ન્યાયના દેવતા શનિદેવ હોળીના એક દિવસ પહેલાં ઉદય કરશે. શનિદેવ 6 માર્ચે રાતે 11:36 કલાકે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિના આ ગોચરથી પાંચ રાશિના જાતકોની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. એટલા માટે આ લોકોએ 6 માર્ચ પછી ખૂબ જ સાવધાન રહેવું પડશે. આવો જાણીએ કે શનિનો ઉદય કઈ રાશિના લોકોની મુશ્કેલીઓમાં વધારો કરશે.
મેષ રાશિ :
આ સમય દરમિયાન જો તમે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારી યોજનાને હાલ માટે મુલતવી રાખવી જોઈએ. રોકાણ કરનાર લોકો માટે આ સમય નુકસાનકારક રહેશે. તમારા ખર્ચમાં વધારો થશે અને આવકમાં પણ ઘટાડો થશે. પૈસા અને દેણાની સમસ્યામાં વધારો થઇ શકે છે. દેવા અને ખર્ચથી પરેશાન થઈ શકો છો. શનિના ઉદય પછી તમારા સહકર્મીઓ સાથે મતભેદ વધી શકે છે જેની અસર તમારા સંબંધો પર થશે.
કન્યા રાશિ :
શનિનો ઉદય તમારા આત્મવિશ્વાસને પ્રભાવિત કરી શકે છે. આ સાથે જ પરિવાર સાથે મતભેદ પણ થઇ શકે છે. આ સમય દરમિયાન અજાણ્યા લોકોથી સાવધાન રહેવું જોઈએ. રૂપિયાની લેવડ-દેવડમાં પણ સાવધાની રાખો નહીં તો અનેક પ્રકારની મુશ્કેલીઓ થઇ શકે છે. તો શનિના ઉદય પછી તમારી કોઈ સિક્રેટ વાત કોઈ સાથે બિલકુલ શેર ન કરો. વાણી પર નિયંત્રણ ન રહેવાને કારણે સંબંધો તિરાડ પડી શકે છે. વિવાહિત જીવનમાં પણ સમસ્યાઓ આવી શકે છે.
વૃશ્ચિક રાશિ :
વૃશ્ચિક રાશિના જાતકોને શનિના ઉદયને કારણે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન નસીબ સાથ ન આપે તો તણાવ વધી શકે છે. આ સાથે જ જીવનસાથી સાથે અંગત સંબંધો પણ બગડી શકે છે. રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન માતા-પિતાનો ઘણો સહયોગ મળશે. આ સમયગાળા દરમિયાન મનોબળમાં ઘટાડો ન થવા દેવાની સલાહ આપવામાં આવે છે.
મકર રાશિ :
તો આ રાશિના જાતકો માટે શનિનો ઉદય અશુભ રહેશે. આ સમય દરમિયાન પરિવારજનો અથવા ભાઈ-બહેન સાથે સંબંધ બગડી શકે છે. આ સમય દરમિયાન તમારું અને માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને ખાવામાં પીવામાં પણ કાળજી લો. વેપાર અને ધંધામાં પણ સમસ્યા આવી શકે છે જેનો પ્રભાવ આર્થિક જીવન ઉપર પડશે, કોઈ પણ કામ પૂરું કરતા સમયે શાંતિ અને સંયમ રાખો.
મીન રાશિ :
શનિના ઉદયને કારણે મીન રાશિના જાતકોના કાર્યક્ષેત્ર ઉપર ખરાબ અસર પડી શકે છે. આ સમય દરમિયાન નકામા ખર્ચ વધી શકે છે, તેથી જો જરૂર પડે તો જ પૈસા ખર્ચવાનો પ્રયાસ કરો. શનિના ઉદયથી પ્રેમ અને લગ્નજીવન પર પણ અસર પડી શકે છે. તેથી પાર્ટનર સાથે સારું વર્તન કરો અને વાણી પર સંયમ રાખો. આ સમય દરમિયાન સમજી વિચારીને નિર્ણય લેવો હિતાવહ છે, કારણ કે ભાગીદારીમાં કરવામાં આવેલા વેપારમાં પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે.
શનિદેવને આ રીતે પ્રસન્ન કરો
શનિદેવને પ્રસન્ન કરવા માટે, શનિ રક્ષા સ્તોત્રનો પાઠ કરો અથવા ઓછામાં ઓછા 108 વખત શનિ બીજ મંત્રનો જાપ કરો ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः મંત્રનો જાપ કરો. તેનાથી શનિની કૃપા રહેશે અને તમને કષ્ટોથી મુક્તિ મળશે.
આ મંત્રનો જાપ કરી શકો છો
મૂળ શનિ મંત્ર- ૐ શનિ શનિચરાયનમ:
પૌરાણિક મંત્ર- નીલાજન સમાભાસં રવિપુત્રં યમાગ્રજમ્ l છાયા માર્તંડસંભૂતં તમ્ નામામિ શનૈશ્વરમ્ ll
શનિગાયત્રી મંત્ર- ૐ શનિશ્ચરાય વિદમહે સૂર્યપુત્ર ધીમહિ તન્નો મંદ: પ્રચોદયાત
આ કળિયુગમાં પણ શનિદેવને નિષ્પક્ષ ન્યાયમાં વિશ્વાસ કરવાવાળા મનાય છે.
શનિનો અન્ય ગ્રહો સાથે સંબધ
શનિદેવ સૂર્ય, ચંદ્ર અને મંગળ સાથે દુશ્મનાવટ રાખે છે. બુધ, શુક્ર શનિના મિત્ર છે. ગુરુ ગ્રહ સાથે શનિ સામાન્ય રહે છે. શનિ તુલા રાશિમાં ઉચ્ચનો રહે છે. આ રાશિમાં શનિની શક્તિ વધી જાય છે. મેષ રાશિમાં નીચનો એટલે નબળો રહે છે. આ ગ્રહ મકર અને કુંભ રાશિનો સ્વામી છે.
કઇ રાશિ ઉપર સાડાસાતી અને ઢૈય્યા રહે છે
શનિ જે રાશિમાં રહે છે, તે રાશિ સાથે જ તે રાશિની આગળ અને પાછળની રાશિઓ ઉપર પણ સાડાસાતી રહે છે. જેમ કે હાલ શનિ કુંભ રાશિમાં છે તો કુંભથી પાછળ મકર અને કુંભથી આગળ મીન રાશિ ઉપર સાડાસાતી ચાલી રહી છે. શનિ જે રાશિમાં છે તે રાશિથી છઠ્ઠી રાશિ અને દસમી રાશિ ઉપર શનિની ઢૈય્યા રહે છે. આ સમયે કર્ક અને વૃશ્ચિક રાશિ ઉપર શનિની ઢૈય્યા ચાલી રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.