આજની સ્થિતિ પર કાલનો અંદાજ એટલે નરી મૂર્ખામી. પ્રસિદ્ધ તત્વચિંતક કૃષ્ણમૂર્તિ કહે છે, “યુ કેન નોટ જજ રાઇટ નાઉ વોટ વિલ બી ધી રાઇટ ઓર રોંગ ફોર મી ટુમોરો બીકોઝ ધી ટાઈમ ઈઝ ધી રૂટ કોઝ ફેક્ટર ફોર રાઇટ ઓર રોંગ.”
નીચેના સુભાષિતમાં નસીબ અને સફળતાની અનેરી વાત છે
દેવમ ફલતી સર્વત્ર ન ચ વિદ્યા ન પૌરુષમ|
પાષાઅસ્ય કુતો વિદ્યા યેન દેવત્વ માગત:||
રસ્તાનો પત્થર જ્યારે મૂર્તિ બની જાય ત્યારે દેવ બની જાય છે. બોલો આમાં વિદ્યા કે પુરુષાર્થ ક્યા કામમાં આવ્યો? આ સફળતાનો આધાર નસીબ જ ગણાય ને?
આ પ્રમાણે માનવીની સફળતા અને નિષ્ફળતાનો આધાર કુંડળીના ગ્રહો જ છે પણ તેને સમજવાની જરૂર છે. જ્યોતિષશાસ્ત્ર અને ખગોળની દૃષ્ટિએ વિચારીએ તો પૃથ્વીની સૌથી નજીકનો ઉપગ્રહ ચંદ્ર છે. ચંદ્ર એટલે માનવીનું મન અને મન પર સૌથી વધારે અસર કરતો ગ્રહ પણ ચંદ્ર જ છે. ચંદ્રમાં પૃથ્વીના સમુદ્રને હિલ્લોળે ચઢાવવાની તાકાત છે એટલે માનવીના મનને હચમચાવવું એ ચંદ્ર માટે સામાન્ય ઘટના છે. કહેવત છે મનસે જીતા જીત ઓર મનસે હારા હાર. મન એટલે કુંડળીનો ચંદ્ર, દરેક માનવીની સફળતા અને નિષ્ફળતાનું કારણ છે. મન સંઘર્ષ કરવા માટે તૈયાર થાય તો સફળતા અને સરળતા શાશ્વત- સાક્ષાત બની જાય છે અને મનની સફળતા- શક્તિ અને સંઘર્ષ માટે જરૂરી છે કુંડળીના ચંદ્રની આજુબાજુ કોઈ ક્રૂર ગ્રહ કે જે માનવીને સતત કસોટી અને પરીક્ષામાં જ રાખે. કારણ કે કસોટી કે પરીક્ષા વિના જીવનયાત્રામાં પાસ થવાય નહીં. કેટલીક વાતો ઉદાહરણ કે સંશોધનો દ્વારા સમજી શકાય.
ભારતની આઝાદીના લડવૈયા-પ્રણેતા અને આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની કર્ક લગ્નની કુંડળી જુઓ. લગ્ને બળવાન સ્વગૃહી કર્કનો ચંદ્ર અને ચંદ્રથી બીજે સિંહનો શનિ બિરાજમાન છે. તમે જુઓ દેશના પ્રથમ વડાપ્રધાનનો જન્મ પનોતીમાં થયો છે અને જાણે કે પ્રજાના દુ:ખ અને દેશની પનોતી દૂર કરવા જ તેમનો જન્મ થયો હશે તેવું નથી લાગતું? જવાહરલાલની કુંડળીમાં આવેલાં ચંદ્રની આજુબાજુમાં જ શનિની હાજરીએ સ્વ. નહેરુને દેશનું ઉચ્ચ પદ તો આપ્યું જ પણ તેમની સફળ યશગાથામાં આ ગ્રહયોગે અસંખ્ય મોરપીંછ લગાવ્યા તે બાબતે કોઈ બેમત હોય શકે જ નહીં.
ચાલો સ્વતંત્ર ભારતની યશગાથામાં અને આપણા સંશોધનમાં વધુ એક પીંછું ઉમેરીએ. આપણે પ્રથમ વડાપ્રધાનની વાત કરી હવે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ સ્વ. ડો. રાજેન્દ્રપ્રસાદની કુંડળીમાંથી સંશોધનનો પ્રસાદ લઈએ. તેમની ધન લગ્નની કુંડળીનું નિરીક્ષણ કરો. છઠ્ઠે વૃષભનો ચંદ્ર છે અને સાતમે મિથુનનો શનિ છે. બોલો કુંડળીમાં ચંદ્રથી બીજે બેઠેલા શનિએ કેવી કમાલ કરી? રાજેન્દ્રબાબુનો જન્મ પણ પનોતીમાં જ થયો અને ચંદ્રથી બીજે શનિ હોઇ જીવનમાં તેમણે સિદ્ધિઓને સર કરી. જોયું ને ચંદ્રનો પાડોસી ગ્રહ ક્રૂર હોય તો નામ અને પ્રસિદ્ધિ બાબતે મજ્જા હી મજ્જા...
ક્રિકેટના શહેનશાહ અને સદીઓની પણ સદી કરનારા આ સદીના ક્રિકેટ સરતાજ સચિન તેંડુલકરની કુંડળીનું નિરીક્ષણ ધ્યાનથી કરો. સિંહ લગ્નની કુંડળીમાં નવમે ઉચ્ચનો સૂર્ય ધરાવનારા સચિન પણ ક્રિકેટનો સૂર્ય જ ગણાય. લાલા અમરનાથે તેના માટે કહેલું કે, ‘સચિન જૈસા કોઈ પેદા હુઆ નહીં, કોઈ હૈ નહીં ઔર કોઈ કભી પેદા હોગા નહીં. સચિન કે નામ સે ક્રિકેટ કો પહેચાના જાયેગા.’ આવા વિરલ સચિનની કુંડળીમાં ધન રાશિના ચંદ્રથી બીજે મંગળ બિરાજમાન છે અને ચંદ્ર સાથે રાહુ હોઈ આમ જુઓ તો સચિનનો જન્મ ગ્રહણયોગમાં થયો કહેવાય. જોયું ને! ચંદ્રની બાજુમાં જ મંગળનો રહેવાસ છતાંયે સફળતાનો એહસાસ. ક્રિકેટમાં સૌ પ્રથમ વર્લ્ડ કપ અપાવનાર કપિલ દેવની વાત કરીએ. ક્રિકેટની રમત જો દેવની જેમ પૂજવા લાગી હોય તો તેનું મૂળ કારણ કપિલ દેવ જ છે કારણ કે આ વર્લ્ડ કપ પહેલા ભારતીય ક્રિકેટને કોઈ ચાના કપનું પણ પૂછતું નહોતું. પરંતુ કપિલ દેવની કુંડળીમાં તો કમાલ જ સમજવો રહ્યો. કારણ કે તેમની તુલા લગ્નની કુંડળીમાં વૃશ્ચિક રાશિના ચંદ્રની બીજે ધનનો શનિ આવેલો છે. લો કરો વિચાર. ચંદ્રથી બીજે કે બાજુમાં શનિને બેસાડો, પનોતીમાં જન્મ લો અને સફળતાને વશમાં કરો.
આપણે અહીં લેખમાં રાજકારણના દાખલા જોયા, રમત ગમતના જોયા હવે એક નજર અરબોપતિ પર નાખીએ અને જોઈએ કે ત્યાં પણ શનિ ચંદ્રની આજુબાજુમાં બેસી કેવો કમાલ કરે છે. ભારતીય ઉદ્યોગપતિ અને અરબોપતિ જે. આર. ડી. ટાટાની તુલા લગ્નની કુંડળીમાં પાંચમે આવેલા ચંદ્રથી મકરનો શનિ બારમે બેઠો છે. જુઓ કેવો કમાલ છે ચંદ્રથી બારમે શનિનો?
આ લેખમાં તો આપણે ક્રૂર ગ્રહો પણ જ્યારે ચંદ્રની સાથે – બીજે કે બારમે બેઠા હોય તો તેની સફળતાનો અંક અને આંક કેવો ઊંચો હોય તે જાણ્યું.
ચંદ્રની આજુબાજુ કે સાથે ક્રૂર ગ્રહનું હોવું એટલે લાગે છે કે સફળતા જાતકનો હક બની જાય છે અને આપણે નાહકના ડરીએ છીએ.
સ્વ. જવાહરલાલ નહેરુની કુંડળી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.