ભાગ્યના ભેદ:અંકશાસ્ત્રના પ્રયોગ અને ઉપયોગ દ્વારા માનવીના જીવનની રીતભાત અને કાયાપલટ કરી શકાય છે

2 મહિનો પહેલાલેખક: ડૉ. પંકજ નાગર
  • કૉપી લિંક
  • અંકશાસ્ત્રની માયાજાળનો મોહ કોઈને છોડતો નથી, જાતકને આંકડો માફક આવે તો રાંકડો પણ રાજા બની જાય

ગરીબ હોય કે તવંગર અંકશાસ્ત્રની માયા અને માયાજાળનો મોહ કોઈને છોડતો નથી. નાનો દુકાનદાર, મોટો વ્યાપારી હોય કે વ્યાવસાયિક હોય દરેકે દરેક પોતાનું નસીબ અજમાવવા અંકશાસ્ત્રનો સહારો અને સહાય લે છે. રાજકારણીઓ, મોટા વ્યાપારીઓ અને ફિલ્મ જગતના માનસમાં અંકશાસ્ત્ર અપ્સરા કે મોહિની સ્વરૂપે સામ્રાજ્ય કરે છે તેમાં કોઈ શક નથી. દુનિયાની મોટી સફળ કંપનીઓના સામ્રાજ્ય અને મોટા બેનર્સના નેજા હેઠળ રીલીઝ થતી સફળ ફિલ્મો પાછળ અંકનો જાદુ અગર તો જાદુઇ અંકના દૈવી આશીર્વાદ હોય છે. આંકડો માફક આવે તો રાંકડો પણ રાજા બની જાય. અંકશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રની એક એવી અદભૂત વાર્તા અને વાત છે જો તેનું વતેસર કરીએ તો પાને પાનાં ભરાઈ જાય. આવો આપણે આ લેખમાં અંકના વતેસરની વાત કરીએ.

અંકશાસ્ત્રની શાશ્વત સફળતાનો એક કિસ્સો વિચારીએ. અંકશાસ્ત્રના આ સફળ કિસ્સાના મૂળમાં એક નાનકડી દીકરીની ખુશી અને સ્મિત છુપાયેલા છે. દીકરીનું નામ વિદિશા શર્મા. લગ્નમાં વારંવાર વિઘ્ન આવે પરિણામે વિદિશાની માનસિક દશા દિવસે દિવસે કથળતી જાય. વધતી ઉમર અને સામાજિક મેણાં ટોણાંએ વિદિશાને બિલકુલ દિશાવિહીન કરી નાખેલી. પૂરતો અભ્યાસ-સુંદર ચહેરો-ખાનદાન કુટુંબ પણ પુરુષાર્થ, ગ્રહો અને કિસ્મત સાથ આપે જ નહીં. એક દિવસ વિદિશા નિરાશ મોઢું અને વ્યથિત હ્રદયે અમારી પાસે આવી અને તેણે પોતાની કરૂણ કથાની કથની બયાં કરી. તેની રજૂઆત અનુસાર વિદિશાએ અત્યાર સુધીમાં મંગળ દોષની (કે જે દોષ કુંડળીમાં હતો જ નહીં)વિધિ, કુંભ વિવાહ, મંગળવારના નિર્જળ ઉપવાસ અને અનેકોનેક ધાર્મિક વિધિવિધાનો કરાવેલા પરંતુ બધુ જ વ્યર્થ અને વૃથા.

કુંડળીમાં કોઈ મોટો દોષ જણાયો નહીં. કુંવારા રહેવાનું કોઈ કારણ મળે નહીં પણ વિદિશાને જીવન રણ જેવુ લાગે. અમે વિદિશાની કુંડળીને અંકશાસ્ત્રની એરણે ટીપી વિદિશાના જીવનને આકાર આપ્યો. વિદિશાની જન્મ તારીખ ૦7 -૦4-1984 અને વિદિશાનો અંગ્રેજી સ્પેલિંગ V I D I S H A S H A R M A. વિદિશાની જન્મ તારીખનો સરવાળો ૦7+૦4+1984=33 થાય અને 33=3+3 = 6 થાય. આમ વિદિશાની જન્મ તારીખ અંકશાસ્ત્ર અનુસાર 6 નો અંક શુક્રની અસર હેઠળ આવે. વિદિશા શર્માના નામનો સ્પેલિંગ હિબ્રૂ પદ્ધતિ અનુસાર 1 થાય. આમ વિદિશાનું નામ અંક 1 ની અસર હેઠળ અર્થાત સૂર્ય ગ્રહની અસર હેઠળ આવે અને જન્મ તારીખનો અંક 6 શુક્રની અસર હેઠળ આવે. જ્યોતિષશાસ્ત્રના નિયમો અનુસાર શુક્ર મોટાભાગે સૂર્યની નજીક જ ભ્રમણ કરે છે. આથી શુક્ર પોતાનું અસ્તિત્વ ગુમાવે છે. વિદિશાનું નામ સૂર્યની અસર હેઠળ હતું અને તારીખનો અંક શુક્રની અસર હેઠળ હતો. આમ વિદિશાનો સ્પેલિંગનો અંક 1 (સૂર્યનો અંક) તારીખના અંક 6 (શુક્રનો અંક)સૂર્યના તેજ હેઠળ ઢંકાઈ જતો હતો. હવે જરૂર હતી વિદિશાના સ્પેલિંગમાં ફેરફાર કરવાની કે જેથી વિદિશાનો નવો સ્પેલિંગ અને તેની જન્મતારીખ વચ્ચે સુમેળ સધાય અને વિદિશાની ઝિંદગીને નવું જીવન મળે.

અંકશાસ્ત્ર માનવીના જીવનમાં હોકાયંત્ર જેવુ કામ કરી તેને સાચી દિશા દર્શાવે છે અને જીવન જીવવાનો મર્મ અને હાર્દ બતાવે છે. અંકશાસ્ત્રના પ્રયોગ અને ઉપયોગ દ્વારા તમે માનવીના જીવનની રીતભાત અને કાયાપલટ કરી શકો છો. અમે પણ અંકશાસ્ત્રના પૂર્ણ ઉપયોગ દ્વારા વિદિશાના જીવનને નવો વણાંક આપ્યો અને આજે વિદિશા સમાજમાં માનભેર પોતાના પતિની સાથે આન બાન અને શાનથી ગૌરવભર્યું જીવન જીવે છે. અમે વિદિશાના મૂળ સ્પેલિંગ V I D I S H A S H A R M A માં વધારાનો એક આલ્ફાબેટ “H” મૂક્યો ને અમે બનાવ્યુ એક નવું નામ નવા સ્પેલિંગની સાથે જે અહીં આપની જાણ માટે હાજર છે.

તમને આશ્ચર્ય થશે કે વિદિશા અમારી પાસે જ્યારે આવી ત્યારે તેના જૂના નામ સાથે અતિ વ્યથિત-દુઃખી અને નિરાશ હતી. અમે તેને નવા સ્પેલિંગ સાથે નવું નામ અર્પણ કર્યું તેના માત્ર અને માત્ર 10 માસની અંદર તેના લગ્ન ગોઠવાઈ ગયેલા અને આજે જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે વિદિશા અને તેનો પતિ કેયૂર અત્યારે દુબઈમાં છે. કેયૂર એક એંજીન્યરિંગ કંપનીમાં જોબ કરે છે અને બંને પાસે એક સુંદર મજાનું સવા વર્ષનું બાળક પણ છે. અંકશાસ્ત્ર માનવીના જીવનમાં અજીબો ગરીબ ખેલ ખેલે છે અને ગરીબને પણ અબજોપતિ બનાવે છે તેમાં કોઈ શક કે શંકા રહી નથી. ન્યૂમેરોલોજી ભલે ન્યૂરોલોજી ના હોય પણ ન્યૂમેરોલોજીના આધારે કરેલું નામનું ઓપરેશન માનવીને એક નવું મગજ અને ભાગ્ય આપે છે.

Email-panckajnagar@yahoo.com