મુખાકૃતિ સામુદ્રિકશાસ્ત્ર:ચહેરાનો આકાર જ માનવીના વ્યક્તિત્વની છબિને દર્શાવે છે, શું કહે છે તમારો Shape of Face?

2 મહિનો પહેલા
  • ચહેરો માનવીના શરીરની ફર્સ્ટ ઇમ્પ્રેશન અને આકર્ષણનું કેન્દ્ર છે

સામુદ્રિકશાસ્ત્ર મુજબ માનવીના અંગોની બનાવટના આધારે વ્યક્તિના વિચારો, અભિગમ, કાર્યપ્રણાલિ, તેમજ ભવિષ્યનો વિચાર કરી શકાય છે. આપણે અગાઉના લેખોમાં માનવીના શરીરના મુખ પરના અંગોની બનાવટને આધારે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. પરંતુ આ વખતે વાત કરીએ ‘મુખાકૃતિ’ એટલે કે ‘Shape of Face’.

કોઈપણ માણસ અન્ય માણસને મળશે તો સૌથી પહેલાં શું જોશે? તેનો ફેસ, તેનું મોઢું, તેની મુખાકૃતિ. બરાબર ને? હકીકતમાં ચહેરોએ માણસના શરીરની ફર્સ્ટ ઇમ્પ્રેશન છે અને આકર્ષણનું કેન્દ્ર પણ. જેમ તમારી આંખો, તમારા હાવભાવ બોલ્યાં વગર ઘણું જણાવી દે છે, તેવી જ રીતે મુખ પણ કહ્યા વગર ઘણું બોલી જાય છે.

માણસની રીતભાત કે વ્યવહાર પરથી તેના જ્ઞાન અને વ્યવહારિતાનો પરિચય તો મળે જ છે, પણ મોઢાની બાબતે પણ એવું જ કંઈક છે. ઘણીવાર ચહેરા જોઈને સહેલાઈથી અનુમાન લગાવી શકાય છે કે વ્યક્તિ કેવો હશે? વળી, ઘણી વ્યક્તિના મુખ એવા હોય કે જોઈને તરત જ આકર્ષાઈ જવાય, તો ક્યારેક એવુંય બને કે કોઈ વ્યક્તિને જોતાં જ તેમની તરફ અકારણ ધૃણા પેદા થાય, નફરતનો ભાવ આવી જાય. આ થવા પાછળ પણ ‘મુખાકૃતિ’ અને ‘મુખ’ જ જવાબદાર છે.

ચહેરાના આકાર મુખ્યત્વે છ પ્રકારના હોય છે. જે નીચે મુજબ છે.

1. ગોળાકાર ચહેરો- આવા જાતકો સૌમ્ય, ભાવનાત્મક રીતે સંવેદનશીલ, પોતાના કાર્યમાં ચોક્કસ અને મહેનતું હોય છે. જીવનને વ્યવસ્થિત રીતે જીવવા માટે પૂરતું આયોજન કરે છે. અન્ય લોકોના મન પર ઊંડી છાપ છોડવાની ક્ષમતા ધરાવે છે.

2. લંબગોળાકાર ચહેરો- આવા જાતકો વ્યવહારિક, લાગણીશીલ, આકર્ષક અને નેતૃત્વનો ગુણ ધરાવે છે. થોડાં માનસિક તણાવમાં પણ રહે છે. સ્ત્રીઓમાં આવો ચહેરો સૌથી વધુ આકર્ષક મનાય છે. અંતર્મુખી તેમજ બહુર્મુખી વ્યક્તિત્વ ધરાવે છે.

3. દિલ આકારવાળો ચહેરો- આ લોકો મહેનતું, અનેક વિદ્યાના જાણકાર, ઊર્જાવાન, સમાજની ચિંતા કર્યા વિના મસ્તીમાં રહેનાર તથા હોશિયાર હોય છે, ક્યારેક છેતરાઈ પણ છે. બહિર્મુખી વ્યક્તિત્વના સ્વામી તેમજ અદભૂત આકર્ષણ ક્ષમતા ધરાવે છે.

4. ચોરસ આકારનો ચહેરો- આ લોકો માનસિક-શારીરિક રીતે મજબૂત, સરળતાથી કોઈની વાતમાં ન આવનારા, જીવમાત્ર પર દયા રાખનારા, પરિશ્રમી, મહેનતું, પોતાનું ભાગ્ય જાતે ઘડનારા અને અંતર્મુખી હોય છે. પુરુષોમાં આ આકારનો ચહેરો શ્રેષ્ઠ તેમજ આકર્ષક મનાય છે.

5. ત્રિકોણાકાર ચેહરો- આવા લોકો શારીરિક રીતે લગભગ પાતળા, વ્યવહારુ, સિદ્ધાંતવાદી, કાર્યકુશળ અને એકસાથે અનેક કાર્યો કરવામાં સક્ષમ હોય છે. આ ઉપરાંત પોતાની વાત યોગ્ય રીતે રજૂ કરે છે. આવા જાતકો મિશ્ર પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે.

6. ડાયમંડ આકારનો ચહેરો- આવો ચહેરો ધરાવતા જાતકો અત્યંત સંઘર્ષશીલ, મહેનતું, પ્રેમાળ હૃદયના અને પોતાની જાતને પ્રેમ કરનાર હોય છે. જીવનને એક નવા જ અભિગમથી જોવાની કળા ધરાવે છે. પ્રભાવના દૃષ્ટિકોણથી બહુર્મુખી વ્યક્તિત્વ ધરાવે છે.

આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી અનુજ પંડ્યા(modernsage108@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...