ભાગ્યના ભેદ:જે જાતકની કુંડળીમાં સૂર્ય મેષ કે સિંહ રાશિમાં હોય તેવા જાતકો સૂર્ય સમાન રાજા જેવું વ્યક્તિત્વ ધરાવે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધી પર્સનાલિટી મેક્સ ધી પર્સન, બટ કેરકટર મેક્સ અ લાઈફ- બનાર્ડ શો. વ્યક્તિત્વ અને ચારિત્ર્ય આ બંને શબ્દો વચ્ચે જમીન આસમાનના અંતર જેવો ભેદ છે. વ્યક્તિત્વ દૈહિક છે અને ચારિત્ર્ય વ્યક્તિની આંતરિક ઓળખ છે અને સાચા અર્થમાં વિચારીએ તો તમારી સાચી ઓળખનો આધાર તમારી આંતરિક આભા પર રહેલો છે. તમે બહાર કેવા છો અને અંદરથી શું છો તેનો સાચો માપદંડ આકાશી ગ્રહો પાસે છે. આકાશના બે મહત્ત્વના ગ્રહો જેના દ્વારા દિવસ અને રાત નામની એક અદ્દભૂત સ્થિતિનું નિર્માણ થાય છે તે ગ્રહો એટલે સૂર્ય અને ચંદ્ર. આ બંને ગ્રહો બ્રહ્માંડમાં રાજા અને રાણી જેટલું વર્ચસ્વ ધરાવે છે. સૂર્ય સ્વયં પ્રકાશિત ગ્રહ છે અને ચંદ્ર સૂર્યના તેજથી પ્રકાશિત ગ્રહ(ઉપગ્રહ)છે. સૂર્ય જગતનો તાત, પિતા અને શ્રુષ્ટિનો સંચાલક છે. સૂર્ય એટલે જીવન, પ્રાણ અને પૃથ્વી પરનો પ્રાણવાયું. સૂર્ય જગતની જીવ શ્રુષ્ટિના અસ્તિત્વ અને વ્યક્તિત્વનો કારક ગ્રહ છે. સૂર્ય દેહની તંદુરસ્તી-વ્યક્તિત્વનું ઘડતર અને ચણતર કરે છે. વ્યક્તિના વ્યક્તિત્વનું સંચાલન અને તેની આભાને તેજ બક્ષવાનું કામ સૂર્યનું છે. જાતકના વ્યક્તિત્વનું માપ કાઢવું હોય તો કુંડળીનો સૂર્ય તપાસવો પડે.

બીના સૂર્યો: જાતક અંધકમ ભવતિ તસ્ય જીવિતમ દીપહીનમિવ મંદિરમ નિશિ: અર્થાત સૂર્ય વિના જાતકનું જીવન અને વ્યક્તિત્વ દીપક વિનાના અંધારિયા ઘર જેવું ભેંકાર ભાસે છે. જાતકની કુંડળીમાં સૂર્ય જો તુલા રાશિમાં હોય તો આવા જાતકને પોતાનું પોત અને વ્યક્તિત્વની આભા ઉભી કરવા અથાગ અને કઠોર પરિશ્રમ કરવો પડે છે. કારણ કે તુલા રાશિમાં સૂર્ય નીચત્વ પ્રાપ્ત કરે છે આથી અહીં સૂર્ય નિર્બળ બને છે. જો મૂળ કુંડળીમાં સૂર્ય તુલા રાશિમાં હોય અને ગોચર ભ્રમણ દરમિયાન આ સૂર્ય પરથી શનિ અગર તો રાહુ ભ્રમણ કરે તો જાતકના વ્યક્તિત્વના માન-સન્માન ભંગનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. મૂળ કુંડળીમાં સૂર્ય મેષ અગર સિંહ રાશિમાં હોય તો જાતકને ઉચ્ચ વ્યકતિત્વ માન સન્માન અને ઈજ્જત આપે છે. આવો જાતક સમાજ-દેશ અને દુનિયામાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે નામના મેળવે છે. ઉચ્ચનો સૂર્ય કેટલો જક્કાસ હોય છે તેના માટે ભારત રત્ન અને ધી ગોડ ઓફ ક્રિકેટ સચિનની કુંડળીમાં આવેલા ઉચ્ચના સૂર્યનું ઉદાહરણ કાફી છે. સચિનનો સૂર્ય મેષનો (ઉચ્ચનો)છે આથી તેનું વ્યક્તિત્વનું તેજ સૂર્યની માફક ઝળહળ્યું. જાતકની કુંડળીમાં સૂર્ય જો મેષ કે સિંહ રાશિમાં હોય તો અનુક્રમે આવો સૂર્ય ઉચ્ચનો અને સ્વગૃહી કહેવાય.

જે પ્રમાણે જાતકના વ્યક્તિત્વ સાથે સૂર્ય સંકળાયેલો હોય છે, તે જ પ્રમાણે જ્યોતિષશાસ્ત્રનો અતિ મહત્ત્વનો ગ્રહ ચંદ્ર ચારિત્ર્ય સાથે સંબંધ ધરાવે છે. ગુજરાતીમાં હૃદયથી નિર્મળ અને મનથી મેલો રૂઢીપ્રયોગનો ઉપયોગ વારંવાર થતો જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય એટલે હૃદય અને ચંદ્ર એટલે મન. આથી જ વ્યક્તિત્વ નિર્મળ હોય પરંતુ મન મેલું હોય તો ચારિત્ર્ય દુષિત થાય છે. જ્યોતિષશાસ્ત્રના પુરાણોક્ત ગ્રંથમાં તમામ દુષિત યોગ જેમ કે ચંદ્ર-શનિનો વિષયોગ, ચંદ્રથી સર્જાતો કેમદ્રુમયોગ, ચંદ્ર- રાહુનો ગ્રહણયોગ અને ચંદ્ર-કેતુનો મન દુર્બલ્ય યોગ જાતકના ચારિત્ર્યને અપવિત્ર કરે છે. વિષયોગના અવલોકનમાં એવું ધ્યાનમાં આવ્યું છે, કે આવા જાતકો સતત અને સખત માનસિક તાણ અને ચિંતાના કારણે આપઘાત તરફ પ્રેરાઈ કૌટુંબિક અને સામાજિક ચારિત્ર્ય બગાડે છે તો બીજી તરફ જ્યારે જન્મકુંડળીમાં ચંદ્રની આજુબાજુ એક પણ ગ્રહ ન હોય (રાહુ-કેતુ ગણાય નહિ) તેઓ જાતક કેમદ્રુમ યોગ નામની દરિદ્રતા હેઠળ આવે છે. ફળસ્વરૂપ આવો જાતક શાસ્ત્રોક્ત દૃષ્ટીએ નિર્ધન બની પોતાનું આર્થિક ચારિત્ર્ય ગુમાવે છે. ચંદ્ર- રાહુના જોડાણથી ગ્રહણયોગ સર્જાય છે. આવો જાતક માનસિક દુર્બલ્ય અનુભવે છે અને પરિણામ સ્વરૂપ ખોટા અને નઠારા વિચારોને લઇ ચોરી ચપાટી, જુઠ અને ક્યારેક સ્ત્રીઓ પાછળ ખોટી અપેક્ષાઓને લઇ પોતાનું ચારિત્ર્ય ગુમાવે છે.

પ્રસિદ્ધ લેખક માર્ક ટ્વેઇન પોતાના પુસ્તકમાં ભારપૂર્વક જણાવે છે કે જેનું ગુજરાતી રૂપાંતર અક્ષરસઃ નીચે પ્રમાણે થાય: "વ્યક્તિત્વ એ શક્તિવર્ધક દૂધ સમાન છે, ચરિત્ર એ દૂધ ગ્રહણ કર્યા પછીની આંતરિક આભા-તેજ-તાકાત છે અને ચારિત્ર્યહિનતા દુધમાં પડેલા છાશના ટીપાં સમાન છે."

એક નાના સરખા છાશના ટીપાંનું વામન કદ દૂધના વિરાટ સાગરને ભ્રષ્ટ કરે છે. આથી જ જન્મકુંડળીના અવલોકન સમયે સૂર્ય નામના વ્યક્તિત્વ પર ચંદ્ર નામનું ચારિત્ર્ય ખોટી રીતે હાવી ન થઇ જાય તેનું ધ્યાન જાતકે રાખવું જરૂરી છે. બ્રહ્માંડમાં જ્યારે જ્યારે સૂર્ય અને ચંદ્ર ગોચર ભ્રમણ દરમિયાન શનિ કે રાહુ દ્વારા દુષિત થાય ત્યારે જાતક શારીરિક અને માનસિક તકલીફો ભોગવે છે. ફળ:સ્વરૂપ આવો જાતક વ્યક્તિત્વ અને ચારિત્ર્ય બંને ગુમાવે છે. જે જાતકોની કુંડળીમાં સૂર્ય મેષ કે સિંહ રાશિમાં હોય તેવા જાતકો સૂર્ય સમાન રાજા જેવું વ્યક્તિત્વ ધરાવે છે. જે જાતકોની કુંડળીમાં ચંદ્ર વૃષભ કે કર્ક રાશિમાં હોય તેવા જાતકોનું ચારિત્ર્ય નિસ્પૃહી હોય છે. પરંતુ સાથે સાથે સૂર્ય નામના પ્રતિષ્ઠિત રાજાને ભ્રષ્ટ રીતે બદનામ કરવાનું કાવતરું પણ તેનાથી અતિ નાના કદના ચંદ્ર નામના ઉપગ્રહ પાસે છે. આથી જ કહેવાય છે કે આત્મા(સૂર્ય) પવિત્ર હોય તો પરમાત્મા સુધી પહોંચી શકાય અને મન(ચંદ્ર) પવિત્ર હોય તો મોક્ષગતિ પામી શકાય. વાચકમિત્રો, તમારા વ્યક્તિત્વને (સૂર્ય) સાચવવા માટે ચારિત્ર્યની (ચન્દ્ર) સંભાળ લેવી જરૂરી છે.

  • ચંદ્રને (મનને )બળવાન બનાવવા માટે ચન્દ્રના બીજોક્ત મંત્ર
  • “ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ ચંદ્રાય નમઃ“ ની રોજ 11 માળા કરવી.
  • બસરાનું મોતી ધારણ કરવું.
  • સફેદ વસ્ત્રો ધારણ કરવા.

(આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે)