• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Planets Exert Their Benefic Or Malefic Effects It Is Indisputable That Every Planet In A Horoscope Shows Its Influence Sooner Or Later.

ભાગ્યના ભેદ:ગ્રહો પોતાની સારી કે નરસી અસરો કરે છે આ વાત નિર્વિવાદ છે, જન્મકુંડળીનો દરેક ગ્રહ પોતાનો પ્રભાવ મોડો કે વહેલો બતાવે જ છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જ્યોતિષશાસ્ત્રનો આધાર અને મદાર જ્યોતિષીઓ પર સૌથી વધારે છે. કારણ કે જ્યોતિષીને મળો એટલે તમારી પાસે હિન્દી સિનેમાના બે સોન્ગ મહત્ત્વના બની જાય છે. જો દુઃખી થાવ તો સફર ફિલ્મનું પેલું ગીત ‘ઝીંદગી કાં સફર હૈ યે કૈસા સફર, કોઈ સમઝા નહી કોઈ જાના નહી.’ ગાતા ગાતા બહાર નીકળો અને જો તમારી આગાહીમાં લોટરી-લગ્ન કે પ્રેમની વાત હોય તો અંદાઝ ફિલ્મનું ગીત ‘ઝીંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના’ તમે રાડો પાડી પાડીને ગાવાના...બોલો ખરુને? જ્યોતિષી હોય કે જ્યોતિષશાસ્ત્ર પણ બંનેનો આધાર તો ગ્રહો જ છે. ઈ.સ. 1986ની આ એક નાની અમથી વાત છે. નવ ગુજરાત કોલેજની મલ્ટી કોર્સ અકેડમીમાં જ્યોતિષશાસ્ત્રના એડવાન્સ એસ્ટ્રોલોજીના ક્લાસ જોઈન કરેલા. મારા ક્લાસમાં જ્યોતિષશાસ્ત્રના ખેરખાંઓ-ધુરંધરો જોઈ જોઈ હું લઘુતા ગ્રંથીના કારણે ધ્રુજતો હતો, પણ મારા ફેકલ્ટી હેડ અને ગુરુ સ્વ.એલ.એન.પંડ્યા સાહેબ મને કાયમ કહેતા કે બેટા તારી કુંડળીમાં લગ્ને મકરનો મંગળ, ચોથે ઉચ્ચનો સૂર્ય અને ભાગ્યે કન્યાનો બુધ અને શનિ-શુક્ર-બુધનો (1-5 અને 9મા સ્થાનનો સંબંધ)કેન્દ્ર-ત્રિકોણનો સંબંધ તને આ ક્ષેત્રે અદ્દભુત સિદ્ધિઓ આપશે. ગુરુ શ્રીપંડ્યા સાહેબની વાત તદ્દન સાચી પડી....કારણ કે સત્રના અંતે પરિણામ આવ્યું અને મારું નામ પ્રથમ સ્થાને હતું અને મને નવ ગુજરાત ફાઉન્ડેસન મેડલ મળ્યો. વાત અહીં મારી કે મેડલની નથી પણ વાત છે જ્યોતિષના ગ્રહોની તાકાતની...શાસ્ત્રની મજબુતાઈની....

ગ્રહોની તાકાતનો અંદાઝ મેળવવો હોય તો તમે સમય મળે ભગવાન શ્રીરામની કુંડળી જોજો...જો તમને માયથોલોજીમાં રસ ના પડે તો ક્રિકેટના જીવતા ભગવાન સચિન તેંદુલકરની કુંડળી જોજો... આખે આખું બ્રહ્માંડનું મેદાન ભગવાન રામ પાસે છે અને સચિન ક્રિકેટનો રામ છે અને આ બંનેની સફળ રામ કહાણીમાં રામ તો છે જ પણ સાથે સાથે બંનેની કુંડળીઓમાં ઉચ્ચનો સૂર્ય છે કે જે સીધો પ્રસિદ્ધિ અને સિદ્ધિઓ સાથે સંકળાયેલો છે. તમે ઉચ્ચના સૂર્યવાળા જાતકોની કુંડળી જો જો તેમની સિદ્ધિઓ અને તે જ કંઈક જૂદા અને અલગ અને અદ્દભુત હશે. સૂર્ય એટલે જ તેજ, રાત્રિના ગાઢ અંધકારમાંથી પ્રકાશ તરફનું પ્રયાણ અને અભિયાન એટલે કુંડળીનો બળવાન સૂર્ય. માનવીના જીવનની તિમિરથી તેજ સુધીની યાત્રા એટલે સૂર્ય...અજ્ઞાતને પણ જ્ઞાનનો રાજા બનાવે તેનું નામ સૂર્ય. ગ્રહોનો રાજા સૂર્ય માત્ર ચરિત્ર જ નથી પણ આત્માનો સમગ્ર ચિતાર પણ છે. ઉચ્ચનો સૂર્ય તમને પબ્લિક ફિગર બનાવવા ઉપરાંત સેલિબ્રિટી પણ બનાવે...જ્યારે સૂર્યની વાત નીકળી છે તો તમને જન્મ કુંડળીના દસમા સ્થાનમાં આવેલા સૂર્યની વાત કરીએ...કુંડળીનું દસમું સ્થાન એટલે જાતકની યુવાનીનું સ્થાન...જ્યારે આકાશમાં સૂર્ય મધ્યાહને તપતો હોય ત્યારે જન્મકુંડળીના દસમા સ્થાનમાં હોય અર્થાત જે જાતકનો જન્મ બપોરે થાય તેની કુંડળીમાં મોટા ભાગે સૂર્ય દસમા સ્થાનમાં હોય અને જોઈ જોઈને જોજો જે જાતકની કુંડળીમાં દસમે સૂર્ય હોય તેવા જાતકો પોતાની યુવાવસ્થામાં જ અનેક સિદ્ધિઓના માલિક હોય છે. દસમે સૂર્યવાળા જાતકોને સફળતા શોધવા જવાની જરૂર નથી પડતી કારણ કે સિદ્ધિ અને સફળતાઓ તેમના ચરણ અને શરણમાં હોય છે.

જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક વાતો અને રહસ્ય એવા ગુઢ હોય છે કે તમે વિચારમાં પડી જાવ. ક્યારેક ઉચ્ચના ગ્રહો જોઈ આપણે કુદાકુદ કરતા હોઈએ છીએ. બાળકનો જન્મ થાય એટલે માબાપ બધાને કહેતા ફરે કે મારા બાબાને ઉચ્ચનો શનિ છે. તુલાનો શનિ હોય એટલે નામ-પ્રસિદ્ધિ આપે રાજા બનાવે પણ તેના દામ્પત્યજીવનનું શું? સ્વ.બાજપાઈજી દેશના વડાપ્રધાનના સર્વોચ્ચ સ્થાને બિરાજમાન થયેલા તેઓ પ્રાઈમ મિનિસ્ટર થયેલા પણ તેમની પાસે હોમ મિનિસ્ટર(પત્ની)ક્યાં હતા? દેશના રાજા તો બન્યા પણ રાણીનું સુખ ઝીરો...સ્વ.વડાપ્રધાન મોરારજીએ તો સ્પષ્ટ વક્તવ્ય આપેલું કે 3૦ વર્ષની ઉંમરે જ તેમણે દામ્પત્ય જીવનના સુખનો ત્યાગ કરેલો..કારણ તમને ખબર છે હા તેમની કુંડળીમાં પણ તુલાનો (ઉચ્ચનો)શનિ.....તુલાના શનિએ તો ખુદ ભગવાન રામને પણ લગ્નજીવનની મધુરતાથી દૂર હડસેલા તો તમારા અને મારા જેવા પામરોની હેસિયત શું?

જન્મકુંડળીનો દરેક ગ્રહ પોતાનો પ્રભાવ મોડો કે વહેલો છોડે જ છે. બારેક મહિના પહેલાની વાત તમને કરીએ. રોજ વહેલી સવારે એક ભાઈ મોર્નિંગ વોકમાં આવે. એક દિવસ મને કહે ભાઈ દીકરાના લગ્નમાં તમે આવ્યા નહી. બધાએ ખૂબ મજા કરી...જલસા પડી ગયા હો....લો આજે મોડા મોડા પણ દીકરાના લગ્નની મીઠાઈ લાવ્યો છું અને સાથે કુંડળી પણ કેમ કે એની ઈચ્છા વિદેશ જવાની છે તો તમે એક નજર નાખો...મેં તેમની ઈચ્છાને માન આપી કુંડળી ખોલી અને જાણે કે ડુંગળીના પડ ખોલ્યા હોય તેમ મારી આંખન ખૂણા સહેજ ભીના થયા. કારણ કે કુંડળીમાં સાતમા લગ્નજીવનના સ્થાનમાં શુક્ર-રાહુની યુતિ હતી...હું ગભરાયો અને ડરતા ડરતાં મારા એ મિત્રને તેમના દીકરાના લગ્ન જીવનના ભંગાણની આગાહી કરી...ખરાબ આગાહી કોને ગમે? પણ શું કરીએ જે જોઈએ તે કહેવું પડે. અને જ્યારે કોઈ પૂછે ત્યારે કહીએ તો કદાચ રસ્તો મળે. મારા આ મિત્ર હમણાં બે દિવસ પહેલા મળ્યા અને મેં એમને પૂછયું કે ક્યાં હતા આટલા દિવસ? અને રડમસ ચેહરે તેમણે મને જવાબ આપ્યો......ભાઈ દીકરાને છૂટાછેડા અપાવવામાં સમય ક્યાં વીતી ગયો ખબર જ ના પડી...વિદેશની વાત તો અભરાઈએ ચઢી ગઈ એમ બોલતા બોલતા જ તેમની આંખ ભરાઈ ગઈ.

ગ્રહો પોતાની સારી કે નરસી અસરો કરે છે...તે વાત નિર્વિવાદ છે. જ્યોતિષશાસ્ત્રમાં લેખન પહેલાં અવલોકન જરૂરી છે.

(આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે.)