ભાગ્યના ભેદ:જે જાતકોની કુંડળીમાં શનિ શ્રેષ્ઠ હોય તેવા જાતકોનું ઘડપણ શ્રેષ્ઠ બની જાય છે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

શનિને જ્યોતિષશાસ્ત્રમાં વૃદ્ધાવસ્થાનો ગ્રહ કહ્યો છે પણ જ્યારે શનિ જ તમારી પ્રૌઢ અવસ્થાને યુવાનીના સિંહાસન પર આરૂઢ કરે ત્યારે ગ્રહોના ખેલ નિરાળા, અદ્દભુત અને આશ્ચર્યજનક લાગે. કુંડળીમાં બુધને યુવરાજ કહ્યો છે અને મંગળને સેનાપતિ પરંતુ આ બંને ગહો જ્યારે પોતાનું બળ ગુમાવે ત્યારે યુવાનને પણ જૂની ખખડી ગયેલી વાન જેવો બનાવી નાખે. શનિને ભલે વૃદ્ધાઅવસ્થાનો કારક કહ્યો હોય પણ જો તે શુક્રની તુલા રાશિમાં સ્થિત થાય તો ઉચ્ચનો બની જાતકને ઘડપણમાં પણ નામ દામ તંદુરસ્તી અને સ્ફૂર્તિ બક્ષે છે તેમાં લેશ માત્ર શંકા નથી. જન્મ કુંડળીમાં શનિ જ્યારે તુલા રાશિમાં બિરાજમાન થાય ત્યારે મહાન કવિ સ્વ.શૈલેન્દ્રની પંક્તિઓ “લડકપન ખેલમે ખોયા,જવાની નીંદભર સોયા બુઢાપા દેખકર રોયા યેહી કિસ્સા પુરાના હૈ.” ને પણ ખોટી સાબિત કરે.

વૃદ્ધાવસ્થાની વાત કરીએ ત્યારે કવિ સ્વ.શૈલેન્દ્રની ઉપરોક્ત પંક્તિઓ ખાસ યાદ આવે છે પરંતુ બુઢાપામાં ગ્રહો તમારા ચેહરા પર સ્મિત પણ લાવી શકે છે તેવી શનિ ગ્રહની અલભ્ય વાત આ લેખમાં રજુ કરી છે. કુંડળીમાં શનિ ઉચ્ચાવસ્થામાં હોય તો વૃદ્ધાઅવસ્થામાં તમારો ઈશ્વર બની જાય.

(ડો.પંકજ નાગર જ્યોતિષ ક્ષેત્રે ૧૯૮૪ થી જોડાયેલા છે અને ૨૦૦૪ માં જ્યોતિષની સેવાઓને અનુલક્ષી તેમને એસ્ટ્રો ફાઉન્ડેસન રત્નમનો એવોર્ડ તેમજ ડો.રોહન નાગર સેવન જેવેલ ઓફ યુકે નો અવોર્ડ મળેલો છે.)

એક સિનિયર સિટીઝન મિત્ર પર ઉચ્ચનો શનિ કેવો મેહરબાન થયો તેની ટૂંકી વાત કરીએ. આ સિનિયર સિટીઝનનો જન્મ ઈ.સ. 1954ની સાલમાં થયલો અને તેમની કુંડળીમાં ઉચ્ચના શનિ (તુલા રાશિમાં)એ પાનખર અવસ્થામાં પણ વસંતનો એહસાસ કરાવેલો તેનો એક અદ્દભુત કિસ્સો અહી આપ્યો છે. આ સિનિયર સિટીઝન મિત્રનો એકનો એક વહાલસોયો દીકરો ઇ.સ.2009ની સાલમાં અમેરિકા ગયેલો અને દીકરો ગયો તે ગયો...તેના કોઈ વાવડ, સમાચાર કે ટેલિફોન આવે નહિ. પિતા બિચારા એકલા અટુલા જીવન જીવે અને અચાનક એક દિવસ પુત્રનો ફોન આવ્યો કે તે પિતાને કાયમી ધોરણે વસવાટ માટે અમેરિકા લઇ જવા આવી રહ્યો છે અને બન્યું પણ તેમજ પિતાને પુત્ર આન બાન અને શાનથી અમેરિકા પણ લઇ ગયો. આવા તો અસંખ્ય કિસ્સા છે કે જે વૃદ્ધોને તુલાનો શનિ હોય તેઓ જીવનની અંતિમ ક્ષણોમાં સુવર્ણમય જીવન જીવે છે. એક વાત તો સુનિશ્ચિત છે કે કુંડળીમાં શનિ બળવાન તો તમારી પ્રૌઢાઅવસ્થા બળવાન તે અમારા સંશોધનને તામ્ર પત્ર પર લખી લેવા જેવું છે.

વાચક મિત્રો, એક વાત તો નક્કી જ છે કે જો તમારી કુંડળીમાં શનિ ઉચ્ચ રાશિમાં(તુલામાં) હોય તો તમારી વૃદ્ધાવસ્થા પણ આપોઆપ ઉચ્ચ કક્ષાની બની જ જાય છે. એવા અસંખ્ય ઉદાહરણ કે જેના દ્વારા આ અવલોકન પર સંશોધનનો સિક્કો મારી શકાય. આપણાં કવિ હૃદય અને ભુતપૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી અટલ બિહારી બાજપેઈજીની કુંડળીમાં શનિ તુલા રાશિમાં છે. તમે જુઓ ઉચ્ચના શનિએ તેમને તેમની જીવનસંધ્યાએ ભારતની શાસનધુરાનો ભાર સોંપ્યો. ઢળતી ઉમરે શ્રીબાજપેઈજીએ ઉગતા સૂર્ય જેવી માન-સન્માન અને સિદ્ધિઓ મેળવી. એક એવી જ મહાન વ્યક્તિનું બીજું આવું જ સુંવાળા શીરાની જેમ ગળે ઉતરી જાય તેવું ઉદાહરણ...કે જેમણે તેમના શાસનકાળ દરમિયાન ડીમોનીટાઈઝેસનનું પીડારહિત ઓપરેશન પાર પાડેલું. આ વાત ભારતના સ્વ.વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈની છે. આદર્શ અને સિદ્ધાંત તેમની નસે નસમાં હતો. આ જીનીયસની જન્મકુંડળીમાં પણ શનિ તુલા રાશિમાં હતો અને ફળ:સ્વરૂપ સ્વ.શ્રી મોરારજી દેસાઈ તેમની પ્રૌઢાઅવસ્થામાં વડાપ્રધાન બનેલા.

તલસ્પર્શી અવલોકન અને ખાસ નિરીક્ષણ એવું કહે છે કે જેમની કુંડળીમાં શનિ તુલા-મકર કે કુંભ રાશિમાં હોય તેવા જાતકોની વૃદ્ધાવસ્થા સુપેરે ખીલી ઉઠે છે કારણ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભૃગુ સંહિતા, જાતક પારિજાત, હોરા શાસ્ત્રમાં શનિને વૃદ્ધાવસ્થાનો કારક અને સહાયક ગણ્યો છે. આથી જ જે જાતકોની કુંડળીમાં શનિ શ્રેષ્ઠ હોય તેવા જાતકોનું ઘડપણ શ્રેષ્ઠ બની જાય છે. વૃદ્ધાવસ્થાની વાત કરીએ ત્યારે કુંડળીનું ચતુર્થ સ્થાન ખાસ યાદ આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં કુંડળીના ચોથા સ્થાનને સુખ સ્થાન કહે છે અને સાથે-સાથે તેને જાતકનું વૃદ્ધાવસ્થાનું સ્થાન પણ કહે છે. કારણ કે જન્મકુંડળીમાં પ્રથમ સ્થાન જાતકનું સ્થાન(બાળપણ), દસમું સ્થાન યુવાવસ્થા, સાતમું સ્થાન મધ્ય આયુ અને ચોથું સ્થાન વૃદ્ધાવસ્થાનું ગણ્યું છે. જો જન્મકુંડળીના ચતુર્થ સ્થાનમાં શુભ ગ્રહો હોય તો જાતકની વૃદ્ધાવસ્થા ખૂબ જ સરળ અને સુખદાયી રહે છે અને આવા જાતકને જીવનની છેલ્લી અવસ્થામાં દરેક પ્રકારના સુખ મળે છે. જન્મકુંડળીના ચોથા સ્થાનમાં ગુરુ હોય તો તેવો જાતક ઘડપણમાં અતિ ધાર્મિક, આધ્યાત્મિક અને ધનવાન બને છે. આ સ્થાનમાં બુધ હોય તો તંદુરસ્ત અને કાર્યક્ષમ રહે છે. સુખ સ્થાનમાં જો ચંદ્ર હોય તો તેવો જાતક વૃદ્ધાવસ્થામાં પણ ભર યુવાન જેવો લાગે છે. શુક્ર આ સ્થાનમાં હોય તો છેલ્લી ઉંમરે જીવન ગુલમોહર માફક ખીલી ઉઠે છે અને સુખ સાહ્યબી સાથે વૈકુંઠના સુખ આપે છે.

મંગળ- રાહુ-પ્લુટો-શનિ અને કેતુને તેમની નીચ રાશિમાં ચતુર્થ સ્થાને અનિષ્ટ ગણ્યા છે કારણ કે સુખ સ્થાનમાં આ ગ્રહોની હાજરી જાતકને વૃદ્ધાવસ્થામાં લકવા, બીપી, ડાયાબીટીસ, અલ્જાઈમર્સ, પાર્કિન્સન જેવા અસંખ્ય રોગ ઉપરાંત સંતાનો તરફથી અન્યાય અને જુલ્મનું વાતાવરણ ઉભું કરે છે. વૃદ્ધાવસ્થામાં સુખી રહેવા હંમેશાં ચતુર્થ સ્થાનમાં આવેલાં ગ્રહોની પૂજા- આરાધના કરવી જોઈએ અને વિશેષ રૂપે પ્રૌઢા અવસ્થામાં ભગવાન શિવની આરાધના સાથે સાથે મહા મૃત્યુંજયના જાપ ખાસ કરવા કારણ કે ભગવાન શિવ શ્રેષ્ઠ અને પીડારહિત નૈસર્ગિક મૃત્યુના દેવ છે.

(આ લેખ બંને લેખકો એ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે)