• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Sun's Zodiacal Change And PM Modi's Birth Day Together, How Will This Situation Affect Modiji? How Will Their New Year Be? What Do Astrologers Say?

Happy Birthday PM:સૂર્યનું રાશિપરિવર્તન અને PM મોદીનો જન્મ દિવસ એકસાથે, આ સ્થિતિની વડાપ્રધાન પર કેવી થશે અસર? જાણો જ્યોતિષીઓ પ્રમાણે કેવું રહેશે વર્ષ

16 દિવસ પહેલાલેખક: ઉમા સુખડિયા

તા. 17.09.2022 શનિવારના રોજ, એટલે આજે સવારે 07.36 કલાકે સૂર્યનારાયણ કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. આજે નરેન્દ્રભાઈ મોદી 72 વર્ષ પૂર્ણ કરી 73મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સૂર્યનારાયણ પણ આજે રાશિપરિવર્તન કરે છે. ભારતના PM અને ગ્રહમંડળના રાજા સૂર્ય બંને એકસાથે પરિવર્તન કરશે. વડાપ્રધાન એક નવા વર્ષમાં પ્રવેશ કરશે અને સૂર્ય એક બીજી રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિપરિવર્તન નરેન્દ્રભાઇ મોદીને સારું ફળ આપશે. આ અંગે ‘દિવ્ય ભાસ્કર’ જ્યોતિષ પેનલ હેઠળ ચાલો... જાણીએ કે હાલ થયેલા ગોચર તેમજ PM મોદીની કુંડળીમાં રહેલા ગ્રહોને આધારે તેમનું આગામી વર્ષ કેવું રહેશે.

રાજકીય ક્ષેત્ર
ભાવનગરના શ્રીધર પંચાંગવાળા કિશન ગિરીશભાઈ જોશીના જણાવ્યા પ્રમાણે નરેન્દ્રભાઈની જન્મકુંડળીમાં ગોચરમાં સૂર્યનારાયણ અગિયારમા લાભસ્થાનેથી ભ્રમણ કરશે. આ ભ્રમણ લગભગ એક મહિના સુધી રહેશે. કન્યા રાશિમાં પહેલેથી જ બુધ ગ્રહ બિરાજમાન છે. આ સાથે સૂર્યના કન્યા રાશિમાં પ્રવેશથી બુધાદિત્ય યોગ બનશે. નરેન્દ્રભાઈની જન્મકુંડળીમાં કન્યા રાશિમાં સૂર્ય, બુધ, કેતુ એમ ત્રણ ગ્રહો છે. ગોચર મુજબ જન્મના સૂર્ય-બુધ ઉપરથી હાલ ગોચરના સૂર્ય બુધનું ભ્રમણ ખૂબ સારો ફાયદો આપનારું રહેશે. હાલમાં થઈ રહેલા અલગ-અલગ પાર્ટીઓના પ્રજા પ્રત્યેના લોભામણાં પ્રવચનો નરેન્દ્રભાઇ મોદીના દેશ પ્રત્યેના નિર્ણયોને પડકારરૂપ રહેશે, પરંતુ દેશની વિચારસરણી અને ગ્રહોના પ્રભાવ મુજબ નરેન્દ્રભાઈને કોઈ તકલીફ થઈ શકે એવું દેખાઈ રહ્યું નથી.

બીજી તરફ તા. 26 ઓકટોબરના રોજ શનિ મહારાજ મકર રાશિમાં વક્રીમાંથી માર્ગી થશે. મકર રાશિનો શનિ તથા મંગળની સ્થિતિ મુજબ આવનારી ચૂંટણી નજીકના સમયમાં જ આવે એવા પૂરા સંયોગ બને છે. ગોચરના ગ્રહોની સ્થિતિ મુજબ આવનારી ચૂંટણી ભાજપ માટે અને નરેન્દ્રભાઇ મોદી માટે થોડી સંઘર્ષપૂર્ણ રહેશે. હરીફો, શત્રુઓ પોતાનો ભરપૂર પ્રમાણમાં જોશ અને મહેનત કરશે. મોદી સરકારના ભૂતકાળમાં લીધેલા નિર્ણયો હાલમાં પ્રજાજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મોંઘવારી, વધતા જતા ભાવ, વધતા જતા બેંકના વ્યાજદર પ્રજાજનોને દરેક ક્ષણ તકલીફ આપતા રહ્યા છે. એનો ફાયદો ઉઠાવી બીજી પાર્ટીઓ પોતાના એજન્ડામાં સામેલ કરી ચૂંટણીમાં જીતવાના દરેક પ્રયાસ કરશે, પરંતુ પ્રજા સામે નરેન્દ્રભાઈ મોદી સિવાય બીજો કોઈ પ્રબળ દાવેદાર ન હોવાથી એનો ફાયદો પણ નરેન્દ્રભાઈ મોદીને મળશે.

ગોચરના ગ્રહોનો અભ્યાસ કરીએ તો નજીકના ભવિષ્યમાં ભાજપ સરકાર ફરીથી કોઈ પ્રજાને સંતોષ થાય એવો નિર્ણય અમલમાં મૂકી શકે છે. ગુજરાત માટે મોદી સરકાર ફરીથી કોઈ પ્રજાને રાહત થાય એવા નિર્ણયો અમલમાં મૂકી ચૂંટણીમાં જીત મેળવી શકે છે. ગોચરમાં શનિ નરેન્દ્રભાઈની જન્મકુંડળીમાં ત્રીજા પરાક્રમ સ્થાનેથી ભ્રમણ કરવાથી તેમની કામગીરીમાં વધુ પ્રબળતા આવશે. વિશ્વવ્યાપી પરિવર્તનના એક મહત્ત્વના ભાગરૂપે ભારતના નિર્યણની સરાહના થશે.

આરોગ્ય
નરેન્દ્રભાઈની તંદુરસ્તી મુજબ જોઈએ તો હાલમાં છઠ્ઠા અને આઠમા ભાવમાંથી કોઈ મહત્ત્વના ગ્રહોનું ભ્રમણ થઈ રહ્યું નથી, આથી તેમની તંદુરસ્તીમાં કોઈ મોટા ફેરફાર કે તબિયત બગડે એવા કોઈ સંજોગો સર્જાતા નથી. આગામી વર્ષ અને ચૂંટણી પછી ભાજપ તથા મોદી સરકાર ફરીથી એક મજબૂત રીતે સત્તામાં આવે એવા સંયોગો બને છે. મોદી સરકાર રાજકીય રીતે ફરી એકવાર સર્વોચ્ચ સ્થાને પહોંચી જીતનો ઝંડો લહેરાવશે. ઘણા બધા પ્રશ્નો, વિઘ્નો, હડતાલો, પ્રજાની માગણીઓ જેવી ઘટનાઓ મોદી સરકારના એજન્ડામાં ખલેલ પહોંચાડી શકતી હોવા છતાંય દરેક સ્થિતિમાંથી વિજય હાંસલ કરી ફરી ભાજપ સરકાર સત્તામાં આવશે.

અમદાવાદના જ્યોતિષી અનુજ પંડ્યા(modernsage108@gmail.com)ના જણાવ્યા પ્રમાણે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુંડળીમાં ઉત્તર પંચમહાપુરુષ રૂચક યોગનું નિર્માણ થાય છે. જે તેમને સહજ સાહસિકતા સાથે નિર્ણય લેવામાં સક્ષમ તેમજ લીધેલા નિર્ણય ઉપર અડગ રહેનાર બનાવે છે. કુંડળીમાં રહેલો કોઈ એક યોગ કે એક દોષ વ્યક્તિના જીવનમાં બહુ મોટા અને ક્રાંતિકારી પરિવર્તન લાવનારો હોય છે. મોદીજીની કુંડળીમાં આ રુચકયોગ કોઈ આવાં જ ફળ આપનારો છે. આગામી વર્ષ દરમિયાન જો વાત કરીએ તો મોદીજી ઘણી નવી નીતિ તેમજ યોજનાઓને વિચારમાં તેમજ અમલમાં લાવી શકે છે, સાથે જ રાજકીય વિષયમાં ઘણા નવા લોકો મોદીજી સાથે જોડાઈ શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આરોગ્યની સુખાકારી સારી જળવાય, પરંતુ નિશ્ચિતરૂપથી પૂરતો આરામ લેવાની જરૂરિયાત પડી શકે છે. આગામી સમયગાળામાં ઘણી યોજનાઓમાં સુધારા-વધારા કરી શકે. આ સિવાય ઘણી નવી ટેક્નોલોજી તરફ કાર્ય કરી શકે.

કન્યા રાશિમાં સૂર્યના ગોચરથી તેમજ આ રાશિમાં રહેલા બુધના સંબંધથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે, જેના પરિણામ સ્વરૂપ ઝડપી નિર્ણયો તેમજ યોજનાઓ અમલમાં આવી શકે છે, સાથે જ ભારતના આધુનિક વિકાસ તરફનાં કાર્યો પણ થશે. રાજકીય વિષયમાં પરિવર્તન આવી શકે. ઘણી નવી જવાબદારીઓ રાજકારણમાં રહેલા લોકોને મળી શકે છે. ઝડપથી ચૂંટણી વિષયમાં થઈ રહેલા પ્રચારમાં નવા અભિગમ અને વિચારોની ઝલક જોવા મળી શકે છે.

નિશ્ચિતરૂપથી વડાપ્રધાન મોદીજીની કુંડળીના ગ્રહો તેમજ ચાલતી મહાદશાએ તેમની પાર્ટી અને રાજકીય કાર્યકાળમાં વૃદ્ધિ કરાવનાર છે, જેનાં પરિણામો પણ જોવા મળશે, પરંતુ ઘણા નવા બદલાવોનો સ્વીકાર દર વખતે સહજતાથી થતો જોવા મળશે નહીં, પરંતુ મોદી વિશ્વાસ અપાવી શકવામાં સક્ષમ બનશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી અને ગ્રહો
આ વર્ષે આવનારી વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો એ રસપ્રદ બનશે. ચૂંટણીના પ્રચાર-પ્રસારમાં અને એની પ્રક્રિયાઓમાં કોઈ નવી ટેક્નોલોજી કે વિચાર જોવા મળી શકે છે. આ સિવાય પણ નવા પડકારોનો સામનો કરવો પડશે, પણ મૂળ ચૂંટણીનાં પરિણામો ગુજરાતના વિકાસમાં વધારો કરનારાં હશે.

અમદાવાદના જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી લાઠીયાના જણાવ્યા પ્રમાણે PM મોદીની કુંડળીમાં હાલ મંગળની મહાદશા ચાલે છે જે રાજકીય બાબતમાં રાગદ્વેષ સામે સફળતા અપાવશે, કુંડળીમાં સૂર્ય+બુધનો શુભ બુધદિત્ય યોગ છે અને તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. 26 ઓક્ટોબર સુધી ગોચરમાં પણ આ યોગ બની રહ્યો છે જે આ સમયગાળા દરમિયાનમાં વ્યવહારુ ગણતરી કરી કોઈ ધાર્યું કામ પણ કરી શકે છે. હાલ ગોચરના મીનના ગુરુનું જન્મનાં ચંદ્ર અને મંગળ ઉપર દૃષ્ટિ છે. મંગળ મહાદશાના માલિક છે જે રાજકીય કામમાં વેગ આપાશે તેમજ ચંદ્ર ભાગ્યેશ હોવાથી ભાગ્યને પણ બળ મળશે, સ્વાસ્થ્યમાં પણ સારી સુખાકારી આપશે, રાજકીય બાબતમાં કોઈ નવી વાત પણ રજૂ કરતા જોવા મળી શકે, એકંદરે આ જન્મ વર્ષ દરમિયાન એકંદરે ગ્રહ યોગ ઉતાર ચઢાવ વચ્ચે સાનુકૂળતા વધે રહે તેવું જણાય છે.

અન્ય સમાચારો પણ છે...