• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Nine nine Planets Have Changed Zodiac In April; The Influence Of These Planets Now Signals Many Changes In Human Life And Country world

ગ્રહોનું ફળ:એપ્રિલમાં નવેનવ ગ્રહોએ રાશિ બદલી છે; શનિના રાશિ પરિવર્તનથી કુંભ અને રાહુના પરિવર્તનથી વૃષભ રાશિના જાતકોએ ખૂબ સાચવવું

2 મહિનો પહેલાલેખક: અનુજ પંડ્યા

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તન એટલે કે ગોચર પરથી દરેક રાશિના જાતક તેમજ દેશ-દુનિયા પર આવનારા પરિવર્તનનો અભ્યાસ કરી શકાય છે. આ ઉપરાંત તેમની પરિસ્થિતિનો અંદાજો પણ લગાવી શકાય છે. આ કારણોસર સમયાંતરે થતા ગ્રહોના રાશિ પરિવર્તન દ્વારા સમગ્ર માનવજીવન પર થનારી અસરો વિશે જણાવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. એપ્રિલ મહિનામાં નવે-નવ ગ્રહોએ રાશિ પરિવર્તન કર્યું છે. સામાન્યત: સૂર્ય, બુધ, શુક્ર તો ટૂંકાગાળામાં જ રાશિ બદલી નાખતા હોય છે. પરંતુ અન્ય ગ્રહોનાં રાશિ પરિવર્તનનો સમય ઘણો વધારે હોય છે.

ગયા મહિને ઘણાં ગ્રહોએ રાશિ પરિવર્તન કર્યું છે. આ સાથે જ આ વર્ષનું સૂર્યગ્રહણ 30 એપ્રિલે થઇ ચૂક્યું છે. આ બધી જ ઘટનાઓ નજીકના ગાળામાં થવાથી દેશ-દુનિયા તથા લોકોના જીવનમાં ઘણા બદલાવો તરફ સંકેત કરે છે.

ગ્રહપહેલાની રાશિહાલની રાશિગોચરની તારીખ
સૂર્યમીનમેષ14 એપ્રિલ
બુધમીનમેષ8 એપ્રિલ
બુધમેષવૃષભ25 એપ્રિલ
શુક્રકુંભમીન27 એપ્રિલ
મંગળમકરકુંભ7 એપ્રિલ
ગુરુકુંભમીન13 એપ્રિલ
શનિમકરકુંભ29 એપ્રિલ
રાહુવૃષભમેષ12 એપ્રિલ
કેતુવૃશ્ચિકતુલા12 એપ્રિલ

સૌપ્રથમ સૂર્યની વાત કરીએ તો 14 એપ્રિલે મીન રાશિમાંથી મેષ રાશિમાં ગોચર કર્યું છે. આ પહેલાં બુધ ગ્રહએ પણ 8 એપ્રિલે મીનમાંથી મેષ રાશિમાં અને ફરી 25 એપ્રિલે મેષમાંથી વૃષભ રાશિમાં ગોચર કર્યું છે. આ સાથે જ શુક્રએ પણ 27 એપ્રિલે કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. મંગળે પણ 7 એપ્રિલે મકરમાંથી કુંભ રાશિમાં ગોચર કર્યું છે. ગુરુ દર વર્ષે રાશિ બદલે છે. તેણે પણ 13 એપ્રિલે કુંભમાંથી સ્વરાશિ મીનમાં ગોચર કર્યું છે. દર અઢી વર્ષે રાશિ બદલતા અને સૌથી ધીમા ગ્રહ મનાતા શનિએ પણ 29 એપ્રિલના રોજ મકરમાંથી સ્વરાશિ કુંભમાં પ્રવેશ કર્યો છે. સદૈવ વર્કી એટલે ઊંધા ચાલતા છાયા ગ્રહો રાહુ અને કેતુએ પણ 12 એપ્રિલે ક્રમશઃ વૃષભમાંથી મેષ અને વૃષિકમાંથી તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે.

હવે વાત રાશિ પરિવર્તનથી થતી અસરો વિશે વિગતે વાત કરીએ

  • સૌપ્રથમ શનિની વાત કરીશું. આ ગ્રહના પરિવર્તનથી ઘણાં જાતકોને લાભ તેમજ ઘણાંને હાનિ પણ થઇ શકે છે. શનિ ન્યાયનો કારક માનવામાં આવે છે. આ ઉપરાંત એક પૌરાણિક કથા અનુસાર શનિદેવને પિતા સૂર્ય દ્વારા કુંભ રાશિ ઘર તરીકે ભેટ આપવામાં આવી છે. તેથી આ રાશિમાં શનિનું બળ સૌથી વધારે જોવા મળતું હોય છે. આ સાથે જ કુંભ રાશિમાં પ્રવેશના કારણે ધન રાશિના જાતકો સાડાસાતીમાંથી મુક્ત થયા છે. તો આ રાશિના તમામ જાતકોને સહજપણે રાહત અનુભવાશે. આ ઉપરાંત મકર રાશિના જાતકોને પણ ઉતરતી પનોતીમાં સારું ફળ મળશે અને મહ્દઅંશે રાહત થશે. કુંભ રાશિની વાત કરીએ તો આ રાશિના જાતકોએ ખૂબ જ ધ્યાન રાખવું. મન-કર્મ-વચનથી પવિત્ર રહેવાનો પ્રયાસ કરવો. આ સાથે મીન રાશિના જાતકોને પણ માનસિક અશાંતિ જણાય તો તેમણે પણ હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ.
  • રાહુના રાશિ પરિવર્તનની વાત કરીએ તો તેની પણ અનેક અસરો જોવા મળશે. આમ તો, જ્યોતિષમાં ઘણાં એવું માને છે કે, વૃષભ રાશિમાં રાહુ ઉચ્ચનો હોય છે. પરંતુ રાહુની પ્રકૃતિ અનુસાર ખોટા વિચાર, અયોગ્ય નિર્ણય, અનૈતિક કર્મોના આસક્ત બનાવી શકે છે. જેથી બની શકે તેટલા શાંત રહેવું તેમજ ક્રોધમાં નિર્ણય લેવાનું ટાળવું. આ ઉપરાંત બની શકે તેટલું આધ્યાત્મિક પ્રવૃત્તિમાં જોડાયેલા રહેવું.
  • હવે વાત કરીએ બૃહસ્પતિ એટલે કે ગુરુની. બધા જ ગ્રહનો ગુરુ ગણાતો બૃહસ્પતિ પોતાની સ્વરાશિ મીનમાં પ્રવેશ્યો છે. ગુરુને જ્ઞાન, વિદ્યા, ઉત્તમ સંસ્કાર, વિવેક, સારા આચરણનો કારક માનવામાં આવે છે. ત્યારે આ રાશિના જાતકોમાં બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થતો જોવા મળશે. આ ઉપરાંત દેશ-દુનિયામાં નીતિમત્તા વધશે.
  • આ સિવાય હાલની ગ્રહોની પરિસ્થિતિ અનુસાર કુંભ રાશિમાં શનિ-મંગળની યુતિ સર્જાયેલી છે. જે 17મી મે સુધી રહેશે. આ બધી જ પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે આવનારો સમય ચોક્કસપણે મોટા પાયે પરિવર્તન લાવી શકે છે. ખાસ કરીને વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્ર સહિત શૈક્ષણિક ક્ષેત્રમાં પણ તેની અસર જોવા મળી શકે છે.

આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી અનુજ પંડ્યા(modernsage108@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...