શનિના ચક્રવ્યૂહને ઓળખવો અતિ કઠીન અને અભેદ છે. શનિનું ભ્રમણ તમને અમૃત આપશે કે વિષ? પ્રેમથી કિસ કરશે કે પીડાથી ચીસ પડાવશે તેનું અનુમાન અને આભાસ તમને અને સૌને આ લેખના તલસ્પર્શી અભ્યાસથી મળી જશે. અલબત્ત શનિથી ડરવાની જરૂર નથી કારણ કે બ્રહ્માંડનો આ મુખ્ય ન્યાયાધીશ તમારા ભાગ્યના લેખાજોખાં તમારા આજ સુધીના કર્મ આધારિત જ કરશે. આથી શનિ ગ્રહ માટેનો કોઈ પણ પૂર્વગ્રહ હોય તો મનને ખંખેરીને ખાલી કરી નાખજો. કારણ કે પનોતી પૂર્ણ થાય પછી વ્યક્તિ સોળે કળાએ ખીલી ઊઠે છે. ઈતિહાસ કહે છે કે દરેક વિભૂતિનો ભાગ્યોદય તેમના પનોતીકાળ બાદ જ થયો છે. ખરેખર બ્રહમાંડમાં શનિ જેવો કોઈ રૂપાળો ગ્રહ નથી અને શનિની આજુબાજુના વલયો તેની સુંદરતામાં અદ્દભુત વધારો કરે છે. કહેવાય છે કે મહાભારત યુદ્ધ પહેલાં શનિએ સ્વપ્ન દ્વારા ધૃતરાષ્ટ્ર અને દૂર્યોધનને સ્વપ્ન દ્વારા પાંડવો સાથે ન્યાય કરવા સમજાવેલા અને જો એમ કરવામાં તેઓ નિષ્ફળ જશે તો કોઈ શ્યામ સ્વરૂપ તમારો સર્વનાશ કરશે તેવો શાપ પણ આપેલો. બન્યું પણ એમ જ કૌરવો શનિની વાત માન્યા નહીં અને શ્યામ સ્વરૂપ શ્રીકૃષ્ણ એ કૌરવોનો સર્વનાશ નોતરેલો.
આમ શનિ એ કૂકર્મીઓ અને પાપીઓનો સંહાર કરે છે તે વાત તદ્દન સત્ય છે. જો તમે સતકર્મી હોવ તો શનિ તમને સાથ આપશે તે વાત નિ:શંક છે. શનિ કર્મ પ્રધાન ગ્રહ છે. શનિ આધ્યાત્મવાદ, એકલતા, પીડા, દુઃખ અને સંઘર્ષ સાથે સંકળાયેલો ગ્રહ છે. એક રાશિમાં તે 30 માસ રહે છે. આથી તેને મંદ ગતિનો ગ્રહ કહે છે. તા.29 એપ્રિલ 2022ના ૦7 કલાક અને 49 મિનિટે શનિ કુંભ રાશિમાં ભ્રમણ શરૂ કરશે. શનિના આ અલ્પ ભ્રમણ દરમિયાન 4 જૂન 2022ના દિવસે વક્રી થશે અને પુનઃ વક્રી ગતિથી શનિ તા.12 જુલાઈ 2022ના મકરમાં પ્રવેશ કરશે. આમ શનિ કુંભ રાશિમાં માત્ર 75 દિવસ રહેશે. પરંતુ શનિનું આ ટૂંકું ભ્રમણ દેશ અને દુનિયાના પરિબળો પર લાંબા ગાળાની અસરો કરી શકે છે.
કુંભ રાશિનો માલિક ગ્રહ ખુદ શનિ જ છે અને શનિ પોતાની રાશિમાં બળવાન બને તે સ્વાભાવિક છે. શનિના કુંભ રાશિના ભ્રમણ દરમિયાન વિવિધ રાશિઓના પનોતીના તબક્કા નીચે પ્રમાણે રહેશે.
મકર અને કુંભ રાશિને તો હજુ શનિના ચાબખા સહન કરવાના જ છે અને 75 દિવસ માટે મીન રાશિના જાતકો એ શનિની કસોટીમાંથી પસાર થવું પડશે. શનિનું આ ભ્રમણ જમ્મુ અને કાશ્મીર, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, યૂપી અને બંગાળ ઉપરાંત દિલ્હીમાં અણધાર્યા રાજકીય ફેરફારો લાવી શકે છે. 75 દિવસના આ ભ્રમણ દરમિયાન શેરબજાર રુમઝુમ બની નવા ઇન્ડેક્ષને સ્પર્શે તેવી પૂર્ણ શક્યતાઓ છે. 75 દિવસ શનિ વાયુ તત્વની કુંભ રાશિમાં ભ્રમણ કરશે આથી મે, જૂન અને જુલાઈ ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ થશે. સોનું, ચાંદી અને અન્ય મેટલના ભાવમાં વધારો થશે. સાથે-સાથે પેટ્રોલના ભાવમાં વધારો આવી શકે છે.
શનિનો કુંભ રાશિમાં પ્રવેશ તમારા માટે કેવો રહેશે? તમને લાભ કરશે કે નુકસાન? તેનું રાશિ પ્રમાણે અહી નિરૂપણ કર્યું છે.
મેષઃ- કુંભ રાશિના માત્ર 75 દિવસના ટૂંકા ભ્રમણ દરમિયાન સૌથી વધારે લાભ મેષ રાશિના જાતકોને થશે. કારણ કે શનિનું આ ભ્રમણ આ રાશિના જાતકોને લાભ સ્થાનમાં થશે. અણધાર્યા લાભ, સ્ત્રી મિત્રોથી લાભ અને સાથે-સાથે શેર બજારમાંથી સારી એવી કમાણી થશે.
વૃષભઃ- આ રાશિના જાતકોને વધુ મેહનતે ઓછો લાભ મળશે.
મિથુનઃ- આ રાશિને પનોતી ટૂંકા સમય માટે વિદાય લેશે આથી શારીરિક પીડા ઓછી થશે.
કર્કઃ- આ રાશિના જાતકોએ ટૂંકા સમય માટે આઠમો શનિ આરોગ્ય, અકસ્માત અને ગુપ્તાંગોના પ્રશ્નોનો કરી શકે છે.
સિંહઃ- આ રાશિના જાતકોએ દામ્પત્ય જીવન અને ભાગીદારી યુક્ત સાહસોમાં ખાસ ધ્યાન આપવું.
કન્યાઃ- આ રાશિના જાતકો માટે શનિનું આ ભ્રમણ છઠે હોઈ રોગમાં ઘટાડો, દેવામાં ઘટાડો અને શત્રુઓથી લાભ થવાના યોગ છે.
તુલાઃ- આ રાશિ 75 દિવસ પનોતીમાંથી બહાર હશે અને તેમના માટે શનિનું આ ભ્રમણ ન્યુટ્રલ રહેશે.
વૃશ્ચિકઃ- આ રાશિના જાતકો ચોથે શનિનું ભ્રમણ તમને હૃદયમાં અશાંતિ અને અસુખ આપે. વાહન અને મકાનની ખરીદી બાબતે સાવધ રહેવું.
ધનઃ- આ રાશિ માટે સમય સારો છે. ટૂંકા સમય માટે પનોતી જશે અને નાના લાભ મળશે.
મકરઃ- આ રાશિના જાતકોને થોડીક અને ટૂંકા ગાળાની માનસિક શાંતિ અવશ્ય મળશે.
કુંભઃ- આ રાશિના જાતકો માટે હજુ પનોતી ચાલુ જ છે. 75 દિવસનો સમયગાળો તમારા માટે કોઈ મોટા સમાચાર લાવશે નહિ.
મીનઃ- આ રાશિના જાતકો માટે 75 દિવસની પનોતી અને બારમો શનિ કસોટીકારક બનશે.
રાશિનું ટૂંકું નિરૂપણ કર્યા બાદ એવા જાતકો વિષે ખાસ વિચારીશું કે જેઓ કોઈ પણ સાલની 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ વચ્ચે જન્મેલા હોય અને આ તારીખ વચ્ચે જન્મેલા જાતકો માટે શનિ ટૂંકા સમય માટે ક્રૂર બનશે. ક્યાંક તન-મન અને ધનની પરેશાનીઓ વધશે એ બાબત ચોક્કસ છે. સાવધ રહેશો તો વધ નહિ થાય. અહીં આપેલા કુંભના શનિનું ભ્રમણનું ભવિષ્ય મેદનીય છે. ચોક્કસ ભવિષ્ય જાતકની વ્યક્તિગત કુંડળી પરથી નક્કી થાય.
(બંને લેખકો એ આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કર્યો છે.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.