આજકાલ શેરબજારનું નાણું ‘ઇઝી મની’ ગણાય છે. આથી સામાન્ય માનવીનું ધ્યાન શેરબજાર તરફ વધુ રહે છે, પરંતુ વિધિના લેખથી અજાણ માણસ ક્યારેક શેરબજારની ઊંડી ગર્તામાં ધકેલાઇ પતનનો અનુભવ કરે છે. આવા સમયે શેરબજારને અનુલક્ષીને પોતાની કુંડળીનું બારીકાઈથી અવલોકન કર્યું હોય તો મોટા નુકસાન અને આઘાતથી બચી શકાય છે. ભલે તમે કુંડળીનો અભ્યાસ ના કરો પણ ફક્ત કુંડળીના સૂર્ય-ચંદ્ર-શનિનો અભ્યાસ કરો તોપણ સચોટ નિષ્કર્ષ અને તારણો પર આવી શકાય છે. જો કુંડળીનું તમે નહીં માનો તો તમારે ડુંગળીની લારી ચલાવવાનો વારો આવે.
જ્યારે જ્યારે કુંડળીના સૂર્ય-ચંદ્ર પરથી ગોચરનો શનિ પસાર થાય ત્યારે માનવી માટે મુસીબતોનો કાળ શરૂ થાય છે, કારણ કે સૂર્યને જ્યોતિષશાસ્ત્રમાં આત્માના કારક તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યને બ્રહ્માંડનો રાજા કહેવામાં આવે છે. સૂર્ય સર્વોપરી, શક્તિમાન ગણાય છે. સૂર્ય સમગ્ર બ્રહ્માંડની શક્તિ અને ઊર્જાનો સ્ત્રોત ગણાય છે. તેવી જ રીતે માનવી માટે પૈસો મોટામાં મોટી ઉષ્માશક્તિ ગણાય છે. સૂર્ય એટલે સત્તા, પ્રતિષ્ઠા અને આર્થિક તંદુરસ્તી. જન્મકુંડળીનો મૂળ સૂર્ય દૂષિત થાય એટલે માનવી માટે પારાવાર મુશ્કેલીઓનું સર્જન થાય છે. આવા સમયે સીધા, સરળ લાગતા કાર્યોમાં પણ વિટંબણાઓ અનુભવાય છે. શનિ એ સૂર્યનો કટ્ટર હરીફ અને શત્રુગ્રહ ગણાય છે એટલે જ્યારે જ્યારે જન્મકુંડળીનો સૂર્ય ગોચરમાં શનિની પકડમાં આવે છે ત્યારે માનવી આર્થિક વિટંબણાઓ અનુભવે છે. આવું ભ્રમણ શેરબજારમાં સટ્ટો કરવાની પ્રેરણા આપે છે. ટૂંકા સમયમાં વ્યક્તિ કરોડપતિ બનવાના સપના જુએ છે અને અંતે સૂર્ય-શનિના વિપરીત ભ્રમણના કારણે પાયમાલ થાય છે. ‘‘તેર સાંધે અને ત્રેપન તૂટે’’ એવી આર્થિક સ્થિતિ સર્જાય છે. આ પ્રમાણેની સ્થિતિ માનવીના પનોતીકાળ દરમિયાન પણ સર્જાય છે.
પનોતી એટલે જન્મકુંડળીના ચંદ્રની આજુબાજુ અને ચંદ્ર પર શનિનું ગોચર ભ્રમણ કહેવાય છે. ઉદાહરણ તરીકે ધારો કે તમારી જન્મરાશિ ‘ધન’ છે તો શનિ જ્યારે ‘વૃશ્ચિક’ રાશિમાં ભ્રમણ કરે ત્યારે તમારી પનોતીની શરૂઆત થાય અને જ્યારે શનિ ‘કુંભ’ રાશિમાં પ્રવેશ કરે ત્યારે પનોતી પૂર્ણ થઈ કહેવાય. આ સમયગાળો લગભગ સાડા સાત વર્ષનો રહે છે. આ સમય દરમિયાન જાતક અનેક મુશ્કેલીઓ, કષ્ટ અને પીડા તેમજ આર્થિક સંકટોનો સામનો કરે છે. આવા સમયે શેરબજારમાં કરેલું રોકાણ, સટ્ટો તદ્દન નિષ્ફળ બને છે. ચંદ્ર પર શનિનું ભ્રમણ થાય ત્યારે ગોચરમાં જે તે જાતકની જન્મકુંડળીમાં વિષયોગનું સર્જન થાય છે. ફલ: સ્વરૂપ જાતક હતપ્રભ, નિરાશ બને છે અને ક્યારેક ગાંડપણનો ભોગ બને છે. જાતકનું આર્થિક બળ અને મનોબળ તૂટે છે. બ્રહ્માંડમાં સૂર્ય, ચંદ્ર અને શનિના સંબંધો વિપરીત છે અને પ્રતિકૂળ પણ છે. શનિ એ સૂર્ય-ચંદ્રનો શત્રુગ્રહ ગણાય છે. આથી જ જન્મકુંડળીનો મૂળ સૂર્ય અગર ચંદ્ર પરથી શનિનું ભ્રમણ અતિ ઘાતક પુરવાર થાય છે. આવા સમયે શેર બજારમાં રોકાણ કરવું એટલે નરી મૂર્ખતા સિવાય કશું જ નથી. શેરબજારમાં કિંગ ગણાતા જાતકો પણ આવા સમયે ખારી સીંગ વેચતા થઇ જાય છે અને ધૂળ ચાટતા થઈ જાય છે. અલબત્ત આવું પ્રતિકૂળ ભ્રમણ વ્યક્તિગત કુંડળીના બળાબળને આધારે પણ મૂલવવું જરૂરી છે. આથી કુંડળીના અન્ય બળવાન ગ્રહોને પૂર્ણ ન્યાય મળી રહે. આ ઉપરાંત અંતરદશા, મહાદશા, પ્રત્યંતર દશા, નવમાંશ અને કુંડળીના ગુરુ, બુધનો ખાસ અભ્યાસ કરવો જોઈએ.
ઈ.સ.2022ના વર્ષમાં જે જાતકો ધન-મકર અને કુંભ-મીન રાશિ ધરાવતા હોય તેમણે શેર બજારમાં ખાસ ધ્યાન રાખવું અન્યથા ભારે ખાના ખરાબી આવી શકે છે. કારણ કે શનિ કર્મવાદનો ગ્રહ છે. આથી સટ્ટાખોરોને પનોતી દરમિયાન ભારે સજા કરી અને જીવન નર્ક સમાન બનાવે છે. આ ઉપરાંત એવા જાતકો કે જેમનો જન્મ કોઈ પણ વર્ષની 14 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી અગર 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ દરમિયાન થયો હોય તેવા જાતકો એ પણ સાવધ રહેવું પડશે અને વિશેષ રૂપે આવા જાતકોએ 2022 દરમિયાન અલગ અલગ સમયે શેર બજારમાં ખુબ જ સાવધ રહેવું પડશે કારણ કે આ લેખમાં જે નિરૂપણ કર્યું છે તે પ્રમાણે ઇ.સ.2022 દરમિયાન આ તારીખ વચ્ચે જન્મેલા જાતકોના મૂળ સૂર્ય પરથી શનિનું ભ્રમણ ચાલશે.
જાતક પારિજાતક, ચમત્કાર ચિંતામણી અને જ્યોતિષ કલ્પતરુ વ.વ. ગ્રંથોમાં સ્પષ્ટ કહ્યું છે કે સૂર્ય અને ચંદ્ર પર જ્યારે જ્યારે શનિનું ગોચર ભ્રમણ થાય ત્યારે જાતક પોતાનું આત્મબળ અને મનોબળ ગુમાવે છે. ફળ સ્વરૂપ આવો જાતક આ ભ્રમણ દરમિયાન આર્થિક, માનસિક અને શારીરિક રીતે પાયમાલ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અંધારામાં દીવો ધરી જાતકને અનેરું માર્ગદર્શન પૂરું પાડી સાચો રસ્તો બતાવવાનું કાર્ય કરે છે. આ શાસ્ત્ર વહેમ નહિ પરંતુ રહેમ કરનારું છે. જો જાતક સાવધ રહે તો તેનો વધ થતો નથી. આગોતરી જાણકારી દ્વારા તમે મોટા નુકસાનમાંથી બચી શકો છો અને નુકસાનથી બચવું એ પણ એક મોટો લાભ જ છે. અગાઉથી જ્ઞાન મેળવેલું હોય તો નંગ અને વિધિના ખર્ચાળ જંગથી બચી શકાય છે.
અને હા ઉપાય તરીકે શેરબજારમાં સટ્ટો કરનારા જાતકો એ હમેશા અમૃત ચક્રનો ઉપયોગ કરવો. આ ઉપાય સાવે સસ્તો અને સટીક છે. (આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.