5200 વર્ષ જૂની પરંપરા:હોલિકાદહનમાં સળગતી હોળીની વચ્ચેથી નીકળે છે પૂજારી, 40 દિવસથી કરે છે તપસ્યા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિશ્વભરમાં વ્રજની હોળીની પરંપરાનું અલગ જ સ્થાન છે. મથુરા પાસે સ્થિત ફાલૈન ગામને ભક્ત પ્રહલાદનું ગામ માનવામાં આવે છે. ફાલૈન ગામની હોળી પણ ખૂબ જ ખાસ હોય છે. આજે પણ એક પૂજારી હોલિકાદહનમાં સળગતી હોળી વચ્ચેથી પસાર થાય છે. ફાલૈનના પૂજારી પરિવાર દ્વારા અહીં વર્ષોથી આ પરંપરા નિભાવવામાં આવી રહી છે, જેને જોવા માટે દુનિયાભરમાંથી લોકો પહોંચે છે. ગામમાં મેળો લાગે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોનુ પૂજારી ભગવાનની ભક્તિ અને આરાધના કરીને હોલિકામાંથી બહાર આવીને પોતાની પરંપરાનું પાલન કરશે. આ માટે મોનુ પૂજારી 40 દિવસની સખત તપસ્યા અને પૂજા કરે છે. તપસ્યા કરતાં પહેલાં ગામની પરિક્રમા કરીને ભક્ત પ્રહલાદની ભક્તિમાં લીન થઈ થાય છે. 2020થી મોનુ પાંડા સતત તેમના પૂર્વજોની પરંપરાને અનુસરી રહ્યા છે.

ચોથીવાર સળગતી હોલિકામાંથી નીકળશે મોનુ પૂજારી
મોનુ પૂજારી વસંતપંચમીના શુભ દિવસથી પ્રહલાદ મંદિરમાં વિશેષ મંત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દે છે. આ વર્ષે ચોથી વખત મોનુ પાંડા સળગતી હોલિકાની વચ્ચેથી બહાર આવશે. ગામમાં આ હોળીના આયોજનની તડામાર તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી ચૂકી છે. હોલિકાદહનના દિવસે સળગતી હોલિકામાંથી પાંડા નીકળવાની પરંપરા સેંકડો વર્ષ જૂની છે. આ ગામમાં ભક્ત પ્રહલાદનું મંદિર છે, જેમાં હોળીદહનના લગભગ એકાદ મહિના પહેલાં પાંડા તપસ્યા કરવાનું શરૂ કરી દે છે.

5200 વર્ષથી ચાલે છે પરંપરા
લગભગ 8 વર્ષથી આ લીલામાં હોલિકામાંથી બહાર આવેલા સુશીલ પૂજારીનો પુત્ર 32 વર્ષીય મોનુ પૂજારી આ વખતે સળગતી હોળીમાંથી બહાર આવવા માટે પ્રહલાદજીની તપસ્યા કરી રહ્યા છે. તપસ્યા પર બેસેલા મોનુ પૂજારીએ જણાવ્યું હતું કે તેમના પોતાના પરિવારની ઘણી પેઢીઓ આ પરંપરાને અનુસરી રહી છે. આ કોઈ ચમત્કારથી ઓછું નથી અને પ્રહલાદજીની કૃપાથી જ આ શક્ય બને છે. મોનુ પાંડા વધુમાં જણાવે છે કે તેઓ લગભગ 5200 વર્ષથી આ પરંપરાને અનુસરી રહ્યા છે. જેને ભક્ત પ્રહલાદની કૃપા મળે છે કે તે ઘણી વખત હોલિકાની વચ્ચેથી બહાર આવે છે.

108 મણકાવાળી માળાઓથી મળે છે શક્તિ
આ આયોજનની તૈયારી કરી રહેલા મોનુ પૂજારી જણાવે છે કે વસંતપંચમીથી તે પ્રહલાદ મંદિરમાં તપ પર બેસી જાય છે. પૂર્ણિમા (હોલિકાદહન) સુધી વ્રત રાખીને ફક્ત ફળાહાર કરે છે. મોનુ પૂજારીએ જણાવ્યું હતું કે વર્ષ 2019માં તેના કાકા પ્રગટેલી હોલિકાની વચ્ચેથી નીકળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ ધધકતી હોલિકાની આગની જ્વાળાઓની વચ્ચેથી પંડાનું નીકળી શકવું એ પ્રચંડ સાધના અને પ્રહ્લાદજીની માળાનો મહિમા છે, જે અનેક વર્ષો પૂર્વે કુંડમાંથી પ્રગટ થયેલા પ્રહલાદજીના ગળામાં હતી. મોનુ જણાવે છે કે મૂર્તિની સાથે એ સ્વયં પ્રકટ થઈ હતી. એ માળામાં મોટા-મોટા 7 મણકા હતા. ત્યાર બાદ મૌનીબાબાએ આ 7 મણકામાંથી 108 મણકાની માળા તૈયાર કરી હતી. મોનુ જણાવે છે કે અનેક પેઢીઓ આ માળાથી જપ કરીને હોલિકાદહનના દિવસે પ્રહલાદ કુંડમાં સ્નાન કરીને આ માળાને ધારણ કરે છે અને એને કારણે તેઓ આ આગમાંથી સકુશળ બહાર નીકળી શકે છે.

હોલિકાની વધશે ઊંચાઈ અને લંબાઈ
તપ પર બેઠેલા મોનુ પંડા જણાવે છે, આ વખતે હોલિકાની ઊંચાઈ અને પહોળાઈ લગભગ 45 ફૂટની આસપાસ રહેશે. ગામડામાં હોળીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તેમણે જણાવ્યું હતું કે આખા ગામની પરિક્રમા કરીને તેઓ તપ પર બેસી ગયા છે. સવારે અને સાંજે 6-6 કલાક સુધી 108 મણકાની માળાથી જાપ કરે છે.

હોલિકાની આગની જ્વાળાઓની વચ્ચેથી ચોથીવાર પસાર થશે મોનુ પૂજારી
મોનુ પૂજારી છાતા તહસીલના ગામ ફાલૈનમાં આ પરંપરાને નિભાવે છે. વર્ષ 2020થી નિરંતર મોનુ હોલિકાની આગની જ્વાળાઓની વચ્ચેથી પસાર થાય છે. આ વર્ષે ચોથી વાર તેઓ આ પરંપરાને નિભાવશે. મોનુ પંડાનું કહેવું છે કે તેઓ દરરોજ પોતાના ભોજનમાં એક લવિંગ અને પતાસું લે છે. એ સિવાય હથેળીમાં જેટલું પાણી આવે છે એટલું જ પાણી પીવે છે અને આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલે છે કે જ્યાં સુધી હોલિકાદહનનો સમય નજીક ન આવી જાય.

પ્રહલાદના ગામથી છે મોનુ પંડા
મોનુ પંડા જે ગામના રહેવાસી છે, પ્રહલાદને એ ગામના માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદને તેના ફૈબા હોલિકા આગમાં લઈને બેઠા હતા, પણ ભગવાનની કૃપાથી તેમને આ આગ નુકસાન પહોંચાડી શકી નહોતી અને એ આગની જ્વાળાઓ વચ્ચે બેઠેલા હોવા છતાં જીવિત બચી ગયા હતા.

હોળીમાંથી પસાર થવાની પ્રક્રિયા
સળગતી હોળીમાંથી પસાર થતા પૂજારી એક મહિના પહેલાં લોકો સાથે આખા ગામની પરિક્રમા કરે છે. જે સ્થાને હોળી પ્રગટાવવાની હોય ત્યાં પૂજા કરે છે અને પ્રહલાદ મંદિરમાં તપસ્યા શરૂ કરે છે. ફળાહાર કરે છે. આ આયોજન દરમિયાન સળગતી હોળીમાંથી પસાર થતા પૂજારી લગભગ 3 દિવસ સુધી સૂતા પણ નથી. હોળીના એક દિવસ પહેલાં ગામના લોકો છાણાંની મદદથી વિશાળ હોલિકા તૈયાર કરે છે. ફાગણ પૂનમના દિવસે હોલિકાપૂજન કરવામાં આવે છે અને હોળી પ્રગટાવવામાં આવે છે.

મુહૂર્ત પ્રમાણે પૂજારીની ફોઈ પ્રહલાદ કુંડમાંથી એક લોટો પાણી લઇને આવે છે અને સળગતી હોળીમાં નાખે છે. ત્યાર બાદ હોલિકા શાંત થઈ જાય છે. ત્યાર બાદ પૂજારી પ્રહલાદ કુંડમાં સ્નાન કરે છે અને એક અંગૂછો, માળા લઈને ભક્ત પ્રહલાદનું ધ્યાન કરતાં સળગતી હોળીમાંથી પસાર થાય છે. આગમાંથી પસાર થયા બાદ પણ પૂજારીના શરીર ઉપર આગની ગરમીની કોઈ ખરાબ અસર થતી નથી.

આ પ્રહલાદનું ગામ છે
આ ગામ દૈત્યરાજ હિરણ્ય કશ્યપના પુત્ર પ્રહલાદનું છે એવી માન્યતા પ્રચલિત છે. પ્રાચીન સમયમાં એક સંતે અહીં તપસ્યા કરી હતી. એ સમયે આ ગામના એક પૂજારી પરિવારને સપનું આવ્યું કે વૃક્ષ નીચે મૂર્તિ દટાયેલી છે. આ સપના બાદ ગામના પૂજારી પરિવારના સભ્યોએ સંતના માર્ગદર્શનમાં ખોદકામ કર્યું હતું. આ ખોદકામમાં ભગવાન નરસિંહ અને ભક્ત પ્રહલાદની મૂર્તિ મળી આવી હતી. ત્યારે સંતે પૂજારી પરિવારને આશીર્વાદ આપ્યા કે દર વર્ષે હોળીના દિવસે આ પરિવારનો જેપણ સભ્ય પૂર્ણ પ્રામાણિકતા અને આસ્થાથી ભક્તિ કરશે તેને ભક્ત પ્રહલાદની વિશેષ કૃપા મળશે અને તે સળગતી હોળીમાંથી પસાર થઈ શકશે. તે સભ્યના શરીર ઉપર આગની ગરમીની કોઈ અસર થશે નહીં. અહીં ભક્ત પ્રહલાદનું મંદિર છે અને એક કુંડ પણ છે.