તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાગ્યના ભેદ:કુંડળીમાં સૂર્ય ઉપર શનિ ગ્રહનું ગોચર ભ્રમણ; કયારેક અધોગતિ તો ક્યારેક ઉન્નતિના મંડાણ

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રહ્માંડમાં સૂર્ય અને શનિ આ બે ગ્રહોના સંબંધમાં જ મનુષ્યના જીવનની પીડાનો નિબંધ લખાઈ જાય છે
  • સૂર્ય જો જીવનનો મર્મ હોય તો શનિ કર્મ છે

ફલાનિ ગ્રહચારેણ સૂચયંતિ મનીશિણ:! કો વક્તા તારતમ્યસ્ય તમેકમ વેધસા વિના?!!

ડાહ્યા વિદ્વાનો ગ્રહગતિ મુજબ ફળકથન કરે છે. તો પણ ગ્રહોનું તારતમ્ય(મૂળ ભેદ) બ્રહ્મા-વિધાતા સિવાય સાચી પરિસ્થિતિ કોણ કહી શકે તેમ છે? માનવ જીવનની પ્રગતિ અને અવગતિનો મૂળ આધાર ગ્રહોની ગતિ છે. ગ્રહો બગડે એટલે રાજાને પણ ગલીઓમાં વાજા વગાડવાનો વારો આવે. એક ભાઈએ મેટ્રો સિટીમાં 7 કરોડનો અદ્દભુત બંગલો બાંધ્યો અને વાજતે ગાજતે તેમાં રહેવા ગયા. તેમના આ શાહી મેહલાતમાં માંડ ઠરી ઠામ થવાની કોશીશ કરતાં હતાં અને અચાનક એક રાત્રે તેમના રહેઠાણે આયકર વિભાગ ત્રાટક્યો. બસ શરુ થઇ તેમના જીવનમાં અશાંતિ અને અનિદ્રાની યાત્રા. આ ભાઈના હોશકોશ ઉડી ગયા. નવા બંગલાનો આનંદ નંદવાઈ ગયો. આ ભાઈને શંકા હતી કે નવું ઘર વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ કંઈક ગરબડવાળું છે. તેમની કુંડળીનું સુક્ષ્મ નિરીક્ષણ કર્યું તો ખબર પડી કે જે સંપત્તિના મદમાં આ ભાઈ આકાશમાં ઉડતા હતા તે અવકાશી ગ્રહો જ તેમની કુંડળીમાં અવળી ગતિએ ચાલતાં હતાં. તેમની જન્મકુંડળીના મૂળ સૂર્ય પરગોચરના શનિનું ભ્રમણ હતું અને બસ આ વાત તેમની અશાંતિ-અનિદ્રા અને દુઃખોનું મૂળ કારણ હતી. આ ભાઈ તેમના તમામ દુઃખોનું મૂળ કારણ તેમના નવા ઘરને સમજતાં હતાં પણ તેમની પીડા અને દુઃખ તેમની કુંડળીમાં દુષિત થતાં સૂર્યના કારણે હતી. આમ તેમને સમજાવ્યાં કે જ્યાં સુધી તમારા મૂળ સૂર્ય પર શનિનું ગોચર ભ્રમણ રહેશે ત્યાં સુધી તમારા જીવનમાં મુસીબતોની વણઝાર ચાલુ જ રહેશે.

પ્રતિકુળ ગ્રહોનાં જોડાણ અંગેની માહિતી 1984થી જ્યોતિષ ફિલ્ડમાં કાર્યરત ડો. પંકજ નાગર અને ડો. રોહન નાગર દ્વારા આપવામાં આવી રહી છે.

એક બીજા કિસ્સાની વાત કરીએ. એક તેજસ્વી વિદ્યાર્થી કે જે બે વર્ષ પહેલાં જ દસમાના બોર્ડની પરીક્ષામાં પ્રથમ પાંચમાં પોતાનું સ્થાન મેળવે છે અને અચાનક જ બારમા ધોરણમાં તેની તેજસ્વીતા અને સિદ્ધિઓનું તેરમું થઇ જાય છે. બે વર્ષ પહેલાનો તેજસ્વી તારલો અચાનક જ તિમિરમાં જતો રહ્યો કેમ કે તેની કુંડળીના મૂળ સૂર્ય પર ગોચરનો શનિ ભ્રમણ કરતો હતો. સૂર્ય એટલે જ તેજસ્વીતા, પ્રસિદ્ધિ, સિદ્ધિ અને શાશ્વત સફળતા અને સૂર્ય પર શનિનું ભ્રમણ એટલે નિષ્ફળતા. બ્રહ્માંડમાં સૂર્ય અને શનિ આ બે ગ્રહોના સંબંધમાં જ મનુષ્યના જીવનની પીડાનો નિબંધ લખાઈ જાય છે. ભગવાન શ્રીરામની પીડા, દુઃખ અને કુંડળીનો મર્મ તેમના કર્મ તેમની કુંડળીમાં સામસામે આવેલા સૂર્ય અને શનિમાં જ સમાયેલા છે. સૂર્ય એટલે તેજ અને શનિ એટલે અંધકાર. સૂર્ય એટલે સમગ્ર સૃષ્ટિની ગતિ અને શનિ અવગતિ. સૂર્ય એટલે સફળતાનો આકાર જ્યારે શનિ એટલે નિરાકારને આકાર તરફ લઇ જવાની મથામણ, મેહનત અને સંઘર્ષની પીડા. શનિ એ સૂર્યનું બળવાખોર વીર્ય બિંદુ છે કે જે સતત પોતાના પિતાને પીડા-દુઃખ-કષ્ટ આપી સંઘર્ષ અને કસોટી દ્વારા જાગૃત રાખે છે. જન્મકુંડળીના મૂળ સૂર્ય પર જ્યારે શનિનું ભ્રમણ આવે ત્યારે અભિમાનના આકાશમાં ઉડતા જાતકોને શનિ જમીન પર પાછા લાવે છે જેને અંગ્રેજીમાં ડાઉન ટુ અર્થ કહે છે. જો ભૂલથી પણ તમને ભાગ્ય કરતાં વધારે મળી ગયું હોય અગર તમે જે પ્રાપ્ત કર્યું છે તેના લાયક તમે ના હોવ તો સૂર્ય પર શનિના ભ્રમણ દરમિયાન તમારું ખાતું શનિ સરભર કરે છે.

બ્રહ્માંડમાં સૂર્ય એ જીવન જીવવાનો અર્ક છે પરંતુ જો તમે જીવનના અર્કને સમજી ના શકો તો શનિ તમને સાચા રસ્તે વાળવા થોડોક સમય નર્કનો પરિચય કરાવે છે. સૂર્ય એ જીવનનું સત્વ છે પણ જો શનિને તમે સાથે ના રાખો તો જીવનનું તત્વ કે જેને આપણે ફિલસુફી કહીએ છીએ તે આપણાથી જોજનો દૂર જતી રહે. સૂર્ય જીવનનો મર્મ હોય તો શનિ કર્મ છે. અને જ્યારે મર્મ પર કર્મ હાવી થાય ત્યારે જાતકનો રસ્તો બદલાય અને ધડમૂળથી કાયાપલટ થાય છે. સૂર્ય એ શિક્ષણ અને સંસ્કાર છે તો શનિ તેનો શિક્ષક અને શિસ્ત છે અને એક વાત નિર્વિવાદ છે કે શિક્ષક અને શિસ્ત સિવાય જીવન નિરાકાર અને નીરસ બને છે. શાસ્ત્રોમાં શનિને રવિ (સૂર્ય) પુત્ર કહ્યો છે અને સાથે સાથે તેને યમાગ્રજમ્ પણ કહ્યો છે. જયારે કર્મ-સત્યમાર્ગ અને ન્યાયની વાત આવે ત્યારે આ પુત્ર પોતાના બાપ (સૂર્ય)ને પણ છોડતો નથી અને પોતાનું યમ સ્વરૂપ પ્રગટ કરે છે તો તમારા મારા જેવા પામર મનુષ્યોની શું હેસિયત?

લગભગ 27 વર્ષે તમારી કુંડળીના મૂળ સૂર્ય પર શનિનું ભ્રમણ થાય અને આ ભ્રમણ દરેક જાતકના જીવનમાં આમુલ ફેરફાર લાવે છે. ઓફકોર્સ આ પરિવર્તન પોઝિટિવ હોઈ પરિવર્તન પહેલાં આવનારી પીડા-કષ્ટ અને કસોટીને આવકારજો. સૂર્ય પર શનિના ભ્રમણ દરમિયાન આવનારી મુસીબતોની વણઝારને મહેમાનની જેમ આવકારશો સાચવશો તો તમે પણ સચવાઈ જશો તેમાં કોઈ શક નથી. ક્યારેક પ્રતિકુળતા અને પડકાર જીવનને નવો આકાર આપે છે અને સપનાને સાકાર કરે છે. કારણ કે સૂર્ય શનિની પ્રતિયુતિ જો રામને ભગવાન બનાવે અને એક અદના સામાન્ય માનવીને જન્મ કુંડળીના પાંચમા સ્થાનમાં સાથે બેસી બીલ ગેટ્સ બનાવે તો એક વાત નક્કી છે કે પ્રતિકુળ ગ્રહોના સંબંધમાં પણ કયાંક ઉન્નતિનો અર્ક હોઈ શકે. એક વાત યાદ રાખજો તમારા સ્વર્ગ અને નર્કના અર્કનો ફરક તમારી કુંડળીમાં આવેલા ગ્રહોની મિત્રતા અને શત્રુતા પર રહેલો છે.

શત્રુ ગ્રહોના જોડાણની વાત કરીએ તો એવા કેટલાય જોડાણ છે કે જેમાં જાતકની તક અને તકદીર બંને તેજથી તિમિર તરફ ધકેલાઈ જાય છે. કુંડળીમાં શનિ-ચંદ્રની યુતિ હોય તો વિષયોગનું સર્જન થાય આવા જાતકો માનસિક રૂપથી હંમેશાં sick (સીક અર્થાત માંદા) રહે છે. ગુરુ-રાહુની યુતિ ધરાવતાં જાતકો ભારે આર્થિક ઉતાર-ચઢાવ જોતા હોય છે. શુક્ર-મંગળની યુતિ હોય તેવા જાતકો ચરિત્ર સાથે બાંધછોડ કરતાં હોય છે અને વ્યસનના ગુલામ હોય છે. શનિ-રાહુના સંબંધો પિતૃદોષ, પ્રેતદોષ, શાપિત દોષના નામથી ઓળખાય છે આવા જાતકો જીવનમાં ભારે સંઘર્ષ અને સંકટોનો સામનો કરતાં હોય છે. પણ સાથે-સાથે અમારું એક અવલોકન પણ આપને જણાવીશું કે ઉપરોક્ત વર્ણવેલી તમામ યુતિ કે ગ્રહ સંબંધો જાતકને સફળતા તરફ પણ લઇ જાય છે તે વાત નિશ્ચિત છે અને સાચી વાત એ છે કે સંઘર્ષ વિનાના વિજયની જય બોલવાની ઈચ્છા પણ થતી નથી. જીવનમાં આવતી ગ્રહોની કઠીન પનોતી પણ કયારેક તમારી ઉન્નતિનું પગથીયું બની જાય છે.

આ સંપૂર્ણ માહિતી ડૉ.પંકજ નાગર અને ડૉ.રોહન નાગર દ્વારા (drpanckaj@gmail.com) આપવામાં આવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો