• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • The Extract And Base Of Kundalini Is Based On The Sun And The Moon, The Sun Is The Soul Of Kundalini And The Moon Is The Mind. Dr Pankaj Nagar And Dr Rohan Nagar

ભાગ્યના ભેદ:કુંડળીનો અર્ક અને આધાર સૂર્ય અને ચંદ્ર ઉપર રહેલો છે, સૂર્ય કુંડળીનો આત્મા છે અને ચંદ્ર મન છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાતક જ્યારે દુઃખ-પીડામાં હોય ત્યારે જન્મકુંડળીમાં સૂર્ય-ચંદ્રની સ્થિતિ અને શનિના ભ્રમણ પર જ્યોતિષીએ સૌથી વધુ એનાલીસીસ કરવું જોઈએ

ફલાનિ ગ્રહચારેણ સુચયંતિ મનીશિણ:I

કો વક્તા તારતમ્યસ્ય તમેક્મ વેધસા વિના?II

ડાહ્યા વિદ્વાનો ગ્રહ્ગતિ મુજબ ફળકથન કરે છે. તો પણ ગ્રહોનું તારતમ્ય (મૂળ ભેદ)બ્રહ્મા વિધાતા સિવાય સાચી પરિસ્થિતિ કોણ કહી શકે તેમ છે?

ગ્રહો હોય કે માનવી જો તમે એ બંનેની ચાલને ઓળખી શકો તો તેના અણધાર્યા નકારાત્મક હુમલા સામે રક્ષણ મેળવી પોતાની જાતને સુરક્ષિત બનાવી શકો છો. ગ્રહોની ચાલ પ્રતિકુળ હોય ત્યારે જાતક માટે શ્રેષ્ઠ સમયમાં પણ મય થવાનું અઘરું બની જાય છે. શનિની પનોતી નાની હોય કે મોટી પણ તમારા દરેકમળતરમાં કળતર અને વિઘ્ન ઉભા કરે જ કારણ કે શનિ કષ્ટ, પીડા અને વિઘ્નોનો કારક અને પર્યાય છે. તમારી જન્મકુંડળીના મૂળ સૂર્ય કે ચંદ્ર પર જો શનિનું ભ્રમણ ચાલતું હોય તો તમારી તાકાત નથી કે તમે હસી શકો કે ખુશ રહી શકો. કારણ કે સમગ્ર કુંડળીનો અર્ક અને આધાર કુંડળીના મૂળ સૂર્ય અને ચંદ્ર પર છે. સૂર્ય કુંડળીનો આત્મા અને ચંદ્ર મન છે, જ્યારે આત્મા અને મન બંને ઘાયલ થાય ત્યારે શરીર આપોઆપ ક્ષીણ થવા માંડે છે. જાતક જ્યારે દુઃખ-પીડા અને કષ્ટમાં હોય ત્યારે જન્મકુંડળીના સૂર્ય-ચંદ્રની સ્થિતિ અને શનિના ભ્રમણ પર જ્યોતિષીએ સૌથી વધુ અધ્યન અને એનાલીસીસ કરવી જોઈએ કારણ કે સમગ્ર જગતના પ્રકાશ અને અંધકારનું કારણ અને તારણ બ્રહ્માંડના અતિ મહત્વના બે ગ્રહો સૂર્ય અને ચંદ્ર છે અને આ બંને ગ્રહોના મારણનું તત્વજ્ઞાન શનિ ગ્રહમાં છુપાયેલું છે. પરંતુ દુઃખી જાતકે ડરવાની લેશમાત્ર જરૂર નથી.

( ડો.પંકજ નાગર ૧૯૮૪ થી જ્યોતિષ ક્ષેત્રે જોડાયેલા છે અને હાલમાં જ જીટીપીએલ ચેનલ દ્વારા " જ્યોતિષ એક વિજ્ઞાન" ના ૫૦૦ એપિસોડ પૂર્ણ કરવા માટે તેમને સન્માનિત કર્યા છે)

ગ્રહો જ્યારે વિપરીત ચાલ ચાલે ત્યારે જાતકને બેહાલ કરે. પ્રતિકુળ ગ્રહ સ્થિતિના શિકાર બનેલા એક પ્રતિષ્ઠિત વેપારીનું ઉદાહરણ આપીએ આ વેપારી ભાઈની સોના-ચાંદીની જ્વેલરી શોપ સાવે ઠંડી પડી ગઈ છે. સોનું જાણે પિત્તળ બની ગયું હોય અને ચાંદી માંદી પડી ગઈ હોય તેવો અહેસાસ તેમને થાય છે. હવે શું કરવું? તે ખબર પડતી નથી કારણ કે તેમની લાડકી શોપ (દુકાન) હવે હોપલેસ બની ગઈ છે. બસ, હવે તેઓ તે દુકાનનું અચ્યુતમ કેશવમ કરી નાખવાની તૈયારીમાં જ છે. તેમની કુંડળીનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું. આ વેપારી મિત્રની કુંડળીમાં મકર રાશિમાં સૂર્ય અને ચંદ્ર તુલા રાશિમાં સ્થિત હતાં. અમે જોયું તેમની કુંડળીના બે મહત્ત્વના ચાલક પરિબળો અર્થાત સૂર્ય અને ચંદ્ર ગોચરના શનિની ભયાનક, ડરામણી પકડમાં હતાં. કારણ કે તેમની કુંડળીના મૂળ મકરના સૂર્ય પર ગોચરનો શનિ ભ્રમણ કરતો હતો અને તુલા રાશિને પનોતીનું નડતર તો હતું જ. આમ કુંડળીનો આત્મા (સૂર્ય) અને ચંદ્ર (મન) બંને શનિની ક્રૂર અસર હેઠળ હતાં.

જે દિવસે આ વેપારી મિત્ર આવ્યા ત્યારે શનિનું ભ્રમણ મકર રાશિમાં ચાલુ જ હતું. અને આ મિત્રની કુંડળીમાં સૂર્ય મકર રાશિમાં છે. તેમની કુંડળીનો ચંદ્ર તુલા રાશિમાં છે. આમ ગોચરના સરળ ગણિત મુજબ તેમની કુંડળીનો મકરનો સૂર્ય ગોચરમાં ભ્રમણ કરતાં મકરના શનિની દૂષિત અસરો હેઠળ આવે. બીજી બાજુ તેમની રાશિ તુલા એટલે ચંદ્ર પણ પનોતીની અસર હેઠળ આવે. આમ તેમની કુંડળીના સૂર્ય અને ચંદ્ર બંને ગોચરમાં બળ ગુમાવી બેઠેલા. અમે તેમની કુંડળીને તંદુરસ્ત બનાવવા ત્રણ સ્ટેપનો સહારો લીધો.

૧. કુંડળીનું આદાન (નિરીક્ષણ) ૨. કુંડળીનું નિદાન અને ૩. આગાહી તેમજ ઉપચારનું પ્રદાન.

આદાનના પ્રથમ સ્ટેપ તરીકે સૂર્ય-ચંદ્ર દૂષિત થતાં હતા તે વાત તો સ્પષ્ટ દીવા જેવી દેખાતી હતી. નિદાનમાં સૂર્ય અને ચંદ્રને બળવાન કેવી રીતે બનાવવા તેનો વિચાર અને છેલ્લે પ્રદાનમાં આગાહી- ઉપચાર અને ઉપાય.

વેપારી મિત્રની કુંડળીના તલસ્પર્શી, ગહન અધ્યયનથી એક વાત તો સ્પષ્ટ હતી કે જ્યારે શનિ મકર રાશિમાંથી બહાર નીકળે ત્યારે જ આ ભાઈ પણ મુસીબતોમાંથી બહાર નીકળે. અમે તેમને એપ્રિલ 2022 સુધી તન-મન-ધનથી સંપૂર્ણ સચેત રહેવા જણાવ્યુ કારણ કે એપ્રિલ 2022 સુધી શનિનું ભ્રમણ મકર રાશિમાં હતું. આમ આ વેપારી મિત્રને એપ્રિલ 2022 સુધી સાચવવા તેમજ શનિ દૂષિત અસરોમાંથી મુક્ત રહેવા શાસ્ત્રોક્ત ઉપાય બતાવ્યા અને તેમને શુભેચ્છા વિદાય આપી.

1. તેમને દર શનિવારે સુંદરકાંડના પાઠ કરવા જણાવ્યું. કારણ કે ઊંચા અવાજે સુંદરકાંડનું પઠન શનિના નકારાત્મક સિગ્નલને દૂર ધકેલે છે. (સંદર્ભ: મારુતિપૂરાણ શ્લોક 67)સૂર્ય પુત્ર શનિ માત્ર અને માત્ર હનુમાનજીથી જ ડરે છે તે નરી વાસ્તવિકતા છે.

2. એકાદ વર્ષ ખિસ્સામાં મીઠાના ગાંગડા રાખવા જણાવ્યું કારણ કે મીઠામાં આલ્ફા-બીટા અને ગામા કિરણોત્સર્ગ શક્તિઓ છે કે જે તમારી શારીરિક ઓરાને શુદ્ધ રાખે છે. જૂના જમાનામાં અને આજના આધુનિક યુગમાં પણ નજર ઉતારવા, ખાળકૂવા સાફ રાખવા ઉપરાંત દફન ક્રિયામાં મીઠાનો ઉપયોગ થાય જ છે. ચીનની ફેંગ શૂઈ હોય કે આપણું વાસ્તુ શાસ્ત્ર આજે પણ લોકો ઘરમાં પાણીમાં મીઠું નાખી પોતાં કરે છે. સોડિયમ માનવ શરીરનો અનિવાર્ય ક્ષાર છે કે જેની વધ-ઘટ સાથે માનવીની તંદુરસ્તી પ્લસ માઈનસ થાય છે. આથી જ ખારું હોવા છતાં તેનું નામ મીઠું છે.

3. આર્થિક સમસ્યાઓના વિઘ્નોને દૂર રાખવા અમે તેમને શ્રીસૂક્તમ અને લક્ષ્મી સૂક્તમના પાઠ દીવો અગરબત્તી કરી રોજ કરવા જણાવ્યું. લક્ષ્મીજીનેરિઝવવાથી ભગવાન વિષ્ણુ તમને વૈકુંઠનું સુખ અને સમૃદ્ધિ બક્ષે છે તે વાત નિર્વિવાદ છે.

વાચક મિત્રો, જો તમારામાંથી કોઈ લોખંડ કે સોનાના પાયાની પનોતીમાંથી પસાર થઈ રહ્યા હોવ તો આ ઉપાયો તમે પણ કરી શકો છો. નંગ અને વિધિ વિધાનના ચક્કરમાં ફસાતા નહીં અન્યથા શનિ અને રાહુ તમારી આજુબાજુ જ ફર્યા કરશે. ગ્રહોની ચાલને ઓળખો અને તમારા હાલ ને બદલો. બેસ્ટ લક ટુ રીડર્સ

આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કર્યો છે.