ભાગ્યના ભેદ:સૂર્ય અને ચંદ્ર જ્યોતિષશાસ્ત્રના કેન્દ્રબિંદુઓ છે કે જેના આધારે તમામ કુંડળીઓનું સંચાલન થાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિષ્ણુ, શંકર, બ્રહ્મા કે દેવોથી લલાટમાં લખેલું ફેરવી શકાતું નથી. જ્યોતિષશાસ્ત્ર તમારા ભાગ્ય અને નસીબ સાથે સીધો સંબંધ રાખે છે. જ્યારે જમવાની વાત આવે ત્યારે માનવીનો સ્વભાવ અને માનસિકતા ટપ-ટપ કરતાં મમ-મમ સાથે સીધો સંપર્ક રાખે છે અર્થાત રોટલા ટીપવાના પુરુષાર્થ કરતાં ભોજન નામના નસીબમાં વધુ રસ હોય છે. નસીબ પણ કેવી અજીબ ચીજ છે કેમ કે નસીબમાં હોય તો જ નસીબદાર થવાય અને તમારા નસીબમાં છે કે નહિ તેનો જવાબ તો જન્મકુંડળીના ગ્રહો પાસે હોય છે. ગ્રહોની વાત આવે ત્યારે નરી આંખે જોઈ શકાય તેવા અતિ પ્રકાશિત, દૈદીપ્યવાન બે દિવ્ય ગ્રહોની યાદ જરૂર આવે. આ બે ગ્રહો એટલે સૂર્ય અને ચંદ્ર. આ બંને ગ્રહો મોટા ભાગના ધર્મમાં અતિ પૂજનીય છે.

(ડો.પંકજ નાગર જ્યોતિષશાસ્ત્રની અસંખ્ય શાખાઓ જેમ કે અંકશાસ્ત્ર,પ્લેયિંગ કાર્ડ્સ,વાસ્તુ વિષયમાં પણ તલસ્પર્શી જ્ઞાન ધરાવે છે . ડો.રોહન નાગર લંડનમાં આયુર્વેદમાં નાઈન જવેલ્સ ઓફ યુકે નો અવોર્ડ ધરાવે છે)

દિવસ અને રાત, વિશ્વ અને બ્રહ્માંડના બે મહત્ત્વના ભાગ-વિભાગ અને માનવજીવનના અનિવાર્ય બનાવો અને પરિબળો છે. દિવસનો રાજા સૂર્ય અને રાતની રાણી ચંદ્ર. સૂર્ય અને ચંદ્ર જેટલા વર્કોહોલિક ગ્રહ એક પણ નહિ હોય. એટલે જ આ બંને સતર્ક ગ્રહો જન્મ કુંડળીના અર્ક છે. જન્મ કુંડળીના આ બે ગ્રહો કોની સાથે બેઠા છે તેના આધારે જાતકની તક અને તકદીરનો ફેસલો થાય છે. કુંડળીમાં સૂર્ય નિર્બળ બને તો માનવીના આત્મવિશ્વાસને ડગ મગાવે અને ચંદ્ર નિર્બળ હોય તો મનોબળને હચમચાવે. જે જે જન્મકુંડળીમાં સૂર્ય તુલા(નીચ) કે કુંભ(અસ્ત) રાશિમાં હોય અને ચંદ્ર વૃશ્ચિક(નીચ) કે મકર(અસ્ત) રાશિમાં હોય તેવા જાતકો સમગ્ર જીવન કોઈને કોઈ પ્રશ્નોમાં અટવાયા જ કરતા હોય છે. આવા જાતકોની સાહસવૃત્તિમાં ઉણપ જોવા મળે છે.

ખગોળ વિજ્ઞાન અનુસાર સૂર્ય સ્થિર છે અને ચંદ્ર અસ્થિર છે. બ્રહ્માંડમાં તમામ ગ્રહો સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે આથી જ સૂર્ય રાજા છે. સૂર્ય શ્રુષ્ટિનો પ્રાણ અને પ્રાણવાયુ છે. સૂર્ય બ્રહ્માંડનો આત્મા અને હૃદય છે. જ્યારે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરે છે. આથી જ કુંડળીના અવલોકનમાં વારંવાર એવું ધ્યાનમાં આવ્યું છે કે જે જાતકોની કુંડળીમાં સૂર્ય બળવાન હોય તેવા જાતકોનો આત્મવિશ્વાસ સ્થિર બળવાન હોય છે કારણ કે સૂર્ય જન્મકુંડળીનું કેન્દ્રબિંદુ-આધાર અને સત્વ છે. સૂર્યપ્રધાન જાતકો પ્રધાન કે રાજા સમાન હોય છે પરંતુ ચંદ્રપ્રધાન જાતકો વિચારોના આદાનપ્રદાનમાં સામાન્ય રીતે અસ્થિર હોય છે. આ બાબતને ખગોળની દ્રષ્ટિએ મૂલવીએ તો સૂર્યનું માપ-અંતર અને તેજ દરેક સંજોગોમાં એકસમાન હોય છે જ્યારે ચંદ્રનું માપ-આકાર અને તેજ રોજબરોજ બદલાતા રહે છે કારણ કે ચંદ્રનું સંચાલન સૂર્ય કરે છે. ચંદ્ર જન્મકુંડળીનું મન છે. આથી જ ચંદ્ર કળાઓ બદલે તેમ તેમ મન પણ તેના વિચારો બદલે છે. અમાસના દિવસે ચંદ્ર ઝીરો મુન બની જાય અને પૂનમના દિવસે હીરો મુન કહેવાય. મન સબળું હોય કે નબળું તેનો મૂળ આધાર તો કુંડળીના ચંદ્ર પર છે. વ્યક્તિ યુદ્ધમાં અભિમન્યુ બનશે કે શિખંડી બની સંતાઈ જશે તેનો આધાર જે તે દિવસના ગોચરના ચંદ્ર પર આધારિત છે. આત્માથી આત્મવિશ્વાસ નક્કી થાય અને મનથી મનોબળનું માપ નીકળે. જાતકનો આત્મવિશ્વાસ જાણવો હોય તો કુંડળીનો સૂર્ય તપાસવો પડે અને મનોબળનું બળ કાઢવું હોય તો ચંદ્રની સ્થિતિ જોવી પડે.

અમારું અવલોકન એવું પણ કહે છે કે જો વફાદારી અને વચનબદ્ધતાની વાત આવે તો ચંદ્રની પર્સનાલીટી ધરાવતા જાતક કરતાં સૂર્યનું વ્યક્તિત્વ ધરાવતા જાતકો પર વધુ વિશ્વાસ મૂકી શકાય કારણ કે સૂર્ય સ્થિર, સ્વયંભુ અને સ્વપ્રકાશીત તારો છે જ્યારે ચંદ્રનો પ્રકાશ સૂર્ય પર આધારિત છે તે અસ્થિર છે અર્થાત ભ્રમણ કરે છે અને નિત-રોજેરોજ કળાઓ બદલે છે. ચંદ્રનું આધિપત્ય માનવીના મન પર છે આથી ચંદ્રની રોજ બદલાતી કળાઓ સાથે માનવીના વિચારો પણ ચેન્જ થતા રહે છે. વિચારોની અસ્થિરતા નિર્ણય શક્તિ અને વચનબદ્ધતાના કટ્ટર શત્રુ ગણાય. સૂર્યનું કદ રોજીંદુ એક સમાન હોય છે અને ચંદ્રના કદમાં અસમાનતા રહે છે. આથી જ જેની કુંડળીમાં સૂર્ય બળવાન હોય તેવો જાતક વ્યવહાર અને વર્તનમાં એક સમાન હોય છે અને ચન્દ્રપ્રધાન વ્યક્તિનું વર્તન અને વ્યવહાર અસમાન હોય છે.

ચંદ્ર કુંડળીનું મન હોઈ જન્મકુંડળીમાં ચંદ્ર કયા ગ્રહ સાથે યુતિ કરે છે તેના આધારે જાતકનું વ્યક્તિત્વ અને ચારિત્ર્ય નક્કી થાય છે. કુંડળીમાં ચંદ્ર જો શનિ સાથે બસે તો જાતકનું જીવન મોટા ભાગે કોઈને કોઈ માનસિક તાણમાં જ પસાર થાય છે. ગુરુ સાથે ચંદ્ર જો યુતિ કરે તો જાતકનું મન ઉદાર અને વિશાળ હોય આ તમામ શાસ્ત્રોક્ત બાબતો ઉપરાંત એક વાત તો નિશ્ચિંત છે કે ચંદ્રનો સૌથી મોટો પ્રભાવ માનવીના અચેતન મન પર છે કે જેને અંગ્રેજીમાં સબ કોન્સીયસ માઈન્ડ કહે છે. જો ચંદ્રને ઝીણવટથી સમજી તેનું અધ્યન કરી કુંડળીનું નિદાન કરવામાં આવે તો માનવીની અચેતન મનની દરેક સમસ્યાઓનો હલ મેળવી તેના હાલ બેહતર બનાવી શકાય છે. આપણા ઋષિમુનીઓએ અનેક ગ્રંથમાં આદિત્ય સ્ત્રોત દ્વારા આત્મા અને હૃદયને બળવાન બનાવવા પર અને ગણપતિ અથર્વશીર્ષના પઠન દ્વારા કુંડળીના ચંદ્ર અર્થાત મનને બળવાન બનાવવા પર ભાર મૂક્યો છે. દરેક કુંડળીના સૂર્ય અને ચંદ્રના બળાબળ પર માનવીના હૃદય અને મગજની સ્થિતિનો આધાર અને મદાર છે. સૂર્ય ભલે કુંડળીનો આત્મા હોય પણ આ આત્મા શનિ સાથે યુતિ કરે ત્યારે જાતકને ભારે સંઘર્ષ કરાવે છે. પિતા સાથે મતમતાંતર અને વિચારોમાં અંતર ઉભુ કરે છે. સૂર્ય નામનો આત્મા જન્મ કુંડળીમાં રાહુ નામના દૈત્ય સાથે બેસે તો જાતકની સફળતામાં ગ્રહણ કરે છે. આ પ્રકારની યુતિઓ કુંડળીમાં પિતૃદોષ અને ગ્રહણયોગનું સર્જન કરે છે. ટુંકમાં સૂર્ય અને ચંદ્ર જ્યોતિષશાસ્ત્રના કેન્દ્રબિંદુઓ છે કે જેના આધારે તમામ કુંડળીઓનું સંચાલન થાય છે.

ધ સન એન્ડ મુન આર થીમ એન્ડ એક્સટ્રેકટ ઓફ હોરોસ્કોપ.

સૂર્ય ચંદ્ર એટલે કુંડળીનું સત્વ અને અર્ક તે વાત નિર્વિવાદ છે.

(બંને લેખકો એ આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કર્યો છે)

અન્ય સમાચારો પણ છે...