ભાગ્યના ભેદ:શનિ પુનઃવક્ર ભાગ-1; 12 જુલાઈએ શનિનો મકર રાશિમાં ફરી પ્રવેશ, મેષથી કન્યા રાશિના જાતકોને આપશે શુભાશુભ ફળ

3 મહિનો પહેલાલેખક: ડૉ. પંકજ નાગર
  • કૉપી લિંક

શનિની મેહરબાની હોય કે હેરાનગતિ હોય તેનું સામ્રાજ્ય મનુષ્ય શરીર પર છેક માથાથી પગની પાની સુધી હોય છે. કારણ કે જ્યારે પનોતીની વાત આવે ત્યારે પનોતીનો પ્રથમ તબક્કો મસ્તક પર બીજો તબક્કો છાતીએ અને અંતિમ તબક્કો પગની પાની સુધીનો હોય છે આ બાબતથી વાચક વર્ગ પરિચિત છે જ. શનિની અવકૃપા ક્યારેય ઈશ્વરને પણ છોડે નહીં તેનું એક ઉદાહરણ જગપ્રસિદ્ધ છે. એકવાર દેવોની સભામાં શનિએ ભગવાન શિવને કહેલું કે હું તમારા જીવનમાં પનોતી સ્વરૂપે આવીશ ત્યારે ભગવાન શિવે શનિને કહેલું કે તું મારૂ શું બગાડી લેવાનો કારણ કે હું તો સ્વયં મહાદેવ દેવાધિદેવ છું અને મૃત્યુનો નિર્ણાયક છું. શનિ અને શિવના આ સંવાદ પછી લગભગ સવા બે વર્ષ સુધી ભગવાન શિવ દેવોની સભામાં દેખાયા નહીં અને અચાનક સવા બે વર્ષ બાદ સભામાં ઉપસ્થિત થઈ શનિને પૂછ્યું કે બોલ તે મારૂ શું બગાડી લીધું? શિવની આ વાત સાંભળી શનિએ શિવને પૂછ્યું કે હે દેવાધિદેવ આ સવા બે વર્ષ દરમિયાન આપ ક્યાં હતા? ત્યારે શિવ ભગવાને શનિને કહ્યું કે તું મારૂ કશું જ ના બગાડી શકે એટલે હું હિમાલયની ગુફામાં તપસ્યા કરવા ગયેલો. શનિએ શિવની વાત ધ્યાનથી સાંભળી અને અટ્ટહાસ્ય સાથે કહ્યું કે હે પ્રભુ બસ મારૂ કામ અને પનોતીનો ચમત્કાર અહીં પૂર્ણ થયો કારણ કે મારૂ કામ જ પનોતી દરમિયાન લોકોને તેમના કુટુંબ-સમાજથી છૂટા પાડી એકાંતવાસ આપવાનું છે અને મેં આપના કિસ્સામાં સિદ્ધ કરી બતાવ્યુ છે.

શિવને શનિની પનોતીનો પરચો મળી ગયો. ખુદ ભગવાન જ આમાંથી બાકાત રહી શક્યાં નહીં તો આપણી શું વિસાત? તમે ગમે તેવા ફની હોવ પણ શનિની પનોતી અને દુષિત અસરો તમારા ફની સ્વભાવને ગ્લાનિમાં તબદીલ કરી શકે. તમારી પાસે ગમે તેટલી મની હોય પણ શનિ તમારી લાજ રાખે નહિ. આવો શનિ 12 જુલાઈની બપોરે પુનઃવક્ર ગતિથી કુંભ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે અને 17 જાન્યુઆરી 2023 સુધી મકર રાશિમાં જ ભ્રમણ કરશે. શનિ આ દરમિયાન 12 જુલાઈ 2022 થી 23 ઓક્ટોબર 2022 સુધી મકરમાં જ વક્ર ભ્રમણ કરશે. આ સમય દરમિયાન ભારે વરસાદ, પૂરનો પ્રકોપ અને જળથી માલ અને જાનહાનિની દુઃખદ ઘટનાઓ સર્જાશે. આ દરમિયાન બિનભાજપી સરકારના સમીકરણો ભાજપ સરકાર તરફી હશે. 12 જુલાઈ-2022 થી 17 જાન્યુઆરી 2023 સુધી ગુજરાત સરકારનો જયજયકાર થશે અને પુનઃ ભાજપ બહુમતી સાથે ગુજરાતમાં સત્તા આરૂઢ થશે. હાલના મુખ્ય મંત્રી શ્રીભુપ્રેન્દભાઈ પટેલ માટે આવનારો સમય તેમને પુનઃ મુખ્ય મંત્રી સ્થાને બિરાજમાન કરાવે તેવા યોગ દેખાય છે. સોનું ચાંદી અને પેટ્રોલના ભાવ ઘટશે. શેર બજારમાં 22 ઓક્ટોબરથી 17 જાન્યુઆરી 2023 સુધી મંદીનો માહોલ રહે. મકરના શનિમાં યુદ્ધનો માહોલ દેખાતો નથી. રાશિ વાર વિચારીએ તો....

મેષઃ- તમારી રાશિથી કર્મ સ્થાને થનારું આ ભ્રમણ તમારા નોકરી-વ્યવસાય અને ધંધામાં કયારેક આકસ્મિક અને આઘાતજનક ફેરફારો લાવી શકે. પિતાની તંદુરસ્તી બાબતે સાવધાન રહેવું જરૂરી છે. ઓક્ટોબર 2022 સુધી કોઈ મહત્ત્વના નિર્ણય તમને ગુંચ અને ગુંચવાડામાં નાખી શકે છે. અલબત્ત તે પછીનો સમય અનુકુળ છે. મકરના શનિનો આ સમય 17 જાન્યુઆરી 2023 સુધી ક્યારેક નિષ્ફળતા તો કયારેક સફળતા તરફ દોરી જનારો જણાય છે પણ મોટાભાગે તમે સાવધ હશો તો વધ થશે નહીં.

વૃષભ:- શનિ તમારી રાશિમાં યોગકારક બને છે. ભાગ્ય સ્થાને શનિનું આ ભ્રમણ ભાગ્યના નવા દરવાજા ખોલે અને કોઈ અણધારી તક તમારી તકદીરને આસમાને ઉડાવે તો નવાઈ નહીં. વિદેશ યાત્રા, પાસપોર્ટ અને વિઝાના કામમાં આ શનિ વેગ આપે અને વિદેશ યાત્રાની તમારી મંછા પૂર્ણ કરે સાથે-સાથે તમારે કોઈ ધાર્મિક કાર્ય કે ધર્મ યાત્રા કરવી હોય તો આ શનિ તમને અવશ્ય સહકાર આપશે. તંદુરસ્તી અને જુના રોગમાં મકરનો શનિ રાહત આપશે.

મિથુન:- શનિનું આ ભ્રમણ તમને પુનઃ પનોતીમાં લાવશે. અહીં તમારે તબિયતની ખૂબ જ કાળજી લેવી પડશે. સ્નાયુના દુખાવા, હાડકાની તકલીફો અને વાયુગત રોગોથી તમારે સાવધ રહેવું જરૂરી છે. માનસિક તાણ અને અણગમો, ક્યારેક નકારાત્મક વિચારો તમને પરેશાન કરશે. આઠમો શનિ તમને ભયમાં રાખશે. કૌટુંબિક સંબંધો પર તમારે વધારે ધ્યાન આપવું પડશે. ટૂંકમાં તન મન ધનની સુરક્ષા આ શનિનો સંકેત છે.

કર્ક:- શનિના આ ભ્રમણ દરમિયાન દાંપત્ય જીવન તમારા માટે એક પડકાર બનશે. ભાગીદારીયુક્ત સાહસો નુકસાન કરાવે તો ક્યારેક ભાગીદારો વચ્ચે મન દુઃખ પણ કરાવે. છૂટાછેડા પર અટકેલાં અને લટકેલાં લગ્ન જીવનમાં ભંગાણ એ આ શનિનો નેગેટિવ સંદેશ છે. આ શનિ તમારા જાહેર જીવન અને ધંધા પર વિપરીત અસર કરે. ગુદા અને ગુપ્તાંગોના રોગથી સાવધ રહેવું ખૂબ જ જરૂરી છે. પાચનશક્તિ પર ધ્યાન પણ આપવું જરૂરી બનશે.

સિંહઃ- આ જાતકો માટે શનિનું ભ્રમણ છઠા રોગ શત્રુ અને ઉપચય સ્થાનમાં થશે. મન્ત્રેશ્વર અને પરાશરે શનિના આ ભ્રમણને વિજયી ભવેત અને શ્રેષ્ઠ કહ્યું છે. સિંહ રાશિના જાતકો માટે શનિનો આ સમયગાળો સફળતા, આનંદ અને શુભાશુભ સમાચાર આપનારો હશે તે બાબત નિશ્ચિંત છે. જો તમે કોઈ જૂના રોગ કે અસાધ્ય રોગથી પીડાતા હશો તો તમને કોઈ નવા વૈદ્ય કે દવા મળશે અને તમારી તંદુરસ્તી વધશે. કોર્ટ કચેરી અગર તો કોઈ પણ વિવાદમાં તમે ફસાયેલા હોવ તો તમારો ચોક્કસ વિજય થશે. દેવામાં ઘટાડો થશે અને શત્રુઓનો નાશ થશે. શનિનું આ ભ્રમણ એટલે તમારી ઘણી બધી ચિંતાઓમાં ઘટાડો અને ખુશીઓમાં વધારો.

કન્યાઃ- શનિનું મકર રાશિમાં ભ્રમણ તમારા માટે શુભ સંકેત સમાન બનશે. તમારી રાશિથી શનિનું આ ભ્રમણ પાંચમાં સ્થાનમાં થશે. અહીં તમે હૃદય અને મનથી પ્રફુલ્લિત રહેશો. અલબત્ત અહીં તમારે શેર-સટ્ટાખોરીથી દુર રહેવું પડશે. નિ:સંતાન દંપતિઓ માટે આ શનિ આશીર્વાદરૂપ બનશે. ક્યારેક આધ્યાત્મિક અને ધાર્મિક વાતાવરણ તરફ ખેચાંતા હોવ તેવો દૈવી અનુભવ આ ભ્રમણમાં થશે. શનિનું આ ભ્રમણ એટલે ટોટલ ટ્રાન્સફોર્મેશન ટુ પોઝિટિવિટી. પ્રેમ પ્રણયના કિસ્સામાં સાવધાની પૂર્વક આગળ વધવું.

(શનિનો આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે.)