• Home
  • Dharm Darshan
  • Jyotish
  • Only two temples in Mathur were unlocked; Mudia Poono fair with over Rs 100 crore canceled, advance booking of storytellers canceled

કૃષ્ણની જન્મભૂમિ મથુરાથી રિપોર્ટ / મથુરામાં ફક્ત બે મંદિરો ઓનલોક થયા; 100 કરોડથી વધુની કમાણીવાળો મુડિયા પૂનો મેળો કેન્સલ, કથાવાચકોનું એડવાન્સ બુકિંગ રદ કરાયું

X

  • મંદિરો બંધ હોવાથી અને કોરોનાનાં કારણે લગભગ ચાર હજાર તીર્થ પુરોહિત યજમાન વગર ખાલી બેઠા છે
  • દર મહિને 15 લાખ લોકો ગોવર્ધન પહાડની પરિક્રમા કરવા આવતા હતા, મહિનામાં 80 લાખ રૂપિયા સુધીનો ચઢાવો આવતો હતો
  • મથુરામાં હોટેલો ખાલી પડી છે, કપડાં વેચવાના વ્યવસાય, પ્રસાદ, મીઠાઇ, ટેક્સી-ટ્રાવેલ બધા વેપાર ઠપ થઈ ગયા છે

દિવ્ય ભાસ્કર

Jun 28, 2020, 02:23 PM IST

ધર્મેન્દ્રસિંહ ભદોરીયા. વૃંદાવનના બિહારી પુરામાં રહેતા 42 વર્ષના પંકજ શર્મા દરરોજ સવારે સ્નાન કર્યા પછી બાંકેબિહારી મંદિરના દર્શના માટે જાય છે. તેઓ આવું છેલ્લા ઘણા વર્ષોથી કરતા આવી રહ્યા છે, દર્શન બાદ તેઓ પાણી પીવે છે. કોરોનાના કારણે મંદિર બંધ થઈ ગયા હોવાથી તેઓ દરરોજ દેહરીને સ્પર્શ કરીને પાછા ફરતા. 13 વર્ષની ઉંમરમાં પિતા અને 20 વર્ષની ઉંમરમાં માતા ગુમાવ્યા બાદ પંકજ કહે છે કે, અમારા  ઠાકુર જ હવે માતા-પિતા છે. 

મથુરા અને વૃંદાવનમાં હજારો મંદિરો હજી પણ કોરોનાવાઈરસને કારણે બંધ છે.

અત્યારે ફક્ત બે મંદિર ખુલ્યાં છે
વૃંદાવનમાં સેંકડો એવા ભક્તો છે જે મંદિરની દેહરી સ્પર્શ કરીને દિવસની શરૂઆત કરે છે. 8 જૂન બાદ દેશમાં ઘણા મંદિર ખુલી ગયા, મથુરામાં પણ ખુલ્યાં છે, પરંતુ માત્ર બે. તે પણ મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર અને શ્રી દ્વારકાધીશ મંદિર. પાંચ હજારથી વધુ મંદિરવાળા મથુરા, વૃંદાવન, ગોકુળ, બરસાના અને ગોવર્ધનમાં શ્રીબાંકે બિહારી મંદિર, ગોવિંદદેવ જી મંદિર, કૃષ્ણ-બલરામ મંદિર (ઈસ્કોન મંદિર), પાગલ બાબા મંદિર, પ્રેમ મંદિર, નિધિવન મંદિર, રમન રેતી આશ્રમ-મહાવન, શ્રીલાડલી જી મંદિર, બલદેવ મંદિર, મુકુટ મુખરબિંદ સહિત બ્રિજના તમામ નાના-મોટા મંદિરો સામાન્ય લોકો માટે બંધ છે.

વૃંદાવનમાં સેંકડો ભક્તો છે જેઓ મંદિરની દેહરીને સ્પર્શ કરીને તેમના દિવસની શરૂઆત કરે છે

કોરોનાનાં કારણે મુડિયા પૂનો મેળો કેન્સલ
બ્રિજનો મુખ્ય મેળો અને ઉત્તર પ્રદેશ સરકારનો રાજકીય તહેવાર મૂડિયા પૂનો (ગુરુ પૂર્ણીમા) કોરોનાનાં કારણે મનાવવામાં નહીં આવે. એકથી પાંચ જુલાઈ સુધી ચાલનારા મેળામાં ગોવર્ધનમાં એક કરોડથી વધારે લોકો આવતા હતા. સાંકડી ગલીઓવાળા બ્રિજ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન શક્ય ન હોવાને કારણે આ મેળાને કેન્સલ કરવામાં આવ્યો છે. 

મંદિરો બંધ રહેવાને કારણે એકલ-દોકલ ટ્રેવો ચાલવાને કારણે ધાર્મિક પર્યટન પર ટકેલી મથુરાની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. હોટેલો ખાલી પડી છે, પ્રસાદ વાળા, મીઠાઈવાળા, ટેક્સી-ટ્રાવેલ બધાના ધંધા પર અસર થઈ છે. લગભગ ચાર હજાર તીર્થ પુરોહિત પણ યજમાનો વગર ખાલી બેઠા છે.  

ઉત્તર પ્રદેશ બ્રિજ તીર્થ વિકાસ પરિષદના ઉપપ્રમુખ શૈલજા કાંત મિશ્રા કહે છે કે આ વિસ્તારમાં એક વર્ષમાં 2.5થી ત્રણ કરોડ લોકો આવે છે. લોકો અહીં લગભગ પાંચ હજારથી વધુ મંદિરોના દર્શન કરે છે, ગોવર્ધનની પરિક્રમા કરે છે. દરરોજ 15 હજાર ગાડીઓ આવે છે. બ્રિજ તીર્થ વિકાસ પરિષદ તીર્થ સ્થાનો પર સુવિધાઓ તૈયાર કરવાનું કામ કરે છે, અત્યારે 42 સ્થાનો પર 300 કરોડના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.

દરરોજ 5 હજારથી વધુ લોકો ગોવર્ધન પર્વતની પરિક્રમા કરતા હતા.

100 કરોડથી વધારે વેપાર ઠપ
ગુરુપૂર્ણિમા પર યોજાનારા મુડિયા પૂના મેળો મોકૂફ રાખવાના કારણે સૌથી વધારે અસર ગોવર્ધન પર પડી છે. ગોવર્ધનના પ્રમુખ મંદિર દાનધાટીના મુખ્ય સેવાયત પવન કૌશિક કહે છે કે, સામાન્ય રીતે એકાદશીથી પૂર્ણિમા સુધી પાંચ દિવસમાં આંઠથી 10 લાખ લોકો અને દર મહિને લગભગ 14 લાખ લોકો ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવા આવતા હતા. હવે લોકોએ આવવાનું બંધ કરી દીધું છે. મહિનામાં 60થી 80 લાખ રૂપિયાનો ચઢાવો આવતો હતો, તે પણ હવે લગભગ બંધ છે. 

પરિક્રમા માર્ગમા જ લગભગ 200 મંદિર આવે છે, તમામ બંધ છે, તેની સાથે જોડાયેલા સેવાયતો, પૂજારીઓ અને પ્રસાદી વેચતા તમામ વેપાર ધંધા બંધ છે. તેમજ મુડિયા પૂનો પર ગોવર્ધનમાં જ 100 કરોડથી વધુ વેપાર થઈ જતો હતો પરંતુ આ વખતે મેળો કેન્સલ થવાને કારણે ફૂલવાળા, હોટેલોવાળા, રેસ્ટોરાંવાળા, ટેમ્પો-ટેક્સી બધાનો વેપાર ઠપ થઈ ગયો છે. 

ગોવર્ધન પર્વતની પરિક્રમા માર્ગ ઉપર કેટલીક દુકાનો ખુલી છે, પરંતુ ગ્રાહકોની ગેરહાજરી છે.

બે મંદિર ખુલ્યાં પરંતુ ભક્તો નથી આવી રહ્યા 
મથુરામાં જે બે મંદિરો ખુલ્યા છે ત્યાં બંને મંદિરોમાં પણ ભક્તો નથી આવતા. જન્મભૂમિમાં 20 જૂનના રોજ આરતીના સમય મંદિરના સંચાલન અને સિક્યોરિટીવાળા સિવાય માત્ર 6 લોકો જ વિશાળ હોલમાં હાજર હતા. તેમજ સવારે 10 વાગે ભક્તો માટે ખોલવામાં આવેલા દ્વારકાધીશ મંદિરમાં 10 મિનિટ બાદ જ ભક્તોની લાઈન પૂરી થઈ જાય છે. 

શ્રી કૃષ્ણ જન્માસ્થાન સેવા સંસ્થાના મેનેજિંગ કમિટીના સભ્ય ગોપેશ્વર નાથ ચતુર્વેદી કહે છે કે, બ્રજ મંડળની અર્થવ્યવસ્થા જ તીર્થ યાત્રાળુઓ પર ટકેલી છે. દેશ-વિદેશથી લોકો આવતા હતા જે હવે બંધ છે. મોટાભાગના સ્થાનિક લોકો જ મંદિરમાં દર્શન માટે આવે છે. 

જન્મભૂમિ 8 જૂનથી ખુલી ગઈ છે, પહેલાં જ્યાં 15-20 હજાર શ્રદ્ધાળુઓ દરરોજ આવતા હતા, અત્યારે એક હજાર ભક્તો ભાગ્યે જ આવી શકે છે. મુડિયા પૂના મેળાના પાંચ દિવસની ચુસ્ત સુરક્ષા હોવા છતાં એક લાખ લોકો દર્શન કરવા માટે આવતા હતા, પરંતુ અત્યારે તે પણ બંધ છે. સેવા સંસ્થાનના 44 રૂમોમાંથી એક પણ બુક નથી થયો, તે ઉપરાંત ભોજનાલયમાં જેમાં 300 લોકો ખાવા માટે આવે છે ત્યાં એક દિવસમાં એક થાળી પણ પીરસાતી નથી.

આ જ પરિસ્થિતિ શ્રી દ્વારકાધીશ મંદિરમાં પણ છે. મંદિરના મીડિયા પ્રભારી રાકેશ તિવારી કહે છે કે, અત્યારે મંદિર માત્ર દિવસમાં બે કલાક સવારે 10થી 11 અને સાંજે 6થી 7 વાગ્યા સુધી ખુલે છે. લોકડાઉન પહેલાં આઠથી 10 હજાર શ્રદ્ધાળુઓ દરરોજ આવતા હતા પરંતુ અત્યારે 100થી 150 લોકો જ આવી રહ્યા છે. અહીં આવનાર મોટાભાગના લોકો વૃદ્ધો હોય છે, તેમને કોરોનાનું જોખમ વધારે છે, મનમાં ડર છે એટલા માટે તેઓ મંદિરમાં આવવાનું ટાળી રહ્યા છે. 

લોકડાઉન પહેલાં,અહીં દર 20 હજાર શ્રદ્ધાળુઓ આવતા હતા, હવે એક હજાર પણ મુશ્કેલીથી આવી રહ્યા છે.

96 ટકા સેવાઓ રદ કરવામાં આવી રહી છે
બ્રિજ વિસ્તારમાં સૌથી ગીચ મંદિરમાંથીથી એક શ્રી બાંકેબીહારી જી મંદિરની સાંકડી ગલીમાં હાલમાં રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. ગલીમાં  ઇલેક્ટ્રિકલ કેબલને અંડર ગ્રાઉન્ડ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. મંદિરના સેવા અધિકારી બાલકૃષ્ણ ગોસ્વામી જણાવે છે કે, મંદિરમાં માત્ર પાંચ સેવાયત, છ ભંડારી જ આવી શકે છે. બાંકેબિહારી જીને દિવસમાં આઠ વખત ભોગ ચઢાવવામાં આવે છે તેની સાથે દીવો, પુષ્પ બેઠક વગેરે સેવાઓ થઈ રહી છે. સામાન્ય રીતે ભક્તો સેવાઓ અગાઉથી બુક કરાવી લેતા હતા પરંતુ અત્યારે 96 ટકા સેવાઓ રદ કરવામાં આવી રહી છે.

દર મહિને 15 થી 20 લાખ લોકો બાંકેબિહારી મંદિરમાં દર્શન માટે આવતા હતા, હવે ફક્ત પૂજારી જ મંદિરમાં પૂજા-અર્ચના કરે છે.

મંદિરમાં દર મહિનામાં 15થી 20 લાખ લોકો દર્શન માટે દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન ઉપરાંત વિદેશથી આવતા હતા. ગોસ્વામી કહે છે કે, અમે અમારા પૂર્વજો પાસેથી સાંભળ્યું હતું કે બ્રિજની ગલીઓમાં આવો સન્નાટો ત્યારે હતા જ્યારે ભગવાન કૃષ્ણએ દ્વારકાથી પ્રસ્થાન કર્યું હતું. હવે કોરોનાએ અહીંની ગલીઓને સૂમસામ કરી દીધી છે. 

અમે મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઈઝેશનની વ્યવસ્થા કરી શકીએ છીએ પરંતુ ગલી અને વૃંદાવનની જવાબદારી પ્રશાસવ લે તો જ મંદિર ખોલવામાં આવી શકે છે. અત્યારે તો મુડિયા પૂનો સુધી મંદિર સામાન્ય લોકો માટે બંધ રહેશે. 

હોટલ ખુલી પરંતુ નામ માત્રની બુકિંગ:
મથુરાના પ્રમુખ હોટલ વ્યવસાયી રાજીવ અગ્રવાલના કહેવા પ્રમાણે ત્યાં સો નાની-નાની હોટલ છે, પરંતુ બુકિંગ 5 % થઇ રહી છે. રાજીવની પોતાની ત્રણ હોટલ છે, જેમાંથી હાલ બે ખુલી છે. બુકિંગ ન બરાબર થઇ રહી છે. ક્યારેક બે રૂમ બુક થાય છે તો ક્યારેક ચાર રૂમ. કર્મચારીઓનો પગાર, વીજળી બીલ જેવા ખર્ચ પણ કાઢવા મુશ્કલ છે.

ગોવર્ધનના વિંગસ્ટન હોટલને મેનેજર બ્રહ્મજીત સિંહ ચૌહાણના કહેવા પ્રમાણે, 22 માર્ચથી હોટલ બંધ હતી અને 8 જૂનથી શરૂ કરી છે. અમારે ત્યાં એનસીઆર, જયપુર, ગુજરાત અને મહારાષ્ટ્રથી મોટાભાગે બુકિંગ આવે છે. પાંચ લાખ રૂપિયા મહિનાનો હોટલનો ખર્ચ છે, પરંતુ હાલ તો તેને ચલાવવી મુશ્કેલ થઇ રહી છે.

બહાર નીકળી રહેલા મોટાભાગના લોકો એવા લોકો છે જે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરતાં

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં, મહિલાઓ સાડીના પાલવને જ માસ્ક બનાવી લે છેઃ
વ્રજની સાંકળી ગલીઓ અને બજારોમા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઇ રહ્યું નથી. 50 ટકા લોકો જ માસ્ક પહેરે છે. દુકાનોની બહાર સફેદ ગોળ બનેલાં છે પરંતુ કોઇ પણ તેનો ઉપયોગ કરી રહ્યું નથી. ત્યાં જ, વૃંદાવન કે ગોર્વધનની ગલીઓ હોય કે મથુરાના હોલીગેટ, મહિલાઓ માસ્ક પહેરવાની જગ્યાએ સાડીના પાલવને જ માસ્ક તરીકે ઉપયોગમાં લે છે.

કથા વાચકોની એડવાન્સ બુકિંગ કેન્સલ થઇ, 2020 સુધી કોઇ યોજના નથીઃ
મથુરા-વૃંદાવન અને વ્રજ ક્ષેત્રમાં દેશ-વિદેશમાં શ્રીમદ ભાગવત અને રામકથા કહેનાર લગભગ 24 પ્રમુખ સંત-આચાર્ય રહે છે. લોકડાઉનના કારણે તેમની કથાઓ કેન્સલ થઇ છે પરંતુ એડવાન્સ બુકિંગ પણ બંધ છે. મોટાભાગે વિદેશોમાં કથાઓ કરનાર સંજીવ કૃષ્ણ ઠાકુરજી જણાવે છે કે, લોકડાઉન દરમિયાન બર્મિધમ, ઈસ્ટ લંડન, પુર્તગાલ, કેનેડા અને અમેરિકાની 10થી 12 કથાઓ કેન્સલ થઇ ગઇ છે.

22 થી 28 જૂને ન્યૂજર્સીમાં શ્રીમદ્ ભાગવત કથા હતી, પરંતુ તે પણ કેન્સલ કરી દેવામાં આવી છે. હાલ તો કથા માટે કોઇ યજમાન ફોન કરી રહ્યા નથી કે અમે પણ કથા કરવાના મૂડમાં નથી. 2020 સુધી આવો કોઇ પ્રોગ્રામ નથી. 23 વર્ષોથી કથા વાંચન કરી રહ્યો છું પહેલીવાર આટલો લાંબો અંતરાલ પોતાના માટે મળ્યો છે. હું આ દરમિયાન ગ્રંથો વાંચી રહ્યો છું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી