ભાગ્યના ભેદ:નક્ષત્ર એ સફળતાનું છત્ર છે, દરેક 27 નક્ષત્ર પાછળ કઈંક ને કઈંક રહસ્ય છુપાયેલા હોય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નક્ષત્ર એ સફળતાનું છત્ર છે. માનવીના જીવનમાં અમુક ચોક્કસ ઘટનાઓ નિર્ધારિત નક્ષત્રમાં બનતી જ હોય છે. તમે એક કે બે મહિના પેન અને ડાયરી લઈ તમારા રોજબરોજના બનાવોને નોંધો અને સાથે તે દિવસે ક્યુ નક્ષત્ર હતું તે પણ નોંધો તો બીજા માહિનામાં કયા નક્ષત્રમાં શું બનશે તેની આગોતરી જાણ તમને થઈ જશે. દા.ત. આ મહિને રોહિણી નક્ષત્રમાં તમને ધનલાભ થયો હોય તો ફરી પાછું બીજા મહિને રોહિણી નક્ષત્ર આવે એટલે કંઇ તો લાભ થાય જ આ વાત અમારા અવલોકનમાં અનુભવસિદ્ધ છે. 27 નક્ષત્ર ચક્રના નામ સાથે બનાવો નોંધી લો અને બીજા મહીને લાભ અને નુકસાનનું સરવૈયું જાતે જ તૈયાર કરો.

નક્ષત્ર પદ્ધતિ કેટલી પ્રભાવશાળી છે તેનું એક જીવંત ઉદાહરણ આપીએ. જન્મથી સતત માંદા રહેતા એક જાતકની કુંડળીમાં સૂર્ય તુલા રાશિમાં અને તે પણ સ્વાતિ નક્ષત્રમાં આવેલો. જ્યોતિષશાસ્ત્રના પ્રાચીન ગ્રંથ ભૃગુ સંહિતા અનુસાર જે જાતકનો સૂર્યની નીચ રાશિ તુલામાં અને રાહુના નક્ષત્ર સ્વાતિમાં સ્થિત હોય તેવા જાતકોને આજીવન તંદુરસ્તીના પ્રશ્નો રહ્યા કરે. આ જાતકે ચમત્કાર ચિંતામણી ગ્રંથના નિયમ અનુસાર સૂર્યના કૃતિકા નક્ષત્રમાં નવા તબીબ અને દવાની પુન:શરૂઆત કરી અને સ્વસ્થતાને સિદ્ધહસ્ત કરી લીધી અને આજે આ જાતક તંદુરસ્ત છે.

બાલ બોધ સમ્મુચાય ગ્રંથ, ચમત્કાર ચિંતામણિ, કલ્પતરૂ હોય કે પછી બૃહદ પારાશરી, તમે જ્યોતિષનો કોઈ પણ ગ્રંથ ખોલો દરેકે દરેકમાં સૂર્ય ગ્રહ સાથે શારીરિક તંદુરસ્તી અને રાજકીય સફળતાની વાત લખેલી જ છે. જો તમે બળવાન સૂર્ય અને તે પણ સૂર્યના નક્ષત્રમાં કોઈ પણ રાજ્યલક્ષી કાર્ય કે તંદુરસ્તીને લગતું કાર્ય કરો તો તેમાં સફળતા મળે જ. હવે આપણે સમજીએ કે બળવાન સૂર્ય અને તેનું નક્ષત્ર કયું? સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો બને અને સિંહ રાશિમાં સ્વગૃહી થાય. યોગાનુયોગ આ બંને રાશિમાં સૂર્યના પોતાના નક્ષત્ર પણ આવી જાય છે. મેષ રાશિના સવા બે નક્ષત્રના બંધારણમાં અશ્વિની, ભરણી નક્ષત્રનો પૂર્ણ ભાગ અને પા (1/4)ભાગ કૃતિકા નક્ષત્રનો આવે. કૃતિકા નક્ષત્રનો માલિક સૂર્ય ગ્રહ છે. આમ મેષ રાશિ સૂર્યની ઉચ્ચની અને કૃતિકા નક્ષત્ર પણ સૂર્યનું. જો તમે કોઈ પણ પોલિટિકલ મુવમેન્ટ મેષ રાશિનો સૂર્ય હોય અને કૃતિકા નક્ષત્રમાં ભ્રમણ કરતો હોય ત્યારે કરો તો તમને રાજકીય લાભ થાય. નિરયન જ્યોતિષ મુજબ અને અંગ્રેજી તારીખ અનુસાર આ સમય ગાળો દરેક વર્ષની 10મે થી 15મે દરમિયાન આવે અને ચંદ્ર દરેક મહિને એક વાર સવા બે દિવસ કૃતિકા નક્ષત્રમાં આવે આમ દરેક મહિને રાજીકીય સફળતા માટે સવા બે દિવસ તો મળે જ.

આ ઉપરાંત જ્યારે જ્યારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આવે ત્યારે પણ રાજકીય સફળતા માટે શ્રેષ્ઠ સમય ગણાય. આવો તે પણ સમજીએ. સિંહ રાશિ 3 નક્ષત્રની બનેલી છે. મઘા, પૂ.ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની. મઘા અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર સિંહ રાશિમાં આખે આખા સમાઈ જાય છે પણ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો માત્ર 3 અંશ અને 20 કલાનો ભાગ જ આવે. જ્યારે સિંહ રાશિનો ચંદ્ર હોય અને તે પણ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ભ્રમણ કરતો હોય ત્યારે કોઈ પણ સરકારી કામ, કોઈ અધિકારી વર્ગને મળવાનું હોય અગર રાજકીય ગતિવિધિ (એક્ટિવિટી)કરવાની હોય તો અવશ્ય સફળતા મળે જ. સિંહ રાશિનો ચંદ્ર અને ઉ.ફા. નક્ષત્ર દર મહિને એક વાર આવે. આ માટે પંચાંગ કે કોઈ જ્યોતિષનું સોફ્ટવેર જોઈ નક્કી કરી લેવું. આ ઉપરાંત દરેક વર્ષની 7 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન પણ સૂર્ય સિંહ રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ભ્રમણ કરે તે નિશ્ચિંત છે. આપણાં શાસ્ત્રોમાં નક્ષત્રને લઈ ઘણી જાણકારી છે જેના અધ્યનથી જ્ઞાન અને માર્ગ બંને મળે છે. જેમ કે આશ્લેષા અને મૂળ નક્ષત્રની વિધિ કરવી જોઈએ, કારણ કે આશ્લેષા નક્ષત્રનો સ્વામી સર્પ છે અને મૂળ નક્ષત્રનો સ્વામી રાક્ષસ છે. દરેકે દરેક નક્ષત્ર પાછળ કઈંક ને કઈંક રહસ્ય છુપાયેલા હોય છે અને હા યુવા પ્રેમીઓ માટે એક ખાસ ટીપ જો તમે કોઈને પ્રેમ કરતા હોવ અને તમે તેની સમક્ષ પ્રસ્તાવ મુકતા ડરતા હોવ તો તમારે રોહિણી નક્ષત્રનો ઉપયોગ કરવો. રોહિણી નક્ષત્ર એ રાધા કૃષ્ણના પ્રેમનું અને ભવોભવના બંધનનું અજરોઅમર નક્ષત્ર છે. પુષ્ય,અનુરાધા નક્ષત્રમાં સોના, ચાંદીની ખરીદી કરવાથી ઘરમાં શુભ પ્રસંગ આપોઆપ આવે અને સંપતિ પણ વધે. રાહુના આર્દ્રા, સ્વાતિ અને શતભિષા નક્ષત્રમાં લક્ષ્મી પૂજા અને શ્રીસુક્તમ-કનકધારા સ્ત્રોત કરવાથી ધનવાન થવાય તેવું લક્ષ્મીપુરાણમાં જણાવ્યું છે. નક્ષત્રના ભેદને ભેદવા અને તેનો પૂર્ણ લાભ લેવા આવો આ શ્લોકના રહસ્યને સમજીએ.

એષુ રાજ્યાભિષેકમ ચ પટ્ટબંધનમ ચ કારયેત!
ઊર્ધ્વમુખાન્યુચ્છિતાની સર્વકાર્યાણી સાધયેત!!
રોહિણી, આર્દ્રા, પુષ્ય, ધનિષ્ઠા, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદા, શત્ભિષા અને શ્રવણ આ નવ નક્ષત્ર ઊર્ધ્વ મુખ (ઉપરા મ્હો વાળા) છે.

આ નવ નક્ષત્રમાં રાજ્યઅભિષેક, મકાનનું બાંધકામ પ્રગતિ- ઉન્નતિ, બઢતી, હોદ્દો ગ્રહણ કરવો વગેરે કાર્યો કરવાથી 1૦૦ ટકા સફળતા મળે છે. કારણ કે આ તમામે તમામ નક્ષત્રમાં કોઈ પણ કરી કરો તો તે તમને ઊંચા સ્થાને લઈ જાય છે. મુંબઈની ગગનચુંબી ઇમારતોના બાંધકામ પહેલાં અહીં જણાવેલા નક્ષત્રનું ખાસ ધ્યાન રાખી મુહૂર્ત લેવામાં આવે છે. નક્ષત્ર એ સફળતાનો પત્ર છે, નક્ષત્ર અત્ર તત્ર અને સર્વત્ર છે, નક્ષત્ર એ સફળતાનું છત્ર છે. નક્ષત્ર રહસ્યને લઈ વળી પાછા અમે હાજર થઈશું...ત્યાં સુધી બાય બાય..

(બંને લેખકોએ આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે.)