• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • The Presence Of Cruel Planets Around The Moon In The Horoscope Gives Success To The Native, Name And Price Remain At The Feet Of Such A Human Being.

ભાગ્યના ભેદ:કુંડળીમાં ચંદ્રની આજુબાજુ ક્રૂર ગ્રહોનો વાસ જાતકને સફળતા અપાવે છે, નામ અને દામ આવા માનવીના ચરણોમાં રહે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચંદ્ર એટલે શાયરોની શાયરી. ચંદ્ર એટલે દંત કથાઓનો ડાયરો. આધા હૈ ચંદ્રમાં રાત આધી.. અથવા ચંદામામા દૂર સે પૂરી પકાયે… અને સુહાની ચાંદની રાતે હમે સોને નહીં દેતી... જેવા અદભૂત ગીતોનો સંચાર અને પ્રેમીજનોનો સંસાર ચંદ્ર નામના ઉપગ્રહમાં પડેલો છે. ચંદ્ર એ મન છે અને માનવીએ મનને શરણે થવું જ પડે. પરંતુ મન પર સૌપ્રથમ ચરણ મૂકનારાઓમાં અમેરિકા અગ્રસ્થાને છે. 1969ની સાલમાં અમેરિકના અવકાશયાત્રીઓ નીલ આર્મસ્ટ્રોંગ અને એલ્વિન ઓલ્દ્રીને ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂક્યો. જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રનું મહત્ત્વ અનેરું છે. કારણ કે ચંદ્ર એ મનનો કારક ગ્રહ છે અને મન શરીરમાં આત્મા પછીનું અગત્યનું સ્થાન ધરાવે છે. પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ ચંદ્ર છે અને આથી જ માનવીના શરીર અને મન પર ચંદ્રની મહત્તમ અસરો છે. કહેવાય છે કે મન એ જ માનવીનું માન-સન્માન છે કારણ કે જો મન બગડે તો માનવી માન-શાન અને ભાન ગુમાવે. પરંતુ અમારું સંશોધન પણ એવું કહે છે કે ચંદ્ર (મન)ની આજુબાજુ ક્રૂર ગ્રહો જેવા કે રાહુ-શનિ-મંગળ-કેતુ કે પ્લૂટો હોય તેવા માનવીઓ તેમની જિંદગીમાં સફળતાની ચરમસીમાઓને સ્પર્શે છે. નામ અને દામ આવા જાતકોના ચરણમાં અને શરણમાં હોય છે.

ઉદાહરણ તરીકે વાત કરીએ સ્વ.સુષ્મા સ્વરાજની...જેમની અટકમાં સ્વરાજ છે અને આખી જિંદગી જેઓ સ્વમાનથી જ જીવ્યા. તેવા સુષ્મા સ્વરાજની કુંડળી વિચારીએ તો તેઓ વૃષભ લગ્નના માલિક છે અને કુંડળીમાં દસમે કુંભનો ચંદ્ર આવેલો છે. કુંડળીમાં ચંદ્રથી બારમે એટલે કે ભાગ્ય સ્થાનમાં મકરનો રાહુ આવેલો છે. સુષ્માજીની કુંડળીમાં ચંદ્રથી બારમે રાહુ નામના ક્રૂર ગ્રહે તેમને જે રાજકીય સફળતા બક્ષી તે સૌને ઉડીને આંખે વળગે તેવી છે. સ્વ. સુષ્માજીની વાણી તેજ તર્રાર હતી. સાચા અર્થમાં તેમના ભાષણ અને શબ્દોથી ભાજપની મત પેટીઓ મેહેકતી હતી. જોયોને ચંદ્રથી બારમે રાહુનો કમાલ!

વાત કરીએ યુપી સ્ટેટના મહારથી યોગીજીની 5 જુન 1972ના રોજ જન્મેલા આ હિન્દુસ્તાની યોદ્ધાની સિંહ લગ્નની કુંડળીમાં કુંભના ચંદ્રથી બારમે રાહુ બિરાજમાન છે અર્થાત મકરનો રાહુ ચંદ્રથી બારમે અને લગ્નમાં છઠા સ્થાનમાં રહી દેશના શત્રુઓને છઠીનું ધાવણ યાદ કરાવે છે...આટઆટલી નિર્ભયતા-શૌર્ય અને સાહસ ચંદ્રથી બારમે આવેલો રાહુ જ આપી શકે તે નિર્વિવાદ છે. આદિત્યનાથે (સૂર્યના નાથે)યુપીના લુખાઓને સુકા કરી નાખ્યા અને અંધારામાં ધકેલી દીધા. જોયોને ચંદ્રથી બારમે આવેલા ક્રુર ગ્રહનો કમાલ! સાચા માનવતાવાદી અને શ્રેષ્ઠ વૈજ્ઞાનિક આપણા એક્સ પ્રેસિડેન્ટ સ્વ.અબ્દુલ કલામ સાહેબ કે જેમનું નામ લેતાં જ સો સો સલામ કરવી પડે...તેવા અવુલ પકીર જૈનુંલાબ્દીન કલામ સાહેબની કુંડળીમાં ચંદ્રથી બારમે મંગળ અને બીજે શનિ બિરાજમાન છે. બોલો આ વાત થઇ કલામ સાહેબની કુંડળીમાં બીજે અને બારમે આવેલા ક્રુર ગ્રહોની! છે ને કલામ સાહેબની કુંડળીમાં ગજબનો કમાલ?

ક્રૂર ગ્રહોની કરામતના અનુસંધાને હવે એક એવી વિભૂતિની ચર્ચા કરીએ કે જેણે સર્વપ્રથમ શોધી નાખેલું કે વનસ્પતિમાં જીવ છે. આ મહાન વિભૂતિ એટલે સર જગદીશચંદ્ર બોઝ. પોતાની વિલક્ષણ બુદ્ધિના કારણે જગપ્રસિદ્ધ બનેલા સ્વ. જગદીશચંદ્રની વૃષભ લગ્નની કુંડળીમાં પાંચમે આવેલા કન્યાના ચંદ્રથી બારમે આવેલા ક્રૂર ગ્રહ કેતુએ તેમને જગપ્રસિદ્ધ બનાવ્યા.

તમે સિને અભિનેત્રી ડીમ્પલ કાપડિયાની કુંડળી જુઓ. ચંદ્રથી બીજે રાહુ જોવા મળશે તો સ્વ. ઈન્દિરાજીની કુંડળીમાં પણ ચંદ્રથી બારમે રાહુ હજરાહજુર છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સંચાલક શ્રીદિનદયાળ ઉપાધ્યાયની ધન લગ્નની કુંડળીમાં ચંદ્રથી બારમે શનિ અને કેતુ આવેલા છે. પ્રજાસત્તાક ભારતની કુંડળીમાં ચંદ્રની સાથે શનિ છે. અહીં આપણે આ લેખમાં ફક્ત રાજકારણ, ફિલ્મ કે ક્રિકેટની વાતને લઈને જ સંશોધનની વાત નથી કરતા. તમે આધ્યાત્મવાદ તરફ નજર કરો તો ચૈતન્ય મહાપ્રભુની તુલા લગ્નની કુંડળીમાં લાભ સ્થાને સિંહના ચંદ્રની સાથે કેતુ છે તો ગુરુ નાનકની વાત કરીએ તો તેમની સિંહ લગ્નની કુંડળીમાં દસમે શનિ અને ચંદ્ર સાથે આવેલા છે. રાજા શિવાજીની વાત કરીએ તો તેમની સિંહ લગ્નની કુંડળીમાં ચંદ્રથી બીજે શનિ બિરાજમાન છે.

લેખના અંતમાં વાત કરીએ એક ઉદાર બિઝનેસમેનની કે જેનું નામ છે જેઆરડી તાતા. તુલા લગ્નની કુંડળીમાં પાંચમે કુંભનો ચંદ્ર કેતુ સાથે છે અને આ ચંદ્રથી બારમે મકરનો શનિ આવેલો છે. આ મહાનુભાવની કુંડળીની સફળતાનો આંક અને ઊંચાઈનું માપ માત્ર એક કલ્પનાનો વિષય છે. તેમની સફળતામાં તેમના ચંદ્રથી બારમે આવેલા શનિનું પ્રદાન શ્રેષ્ઠ છે તેમાં લેશ માત્ર શંકા નથી.

ચંદ્રની આજુબાજુ કે ચંદ્રની જોડે આવેલા ક્રુર ગ્રહોથી ગભરાવાની કે નિરાશ થવાની જરૂર નથી બલ્કે આવી સ્થિતિને ઉજવણીનો એક ભાગ સમજી પ્રભુનો આભાર માનવો તે જ સાચી પ્રમાણિકતા છે.

કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની.. હવે જમાનો આવ્યો છે નવી દૃષ્ટિ અને સંશોધનની નવી સૃષ્ટિનો. ચંદ્રની આજુબાજુ કે સાથે ક્રૂર ગ્રહોની હાજરી એટલે નિષ્ફળતા નહીં પરંતુ અદભૂત સફળતા... યાદ રહેશે ને?

સ્વ.જગદીશચંદ્ર બોઝની કુંડળી

(આ લેખ બંને લેખકોએ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્દ કરેલ છે.)