8 જાન્યુઆરી, રવિવારે વર્ષનું પહેલું પુષ્ય નક્ષત્ર રહેશે, જેથી રવિ પુષ્ય સંયોગ બનશે. આ દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ પણ બનશે, એટલે ખરીદી અને નવી શરૂઆત માટે આખો દિવસ શુભ રહેશે. આ સંયોગને જ્યોતિષમાં સૌથી સારું મુહૂર્ત કહેવામાં આવે છે. જ્યોતિષના જાણકારો પ્રમાણે, આ સંયોગમાં કરવામાં આવતાં કાર્યોમાં સફળતા મળવી લગભગ નક્કી હોય છે, એટલે આવા જ સંયોગમાં ખરીદી, લેવડ-દેવડ, રોકાણ સાથે જ નોકરી અને બિઝનેસમાં નવી શરૂઆત કરવી ફાયદાકારક માનવામાં આવે છે.
આ શુભ મુહૂર્ત અંગે પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે, રવિવારે પુષ્ય નક્ષત્ર સાથે જ સર્વાર્થસિદ્ધિ, બુધાદિત્ય અને શ્રીવત્સ યોગ રહેશે. ચંદ્ર ઉપર ગુરુની દૃષ્ટિ પડવાથી ગજકેસરી યોગનું ફળ પણ મળશે. નક્ષત્રોના આ શુભ સંયોગમાં કરવામાં આવતાં કાર્યોમાં સફળતા અને ફાયદો મળવાની શક્યતા વધી જશે. આ વર્ષના પહેલા પુષ્ય સંયોગની શરૂઆત 8 જાન્યુઆરીએ થશે. આ નક્ષત્ર સવારે લગભગ 7 વાગે શરૂ થશે અને બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી રહેશે. આ દિવસે રવિવાર હોવાથી એને રવિ પુષ્ય કહેવામાં આવશે.
કાશી વિદ્વત્ત પરિષદના મહામંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે, 2023માં પાંચ વખત રવિ પુષ્ય અને બે વખત ગુરુ પુષ્યનો સંયોગ બનશે. આ પ્રકારે આખા વર્ષમાં પુષ્ય નક્ષત્રથી કુલ 7 મોટાં શુભ મુહૂર્ત બનશે.
પુષ્ય નક્ષત્ર સ્થાયી હોય છે
તિરુપતિના જ્યોતિષાચાર્ય ડો. કૃષ્ણ કુમાર ભાર્ગવના જણાવ્યા પ્રમાણે, બધા 27 નક્ષત્રમાં પુષ્યને રાજા માનવામાં આવે છે. આ નક્ષત્રને શાસ્ત્રોમાં અમરેજ્ય પણ કહેવામાં આવે છે, એટલે એ નક્ષત્ર જે જીવનમાં સ્થિરતા અને અમરતા લઈને આવે છે. આ નક્ષત્રમાં લગ્ન માટે કરવામાં આવતી ખરીદીથી સંબંધોમાં મીઠાશ અને મજબૂતી આવે છે. પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ હોય છે, પરંતુ પ્રકૃતિ ગુરુ ગ્રહ સમાન હોય છે. જ્યારે પણ રવિવારે પુષ્ય નક્ષત્ર આવે છે ત્યારે એનાથી બનતો રવિ પુષ્ય યોગ સુખ-સમૃદ્ધિ અને સફળતા આપનારો હોય છે, એટલે પુષ્ય નક્ષત્રમાં લગ્ન માટે ખરીદી કરવાની પરંપરા છે.
સોનું પુષ્ય નક્ષત્રની ધાતુ છે
આ પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવતી ખરીદી સમૃદ્ધિ આપનારી હોય છે. આ નક્ષત્રની ધાતુ સોનું છે. આ યોગમાં લગ્ન માટે સોનું અને ઘરેણાં ખરીદવાથી સમૃદ્ધિ બની રહે છે. પુષ્ય નક્ષત્રમાં રિયલ એસ્ટેટ સાથે જ વાહન, મશીન અને અન્ય સ્થાયી સંપત્તિમાં કરવામાં આવતું રોકાણ લાંબા સમય સુધી ફાયદો આપે છે. આ દિવસે ચાંદી, કપડાં, વાસણ, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુની ખરીદી પણ શુભ રહે છે. આ શુભ મુહૂર્તમાં વાહન ખરીદવાથી એનો ફાયદો લાંબા સમયગાળા સુધી મળી શકે છે. આ શુભ સંયોગમાં નવો બિઝનેસ અને નોકરીની શરૂઆત કરવી પણ ફળદાયી માનવામાં આવે છે.
શનિ અને ગુરુનું નક્ષત્ર
પુષ્યને નક્ષત્રોનો રાજ કહેવામાં આવે છે. પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ હોય છે, પરંતુ દેવ ગુરુ બૃહસ્પતિને આ નક્ષત્રના અધિષ્ઠાતા દેવ માનવામાં આવે છે, જ્યારે ચંદ્ર પોતાની રાશિ એટલે કર્કમાં આવે છે, ત્યારે કર્ક રાશિમાં 3 અંશ 40 કળાથી 16 અંશ 40 કળા સુધી પુષ્ય નક્ષત્ર હોય છે. આ નક્ષત્રને પોષણ કરનાર માનવામાં આવે છે. શનિના કારણે આ નક્ષત્રમાં કરવામાં આવેલાં કામ લાંબા સમય સુધી ફાયદો આપનારો હોય છે અને બૃહસ્પતિના પ્રભાવથી તે શુભદાયી અને સમૃદ્ધિ આપનાર હોય છે. આ નક્ષત્રમાં ખરીદી, નવા કામની શરૂઆત અને ઔષધિ ગ્રહણ કરવી શુભ હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.