• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Shani And Rahu Responsible Planets For Pitridosh In Kundli, Know The Simple Remedies Mentioned In The Scriptures To Remove Pitridosh On These Days Of Shraddha Paksha

ભાગ્યના ભેદ:કુંડળીમાં પિતૃદોષ માટે શનિ અને રાહુ જવાબદાર ગ્રહો, શ્રાદ્ધ પક્ષના આ દિવસોમાં પિતૃદોષ નિરાકરણ માટે શાસ્ત્રોમાં જણાવેલાં સરળ ઉપાય જાણી લો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

શાસ્ત્ર અને ધર્મ કહે છે ‘યત પિંડે તત બ્રહ્માંડે’ અર્થાત આ શરીરરૂપી પિંડ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેનો ઉત્તર માત્ર એટલો જ છે કે આપનું શરીર બ્રહ્માંડનું અંગ છે. શરીર બ્રહ્માંડમાંથી પેદા થાય છે અને બ્રહ્માંડમાં સમાઈ જાય છે. સમગ્ર બ્રહ્માંડ પંચતત્વનું બનેલું છે. આથી આપણું શરીર પણ જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને આકાશ નામના પાંચ તત્વોમાંથી બનેલું છે તે નિર્વિવાદ સત્ય છે. પાંચ તત્વોમાંના મુખ્ય ત્રણ તત્વોમાં અગ્નિ તત્વ સૂર્યમાંથી, પૃથ્વી તત્વ (માટી) મંગળમાંથી અને જળતત્વ ચંદ્રમાંથી પેદા થાય છે. આમ બ્રહ્માંડના તત્વો અને ગ્રહો એકબીજાથી સંબંધિત છે. આથી જ ગ્રહો માનવશરીર પર સારી-નરસી અસરો કરે છે. જે હિન્દુ નિરયન જ્યોતિષ પ્રમાણે બ્રહ્માંડમાં મુખ્ય સાત ગ્રહો અને બે છાયા ગ્રહો રાહુ-કેતુ છે. જૂદા જૂદા ગ્રહોની માનવ શરીર પર વિવિધ અસરો છે. દરેક ગ્રહના ગુણધર્મ-લક્ષણો અલગ-અલગ છે.

હિન્દુ ધર્મ સંસ્કાર અને શાસ્ત્ર અનુસાર આપણાં પૂર્વજ સૂક્ષ્મ શરીરે બ્રહ્માંડમાં વિહરે છે અને તેમના આશીર્વાદ-કૃપા દૃષ્ટિથી સંસાર ચાલે છે. પરંતુ તેમની અવકૃપા અને શાપ મળે તો કુટુંબ અને સંસારનો સર્વનાશ થાય છે. પૂર્વજોની આ વક્ર દૃષ્ટિ અને નારાજગી વ્યક્તિની જન્મકુંડળીમાં પિતૃદોષ સ્વરૂપે જન્મ લે છે. પરિણામે જાતક સમગ્ર જીવન દરમિયાન કષ્ટ, પીડા અને નિષ્ફળતા ભોગવે છે.

જાતકની જન્મકુંડળીમાં પિતૃદોષ માટે શનિ અને રાહુ બે મુખ્ય જવાબદાર ગ્રહો ગણી શકાય છે કારણ કે આ બંને પાપગ્રહો સૂર્યના શત્રુ ગણાય છે. ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને પિતાના કારક ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય જન્મકુંડળીમાં પિતાનો કારક ગ્રહ હોવા ઉપરાંત પૂર્વજોનો પણ ગ્રહ છે. જો જાતકની જન્મકુંડળીમાં સૂર્ય-શનિની યુતિ હોય કે પ્રતિયુતિ હોય અથવા સૂર્ય સાથે રાહુ બિરાજમાન હોય તો તેવા કિસ્સાઓમાં સામાન્ય રીતે પિતૃદોષની સંભાવનાઓ વધી જાય છે. કારણ કે શનિ-રાહુ સૂર્યના પરમ શત્રુ ગ્રહો છે. કહેવાય છે કે ભગવાન શ્રીરામની જન્મકુંડળીમાં સૂર્ય-શનિની પ્રતિયુતિના કારણે પિતૃદોષનો શાપ ઊતરેલો. આથી જ ભગવાને યુવાવસ્થામાં પિતાસુખ, રાજપાટ ગુમાવી વનવાસ વેઠવો પડેલો. પિતૃદોષના કારણે શ્રીરામ ભગવાને જેટલા કષ્ટ, પીડા ભોગવેલા તેટલા અન્ય કોઈ વ્યક્તિએ જોયેલા પણ નહીં હોય. ભગવાન શ્રીરામનો પિતૃદોષ છેક લવ-કુશ સુધી અસરકર્તા રહેલો. ભગવાન શ્રીરામનો પિતૃદોષ એ જ્યોતિષ જગતનું બેનમૂન ઉદાહરણ છે. કૌરવો અને પાંડવોને પણ પિતૃદોષ લાગેલો. ફળસ્વરૂપ તેમના કુળ અને કારકિર્દીનો સર્વનાશ થયેલો. પિતૃ દોષને આપણે સામાન્ય ગણી તેને નકારતા હોઈએ છીએ પરંતુ આ દોષના કારણે કુટુંબમાં આકસ્મિક અણધાર્યા મૃત્યુ થવા, મિસ કેરેજ થવા, કુટુંબના સભ્યોને કેન્સર જેવી મહામારી થવી, સંતાન સુખમાં વિલંબ અને અવરોધ આવવા, લગ્ન જીવન નિષ્ફળ જવા અને દેવાદારી નાદારી જેવી સ્થિતિ ઊભી થવી જેવા અસંખ્ય કારણો અને તારણો સામે આવે ત્યારે અવશ્ય સમજવું કે પિતૃ દેવ તમારાથી નારાજ છે.

પિતૃદોષ અંગે જ્યોતિષ રત્નાકર, ભાવમંજરી, બૃહદ જાતકમ, ચિંતામણી અને પારાશર મુનિનું હોરાશાસ્ત્ર શું પ્રકાશ પાડે છે તે વિચારીએ.

વિખ્યાત જ્યોતિષી કાટવે ભાવમંજરીમાં પિતૃદોષ માટે નીચે પ્રમાણે વર્ણન કરે છે:
‘અપુત્રસ્ય ગતિ નાસ્તિ શાસ્ત્રેષુ શ્રુયતે મુને|
અપુત્ર: કેન પાપેન ભાવતીતિ વદ પ્રભો||
જન્મલગ્નાચ્ચ તગ્જ્ઞાનં કથમ દૈવવિદાં ભવેત|
અપુત્રસ્ય તગ્જ્ઞાનમ કથમ દૈવવિદામ કૃપયોચ્ચતાં||

નિ:સંતાનનું મૃત્યુ થવું, દીકરીના લગ્નમાં વિલંબ, મુશ્કેલીઓ, કષ્ટ, પીડા, દેવું થવું, કોર્ટ-કચેરીના લફરા અને અસાધ્ય બીમારી આ તમામ બાબતોનું મૂળ કારણ પિતૃદોષ ગણાય. જ્યોતિષ રત્નાકર અને સારાવલી ગ્રંથમાં પિતૃદોષની સાથે-સાથે અન્ય દોષોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત ગ્રંથમાં જણાવ્યાનુસાર જન્મકુંડળીમાં રાહુ-ચંદ્ર-શનિની યુતિ હોય તો ભાઈ-ભાંડુનો દોષ, રાહુ-બુધની યુતિ હોય તો પુત્રીનો દોષ, રાહુ-શુક્ર પત્નીનો દોષ અને શનિ-રાહુ સર્પદોષ ઉત્પન્ન કરે છે.

અલબત્ત જન્મકુંડળીમાં પ્રથમ દૃષ્ટિએ દેખાતા દોષ ક્યારેક નિર્દોષ પણ હોય છે કારણ કે કુંડળીના અન્ય ગ્રહોનું નિરીક્ષણ ખૂબ જ જરૂરી પાસું છે. સૂર્ય-ચંદ્ર સાથે ગુરુ બિરાજમાન હોય તો પિતૃદોષ આપોઆપ નષ્ટ થઈ જાય છે. પિતૃદોષના નિરાકરણ માટે શાસ્ત્રોમાં નારાયણ બલી, ષોડષપિંડ શ્રાદ્ધ, સર્પપૂજા, બ્રાહ્મણોને ગૌદાન અને પીપળાના વૃક્ષની વાવણી કરવી વગેરે ઉપાય દર્શાવ્યા છે. પરંતુ જો જાતકે બિનજરૂરી ખર્ચાળ વિધિમાં ઊતરવું ના હોય તો અહીં જણાવેલો અતિ સરળ રસ્તો છતાં વેધક ઉપાય કરવાથી પિતૃદોષમાંથી અવશ્ય મુક્તિ મળે છે.

ઉપાય:

{આજની ટીપ}
રોજ સવારે સ્નાન કરી પીતાંબર ધારણ કરી ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ બહારની સાઈડ બેસી કંકુથી સાથીયો દોરી ઘીનો દીવો કરો. દિવસ શુભ જણાશે.

(પિતૃ દોષ અંગેનો આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે)