ભાગ્યના ભેદ:અંકનો જાદુ રંકને રાજા બનાવે છે, વ્યક્તિને તેમનો સચોટ ભાગ્ય અંક મળી જાય તો નસીબના દ્વાર ખુલી શકે છે

2 મહિનો પહેલાલેખક: ડૉ. પંકજ નાગર
  • કૉપી લિંક

જો તમારું જીવન સચોટ અંકને પામી જાય તો તમારી કારકિર્દીમાં લાગેલો જંક (કાટ)આપોઆપ દૂર થઈ જાય છે. અંકનો જાદુ રંકને રાજા બનાવે છે. અંકશાસ્ત્રની વાત આવે ત્યારે અમારી દૃષ્ટિએ અંક 3 અને અંક 7 એક અદભૂત સામર્થ્ય અને શક્તિ ધરાવે છે. કારણ કે અંક 3 ઉપર ગુરુનું સામ્રાજ્ય છે અને અંક 7 ઉપર નેપચ્યૂન નામનો ગ્રહ આધિપત્ય ધરાવે છે. કેટલાક લોકો અંક 7 કેતુની અસર હેઠળ છે તેવું માને છે પરંતુ સંશોધન અનુસાર અંક 7 ઉપર નેપ્ચ્યુનની અસર વધુ જણાઈ છે. અંક 3 ગુરુની અસર હેઠળ હોઇ આવા જાતકો આધ્યાત્મવાદ, જ્ઞાન, પ્રચાર, સંશોધન અને જગત પર એક નવો ચીલો ચીતરનારા હોય છે. ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર જ જેમનો જીવન મંત્ર હતો તેવા સ્વ.સ્વામી વિવેકાનંદ, વનસ્પતિમાં પણ જીવ છે એવું સંશોધન કરનારા સ્વ.સર જગદીશચંદ્ર બોઝ, માનવતાનો પર્યાય અમેરિકન પ્રેસિડેંટ સ્વ. અબ્રાહમ લિંકન અને ઉત્ત્ક્રાંતિવાદના ઈશ્વર સ્વ. ડાર્વિન અંક 3ની અસર હેઠળ જન્મેલા. આ તમામ હસ્તિઓ ગુરુ ગ્રહની શુભ અસર હેઠળ પ્રસિદ્ધિ પામેલી અને જગતને અમૂલ્ય ભેટ ધરી વિદાય પામેલી.

અંક 7 ની વાત કરીએ તો નેપચ્યૂન ગ્રહ આ અંકનો માલિક ગ્રહ છે. નેપચ્યૂન એટલે તત્વજ્ઞાન, સંશોધન અને માનવીના સ્વપ્નો સાકર કરવાની અદભૂત શક્તિ ધરાવતો ગ્રહ. નોબલ પ્રાઇઝ વિનર પ્રખર સાહિત્યકાર અને તત્વ ચિંતક સ્વ. રવિન્દ્રનાથ ટાગોર, સફરજનની વાતને લઈ છેક ગુરુત્વાકર્ષણના સંશોધન સુધી સફર કરાવનારા સ્વ.સર આઇજેક ન્યુટન અને માનવીય પરિકલ્પનાઓને કેનવાસ પર જીવંત કરનારા સુપ્રસિદ્ધ ચિત્રકાર સ્વ. પિકાસો અંક 7ની અસર હેઠળ જન્મેલા અને આથી જ તેમની સફળતાઓ આજે પણ ઊડી ઊડીને આંખ અને હૃદયને સ્પર્શે છે. અંક 7ની યશગાથાનો વધુ વિચાર કરીએ તો બ્રહ્માંડમાં મૂળ ગ્રહોની સંખ્યા 7 છે. અઠવાડિયાના વારની સંખ્યા પણ 7 આવે. સમુદ્ર સાત અને સપ્તઋષિ તારાની સંખ્યા પણ 7 આવે. મેઘધનુષના મૂળ રંગ સાત થાય અને જેના વડે જીવન સુરીલું મધુર બને તે સુરની સંખ્યા 7 થાય. બોલો હવે અંક 7ની પ્રસંશાની જરૂર ખરી? જો તમને તમારો સચોટ ભાગ્ય અંક મળી જાય તો સમજ જો કે તમારા નસીબ નામના પતંગને માફક હવા મળી ગઈ. બસ પછી તો સફળતાના ગગનમાં વિહરવાનું જ છે. આવો આજે આપણે ચર્ચીએ અંકની સફળતાનો એક અનુભવસિદ્ધ કિસ્સો કે જે તમને સમજાવશે અંકની સફળતાનું ગૂઢ રહસ્ય.

આરસપહાણના એક વેપારીની સફળતા અને નિષ્ફળતાની રામકહાણીમાં અંકશાસ્ત્રએ પોતાનો જાદુ કેવો પાથર્યો તેનું અહીં નિરૂપણ છે. અમારી પાસે આવેલા એ વેપારી એક મારબલ્સ કંપનીના માલિક છે. આબુથી પેલે પાર રાજસ્થાનમાં આ ભાઈ વર્ષોથી “લોર્ડ મારબલ્સ” નામની એક ફેક્ટરી ચલાવે છે. ફેક્ટરી ચાલુ કરી ત્યારથી જ આજ દિન સુધી તેમના ધંધામાં કોઈ લાભ કે બરકત આવે જ નહીં. આખરે કંટાળીને તેમણે પોતાની આ ફેક્ટરી બંધ કરવાનો નિર્ણય કર્યો અને અચાનક જ અમારી ઇ.સ. 2021ની અજમેરની મુલાકાત દરમિયાન કોઈના રેફરેન્સથી આ વેપારીબંધુ અમને મળવા આવ્યા. નિસ્તેજ ચહેરા સાથે નિરાશાજનક શબ્દો સાથે તેમણે પોતાની ફેક્ટરીની આપવીતી અમને કહી સંભળાવી. અમે તેમની કુંડળીનો તલસ્પર્શી અભ્યાસ કર્યો પરંતુ કુંડળીના ગ્રહો, નક્ષત્રો અને દશા અનુસાર કુંડળીમાં અમને કોઈ મોટું વિઘ્ન દેખાયું નહીં. આથી અમે તેમની નિષ્ફળતાને અંકશાસ્ત્રની દૃષ્ટિએ મુલવવાનું શરૂ કર્યું અને અમને જે સત્ય હાથ લાગ્યું તે ચોકાવનારું હતું.

અમે તેમની ફેક્ટરીનું નામ “લોર્ડ મારબલ્સ” અને તેમની જન્મ તારીખનાં લેખાંજોખાં કર્યા. અંગ્રેજી સ્પેલિંગ અનુસાર તેમની ફેક્ટરીનું નામ તેઓ “L O R D M A R B L E S” લખતા હતા. તેમની ફેક્ટરીનું બોર્ડ, લેટર હેડ, વિઝિટિંગ કાર્ડ, ઈમેઇલ તમામે તમામ જગ્યાએ ઉપરોક્ત સ્પેલિંગનો પૂર્ણ ઉપયોગ થયેલો. અંકશાસ્ત્રની હિબ્રુ મેથડ અનુસાર ફેક્ટરીના સ્પેલિંગનો સરવાળો “9” થાય. ત્યારબાદ અમે તેમની જન્મ તારીખનો સરવાળો કર્યો. તેમની જન્મ તારીખ 31-૦4-1970 હતી. જન્મ તારીખનું ટોટલ 3+1+0+4+1+9+7+૦=25 થાય અને 25નો સરવાળો 2+5=7 થાય. આમ ફેકટરીના નામનો સરવાળો “9” અંક મંગળની અસર હેઠળ અને જન્મ તારીખનો સરવાળો “7” નેપચ્યૂનની અસર હતો. અંકના આ વિરોધાભાસી વલણને લઈ રાજસ્થાનના વેપારી ભાઈ વર્ષોથી તકલીફમાં હતા. અમે ભારે જહેમતથી તેમની ફેક્ટરીના સ્પેલિંગમાં નીચે પ્રમાણે એક ફેરફાર કર્યો અને છેલ્લા સમાચાર અનુસાર આરસપહાણની ફેક્ટરીના આ વેપારીબંધુ તેમને મળેલી સફળતાથી ખૂબ જ ખુશ છે.

ફેક્ટરીના જૂના સ્પેલિંગમાં અમે અહીં અન્ડરલાઈન કરેલા માત્ર અંગ્રેજી આલ્ફાબેટ “S” અને "M" બોલ્ડ કરીને મુક્યા છે. આથી વાચકને સમજવામાં સરળતા રહે. આમ જન્મ તારીખના અંક “7” સાથે ફેક્ટરીનું નામ પણ સરસ રીતે ટ્યુન થઈ ગયું અને સાથે સાથે આપણા આ વેપારીબંધુનું ભાંગી પડેલું ભાગ્ય પણ ખીલી ઉઠ્યું.

(ન્યુમેરોલોજીનો જન ઉપયોગી આ લેખ બંને લેખકો એ drpanckaj@gmail.com હેઠળ પ્રસિદ્ધ કર્યો છે )