ભાગ્યના ભેદ:જે કુળમાં પત્નીથી પતિ અને પતિથી પત્ની સંતોષકારક જીવન જીવે છે તે વંશનું મંગળ ચોક્કસપણે થાય છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂના-જમાનામાં “હેલ્થ ઈઝ વેલ્થ” એટલે કે તંદુરસ્તી એ જ સંપત્તિ નામનું સૂત્ર પ્રચલિત હતું. આજે આ સૂત્ર ઊલટું બોલાય છે. આજે વેલ્થ ઈઝ હેલ્થ એટલે કે સંપત્તિ એ જ તંદુરસ્તી એવો માપદંડ અમલમાં આવ્યો છે. દીકરી પરણીને સાસરે જાય અને પછી ખબર પડે કે જમાઈ રોજ દરિદ્ર નારાયણની કથા કરે છે તો લગ્નજીવન એળે જાય. દીકરીને વળાવતા પહેલા થનારા જમાઈની આર્થિક સ્થિતિનો અંદાજ મેળવી લેવો જરૂરી છે. કોઈ પણ કુંડળીમાં બીજું સ્થાન ધન સ્થાન છે, નવમું સ્થાન ભાગ્ય સ્થાન છે. કુંડળીના આ બંને સ્થાનની ઝીણવટપૂર્વકની તપાસ જરૂરી છે. જો છોકરાની કુંડળીના બીજા સ્થાનમાં રાહુ, શનિ કે પ્લુટો હોય અગર મકર રાશિમાં (10ના અંક આગળ) ગુરુ બેઠો હોય તો ધનની સ્થિતિ કથળે છે. જો જન્મકુંડળીમાં ગુરુ-શનિની યુતિ કે સંબંધ હોય તેવા જાતકો દરિદ્ર અવસ્થામાં જીવે છે. જન્મકુંડળીના ભાગ્યસ્થાનમાં શનિ હોય તો ભાગ્યની નાવમાં કાણું પડે છે. આથી સગાઈ કરતાં પહેલા છોકરાની આર્થિક સ્થિતિનો અંદાજ મેળવી લેવાથી મોટી ઠગાઇમાંથી બચી જવાય છે.

(આ લેખના લેખક ડો.પંકજ નાગર જ્યોતિષશાસ્ત્રમાં PhD ની ડીગ્રી ધરાવે છે ઉપરાંત ટીવી ક્ષેત્રે પણ તેમનું આગવું યોગદાન છે )

જો વર કે કન્યાની કુંડળીમા ચોથું સ્થાન બળવાન હોય તો લગ્નજીવનની મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ આપોઆપ આવી જાય છે
જો વર કે કન્યાની કુંડળીમા ચોથું સ્થાન બળવાન હોય તો લગ્નજીવનની મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ આપોઆપ આવી જાય છે

આપણે નાડી દોષના મુદ્દા અંગે વિચારીએઃ-
નાડીદોષની વાતને લઈને શાસ્ત્રો સારો એવો ઉહાપોહ કરે છે. નારદ સંહિતા, બૃહદ સંહિતા અને બાળબોધ સમુચ્ચય નામના ગ્રંથમાં નીચે પ્રમાણે જણાવ્યું છે.

અગ્રનાડી વ્યધેજદઅર્તા મધ્યનાડી વ્યધેદદ્યયમ|

પૃષ્ઠનાડી વ્યધેત્કન્યા પ્રિયતે નાત્ર સંશય ||

શ્લોક પ્રમાણે જો કન્યા અને વર બંનેની આદ્યનાડી હોય તો પતિનો નાશ થાય, જો બંનેની મધ્ય નાડી હોય તો તે બંનેનો નાશ થાય અને જો બંનેની અંત્ય નાડી હોય તો કન્યાનું મૃત્યુ થાય.

નાડીદોષની ગંભીરતાને લઈને અને ઓછામાં ઓછા 5૦૦ કેસ સ્ટડી પણ કરી પણ ઉપર જણાવેલા શ્લોકની શાસ્ત્રોક્ત યથાર્થતા ક્યાંય નજરે પડી નહીં. 5૦૦ કેસ સ્ટડીમાં 388 સમાન નાડીવાળા જાતકો અતિ ઉત્તમ જીવન જીવે છે. દરેકને સંતાન છે, ભૌતિક સુખ અને શાંતિ છે. અમારું મંતવ્ય એવું છે કે નાડી નહીં પણ ગાડીનું સુખ હોવું જોઈએ જેથી દાંપત્યજીવન પ્રસન્ન રહે છે. વર હોય કે કન્યા બંનેની કુંડળીનું ચોથું સ્થાન વાહન, હૃદય, માતા અને મકાનનું હોવા ઉપરાંત સુખનું પણ સ્થાન ચોથું જ છે. લગ્ન કરતાં પહેલા ચોથું સ્થાન અવશ્ય તપાસો કારણ કે આ સ્થાનમાં માં હોવા ઉપરાંત માનવીની બધી લિપ્સાઓ-ઇચ્છાઓ અને સુખની ચરમસીમાનો સમાવેશ થાય છે. જો વર કે કન્યાનું ચોથું સ્થાન બળવાન હોય તો લગ્નજીવનની મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ આપોઆપ આવી જાય છે. ચોથા સ્થાનમાં બુધ, ચંદ્ર કે શુક્ર જેવા શુભ ગ્રહો હોય તો પૃથ્વીના બધા જ સુખો આપોઆપ મળી જાય છે. પણ અહીં શનિ, રાહુ, કેતુ, મંગળ કે પ્લુટો હોય અગર શુભ ગ્રહ પણ અશુભ બનીને બેઠો હોય તો દાંપત્ય જીવનનો અર્ક સ્વર્ગની જગ્યાએ નર્કમાં તબદીલ થઈ જાય છે.

વર અને કન્યાના કુટુંબ જ્યારે ઔપચારિક્તા માટે ભેગા થાય ત્યારે ભારત અને પાકિસ્તાનની બોર્ડર જેવુ ટેન્શન અને વાતાવરણ સર્જાય છે
વર અને કન્યાના કુટુંબ જ્યારે ઔપચારિક્તા માટે ભેગા થાય ત્યારે ભારત અને પાકિસ્તાનની બોર્ડર જેવુ ટેન્શન અને વાતાવરણ સર્જાય છે

કુંડળી મેળાપકઃ-
કુંડળી મેળાપકની વાત આવે ત્યારે સામેનું પાત્ર નિર્દોષ છે તેના કરતાં તેની કુંડળીમાં કયા કયા દોષ છે તેનો વિચાર વધારે કરવામાં આવે છે. વર અને કન્યાના કુટુંબ જ્યારે ઔપચારિક્તા માટે ભેગા થાય ત્યારે ભારત અને પાકિસ્તાનની બોર્ડર જેવુ ટેન્શન અને વાતાવરણ સર્જાય છે. આવી મુલાકાતોમાં ગ્રહ કરતાં આગ્રહ અને પૂર્વાગ્રહ કરતાં વિગ્રહ જેવુ વધારે દેખાય છે. કુંડળી દોષની વાત આવે એટલે નાડી દોષ, મંગળ દોષ વગેરેની ચર્ચાઓ અગ્ર સ્થાને હોય છે. લગ્નજીવનની વાત આવે ત્યારે સૌથી વધારે બિચારા મંગળને લોકો અમંગળ અને અશુભ સાબિત કરવાની પેરવીમાં હોય છે. સામાન્ય રીતે શાસ્ત્ર એવું કહે છે કે જેની કુંડળીમાં પ્રથમ, ચોથા, સાતમા, આઠમા અથવા બારમા સ્થાનમાં મંગળ હોય તો તેને મંગળ દોષ ગણવો. કારણ કે આ સ્થાનમાં રહેલો મંગળ જન્મકુંડળીના સાતમા અર્થાત જીવનસાથીના સ્થાનને દૂષિત કરે છે. અલબત્ત પ્રથમ સ્થાને મેષનો, ચોથે વૃશ્ચિકનો, સાતમે મકરનો, આઠમે કર્કનો અને બારમે ધનનો મંગળ અપવાદ ગણ્યો છે. પરંતુ આ બધી વાતોને બાજુમાં મૂકીને નવા સંશોધનો વિચારીએ. મંગળ ક્યાં બેઠો છે એના કરતાં કોની સાથે બેઠો છે તેનું મહત્વ અનેકગણું વધી જાય છે.

કુંડળીમાં મંગળ સૂર્ય સાથે હોય તો જાતકને ભયાનક ગુસ્સાવાળો અને શોર્ટ ટેમ્પર્ડ બનાવે
કુંડળીમાં મંગળ સૂર્ય સાથે હોય તો જાતકને ભયાનક ગુસ્સાવાળો અને શોર્ટ ટેમ્પર્ડ બનાવે

મંગળ રાહુ સાથે હોય તો જાતકને વ્યસની બનાવે છે અને પેટના રોગ આપે. મંગળ શુક્ર સાથે હોય તો ઐયાશી અને વિલાસ તરફ લઈ જાય. મંગળ શનિ સાથે હોય તો જાતકને જિદ્દી અને માથાભારે બનાવે. મંગળ સૂર્ય સાથે હોય તો જાતકને ભયાનક ગુસ્સાવાળો અને શોર્ટ ટેમ્પર્ડ બનાવે. અર્થાત હવે સમય બદલાયો છે અને સંશોધનની ભઠ્ઠીમાં કુંડળીઓ તપાવવી અને પકાવવી પડે અને પછી જ નક્કી કરો કે તેરા ક્યા હોગા કાલીયા? કોમ્પ્યુટર નામના મશીન દ્વારા મેળવાયેલી જીવન સાથીઓની કુંડળીઓ લગ્ન જીવનમાં પણ મશીન જેવી જડ અને દામ્પત્યજીવનમાં અકારણ બિનજરૂરી શોર-અવાજ પેદા કરી લગ્નને ભગ્ન કરનારી હોય છે.

(આ લેખના લેખક ડો.પંકજ નાગર અને ડો.રોહન નાગરે આ લેખ drpanckaj@gmail.com હેઠળ પબ્લીશ કર્યો છે.)