• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Numeral Star Coordination Part 2; Number 7 Is A Wonderful Number In Numerology, The People Of This Number Are Mostly Lucky From Birth. Dr. Pankaj Nagar And Dr. Rohan Nagar

ભાગ્યના ભેદ:અંક-નક્ષત્રનો સમન્વય ભાગ-2; અંકશાસ્ત્રમાં અંક 7 અજાયબ અંક છે, આ અંકના જાતકો મોટાભાગે જન્મથી જ ભાગ્યશાળી હોય છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ વિભાગમાં જ અગાઉ અમે અંક 2 અને 3ના સંદર્ભે નક્ષત્રનો સમન્વય કરી સફળતાનો સચોટ અને સરળ માર્ગ બતાવેલો. અમારા પ્રિય વાચકોએ અસંખ્ય ઈમેલ અને ફોન-કોલ્સ દ્વારા આ અનુસંધાને બાકી રહી ગયેલા અંક-નક્ષત્રની માહિતી આપવા પોતાનો અદમ્ય ઉત્સાહ અને અદ્દબ્ય લાગણીઓને વાચા આપી તે બદલ તેમનો અંતર મનથી આભાર માની સઘન માહિતી સાથે અમે આપની સમક્ષ પુન: મંડાણ કરીએ છીએ.

મુંબઈના એક પ્રતિષ્ઠિત શેરબજારના વેપારીને દરેકે દરેક સોદામાં ભારે નુકસાન આવે અને જોતજોતામાં તેમની આર્થિક કમર એવી તો તૂટી ગઈ કે તેમના હાલહવાલ બેહાલ થઈ ગયા. તેઓને જ્યોતિષશાસ્ત્રમાં રસ અને ઊંડી શ્રદ્ધા. છ મહિના પહેલાની તેમની અમારી સાથેની મુલાકાત આજે તેમની આર્થિક તાકાત બની ગઈ. તેમનો જન્મ ૦1-1૦-1961ના રોજ થયેલો. અંક શાસ્ત્ર મુજબ તેઓ સીધા જ અંક 1 ની અસર હેઠળ આવે કારણ કે જન્મ તારીખ 1 અને આખે આખી તારીખનો સરવાળો પણ 1 થાય. અંક 1 નો રાજા અને સ્વામી સૂર્ય ગણાય. અમે તેમને તમામે તમામ સોદા સૂર્યના આધિપત્ય હેઠળ આવતા નક્ષત્ર કૃતિકા- ઉત્તરા ફાલ્ગુની અને ઉત્તરાષાઢામાં કરવા કહ્યું અને સાથે-સાથે સૂર્યના મિત્ર ગ્રહ ગુરુના નક્ષત્ર પુનર્વસુ-વિશાખા-પૂર્વા ભાદ્રપદનો ઉપયોગ કરવા પણ જણાવ્યુ. અમારા આ મિત્ર હવે આ છ નક્ષત્રના આશિક થઈ ગયા છે અને તેઓ તેમના બધા જ શુભ કાર્યો લગ્ન, ઉદ્દઘાટન, મુસાફરી-પ્રવાસ અને વેપાર-વ્યવસાય આ 6 નક્ષત્રમાં જ કરે છે. અંક અને નક્ષત્રનો સમન્વય તેમને રંકમાંથી રાજા બનાવી ગયો.

(ડો.પંકજ નાગર જ્યોતિષ નક્ષત્ર પદ્ધતિ માં કાશી બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલય દ્વારા PhD ની ડીગ્રી પ્રાપ્ત કરેલી છે અને અંકશાસ્ત્ર ક્ષેત્રે હિબ્રુ સીસ્ટમમાં માસ્ટર ઇન ન્યુમેરોની ડીગ્રી ધરાવે છે)

અંક 2 અને 3ની માહિતી અમે ગતાંકમાં આપેલી જ છે. ચાલો મિત્રો હવે અંક 4 ની વાત કરીએ. અંક શાસ્ત્ર મુજબ અંક 4 સીધો જ રાહુ નામના ગ્રહની અસર હેઠળ આવે છે. જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 તારીખે હોય અગર તમારી આખે આખી જન્મ તારીખનો સરવાળો 4 થતો હોય તો તમારે રાહુના આર્દ્રા, સ્વાતિ અને શતભિષા નક્ષત્રનો ઉપયોગ દરેક મહત્ત્વના કાર્યમાં કરવો જોઈએ. આ ઉપરાંત આવા જાતકોએ શનિના પુષ્ય, અનુરાધા અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે. કારણ કે રાહુનો પરમ મિત્ર શનિ છે. અંક 4 ના જાતકો જીવનમાં સૌથી વધારે સંઘર્ષ કરતા હોય છે. સંઘર્ષમાંથી મુક્તિ મેળવી નવી શક્તિ મેળવવા તમારા નક્ષત્ર મુજબ આગળ વધો પછી જુઓ કમાલ.

હવે વારો છે અંક 5 નો, આ અંકનો સ્વામી ગ્રહ છે બુધ. સાહિત્ય, વાંચન, વ્યવસાય, જ્યોતિષ, લેખન અને શરીરની નર્વ સિસ્ટમ સાથે જોડાયેલો આ ગ્રહ આશ્લેષા, જયેષ્ઠા અને રેવતી નક્ષત્રનો માલિક છે. જો તમારો જન્મ કોઈ પણ મહિના કે સાલની 5, 14 કે 23 તારીખે થયો હોય અને આખી જન્મ તારીખનો સરવાળો 5 થતો હોય તો તમારે મહત્ત્વના કાર્ય ઉપરોક્ત 3 નક્ષત્રમાં કરવા. અમારા એક મિત્રના બાબાને અભ્યાસમાં ખુબ જ તકલીફ હતી અને તેનો જન્મ 14-8-1999ના રોજ થયેલો. તમે જુઓ તારીખ અને જન્માંકનો સરવાળો 5 થાય. અમારા આ મિત્રને અમે તેના બાબાના અભ્યાસને લગતા તમામ કામ રેવતી નક્ષત્રમાં કરવા કહ્યું. આજે તેમનો પુત્ર સફળતાનું સૂત્ર બની ગયો છે.

અંક 6 ની વાત કરીએ. અંક 6 પર શુક્રનો પ્રભાવ છે. જો તમે 6, 15 અગર 24 તારીખે જન્મેલા જાતક હોવ જો તમારી જન્મ તારીખનો સરવાળો 6 થતો હોય તો તમારે ભરણી, પૂર્વા ફાલ્ગુની અને પૂર્વાષાઢા નક્ષત્રનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને તમે જો ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં હોવ, ફિલ્મ, સંગીત કે નાટ્ય લાઇનમાં હોવ, હોટેલ કે ફૂડના બિઝનેસમાં હોવ અગર કોસ્મેટિક્સના ધંધા સાથે જોડાયેલો હોવ તો અહી જણાવેલા 3 નક્ષત્રનો ઉપયોગ કરજો. જોજો પછી માલામાલ થવાનો કમાલ.

અંક 7નો માલિક નેપચ્યૂન છે. ભારતીય જ્યોતિષશાસ્ત્ર અનુસાર નેપચ્યૂનને કોઈ નક્ષત્ર ફાળવવામાં આવ્યા નથી. બોલો આ તે કેવી મુંઝવણ? પરંતુ અમારી સંશોધન વૃત્તિને અમે જ્ઞાનની એરણ પર ટીપી ટીપીને એક શોધ અને આવિષ્કારને આકાર આપ્યો. તમે જો 7, 16 કે 25 તારીખે જન્મેલા હોવ અગર આખી જન્મ તારીખનો સરવાળો 7 થતો હોય તો નેપચ્યૂન અત્યારે(વર્તમાન)જે રાશિમાં ગોચર ભ્રમણ કરતો હોય તે રાશિના નક્ષત્રનો ઉપયોગ કરવો. અત્યારે નેપચ્યૂન કુંભ રાશિમાં ભ્રમણ કરે છે અને કુંભ રાશિમાં થોડો અંશ આવે છે ધનિષ્ઠા નક્ષત્રનો, શતભિષા નક્ષત્ર પૂર્ણ સ્વરૂપે છે અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રનો પ્રભાવ 70% છે. તમે આ 3 નક્ષત્રનો ઉપયોગ કરી જોજો તમને પણ લાભ થશે જ. અંક 7 અંક શાસ્ત્રનો અજાયબ અંક છે. મૂળ ગ્રહો 7, અઠવાડિયાના દિવસ 7, સંગીતના સૂર 7, સપ્તઋષિના તારા 7, મેઘ ધનુષના રંગ 7, સમુદ્રની સંખ્યા 7 અને નેપચ્યૂનનો અંક પણ 7. અંક 7 ના જાતકો મોટાભાગે જન્મથી જ ભાગ્યશાળી હોય છે અને જો તમે અહી જણાવેલા નક્ષત્રનો ઉપયોગ કરશો તો તમારા કપાળ પર સફળતાનો સિક્કો લાગી જ જશે.

તમારા અંક મુજબ તમને કયું નક્ષત્ર ફળે છે તે તમામ નક્ષત્ર કઈ તારીખે કયા સમયે શરૂ થાય અને પૂરું થાય તેનું વિવરણ અને માહિતી દરેક પંચાંગમાં આપેલી હોય છે. આવી નજીવી અને સામાન્ય બાબતમાં જ્યોતિષીની સલાહ લેવી જરૂરી નથી. કારણ કે તમે જ તમારા ભાગ્યના શિલ્પી છો.

( બંને લેખકો એ આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કર્યો છે )

અન્ય સમાચારો પણ છે...