લગ્નના શરૂઆતના વર્ષો પોતાના પ્રિય પાત્રને મળવાની અગન અને દાંપત્યજીવનની લગનમાં વિતે છે. 'કુર્યાત સદા મંગલમ' સૂત્રને યથાર્થ કરવું પતિ અને પત્નીના હાથની જ વાત છે. એકબીજાનો સાથ મળે તો દાંપત્યજીવન સ્વર્ગ બની જાય અને એકબીજા પર હાથ ઉપાડવાનું ચાલુ થઈ જાય તો લગ્ન જીવન નર્ક બની જાય અને 'કુર્યાત સદા મંગલમ' સૂત્રની જગ્યા એ 'કુર્યાત સદા જંગલમ' સૂત્રનો લગ્ન જીવનમાં અનુભવ થાય. જન્મકુંડળીનું સાતમું સ્થાન પતિ અને પત્નીના દાંપત્યજીવનનું છે અને આ સ્થાનની કરામત જ એવી છે કે જીવનની દરેક વિસંવાદિતાઓ-મતભેદ અને ઝગડાઓની શરૂઆત અહીંથી જ થાય છે કારણ કે પતિ અને પત્ની એટલે અલગ સંસ્કાર અને સંસ્કૃતિનું મિલન. પરંતુ અમારા ધ્યાનમાં એવી અસંખ્ય કુંડળીઓ આવી છે કે જેમાં કજિયા-કંકાશ નહીં પરંતુ સંવાદિતા-સંસ્કાર અને પ્રગતિની વાતો છે. લગ્ન બાદ એવા કેટલાય દંપતિઓ છે કે જેમણે લગ્ન કર્યા બાદ ભાગ્ય અને નસીબ નામના શબ્દોનો મધુર આસ્વાદ માણ્યો હોય અને સાચા અર્થમાં લગ્નજીવનને સાર્થક બનાવ્યું હોય. કુંડળીની એવી અનેક સ્થિતિ છે કે જે લગ્ન બાદ પતિ જો પત્નીનો ભાગ્યોદય કરે છે અને લગ્ન જીવનને સફળ બનાવે છે તેનું અવલોકન કરીએ.
(ડો.પંકજ નાગર અખબાર અને ટીવી ક્ષેત્રે છેલ્લા ૩૭ વર્ષથી કાર્યરત છે)
અહીં આપેલી મકર લગ્નની કુંડળીનું ધ્યાનથી નિરિક્ષણ કરો. આ ભાઇનો જન્મ ઈ.સ.1955ના ડિસેમ્બરેમાં થયો છે. મકર લગ્નમાં જન્મેલા આ ભાઈની કુંડળીમાં લાભ સ્થાને વૃશ્ચિકના શનિ-સૂર્ય-બુધ-રાહુ છે, બારમે ધનનો શુક્ર, પાંચમે કેતુ અને નવમે કન્યાનો ચંદ્ર ઉપરાંત આઠમા કર્મ સ્થાનમાં સિંહનો ગુરુ છે. દસમે તુલાનો મંગળ છે. આ ભાઈના લગ્ન 1979ની સાલમાં એક ભણેલી-ગણેલી સુંદર યુવતી સાથે થયા. ભાઈ પોતે તો એક સામાન્ય પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતાં હતા પરંતુ તેમના પત્ની એજ્યુકેટેડ અને સ્માર્ટ હતાં. લગ્નના થોડાક સમય બાદ પત્નીએ આઈ એ એસની પરીક્ષા પાસ કરી અને અત્યારે જ્યારે આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે તેઓ યુપી સ્ટેટના એક જિલ્લાના કલેક્ટર છે. આમ કેમ બન્યું? આ બેનના પતિની કુંડળી ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે મકર લગ્નની કુંડળીમાં સાતમું સ્થાન કર્ક રાશિ આવે અને કર્ક રાશિનો સ્વામી ગ્રહ ચંદ્ર થાય. કુંડળીમાં જુઓ સાતમા પત્ની સ્થાનનો અધિપતિ ગ્રહ ચંદ્ર ભાઈની કુંડળીમાં કન્યા રાશિમાં ભાગ્ય સ્થાને બિરાજમાન છે. બસ જ્યોતિષની દૃષ્ટિએ અહીં એક સામાન્ય ઘટના બની. જ્યારે સાતમા સ્થાનનો અધિપતિ ગ્રહ ભાગ્ય સ્થાનમાં બેસે એટલે તમારા જીવનસાથીનો ભાગ્યોદય થાય.
જ્યોતિષશાસ્ત્ર મહેનત, સંશોધન અને સમર્પણનો વિષય હોવા ઉપરાંત પ્રમાણિકતાનો વિષય પણ છે. જ્યારે જ્યારે કુંડળીના અવલોકનની વાત આવે ત્યારે સેલેબ્રિટીની કુંડળીઓની ચર્ચા એ આમ વિષય બની ગયો છે. દા.ત. અમિતાભ બચ્ચનની કુંડળી સમીક્ષા કે પ્રસંશા હજારો વાર થાય પણ ક્યારેય જયાબચ્ચનની કુંડળી પર નજર નાખવાનો સમય જ્યોતિષીઓ પાસે નથી. અહીં જુઓ ગજબની વાત એ છે કે બિગ બીની તમામે તમામ સફળતાનો આધાર માત્ર અને માત્ર જયાજી જ છે. કારણ કે જયાજીની ધન લગ્નની કુંડળીનો સપ્તમેશ અર્થાત સાતમા પતિ સ્થાનનો સ્વામી ગ્રહ બુધ છે અને તે સિંહ રાશિમાં ભાગ્ય સ્થાને બેઠો છે. આથી જ લગ્ન બાદ અમિતાભની સફળતાની ઊંચાઈ વધી કારણ કે શારીરિક લંબાઈ તો લગ્ન પહેલા હતી જ.
ફિલ્મી ડાન્સર અને મનોરંજનનો શ્રેષ્ઠ મસાલો પ્રેક્ષકોને પીરસનાર અભિનેતા ઉપરાંત એક વખતના મુંબઇના એમપી અને સફળ એક્ટર ગોવિંદાની પત્ની સુનિતાની કુંડળી જોવા જેવી છે. મેષ લગ્નની માલિક સુનિતાની કુંડળીમાં સપ્તમેશ શુક્ર ધન રાશિમાં ભાગ્યસ્થાને બિરાજમાન છે. આથી જ ગોવિંદા જેવા વિરારના સામાન્ય લોકલ બોયને ગ્રહોએ ઉપાડીને સીધો આસમાનમાં બેસાડી દીધો. આ ચમત્કાર ગોવિંદાની કુંડળીનો નહીં પરંતુ તેની પત્ની સુનિતાની કુંડળીનો છે. સુનિતાની કુંડળીના સાતમા સ્થાન અને સપ્તમેશ શુક્રનો ગોવિંદા એ આભાર માનવો જ રહ્યો., કે જેણે ભાગ્ય સ્થાને બેસી ગોવિંદાનો અદ્દભુત ભાગ્યોદય કર્યો. આવા તો અસંખ્ય અને અલભ્ય કિસ્સા છે કે જેના કારણે સંશોધનના ખિસ્સા ભરાઈ જાય.
આ લેખ માત્ર પુરુષોની સફળતા પાછળ સ્ત્રીઓની કુંડળી પુરતો જ નથી ફિરોઝ ગાંધીની કુંડળીમાં સપ્તમેશ લાભ સ્થાને હતો અને તમે જુઓ કે તેઓ ભલે સ્વર્ગસ્થ થયા પણ તેમની કુંડળી એ સ્વ.ઈન્દિરાજી માટે પૃથ્વી પર રાજકીય સ્વર્ગની રચના કરી. યુનાઈટેડ કિંગડમના મહારાણી ક્વીન એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપની કુંડળીમાં પત્ની સ્થાનનો માલિક બુધ સુખ સ્થાનમાં હતો ફલસ્વરૂપ ક્વીન કાયમ વિન (વિજય)ની સ્થિતિમાં જ રહે છે.
જ્યોતિષીઓ મોટી મોટી સેલેબ્રિટિની કુંડળીઓની ચર્ચા કરે છે પણ તેમના જીવનસાથીઓ કે જે નાટકના પડદા પાછળના પ્રાઊંટરો (પડદા પાછળ સંવાદ બોલનારા)છે અને નાટકની સમગ્ર સફળતાનો આધાર તેમના ઉપર છે તેમની કુંડળીઓ પર ક્યારેય એક દૃષ્ટિ નાખે છે? પૂનમની ચાંદનીનો પૂર્ણ ચંદ્ર અને તેની ચાંદની જોઈ મન પ્રફુલ્લિત અને બાગ બાગ થઈ જાય પણ આ ચાંદનીનો ખરા યશનો હક્કદાર સૂર્ય છે તે વિચાર્યું છે?
(આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે )
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.