ભાગ્યના ભેદ:શનિ પુનઃવક્ર ભાગ-2; 12 જુલાઈએ શનિનો મકર રાશિમાં ફરી પ્રવેશ, તુલાથી મીન જાતકોને આપશે શુભાશુભ ફળ

3 મહિનો પહેલાલેખક: ડૉ. પંકજ નાગર
  • કૉપી લિંક

લેખના અનુસંધાનમાં અમારા પ્રિય વાચકમિત્રો માટે એક ખાસ શુભ સમાચાર કે જો આપની કુંડળીમાં શનિ બળવાન એટલે કે તુલા, મકર કે કુંભ રાશિમાં હોય તો તેની નકારાત્મક અસરો નહીવત હશે. શનિ કસોટી કરનારો શ્રેષ્ઠ શિક્ષક છે. આથી જ મોટાભાગની સફળ વિભૂતિઓ શનિની અગ્નિ પરીક્ષામાંથી પસાર થાય પછી જ સફળતાની ટોચે બિરાજે છે. શનિના મુખ્ય શત્રુઓમાં સૂર્ય અને ચંદ્રને ગણાવી શકાય. આથી જ્યારે જ્યારે તમારા સૂર્ય અને ચંદ્ર પરથી શનિ પસાર થાય કે દૃષ્ટિમાં આવે ત્યારે તમને કપરાકાળના દર્શન કરાવે છે. આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે મિથુન, તુલા, ધન, મકર અને કુંભ રાશિના જાતકો ઉપરાંત જે જાતકોનો જન્મ કોઈપણ વર્ષની 15 જુલાઈથી 15 ઓગસ્ટ દરમિયાન હોય કે 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન હોય તેવા જાતકોએ શનિના આ ભ્રમણ દરમિયાન ખાસ ચેતતા રહેવું. ગત લેખમાં આપણે શનિના મકર રાશિના ભ્રમણ બાબતે કન્યા રાશિના જાતકો સુધીની ચર્ચા કરેલી. હવે અન્ય રાશિની શુભાશુભ અસરો વિષયક આગળ વિચારીએ.

તુલા:- તમારી રાશિથી આ શનિનું ભ્રમણ ચોથા ભાવમાં થશે અને તમે હવે નાની પનોતીના તબક્કામાં પ્રવેશ કરશો. હવે પછીનો સમય તમારા માટે ચિંતાજનક રહેશે. કલ્યાણ વર્મા, મન્ત્રેશ્વર, ભૃગુ, કશ્યપ અને સિદ્ધ ગ્રંથોના મત મુજબ શનિનું ચોથે સુખ સ્થાનમાં ભ્રમણ ભારે ખાનાખરાબી સર્જનારું અને અસુખ પેદા કરનારું બને છે. આવનારા સમયગાળામાં ક્યારેક કારણ વિનાની અશાંતિ, અજંપો, કાર્ય વિલંબના અનુભવો તમારી તંદુરસ્તી અને મનદુરસ્તી હણશે. શનિના આ ભ્રમણ દરમિયાન નાણાકીય વ્યવહારો, સરકારી કામકાજો ઉપરાંત કૌટુંબિક અને સામાજિક ક્ષેત્રે તમારે ખુબ જ સાવધાન રહેવું પડશે. દર શનિવારે સુંદરકાંડ અને 11 હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય કરવા.

વૃશ્ચિકઃ- મંગળ જે રાશિનો માલિક છે તેવા અતિ એગ્રેસિવ અને ઈમ્પલ્સીવ જાતકો માટે મકર રાશિના શનિનું ભ્રમણ તેમની રાશિથી ત્રીજા ભાવમાં થશે. આ ભ્રમણ રાશિથી ત્રીજે હોઈ લાભદાયી પણ બનશે. અત્યાર સુધી આપ જે તકલીફોમાં હતા હવે તેમાંથી તમે બહાર આવશો અને તંદુરસ્તીમાં પણ સુધારો થશે. નોકરીમાં અને ધંધા વ્યવસાયના સ્થળે તમારા માટે નવા લાભદાયી આયોજનો થશે. નામ દામ અને પ્રસંશાના તમે હકદાર બનશો. શનિનું આ ભ્રમણ તમારા જીવનમાં નવસંચાર અને નવજીવનનો સંદેશ લાવશે.

ધનઃ- જીવનના દરેક ક્ષેત્રે માત્ર અને માત્ર મેહનતથી જીવનારા જાતકો એટલે ધન રાશિના જાતકો. આ રાશિનો અધિપતિ ગ્રહ ગુરુ છે ગુરુ અને શનિ બંને સમ મૈત્રી ગ્રહો છે. આપ હવે શનિના આ ભ્રમણની સાથે જ પનોતીના અંતિમ તબક્કામાં પ્રવેશ કરશો. અહીં આપે વધુ મહેનત કરવી પડશે અને તે પણ ઓછા ફળની આશા સાથે. નિરાશા અને હતાશા ક્યારેક આપને ઘેરી વળે તો અકળાતા નહીં. માનસિક ટેન્શન અને વ્યગ્રતા આપને કૌટુંબિક અને સામાજિક આક્રોશમાં રાખશે. જેટલી તમારી પૂજા અને ભક્તિ વધારે એટલો તમારો બચાવ પણ થશે. અલબત્ત ઉતરતા પાયે આ ભ્રમણ તમને સોનાના સૂરજના દર્શન પણ કરાવશે તે હકીકત છે. શનિના કવચ પાઠ –સાવચેતી –સહનશક્તિ અને વાણી પરનો કાબૂ તમને વિપરીત સમયમાં બચાવશે.

મકરઃ- શનિનું આ ભ્રમણ તમારા ચંદ્ર પર થશે અને આ ગાળામાં તમે પનોતીના બીજા તબક્કામાં હશો કે જે શાસ્ત્રોક્ત દૃષ્ટિએ અશુભ કહી શકાય. શનિ મૂળભુત રીતે ક્રૂર ગ્રહ હોઈ કયારેક તનની તકલીફો તો કયારેક મનની મુંઝવણો આપને દ્વિઘામાં રાખશે. રાશિ પર શનિનું ભ્રમણ તમને એકાદ મોટા ખર્ચ કે કરજમાં નાખે તે સંભાવના પણ નકારી શકાય નહીં. સરકારી લફડા જેવા કે ઇનકમ ટેક્સ, સેલટેક્ષ, એક્સાઇજ વગેરેથી દૂર રહેશો તો મનની શાંતિ જળવાશે. ખાસ કરીને પોલિસ તંત્ર –કોર્ટ –કચેરી અને કાયદાકીય ગૂંચથી છેટા રહેજો કારણ કે આ બાબતો આ ભ્રમણ દરમિયાન સામાન્ય હોય છે. અહીં ડરવા કે રડવા કરતા શનિની ઉપાસના અને હનુમાનજીની પૂજા કરશો તો તે તમને બચાવશે.

કુંભઃ- મકર રાશિના શનિનું આ ભ્રમણ કુંભ રાશિના જાતકો માટે કુઠારાઘાત સમાન બનશે કારણ કે શનિનું આ ભ્રમણ તમારી રાશિથી બારમા સ્થાનમાં થશે અને બારમાં સ્થાનમાં શનિના ભ્રમણને મુનિ મંતરેશ્વર, પરાશરે અને અત્રિ તેમજ ભૃગુએ અતિ કષ્ટદાયી અને નિરાશાજનક કહ્યું છે. આ ભ્રમણ દરમિયાન અણધાર્યા સંકટો, અટકેલાં કાર્યમાં ગતિ અવરોધકો મનની અશાંતિ વધારશે અને દુઃખમાં વધારો કરશે. પરદેશગમન વાંછુંઑ હમણાં ધીરજ ધરજો. અહીં ક્યારેક અણધાર્યા ખર્ચ, અકસ્માત અને દોડાદોડી તમારા જીવનપ્રવાહને રોકશે. હનુમાનજીને તેલ સિંદુર ચઢાવવા ઉપરાંત શનિના વેદોક્ત મંત્ર અવશ્ય કરવા.

મીનઃ- આ ભ્રમણ આપની રાશિથી આપના લાભ સ્થાનમાં થશે જે ક્યારેક નોકરી, ધંધા કે વ્યવસાય ક્ષેત્રે તમને શ્રેષ્ઠ સમાચાર આપશે કારણ કે શનિનું લાભ સ્થાને ભ્રમણ એટલે સ્વર્ગની અનુભૂતિ. ખાસ કરીને મિત્રો અને સ્ત્રી મિત્રો તમારા માટે અનુકૂળ બનશે. ઓછી મહેનત અને મોટું વળતર આ શનિનો મુખ્ય સંકેત છે. મકરના શનિનું આ ભ્રમણ તમારા જીવનનો સુવર્ણકાળ બનશે. આ ભ્રમણને ઓળખો અને સિદ્ધિઓને મેળવો તે તમારો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ કારણ કે ગોચરનું આ ભ્રમણ તમને ન્યાલ કરશે તેમાં કોઈ શક નથી.
શનિના મકર રાશિના ભ્રમણ સંદર્ભે આપેલું રાશિવાર ભવિષ્ય કથન મેદનીય અને સર્વ સામાન્ય છે. દરેક ગ્રહોની અસર અંતે તો જાતકની મૂળ કુંડળી પર અને તેની સબળ-નિર્બળ ગ્રહસ્થિતિ પર આધારિત છે આથી સારું સારું વાંચી ઉત્સાહમાં આવવાનો કોઈ અર્થ નથી અને અશુભ વાંચી દુઃખી થઈ રડવાનું કે ડરવાનું કોઈ કારણ નથી. શનિ કર્મ સાથે જોડાયેલો ગ્રહ છે આથી તમે શનિના આ ભ્રમણ દરમિયાન જેટલા શુભ કર્મ કરશો એટલો લાભ અને સહાય શનિ તમને કરશે તે બાબત નિ:શંક છે.

શનિનું ભ્રમણ શુભ હોય કે અશુભ પરંતુ શનિના શાસ્ત્રોક્ત મંત્ર અને હનુમાનજીની ઉપાસના જાતકને માર્ગ બતાવે છે તે વાત પણ નિશ્ચિંત છે. સાથે-સાથે જે જાતકો કાળા ઘોડાની નાળનો પ્રયોગ કરી શકતા હોય તેવા જાતકો પર શનિ પ્રસન્ન થાય છે. જે જાતકો આ ભ્રમણ દરમિયાન પનોતીમાં હોય તેઓએ નીચે પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય કરવા.

  • દર શનિવારે હનુમાનજીના મસ્તક પર લાલ દોરામાં 21 લવિંગ માળા બનાવી પહેરાવવી. આ વિધિ સતત 51 શનિવાર કરવી.
  • દર શનિવારે હનુમાનજીના ડાબા પગ પર તલનું તેલ અને સિંદુર ચઢાવવા.
  • હનુમાન ચાલીસાનું સતત મનન અને વાંચન કરવું.
  • સુંદરકાંડના પાઠ દર મંગળવારે કરવા.
  • પથારીની નીચે એક લોખંડનો ટુકડો, હળદરનો ગાંગડો, મીઠા અને ફટકડીના ટુકડા ઉપરાંત લાકડાના કોલસાનો એક નાનો ટુકડો મૂકીને સૂઈ જવું.
  • શનિના વેદોક્ત અને શાસ્ત્રોક્ત મંત્ર જાતે કરવા.
  • સુકર્મ અને પ્રમાણિકતાની સાથે રહેશો તો પનોતી આપોઆપ દૂર રહેશે.
  • આપ કૂકર્મ કરશો તો સેટર્ન(શનિ)તમે સેટ થયેલા હશો તો પણ ખોટો ટર્ન આપશે પણ જો તમે સુકર્મ કરશો તો સેટર્ન તમને સેટ કરશે અને અર્ન(કમાણી) પણ કરાવશે

શુભમ ભવન્તુ- (શનિનો આ લેખ drpanckaj@gmail.comએડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે.)