શનિવાર, 30 એપ્રિલના રોજ મહત્ત્વપૂર્ણ જ્યોતિષીય અને ખગોળીય ઘટના ઘટવાની છે. આ દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થઈ રહ્યું છે, જોકે, આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જેથી આપણે ત્યાં ગ્રહણને લગતું ધાર્મિક મહત્ત્વ રહેશે નહીં, આપણે સૂતક રાખવાની જરૂર નથી.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ભારતીય સમય પ્રમાણે 30 એપ્રિલ અને 1 મેની મધરાતે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, દક્ષિણ પ્રશાંત મહાસાગર વગેરે જગ્યાએ જોવા મળશે, ત્યાં ગ્રહણના સમયે દિવસ રહેશે.
સૂર્યગ્રહણ ક્યારે થશે
30 એપ્રિલે મધરાતે ભારતીય સમય પ્રમાણે 12.15 કલાકે સૂર્યગ્રહણ શરૂ થશે. આ ગ્રહણ 1 મે સવારે 4.08 કલાકે પૂર્ણ થશે.
સૂર્યગ્રહણ અને શનિશ્ચરી અમાસ
30 એપ્રિલે સૂર્યગ્રહણ અને શનિશ્ચરી અમાસનો યોગ રહેશે. આ દિવસે અમાસને લગતા શુભ કામ કરવામાં આવશે. અમાસના દિવસે પવિત્ર તીર્થમાં સ્નાન અને દર્શન કરવાનું ખાસ મહત્ત્વ છે. આ પર્વમાં શનિદેવની પૂજા કરો. તેલ, બૂટ-ચપ્પલ, કાળા તલ વગેરેનું દાન કરો.
શનિશ્ચરી અમાસ સાથે જોડાયેલી માન્યતા
30 એપ્રિલે સ્નાન, દાન અને શ્રાદ્ધની અમાસ છે. જ્યારે શનિવારે અમાસ હોય ત્યારે તેને શનિશ્ચરી અમાસ કહેવામાં આવે છે. શનિવારની અમાસનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે.
જ્યોતિષમાં અમાનો અર્થ નજીક અને વસ્યાનો અર્થ રહેવું છે. જેનો શાબ્દિક અર્થ નજીક રહેવું થાય છે. આ તિથિએ ચંદ્ર જોવા મળતો નથી. આ તિથિના સ્વામી પિતૃઓ હોય છે.
અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ વગેરે શુભ કામ ચોક્કસ કરવા જોઈએ. આ દિવસે પિતૃઓનું નામ લઇને પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પિતૃઓને જળ અર્પણ કરવું જોઈએ.
સૂર્ય અને ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી કથા
આ કથા સમુદ્રમંથન સાથે જોડાયેલી છે. પ્રાચીનકાળમાં દેવતાઓ અને અસુરોએ મળીને સમુદ્રમંથન કર્યું હતું. આ મંથનમાંથી 14 રત્ન પ્રાપ્ત થયાં હતાં. સમુદ્રમંથનમાંથી જ્યારે અમૃત બહાર આવ્યું ત્યારે તેના માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લીધો અને દેવતાઓને અમૃતપાન કરાવવા લાગ્યાં. તે સમયે રાહુ નામના અસુરે પણ દેવતાઓનો વેશ ધારણ કરીને અમૃત પાન કરી લીધું. ચંદ્ર અને સૂર્યએ રાહુને ઓળખી લીધો અને ભગવાન વિષ્ણુને જાણકારી આપી દીધી. વિષ્ણુજીએ ગુસ્સામાં આવીને રાહુનું માથું ધડથી અલગ કરી દીધું. રાહુએ અમૃત પી લીધું હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું નહીં. ત્યારથી જ રાહુ ચંદ્ર અને સૂર્યને પોતાના દુશ્મન માને છે. સમયે-સમયે આ ગ્રહોને ગ્રસ્ત કરે છે. શાસ્ત્રોમાં આ ઘટનાને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.