નીચનો બની સ્થિત હતો.

ઉપરોક્ત ગ્રહ સ્થિતિને આધારે આ ચૂંટણી અને તેમાંથી આવનાર પરિણામો ઘણાં નવી દિશા તરફ લઈ જનારા સાબિત થયાં. આ ચૂંટણી પ્રક્રિયામાં ઘણાં નવા પક્ષો જોડાય તેવા યોગ બનતાં જણાય છે અને થયું પણ તેવું જ પરંતુ કેતુની તેમજ અન્ય ગ્રહોની સ્થિતિને આધારે નવા પક્ષો તેમજ ઉમેદવારોને સફળતા મળવી અઘરી હતી. પ્રત્યક્ષ જ હતું કે આ ચૂંટણી સમયે રહેલાં પાંચ ગ્રહો એક રાશિમાં સ્થિત થવાથી અને આવેલું પરિણામ સત્તા પક્ષની તરફેણમાં રહ્યું. રાહુની સ્થિતિ અને અવસ્થાને લીધે સત્તા પક્ષને સીટોમાં થોડું નુકસાન થયું પરંતુ સત્તા બનાવી શકવામાં પૂર્ણ રીતે સફળતા મળી.

2017ની ચૂંટણીમાં શુક્ર અને બુધની યુતિ લાભદાયી સાબિત થઈ હતી
હવે વાત કરીએ 2017ની ચૂંટણીની તો આ સમયે ગ્રહોની સ્થિતિ જોતા જણાય છે કે સૂર્ય વૃશ્ચિકથી ધન રાશિમાં ગતિમાન હતો ત્યારે બુધ અને શુક્ર સાથે રહી. વૃશ્ચિકમાં યુતિ બનાવતા હતાં અને મંગળ અને ગુરુ પણ તુલા રાશિમાં યુતિ કરી રહ્યા હતાં. આ સિવાય 2017ની ચૂંટણીના પરિણામો સમયે સૂર્ય અને શનિ ધન રાશિમાં યુતિ સંબંધ બનાવતાં હતાં. આ સિવાય શનિ પણ કુંભ, મિથુન અને કન્યા રાશિ સાથે દૃષ્ટિ સંબંધ બનાવતો હતો. ઉપરાંત રાહુ કર્ક અને કેતુ મકર રાશિમાં સ્થિત હતાં.

ઉપરોક્ત ગ્રહોની સ્થિતિનું વિશ્લેષણ કરીએ તો જણાય છે કે આ સમયગાળામાં યોજાયેલી ચૂંટણી સત્તાપક્ષ માટે ચૂનોતીપૂર્ણ બની શકે. સાથે જ ઘણાં નિતિ-નિયમોમાં ફેરબદલ થતાં જોવા મળે. પરિણામ સમયે સૂર્ય-શનિની યુતિ અને કેતુની સ્થિતિને જોતા જણાય છે કે સત્તાપક્ષની સીટોમાં ઘટાડો આવી શકે તેમજ સંગઠન કાર્યોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે. ઉપરાંત વિરોધ પક્ષને લાભ થાય અને વિરોધીઓ પોતાનો પ્રભાવ પાઠવી શકવામાં મહદંશે સફળ થઈ શકે પરંતુ શુક્ર અને બુધની યુતિ સત્તાપક્ષને અમુક વિસ્તારમાં લાભ કરાવવામાં સફળ થાય તેવુ કહી શકાય અને આવેલાં પરિણામો ઉપર નજર કરતાં જાણી શકાય છે.

2022ની ચૂંટણી દરમિયાન ગ્રહોની સ્થિતિ
હવે આ વખતની ચૂંટણીની વાત કરીએ તો આ સમયે ગ્રહોની સ્થિતિ જોતા જણાય છે કે સૂર્ય તુલાથી વૃશ્ચિકમાં ગતિમાન છે. સાથે જ, અત્યારથી પ્રથમ તબક્કાના મતદાનના સમય સુધી સૂર્ય અને કેતુ તુલામાં યુતિ સંબંધ બનાવે છે. આ સિવાય બુધ અને શુક્ર વૃશ્ચિકથી ધન રાશિમાં ગતિમાન છે. તો મંગળ વૃષભ રાશિમાં અને ગુરુ સ્વગૃહી મીન રાશિમાં સ્થિત છે. આ સિવાય શનિ પણ પોતાના જ ઘર મકરમાં રહીને મીન, કર્ક અને તુલા સાથે દૃષ્ટિ સંબંધ બનાવે છે. ઉપરાંત રાહુ મેષ રાશિમાં સ્થિત છે.

આ વખતની ચૂંટણી પ્રક્રિયાની તમામ ગ્રહસ્થિતિને જોઈ તેની દૃષ્ટિ અને ગતિના સંબંધ તેમજ તમામ પ્રકારે અભ્યાસ કરતા જણાય છે કે આ વખતની ચૂંટણી પ્રક્રિયામાં સત્તાપક્ષને આંતરિક વિખવાદનો સામનો કરી ચૂંટણીમાં આગળ વધવુ પડે. આ વખતે યુવાનો અને મહિલાઓના નવા ચહેરા ચૂંટણીમાં જોવા મળી શકે તેની પૂર્ણ સંભાવનાઓ છે. માત્ર ઉમેદવાર તરીકે નહીં પરંતુ પ્રચારક અને કાર્યકર્તામાં પણ યુવાનો અગ્રેસર જોવા મળે. સાથે જ સ્વગૃહી શનિની સ્થિતિના આધારે કહી શકાય કે આ ચૂંટણી પ્રક્રિયામાં નવી ટેક્નોલોજી કે નવા પ્રચારક યંત્રો પણ જોવા મળી શકે. ઉપરાંત ઘણાં પડદા પાછળના લોકો આગળ આવીને ચૂંટણીમાં ભાગ ભજવી શકે છે. આ વખતની ચૂંટણીમાં વૈભવનું પ્રમાણ વધે સાથે જ તમામ પક્ષોએ કાયદાકીય સમસ્યાઓથી બચીને ચૂંટણી લડવાનું હિતાવહ રહે. ન્યાયિક અને પ્રામાણિક ઉમેદવારો વિજયી મેળવી સફળ બને. સાથે જ, અમુક વિસ્તારમાં ઘર્ષણનો માહોલ બને.

ભાવનગરનાં શ્રીધર પંચાંગવાળા કિશન ગિરીશભાઈ જોશીના જણાવ્યા પ્રમાણે
વિક્રમ સંવત 2079નાં નવા વર્ષના બીજા મહિનામાં માગશર સુદ આઠમ-નોમ ગુરૂવાર તા. ૦1-12-2022 તથા માગશર સુદ 13 સોમવાર તા.5-12-2022નાં રોજ સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક માટેનું મતદાન થવાનું છે. અને તેનું પરિણામ માગશર સુદ 15 ગુરૂવાર તા ૦8-12-2022નાં રોજ છે. મુખ્યમંત્રી થયા પછી ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વ હેઠળ આ સૌપ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. છેલ્લાં કેટલાંક સમયથી સમગ્ર ગુજરાતમાં ગુંજેલું પાટીદાર અનામત અને ભાજપમાં વધતાં જતાં આંતરિક આક્રોશ અને પક્ષ પલટો કરીને આવેલા નેતાઓંને પાર્ટીમાં ઉચ્ચો હોદ્દો આપવો, તેઓને ઉમેદવારી તરીકે ટિકિટ આપવી અને જે લોકો વર્ષોંથી પાર્ટી સાથે જોડાયેલા હોય તેને નજરઅંદાજ કરવા એવા કારણો સાથે સમગ્ર દેશની નજર ગુજરાતની ચૂંટણીઓ ઉપસ્થિર થયેલી છે. દિલ્હી અને પંજાબમાં થયેલા પરાજય અને આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતમાં જીતવા માટે એડીચોટીનું જોર કરી રહી છે ત્યારે પક્ષ પ્રમુખ અમીત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ પરીક્ષા થવાની હોય એવો એક જબરદસ્ત માહોલ સજાર્યો છે. ત્યારે જ્યોતિષ શાસ્ત્ર આધારે ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણીમાં ગ્રહોનાં વરતારા શું કહે છે?? ભાવનગરનાં શ્રીધર પંચાંગનાં વિખ્યાત જ્યોતિષી કિશન ગિરીશભાઈ જોશીના જણાવ્યા મુજબ તા. ૦1 ડિસેમ્બર 2022નાં રોજ ઉદ્યાતિથી આઠમ છે. જે સવારે ૦7-21 સુધી રહે છે.. નવમી તિથિનો ક્ષય છે.. કુંભ રાશિની ચંદ્ર અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર છે..

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પાર્ટી પ્રમુખ અમીત શાહ હાલ શનિ મહારાજ તથા રાહુ મહારાજની અનિષ્ટ અસરનાં કાર્યકાળ ભોગવી રહ્યા છે. ભુપેન્દ્રભાઈને મોટી પનોતીનો છેલ્લો તબક્કો ચાલે છે. અને અમીત શાહને રાશિ ઉપરથી રાહુનું ભ્રમણ થાય છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શનિ મહારાજની નાની પનોતી તા.17-૦4-2023થી શરૂ થાય છે. તા. 16-11-2022 થી તા. 17-12-2022 સુધી વૃશ્ચિક રાશિમાં સૂર્ય-બુધ-શુક્રની યુતિ થઇ રહી છે. આ ભાજપને કેટલુંક નુકશાન અવશ્યપણે કરશે. ગુજરાત રાજકીય માહોલ ગરમ રહે, અશાંતિ અને અરાજકતા ભર્યું વાતાવરણ સર્જાશે.

ગુજરાતમાં શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટેનાં હાલની સરકારની પ્રયાસોની સરાહના થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વ હેઠળ હાલની ચુંટણીઓ એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે. કોંગ્રેસને તથા બીજી પાર્ટીને ભાજપા સામેનાં અસંતોષ અને આક્રોશનો કેટલોક ફાયદો થશે. પણ ગુજરાતમાં કોંગ્રેસ ફરી એકવાર બેઠી થાય એમ જણાતું નથી અને આમ આદમી પાર્ટી પ્રજાનો ભાજપ પ્રત્યેના આક્રોશનો થોડો અંશે ફાયદો મેળવી શકે એવી સંભાવના દર્શાય રહી છે.

અન્ય સમાચારો પણ છે...