ભાગ્યના ભેદ:રાહુ નામની છાયા કુંડળીના જે સ્થાનમાંથી પસાર થાય, તે સ્થાનનું ફળ અંધારી આલમ જેટલું ગંભીર હોય છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાહુ ફળે એને સ્વર્ગ મળે અને નડે તેની દાળ ક્યાંયે ના ગળે. રાહુ બ્રહ્માંડમાં આવેલું એક માર્ગીય છેદન બિંદુ છે કે જેને આપણે છાયા(શેડો)કે પડછાયો કહી શકીએ, પણ આ છાયા કોઈ પણ માનવીની ક્યારે કાયા પલટ કરે તે નક્કી નહીં અલબત્ત આ વિધાન અમારું નથી પણ કેટલાંક કહેવાતા વિદ્વાન જ્યોતિષીઓનું છે. રાહુ ગુંચ અને ગુંચવાડાનો ગ્રહ છે તેનું એક ઉદાહરણ જોઈએ. આજથી વર્ષો પહેલાં કાશ્મીર જતી એક બસ ખાઈમાં ખાબકે છે. બસના ખુલ્લા બારણામાંથી એક ભાઈ બહાર ફેંકાય છે અને તેમના હાથમાં વૃક્ષની એક ડાળી આવે છે. જો વૃક્ષની ડાળી છોડે તો સીધા મોતના મુખમાં એટલે વહેલી પરોઢના ચાર વાગ્યાથી સૂર્યોદય સુધી આ ભાઈ મજબુત રીતે ડાળી પકડી રાખે છે અને જેવું અજવાળું થાય છે અને નીચે જુએ છે તો જમીન અને તેમના પગ વચ્ચે માત્ર એક જ ફૂટનું અંતર...બોલો કેવી કમનસીબી? મોતને દૂર રાખવા આખી રાત ડાળી પકડી પણ ડાળી છોડી હોત તો નીચે કષ્ટ વિનાનું સરસ જીવન હતું. આ ભાઈની કુંડળી અમે જોયેલી....અકસ્માતના આ ગાળા દરમિયાન તેઓ રાહુની મહાદશામાં સૂર્યના અંતરમાં હતા અને તેમના ચંદ્રથી પણ આઠમે રાહુનું ગોચર ભ્રમણ હતું. એની વે ઇટ મેય બી કોઈન્સીડેન્સ.

શાસ્ત્રો રાહુ માટે શું કહે છે.
યંત્ર ભાવે સ્તિતો રાહુ તત્ફલ દાયકો!
યદગ્રહસ્થ તુ સંબંધી તત્ફલાય તમોગ્રહ!!
યધુકત: સપ્તમો યશ્માત તત્ સંબંધી તમો ગ્રહ:!! (સુષ્લોક શતક ગ્રંથ અનુસાર)

અર્થાત રાહુ જન્મકુંડળીમાં ત્રિકોણ સ્થાનમાં (1-5-9 સ્થાન)બેઠો હોય અને કેન્દ્ર સ્થાનમાં (1-4-7 અને 10મું સ્થાન)તેના અધિપતિઓ સાથે સંબંધ કરતો હોય તો તે રાજ યોગકારી બને છે. જન્મકુંડળીમાં રાહુની આ સ્થિતિ રાહુની અંતર્દશા દરમિયાન શ્રેષ્ઠ ફળ આપે છે.

રાહુ એટલે ગુંચ અને રાહુ એટલે ગુઢતા. ભારતનું નિરયન જ્યોતિષ હોય કે પ્રાશ્ચાત્ય (વેસ્ટર્ન)જ્યોતિષ હોય હજુ સુધી રાહુ-કેતુની શુભાશુભ અસરો વિશે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર આવ્યું નથી. જન્મકુંડળીમાં રાહુ-કેતુની અસરો બાબતે વિદ્વાન જ્યોતિષીઓમાં પણ મતમતાંતર ચાલ્યા જ કરે છે. રાહુ-કેતુને અંગ્રેજીમાં નોર્થ નોડ અને સાઉથ નોડ કહે છે. પૌરાણિક શાસ્ત્રો અને ખાસ કરીને સંશોધનથી દૂર ભાગતા જ્યોતિષીઓ એવું કહે છે કે રાહુ અને કેતુની માયા અને છાયામાં જ્યારે સાત ગ્રહો આવી જાય ત્યારે કાલસર્પ નામનો કોઈ ભયાનક યોગ ઉભો થાય છે જો જાતક તેની વિધિ ના કરાવે તો તેને સાવેય બેસાડી દે છે. જોકે અનુભવ એવું કહે છે કે કુંડળીમાં આવેલાં કાલસર્પ યોગનું મસ્તક સજ્જન હોય છે કારણ કે સાપ પણ કારણ વિના કરડતો નથી. પણ સાપથી વધુ ખતરનાક કેટલાક દુર્જન માથા આ યોગની વિધિ કરાવવા મેદાને પડે છે. આથી જ કાલસર્પ યોગનું વિષ જ્યોતિષીઓ માટે અમૃત છે જે જાતકોને મૃત બનાવે છે. બોલો જેની ખરેખર ગ્રહમાં ગણતરી જ નથી તેના માટે પણ પૂર્વગ્રહ?

પૌરાણિક અને શાસ્ત્રોક્ત માન્યતાનુસાર રાહુ દેવોની સભામાં છાનોમાનો ઘુસી ગયેલો અને અમૃત પી ગયેલો. પરંતુ આધુનિક ગગન જ્ઞાનીઓ એવું કહે છે કે રાહુ જેની પાછળ પડી જાય તેનું લોહી પી જાય છે. રાહુ નામની છાયા કુંડળીના જે જે સ્થાનમાંથી પસાર થાય તે સ્થાનનું ફળ અંધારી આલમ જેટલું ગંભીર હોય છે. જો રાહુ સૂર્ય કે ચંદ્ર સાથે બેસે તો ગ્રહણ યોગ થાય...આથી સૂર્ય અને ચંદ્રના અદ્દભુત ગુણોને રાહુ ગ્રસી જાય છે. સૂર્ય અને ચંદ્ર અનુક્રમે જન્મ કુંડળીના આત્મા અને મન છે. આથી જો કુંડળીમાં ચંદ્ર કે સૂર્ય સાથે રાહુ બેસે તો માનવીને આત્મા અને મનથી નિર્બળ બનાવે છે. જન્મકુંડળીમાં સૂર્ય સાથે રાહુ બેસે તો જીવનમાં એકાદ વાર જાતકે બેઈજ્જતી સહન કરવી પડે છે. ચંદ્ર સાથે રાહુ હોય તો આવો માનવી ઓછી ઉંઘ લે છે અને પોતાનું જીવન સતત ચિંતામાં જ વિતાવે છે. અલબત્ત આવો યોગ માનવીને ક્યારેક આધ્યાત્મવાદ તરફ પણ લઇ જાય છે અને ધર્મની ઉંચી સીમાઓ સર કરાવે છે. બટ ઇટ ઓલ્સો ડીપેન્ડસ્ અપોન અધર પ્લેનેટરી પોજિસન.

રાહુ-ગુરુની યુતિને ભલે આપણે ચાંડાલ યોગ તરીકે ઓળખીએ પણ શેર બજારના કૌભાંડીઓ અને મોટી મોટી સહકારી બેંક્સના ચેરમેનની જન્મકુંડળીઓમાં આ યુતિ અવશ્ય જોવા મળે છે. યુગ બદલાય તેમ તેમ ગ્રહોની ફળ આપવાની પદ્ધતિ અને કાર્યશૈલી પણ બદલાઈ જાય છે. સદીઓ પહેલા માનવીનું મૃત્યુ પ્લેગથી થતું હતું પછી કેન્સરનો જમાનો આવ્યો અને હવે ઐડ્સ ઉપરાંત વણ ઓળખાયેલા રોગોનું સામ્રાજ્ય ફેલાયું છે. એક યુગમાં ચાંડાલ યોગથી લોકો ગભરાતા અને વિધિ કરાવતા હતા પણ હવે લોકો પ્રાર્થના કરે છે કે હે પ્રભુ મને પણ ચાંડાલ યોગ આપ જેથી હું પણ કેન્દ્રીય પ્રધાન રાજાની માફક જલસા કરૂ અગર ચિદમ્બરની જેમ અર્થ શાસ્ત્રનો અનર્થ કરી નાખું. ટૂંકમાં ચાંડાલ યોગ સર્વસર્વાં સત્તા અને ભૌતિક સુખ આપે છે. જન્મકુંડળીમાં રાહુ અને શનિની યુતિ શાપિતયોગ અને કપટ યોગ તરીકે ઓળખાય છે. આવા જાતકનું હૃદય મેલું અને કપટી બને છે. રાહુ અને શનિનું મિલન યુગાન્ડાના ઇદી અમીન અને પાકિસ્તાનના જનરલ ઝીયાના મિલન જેવું ગણાય કે જે સારા સારા બુદ્ધિજીવીઓનું કાસળ પળ વારમાં કાઢી નાખે......

જન્મકુંડળીમાં રાહુ અને બુધના સંબંધ જાતકની બુદ્ધિને ભ્રષ્ટ માર્ગે વાળે છે. જો રાહુ કુંડળીમાં શુક્ર સાથે બેસે તો લગ્ન જીવનનું આવી જ બન્યું એમ સમજજો. રાહુ-શુક્રની યુતિ જાતકને સ્વૈરવિહારી, સ્વછંદી અને ભોગવિલાસી બનાવે છે. રાજવી કુટુંબના નબીરાઓમાં આવા યોગ વારસામાં ઉતરે છે પરિણામે આવા જાતકોનું લગ્ન જીવન અતિ કઠીન હોય છે. કુંડળીમાં મંગળ-રાહુના સંબંધ જાતકને વ્યસની બનાવે છે અને દરેક પ્રકારની છેતરપીંડીમાં માહિર બનાવે છે. ચાર્લ્સ શોભરાજની કુંડળીમાં મંગળ-રાહુનો સાથ અજીબો ગરીબ હતો.ગોચર ભ્રમણ દરમિયાન ચંદ્રથી રાહુ જો ત્રીજે, છઠે, દસમે અને અગિયારમે આવે તો માલામાલ કરે છે અને જો આઠમે, બારમે આવે તો ક્યારેક અકસ્માત તો ક્યારેક અગમનિગમ પ્રકારના રોગ આપે છે. બિચારા....!રાહુ મહારાજ આટ આટલા શુભાશુભ યોગ ઊભા કરે તોયે તેમની ગણતરી ગ્રહોમાં થતી નથી.પણ ખિસ્સા ભરવા હોય તો રાહુના નામે કેટલાય યાહુ ડોટ કોમ ઉભા થાય છે. અને અંતમાં એસ્ટ્રો ટીપ

{આજની ટીપ}
તમારા ઘરના અગ્નિ ખૂણામાં 24 કલાક લાલ રંગનો બલ્બ ચાલુ રાખો, ઇશાન ખૂણામાં હંમેશાં તાંબાના લોટામાં 24 કલાક જળ ભરી રાખો, વાયવ્ય ખૂણામાં ફટકડી મીઠાનો કાચનું બાઉલ ભરી મુકો અને નૈઋત્ય કોણમાં ભોજન પહેલા ચાંદીની થાળીમાં થોડું ભોજન મૂકો. આ પ્રયોગ 51 દિવસ કરો અને કાર્ય સિદ્ધ કરો.

(આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે)

અન્ય સમાચારો પણ છે...