ધનતેરસ:ગોમતીચક્રને લાલ વસ્ત્રમાં વીંટાળી તિજોરીમાં રાખો, જાણો લક્ષ્મીકૃપા મેળવવાના આસાન વાસ્તુ ઉપાય

6 મહિનો પહેલા

આજે ધનતેરસનું પાવન પર્વ છે. આજના દિવસે માતા લક્ષ્મીની સાથે ભગવાન ધનવંતરી, ભગવાન કુબેર અને યમરાજની પૂજા કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ ધનતેરસની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. લક્ષ્મીપૂજાની સાથે સાથે સરળ વાસ્તુ ટિપ્સ દ્વારા ઘરમાં સમૃદ્ધિનું આગમન કરી શકાય છે. જાણીતા વાસ્તુ એક્સપર્ટ ડો. હેતલ પ્રજાપતિ પાસેથી જાણો ધનતેરસના પર્વે સરળ વાસ્તુ ઉપાય જેના દ્વારા ન માત્ર ઘરની નકારાત્મક્તા દૂર થશે પરંતુ પરિવાર પર લક્ષ્મીજીની કૃપા પણ થશે.

લક્ષ્મીકૃપા માટે કયા વાસ્તુ ઉપાય કરવા?
ડૉ. હેતલ પ્રજાપતિના મતે લક્ષ્મીજીને રીઝવવા માટે ધનતેરસથી પાંચ દિવસ સુધી માતાજીની પૂજા કરવી જોઈએ. આ પૂજન સમયે લક્ષ્મીજીને ગાયના ઘીનો દીવો કરવો જોઈએ. દીવેલમાં કેસર, એલચી અને લવિંગ પણ નાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ લક્ષ્મીજીની પૂજામાં શ્રીયંત્રની પૂજા પણ કરવી જોઈએ. આ સમયે શેરડીના રસ અને પંચામૃતથી શ્રીયંતત્રનો અભિષેક કરવો જોઈએ. પૂજા સમયે સાત ગોમતીચક્ર, સાત કોડી, 108 કમરકાકડીની માળા કરવી જોઈએ. લક્ષ્મીજીને મોગરો ખુબ જ પ્રિય છે, એટલા માટે પૂજા સમયે તેમના પગમાં મોગરાનું અત્તર લગાવવાથી માતાજીની કૃપા મેળવી શકાય છે. જો પૂજાવિધિ સમયે શ્રીસુક્તમનો પાઠ કરવામાં આવે તો ભવોભવની સમૃદ્ધિ મળે છે. અને ઓમ શ્રીંનો 108 વખત મંત્રજાપ કરવો. શ્રીયંત્ર પર 11 માળા પણ કરી શકાય.

લક્ષ્મીજીને પ્રસન્ન કરવાના અન્ય ઉપાય
આ સિવાય ઘરના એન્ટ્રન્સમાં તજ બાંધવા પણ એટલા જ શુભ છે. તજના આઠ-દસ છોડિયાંને નાળાછડીથી બાંધી દરવાજા પર બાંધવા જોઈએ. આ ઉપરાંત ઘરના એન્ટ્રન્સમાં સ્વસ્તિક બનાવવા જોઈએ. આ સ્વસ્તિક કંકૂ, તારા સિંદૂર અને કેસરના ઘોળથી બનાવો તો ખુબ જ સારું. સાથે સાથે અશોકના પાનનું તોરણ પણ બાંધવું જોઈએ. આ સિવાય ગોમતીચક્રને લાલ વસ્ત્રમાં બાંધી તિજોરીમાં મૂકવાથી પણ લક્ષ્મીકૃપા મેળવી શકાય છે.