ભાગ્યના ભેદ:રાહુનું મેષમાં પરિભ્રમણ ભાગ-2; મેષનો રાહુ તુલાથી મીન રાશિના જાતકો ઉપર કેવી અસર કરશે?

5 મહિનો પહેલાલેખક: ડૉ. પંકજ નાગર
  • કૉપી લિંક

જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને ઇન્ટરનેટના શાસ્ત્રમાં યાહુ આ બે શબ્દોનું ભારે સામ્રાજય-પ્રચાર અને પ્રસાર છે. જેમ ઇન્ટરનેટના તરંગોને જોઈ શકાતા નથી તેમ રાહુના પણ કોઈ કિરણો કે તરંગો નથી. રાહુ માત્ર એક છાયા છે. રાહુ એક રાશિમાં 18 માસ રહે છે અને તે કાયમી વક્ર ગતિથી ચાલનારો પડછાયો છે. શાસ્ત્રમાં આ પડછાયાના બે ટુકડા કર્યા છે. પડછાયાનો ચહેરો(માથું)એટલે રાહુ અને પડછાયાનું ધડ એટલે કેતુ. દેવોની સભામાં રાહુ છાનોમાનો જઈ અમૃત પી ગયેલો એટલે તેને અમરત્વ મળી ગયું છે આથી જ રાહુ આજે પણ બ્રહ્માંડમાં પડછાયા સ્વરૂપે અને લોકોના મન અને દિલમાં જુઠ-અનીતિ-કપટના સ્વરૂપે બિરાજમાન છે. ગતાંકમાં કન્યા રાશિના જાતકો સુધી ચર્ચા કરેલી. તા.12 એપ્રિલ 2022 ના રોજ રાહુ મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તુલાથી મીન રાશિનો વિચાર કરીએ.

તુલા- રાહુનું આ ભ્રમણ તમારા સાતમા જીવનસાથી અને ભાગીદારી સ્થાનમાં થશે. ભાગીદારો કાયદાકીય તકલીફો ઉભી કરી તમને ધંધા વ્યવસાયમાં નુકસાન કરાવી શકે છે. દાંપત્યજીવનમા ખટરાગ અને ભાગીદારીયુક્ત સાહસોમાં મનદુઃખ એ આ રાહુનો પ્રકોપ હશે. આ રાહુ ક્યારેક તમને સામાજિક અને જાહેર જીવનમાં પણ નામોશી અપાવી શકે છે અને પાચનક્રિયાના રોગ થવાની શક્યતા આવી શકે છે. ક્યારેક અનિંદ્રાનો એહસાસ અને વધુ પડતા વિચારો તમને ડિસ્ટર્બ કરશે. દોઢ વર્ષ દાંપત્યજીવન સંભાળજો કારણ કે આ રાહુ ડિવોર્સ અગર કોર્ટ કચેરીના વિષ ચક્રમાં તમને નાખી શકે છે.

વૃશ્ચિક- રાહુના મેષ રાશિમાં ભ્રમણની સાથે જ રાહુના સાતમા ભ્રમણમાંથી મુક્ત બનશો. રાહુના છઠ્ઠે ભ્રમણથી તમે દાંપત્યજીવન અને ભાગીદારીના ચક્કરમાંથી હેમખેમ બહાર આવશો. આપ પહેલાં કરતાં થોડાક ચિંતા રહિત બનશો. આ રાહુ આપને સળંગ દોઢ વર્ષ નવા ધંધાકીય સાહસ તરફ લઈ જશે જ્યાં સાનુકૂળતા અને લાભ હશે. અત્યાર સુધીના કોઈ પણ કોર્ટ કચેરીના કેસમાં આ રાહુ તમને જય વિજય અપાવશે અને અજબ ગજબની તરફેણ કરશે. જમીન કે મકાનની ગૂંચ આસાનીથી ઉકેલશે. મેષનો રાહુ તમારા મસ્તકે ઇજ્જતની પાઘડી બનીને રહેશે. રાહુનું દોઢ વર્ષનું આ ભ્રમણ એટલે તમારી જાહોજહાલી અને લીલા લહેર.

ધન- રાશિથી મેષ રાશિનો રાહુ પાંચમાં સ્થાનમાં ભ્રમણ કરશે. અહીં દોઢ વર્ષ દરમિયાન તમારા પૂર્વ જન્મના સંચિત કર્મોનો સારો નરસો હિસાબ થશે. સંતાનો તરફથી ભારે સંતાપ અને કનડગત નક્કી જણાય છે. તમારી પ્રગતિ અને ઉન્નતિમાં સંતાન અવરોધ બને તો નવી નહિ. શેર સટ્ટામાં ભારે નુકસાન નક્કી હશે આથી શેર બજારથી દૂર રહેજો અન્યથા ભારે દેવું ભરવું પડશે. વિદ્યાઅભ્યાસમાં ધારી સફળતા નહિ મળે અને પ્રણયભંગ થાય તો બિલકુલ નવાઈ પામતા નહિ કારણ કે આ બધું મેષનો રાહુ કરાવશે.

મકર- શનિની આ રાશિના જાતકો માટે આ રાહુનું ભ્રમણ તેમની રાશિથી ચોથે થશે. સુખ સ્થાનમાં રાહુનું ભ્રમણ પારાશર અને કલ્યાણ વર્મા અશુભ ગણે છે. આવનારા દોઢ વર્ષમાં તમારી સામે હૃદય, બીપી, સુગરને લગતી સમસ્યાઓ આ રાહુ પેદા કરે તો નવાઈ નહીં. જો તમે જમીન-મકાન કે બાંધકામનું કામ કરતા હોવ તો આ રાહુ તમને આર્થિક દૃષ્ટિએ કયારે બંદી બનાવી દે તે નક્કી નહીં. કોઈ રોકાણ વગર વિચારે કરતાં નહીં અન્યથા આ રાહુ તમને અજંપામાં રાખશે. રાહુનું આ ભ્રમણ તમારા માટે તન-મન અને ધનથી નેગેટિવ હોઈ ચેતતા રહેજો. માતાની તબિયતનું ધ્યાન રાખવાનું આ રાહુ સંકેત આપે છે. વાહન અકસ્માતથી ચેતવું.

કુંભ- રાશિનો અધિપતિ શનિ અને રાહુ બંને મિત્ર ગ્રહો હોવાથી આ ભ્રમણ તમને લાભદાયી બનશે. કારણ કે તમારી રાશિથી રાહુનું આ ભ્રમણ ત્રીજા સ્થાનમાં થશે અને હવે તમે રાહુના ચોથા ભ્રમણના બંધનથી મુકતો હશો. રાહુનું આ ભ્રમણ આવનારો દોઢ વર્ષનો સમય તમારા માટે સફળતાના સ્વર્ગનું સર્જન કરશે. આ ભ્રમણ દરમિયાન કોઈ દસ્તાવેજી કાર્ય કે રોકાણ ભવિષ્યમાં લાભ આપશે. ભાઈભાંડું તરફથી લાભના સંકેત અને સંદેશ આ રાહુ આપે છે. શાંતિ અને હૃદયમાં સુખના અહેસાસની અનુભૂતિ એટલે રાહુનું આ ભ્રમણ. આ રાહુના ભ્રમણ દરમિયાન મકાન-જમીન કે વાહનને લાગતું કામ હાથ પર લેશો તો સફળતા અને લાભ નક્કી જ છે.

મીન- આ રાશિના જાતકો માટે રાહુનું આ ભ્રમણ તેમના બીજા સ્થાનમા થતું હોઈ તમારા માટે આવનારું દોઢ વર્ષ એક નાનો રાજયોગ, ભાગ્યોદયની કોઈ નવી તક અને પ્રગતિના દરવાજા ખોલશે તે વાત નિશ્ચિત છે. જો તમે વિદેશ યાત્રા કે વિદેશમાં ગ્રીન કાર્ડ અગર સિટીજનશીપ માટે પ્રયત્ન કરતાં હોવ તો રાહુનું આ ભ્રમણ તમને ફળશે. ધંધામાં વિસ્તૃતિકરણ અને નફો આ રાહુનો મર્મ હશે. રાહુનું આ ભ્રમણ એટલે સફળતાનો શ્વાસ અને એહસાસ. આપને એક સુચન કે રાહુના આ ભ્રમણ દરમિયાન વાણી વિલાસથી ચેતજો કારણ કે ભાગ્ય અને ધન તમારા શરણમાં હશે પણ વાણી નિયંત્રણ ગુમાવશો તો સંબંધોનું મરણ થશે.

મેષના રાહુનું ભ્રમણ ફળ મેદનીય છે. વ્યક્તિગત કુંડળી તલસ્પર્શી આગાહીનો આધાર છે. રાહુની દૂષિત અસરોથી બચવા ભગવાન શિવની લઘુ રુદ્રી શ્રેષ્ઠ ઉપાય છે. ઉપરાંત રાહુની વિપરીત અસરોથી બચવા ઘરના નૈઋત્ય ખૂણામાં કાળી મેશ વડે દર બુધવારે સાથીયો દોરવો. કલ્યાણ વર્માના મતે રાહુની દુષિત અસરોથી મુક્ત રેહવા ચાંડાલને અમાવસના દિવસે ભોજન કરાવવું.

(બંને લેખકો એ આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કર્યો છે.)