ભાગ્યના ભેદ:તમારો સમય કેવો ચાલે છે તેનો જવાબ તો તમારી કુંડળીના ગ્રહો જ કહી શકે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભલે માનવજાત જ્યોતિષશાસ્ત્રની સાવે કરીબ હોય પણ તેના રહસ્યો અજીબોગરીબ હોય છે. એક જાતક જ્યારે ગુરુવારના શુભ દિવસે, અમૃત ચોઘડિયામાં, સારામાં સારી હોરામાં અને પુષ્ય નક્ષત્રમાં જમીનના બધા જ ક્લીયર પેપર્સ લઈ મંજૂરી માટે જાય છતાં પણ ફાઈલ આગળ સરકે જ નહિ. શ્રેષ્ઠ મુહૂર્ત કઢાવો તોય કામ થાય જ નહિ અને જાતકની તક નજર સામે જ જતી રહે તેનાથી મોટી કમનસીબી કઈ? જ્યારે અન્ય એક કિસ્સાની કહાનીમાં જાતક શનિવારે યમઘંટ દરમિયાન કાળ ચોઘડિયામાં પોતાનું અગત્યનું કામ લઇ નીકળે અને વિજય પતાકા લહેરાવી મસ્ત મૌલા બની ખુશ રહે તો આ બંને ઉદાહરણમાં દેખાતા વિરોધાભાસનો અભ્યાસ કરવો જોઈએ. બંને કિસ્સાની કહાનીમાં ક્યાંક આઘાત અને ક્યાંક આશ્ચર્ય દેખાય છે.

(ડો.પંકજ નાગર ૧૯૮૪થી જ્યોતિષ ક્ષેત્રે કાર્યરત છે સાથે સાથે ગુજરાત ખાતે સૌથી વધુ TV શો પરફોર્મ કરનારા એક માત્ર જ્યોતિષી પણ છે -ડો.રોહન નાગર યુકેમાં આયુર્વેદની પ્રેક્ટીસ સાથે TV શો પણ પરફોર્મ કરે છે)

અશુભ મુહુર્તમાં પણ સફળતા પ્રાપ્ત કરનારા જાતકની કુંડળીનું નિરીક્ષણ કરતાં જ્યોતીષિક નિયમો અનુસાર તે જાતકના સૂર્ય પરથી ગોચરનો ગુરુ ભ્રમણ કરતો હતો અને કુંડળીના ચંદ્રથી ગોચરનો ગુરુ નવમે ભ્રમણમાં હતો. આ બાબત તે જાતક માટે સફળતાનો એક જબરદસ્ત સંકેત અને સંદેશ હતો. આથી એ જાતક ખરાબ મુહુર્તની અંદર પણ સિદ્ધિઓને સિદ્ધહસ્ત કરી શક્યો.

શુભ મુહૂર્તમાં નિષ્ફળતાને પામેલા પ્રથમ જાતકની કુંડળીનું નિરીક્ષણ કર્યું તો તેનું તારતમ્ય અને અવલોકન પ્રમાણે તે જાતકનો જન્મ મકર રાશિમાં થયો છે એટલે ચંદ્ર મકર રાશિમાં કહેવાય. ઉપરાંત તારીખ પ્રમાણે તેનો જન્મ 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન થયો છે. આથી તેમની જન્મકુંડળીમાં સૂર્ય પણ 10ના અંક આગળ અર્થાત મકર રાશિમાં જ છે. આમ સૂર્ય ચંદ્ર એક જ રાશિમાં સાથે હોઈ અમાવસ્યાનો જન્મ ગણાય. અમાવસ્યાનો ચંદ્ર પણ ક્ષીણ કહેવાય. આ ભાઈની કુંડળીમાં જન્મની સાથે જ સૂર્ય અને ચંદ્ર બળ ગુમાવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય એ જાતકનો આત્મા અને ચંદ્રને મન કહેવાય. આ કેસમાં આત્મા અને મન બંને નિર્બળ બન્યા. સાથે-સાથે આ બંને ગ્રહો અત્યારે ગોચરનો ભોગ બન્યા. કેમ કે શનિ અત્યારે મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે.

સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહોનો શનિ કટ્ટર શત્રુ છે. ઉપરાંત મકર રાશિને અત્યારે પનોતી પણ ચાલુ જ છે. જ્યારે રાશિ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર બધુ જ શનિની પક્ક્ડમાં આવતાં હોય ત્યારે ભલભલા મુહૂર્તનો કચ્ચરઘાણ નીકળી જાય તે સ્વાભાવિક વાત છે. મુહૂર્તશાસ્ત્રમાં દમ છે જ પણ કુંડળીમાં દમ ના હોય અગર તમે કોઈ ખરાબ ગ્રહ દશાના ચક્કરમાં આવી જાઓ તો તમારો સમય પ્રતિકૂળ બની જાય છે અને જ્યારે ખરાબ સમયની શરૂઆત થાય ત્યારે બધુ જ નકારાત્મક બન્યા કરે. કહેવત છે ને કે “સમય બડા બલવાન.”

તમે ગમે તેટલા વિદ્ધવાન, અક્કલવાળા હોવ પણ જો ગ્રહગતિને ઓળખી ના શકો તો કોઈ ચોઘડિયુ, હોરા કે મુહૂર્ત કામ લાગતાં નથી. લીલાવતી ગ્રંથના રચેયેતા મુહૂર્ત માર્તંડ ભાસ્કરાચાર્ય ખુદ પણ પોતાની દીકરી લીલાવતીના લગ્નનું મુહૂર્ત કાઢવામાં થાપ ખાઈ ગયેલા અને લીલાવતી મંડપમાં પાટલે બેસતાની સાથે જ વિધવા બનેલી. રાજા દશરથે જ્યારે વશિષ્ઠ મુનિને રામના રાજ્યાભિષેક માટે મુહૂર્તની વાત કરી ત્યારે મુનિ વશિષ્ઠે કહેલું કે "વૈત્રી વિલુંમ્બુ ન કરીએ નૃપ સજીઅ સબુઈ સમાજુI સુધ્ની સુમંગલ તકહી જબ રામુ હૈ હી જુબરજુ" અર્થાત ભગવાન રામ જ્યારે રાજ્યભિષેક કરશે તે ઘડી અને પળ આપોઆપ શ્રેષ્ઠ મુહૂર્ત બની જશે.

જે જાતકોની કુંડળીમાં ગોચર દરમિયાન સૂર્ય-ચંદ્ર દુષિત થતા હોય તેમણે સૂર્યને નિયમિત જળ ચઢાવવું જોઈએ
જે જાતકોની કુંડળીમાં ગોચર દરમિયાન સૂર્ય-ચંદ્ર દુષિત થતા હોય તેમણે સૂર્યને નિયમિત જળ ચઢાવવું જોઈએ

અર્થાત ડાહ્યા વિદ્ધવાનો ગ્રહ ગતિ મુજબ ફળ કથન કરે છે. તો પણ ગ્રહોનું તારત્મય (મૂળભેદ) બ્રહ્મા –વિધાતા સિવાય સાચી પરિસ્થિતિ કોણ કહી શકે? જે જાતકોની કુંડળીમાં ગોચર દરમિયાન સૂર્ય-ચંદ્ર દુષિત થતા હોય તેમણે સૂર્યને નિયમિત જળ ચઢાવવું જોઈએ. ઉપરાંત ચંદ્રના વેદોકત મંત્રના જાપની માળા કરવી જોઈએ ટૂંકમાં સૂર્ય, ચંદ્રને બળવાન બનાવવાના શાસ્ત્રોક્ત ઉપાય કરો તો કુંડળીના આત્મા અને મન બળવાન બને છે. જે કંઈ કરો તે જાતે જ કરજો કારણ કે તમારે જો ફળ જોઈતું હોય તો કર્મ પણ તમારે જ કરવું પડશે. જો આપનો જન્મ પણ કોઈપણ વર્ષની 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન હોય તો આપ નિરયન જ્યોતિષ અર્થાત ભારતીય જ્યોતિષ શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો અનુસાર તમારી કુંડળીમાં મકર રાશિનો સૂર્ય ધરાવો છો અને અત્યારે અને છેક એપ્રિલ 2022 સુધી તમે અને તમારો સૂર્ય બંને ગોચરના શનિની પકડમાં છો. આથી તમારે આ સમયગાળા દરમિયાન તન, મન અને ધનથી સાવધ રહેવું જરૂરી છે.

કહેવાનું તાત્પર્ય એટલું જ કે જો તમારી કુંડળીના સૂર્ય અને ચંદ્ર શનિના ગોચર ભ્રમણની દુષિત અસરો હેઠળ હોય તો ચેતીને ચાલવું પરંતુ આત્મવિશ્વાસથી કામ લેવું કારણ કે જ્યોતિષશાસ્ત્ર વહેમ નહિ પણ રહેમનું શાસ્ત્ર છે. ઝાંખા અને ઓછું પ્રકાશ આપતા દીવડાઓમાં તેલ પુરવાનું કામ જ્યોતિષશાસ્ત્રનું છે. જો તમારી મૂળ કુંડળીના સૂર્ય અને ચંદ્ર શુભ ગ્રહોની ગોચર અસર હેઠળ હોય તો અશુભ સમયમાં પણ શુભત્વ પ્રાપ્ત થાય છે.

આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...