• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • The Word Shraddha Originates From The Word Shraddha, Shraddha Paksha Is The Festival Of Liberation From Parental Debt. Dr. Pankaj Nagar And Dr. Rohan Nagar

ભાગ્યના ભેદ:શ્રાદ્ધ શબ્દની ઉત્પત્તિ શ્રદ્ધા શબ્દમાંથી થઈ છે, શ્રાદ્ધ પક્ષ એટલે પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો તહેવાર

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રાદ્ધ પક્ષમાં કેટલાક લોકો શુભ કાર્ય કરતાં નથી, પરંતુ હકીકતમાં શ્રાદ્ધ પક્ષ બીજા દિવસો જેટલો જ શુભ સમય છે
  • શ્રાદ્ધ પક્ષમાં કરેલા કાર્યો પર પિતૃઓની અમી દ્રષ્ટિ અને કૃપા રહે છે

પિતા ધર્મ: પિતા સ્વર્ગ: પિતા હિ પરમ તપ:I પીતરી પ્રીતિમાપન્ને પ્રીયંતે સર્વ દેવતા:II પિત્રો યસ્ય તૃપ્યંતિ સેવ્યા ચ ગુણેન ચI

શ્રાદ્ધ પક્ષ એટલે પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો વહેવાર અને તહેવાર. જે જાતક શ્રાદ્ધ પક્ષના પખવાડિયા દરમિયાન સ્વર્ગસ્થ પિતૃઓની તિથી દરમિયાન પિતૃઓને રીજવવાના પ્રયત્ન કરે છે તે જાતક પિતૃઓની કૃપા અવશ્ય પ્રાપ્ત કરે છે.

ભાદરવા વદ-૧થી અમાસ સુધીનું પખવાડિયું એટલે શ્રાદ્ધ પક્ષ. શ્રાદ્ધ (shraddha) અને શ્રદ્ધા (shraddha) બંને શબ્દોના અંગ્રેજી સ્પેલિંગમાં શ્રદ્ધા શબ્દના પૂંછડે માત્ર ‘A’ આલ્ફાબેટ લગાવો તો શ્રાદ્ધ પક્ષનું રૂપાંતર શ્રદ્ધા પક્ષમાં થઈ જાય. જ્યોતિષશાસ્ત્રના આર્ષદ્રષ્ટા વરાહમિહિર અને પારાશર મુનિના મંતવ્ય અનુસાર શ્રાદ્ધ પક્ષ આપના પિતૃઓના પ્રકોપને શાંત પાડવા માટેનો અદભૂત સમય ગણાય છે. અમારા મતે શ્રાદ્ધ પક્ષ એટલે પિતૃભક્તિ, શ્રદ્ધા અને પિત્ત પ્રકૃતિનો સમન્વય ગણાય. આથી જ શ્રાદ્ધ પક્ષમાં પસંદગીના પંડિતોનું તેમનું મનપસંદ ભોજન જમાડી આપના પિતૃઓને આવાહન આપી શકાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે.

( ડો.પંકજ નાગર ૧૯૮૪ થી જ્યોતિષ ક્ષેત્રે જોડાયેલા છે અને હાલમાં જ જીટીપીએલ ચેનલ દ્વારા " જ્યોતિષ એક વિજ્ઞાન" ના ૫૦૦ એપિસોડ પૂર્ણ કરવા માટે તેમને સન્માનિત કર્યા છે )

વડોદરા સંસ્કૃત મહાવિદ્યાલયના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ એચ. એમ. પાંડે સાહેબના મતાનુસાર માનવશરીરમાં સૂક્ષ્મ જીવ રહેલો છે. જેને અંગ્રેજીમાં માઈક્રોકોસ્મિક લાઈફ કહે છે. આ સૂક્ષ્મ જીવ મૃત્યુ બાદ સ્વર્ગમાં સિધાવે છે, પરંતુ અમુક સૂક્ષ્મ જીવ પોતાની અધૂરી ઇચ્છાઓ અને અતૃપ્ત લિપ્સાઓ, વાસનાઓના કારણે શાંતિપૂર્વક મૃત્યુ પામતા નથી. ફળસ્વરૂપ આવા સૂક્ષ્મ જીવો ઉર્ધ્વગામી થતાં નથી અને આપણી આજુબાજુના વાતાવરણમાં ભટક્યા કરે છે. આવા અતૃપ્ત, અશાંત આત્માઓનું શ્રાદ્ધ પક્ષમાં તર્પણ કરવાથી તેઓ શાંત પડે છે, આશીર્વાદ આપે છે અને સર્વનું કલ્યાણ કરે છે.

પ્રખર જ્યોતિષી અને ખગોળમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવનારા અમદાવાદના સ્વ. ડો. એલ. એન. પંડ્યા સાહેબ ક્હેતા કે જ્યારે જન્મકુંડળીમાં સૂર્ય-શનિની યુતિ અગર પ્રતિયુતિ હોય તો તેવા જાતકના પિતૃઓ પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે નિરાશ મને, વ્યથિત હ્રદયથી ભટકયા કરે છે. જો આપની કુંડળીમાં સૂર્ય-રાહુ સાથે હોય, દસમા સ્થાનમાં સૂર્ય-શનિ અગર શનિ-રાહુ હોય તો જાતકે આવા યોગને પિતૃદોષ સમજી શ્રાદ્ધ પક્ષમાં દર વર્ષે પિતૃઓને તર્પણ કરવું. કહેવાય છે કે પંડિતોને ભોજન આપી સંતુષ્ટ કરવાથી અને કાગડાઓને વાસ (ભોજન) નાખવાથી વડવાઓ રાજી થાય છે. એક માન્યતા અનુસાર કાગડાઓ તમારું ભોજન કરી રાજી થાય એટલે ઊંચે આકાશમાં ઊડી ભટકતા પિતૃઓને તમારા સુખ-દુ:ખનો સંદેશો આપે છે. પિતૃઓ કાગવાણી સાંભળી તમારા દુ:ખને દૂર કરે છે. શ્રાદ્ધ દરમિયાન પંડિત જ્યારે ભોજન આરોગવા બેસે ત્યારે કેટલાક મંત્રોચ્ચાર દ્વારા પિતૃઓના આત્માને આવાહન આપી પોતાના શરીરમાં પ્રવેશ કરાવે છે અને ત્યારબાદ ભોજન શરૂ કરે છે. ભૌતિક સ્વરૂપે આપણને એમ લાગે છે કે પંડિત ભોજન કરે છે પરંતુ ખરેખર પંડિતની અંદર પ્રવેશેલો આત્મા ભોજન કરી સંતુષ્ટ થાય છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન તર્પણ કરવાનો આશય સૂક્ષ્મ શરીર અગર પિતૃઓને મુક્તિ અને શાંતિ આપવાનો હોય છે.

શ્રાદ્ધના વિધિ-વિધાન અને તેના અર્થ વિવિધ ધર્મગ્રંથ જેવા કે ગરુડપુરાણ, સંસ્કૃતિ દર્શન, શ્રાદ્ધચંદ્રિકા, શ્રાદ્ધમુખ અને ગૌતમ ધર્મસૂત્રમાં વિસ્તારપૂર્વક આપેલા છે. વારાણસીના પંડિત પી.કે. ચૌબે કહે છે કે જેવી રીતે આઈએસડી (ISD) કોલ દ્વારા અમેરીકામાં રહેતા તમારા સંબંધીનો સંપર્ક તમે હૉટલાઇનથી કરી શકો છો તેવી રીતે મંત્રોચ્ચાર દ્વારા તમે સૂક્ષ્મ રીતે શરીરના સંપર્કમાં આવી શકો છો તે કંઈ નવાઈની વાત નથી. શ્રાદ્ધ પક્ષ ફક્ત ભટકતા પિતૃઓ કે સૂક્ષ્મ આત્માઓ માટે જ નથી. હિન્દુ માન્યતા અનુસાર માનવી મૃત્યુ બાદ 84૦૦૦ યોનિની સફર કરે છે. મૃત પિતૃઓ આ 84૦૦૦ યોનિમાંથી ગમે તે યોનિમાં હોય પરંતુ શ્રાદ્ધ પક્ષમાં કરેલું તર્પણ તેમને પહોંચે છે.

અનેક શાસ્ત્રોના જાણકાર અને નિષ્ણાંત શશી પરીખ કહે છે કે શ્રાદ્ધ પક્ષ આપના પિતૃઓએ કરેલા સુકર્મોને યાદ કરવાનો અને આપણાં કુટુંબ પર કરેલા ઉપકારો માટેનો આભાર, કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સમય છે. શ્રાદ્ધ પક્ષમાં કેટલાક લોકો શુભ કાર્ય કરતાં નથી, પરંતુ હકીકતમાં શ્રાદ્ધ પક્ષ બીજા દિવસો જેટલો જ શુભ સમય છે. ખરેખર તો શ્રાદ્ધ પક્ષમાં કરેલા કાર્યો પર પિતૃઓની અમી દ્રષ્ટિ અને કૃપા રહે છે. સૂર્ય-સંહિતામાં ભારપૂર્વક જણાવ્યુ છે કે શ્રાદ્ધ પક્ષના 15 દિવસ દરમિયાન સવારે વહેલા ઉઠી, નાહી-ધોઈ, પીતાંબર ધારણ કરી સાક્ષાત દેવ સૂર્યનારાયણને જે વ્યક્તિ દૂધપાક, પૂરી ધરાવે છે અને આદિત્યહૃદયના પાઠ કરી પોતાના વડવાઓને યાદ કરે છે તેમનું સમગ્ર વર્ષ તન-મન-ધનથી સુખમય પસાર થાય છે કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય પિતાનો કારક ગ્રહ છે. લેખના અંતમાં એટલું જ કહીશું કે ‘શ્રાદ્ધ શબ્દનો ઉદ્ભવ શ્રદ્ધા શબ્દમાંથી થયો છે.’

જે જાતકોની કુંડળીમાં સૂર્ય અને શનિની યુતિ હોય, સૂર્ય અને રાહુની યુતિ હોય, સૂર્ય-કેતુની યુતિ હોય અગર તો કુંડળીના દસમા સ્થાનમાં માત્ર રાહુ કે કેતુ હોયતેવા જાતકોએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન જે તિથિએ પિતૃઓ સ્વગર્સ્થ થયા હોય તે તિથીએ નૈઋત્ય કોણમાં દૂધપાક પૂરી અને ભોજન થાળ ધરાવવો જોઈએ અને દર્ભના આસન પર બેસી તલ તેમજ સિંગ તેલનો મિક્ષ ઉભી વાટનો દીવો કરી પિતૃઓને આહવાન આપી તેમના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવી જોઈએ. કારણ કે નૈઋત્ય કોણ વાસ્તુ વિજ્ઞાન અનુસાર પિતૃઓનો ખૂણો છે અને દરેકના ઘરમાં પિતૃઓ આ કોણમાં જ વાસ કરે છે. ભોજનનો આ પિતૃ થાળ સાંજ સુધી ત્યાં મૂકી રાખવો. આ પ્રયોગ તમને ત્રણ દિવસની અંદર જ શુભ સમાચાર આપશે. આવો સૌ સાથે મળી પિતૃઓના આ પક્ષને પૂજીએ.

બંને લેખકો એ આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...