• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Narendra Modi Birthday Stars Say Challenges Will Increase, Some Decisions May Be Forced To Reverse But Popularity Will Not Be Affected

PM મોદીની કુંડળી, ગ્રહો અને અંકો શું કહે છે:પડકાર વધશે, થોડા નિર્ણયો બદલવા અંગે મજબૂર થઈ શકે છે, પરંતુ લોકપ્રિયતા પર કોઈ અસર પડશે નહીં

3 મહિનો પહેલા
  • દેશના ત્રણ પ્રખ્યાત જ્યોતિષાચાર્ય અને અંકશાસ્ત્રીની મોદી અંગે ભવિષ્યવાણી
  • બંગાળ અને કોમન સિવિલ કોડ બંને અંગે મોદી કોઈ મોટો નિર્ણય લઈ શકે છે

આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. 71 વર્ષના પીએમ નરેન્દ્ર મોદી માટે આવનારાં થોડાં વર્ષ પહેલાં કરતાં વધારે પડકારભર્યાં રહી શકે છે, જોકે તેમની લોકપ્રિયતાનો ગ્રાફ નીચો જશે નહીં છતાંય થોડા નિર્ણયો અંગે મોદી સરકારને ભારે વિરોધનો સામનો કરવો પડી શકે છે.

દેશના પ્રખ્યાત એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બી, નસ્તૂર બેજાન દારૂવાલા અને અંકશાસ્ત્રી ડો. કુમાર ગણેશે કુંડળી અને અંકોને આધારે પીએમ મોદીના આવનારાં થોડાં વર્ષોનું એનાલિસિસ કર્યું છે. બધાં એનાલિસિસ દ્વારા એક વાત સ્પષ્ટ જોવા મળી રહી છે કે આવનારાં વર્ષ પીએમ મોદી માટે પહેલાં જેવાં રહેશે નહીં. તેમને અનેક મુદ્દા પર ભારે વિરોધ અને પડકારનો સામનો કરવો પડી શકે છે.

મોદી પોતાના નિર્ણયો પર અડગ રહેવા માટે ઓળખવામાં આવે છે, પરંતુ 2022 અને એ પછી પણ તેમણે પોતાના નિર્ણયો ફરી લેવા પડી શકે છે અથવા એમાં મોટા ફેરફાર કરવા પડી શકે છે. લોકપ્રિયતાના મામલે તેઓ ફરીથી ટોપ પર રહેશે. વાંચો, પીએમ મોદીની કુંડળી અને એના અંક શું કહે છે.

અર્થ વ્યવસ્થા સુધરશે, પરંતુ બહારની તાકાત મુશ્કેલીઓ વધારી શકે છે- ડો. અજય ભામ્બી, જ્યોતિષાચાર્ય

પ્રધાનમંત્રી મોદીના લગ્ન વૃશ્ચિક અને નવમાંશ સિંહ છે. લગ્નમાં રુચક યોગકારક મંગળ, નીચના ચંદ્ર સાથે સ્થિત છે. ચતુર્થમાં બૃહસ્પતિ છે. પંચમમાં રાહુ, દસમમાં શનિ અને શુક્ર, એકાદશ ભાવમાં સૂર્ય, બુધ, કેતુ વિરાજમાન છે.

1/09/2011થી ચંદ્રની 10 વર્ષીય દશા ચાલી રહી હતી, જે 31/08/2021ના રોજ પૂર્ણ થઈ ગઈ. ચંદ્રનું મંગળ સાથે હોવું પ્રબળ નીચભંગ રાજયોગ બનાવશે. ચંદ્ર નવમ એટલે ભાગ્ય સ્થાનનો સ્વામી છે. આ દસ વર્ષીય ચંદ્રની દશામાં મોદીને જે ફળ પ્રાપ્ત થાય છે એ અતુલનીય છે અને જીવનમાં આ પહેલાં આવી સારી દશા ક્યારેય આવી નથી. જ્યોતિષનું એક સૂત્ર છે કે જે ગ્રહનો નીચભંગ થઈ રહ્યો છે, જો એ બીજા રાજયોગકારક ગ્રહ સાથે હોય ત્યારે પરિણામ થોડાં એવાં મળે છે, જે આ યોગના નામથી જ સ્પષ્ટ છે, એટલે નીચભંગ રાજયોગ.

આ છેલ્લાં દસ વર્ષમાં પ્રધાનમંત્રી બનવાથી લઈને રાજપાઠ સંભાળવા સુધી તેમને અનેક નીચ સ્થિતિનો સામનો કરવો પડ્યો. જ્યોતિષ મૂળ સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યું હતું અને એમાં નીચનો અર્થ એક્સટ્રીમ નેગેટિવિટી થાય છે, જે સામે તો આવે છે, પરંતુ આપમેળે ભંગ પણ થઈ જાય છે, એટલે કે પૂર્ણ થઈ જાય છે.

વર્તમાનમાં 31/08/2021થી મંગળની સપ્તવર્ષીય દશા શરૂ થઈ છે, જોકે મંગળ રુચક પંચ મહાપુરુષ રાજયોગ છે અને દુનિયાએ જોયું કે આ રાજયોગકારક ગ્રહે ચંદ્રને પોતાની બધી તાકાત આપી દીધી અને મોદી સફળતાના માર્ગે આગળ વધતા ગયા. આ મંગળ, નવમાંશમાં સ્વયં નીચ છે અને જ્યારે કોઈ ગ્રહ નવમાંશમાં નીચ હોય છે ત્યારે તેઓ પોતાની નેગેટિવિટી છોડતો નથી, તો આવનારાં વર્ષમાં મંગળ તેમને અનેક સારી તક આપશે, પરંતુ જો તક નહિ ઝડપી શક્યા તો નુકસાન પણ ભોગવવું પડશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કુંડળી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કુંડળી

વર્ષ કુંડળી-
પ્રધાનમંત્રી મોદીની 2021-2022ની વર્ષ કુંડળીનું લગ્ન મકર છે. લગ્નમાં શનિ અને ગુરુ છે. શનિ લગ્નનો સ્વામી છે, જે ખૂબ જ સારો છે, પરંતુ ગુરુ નીચ રાશિનો છે, જે શુભ નથી. બંને ગ્રહ વક્રી પણ છે, જેનો અર્થ એવો થાય છે કે એવા અનેક અવસર મળશે, જ્યારે તેમણે પોતાના નિર્ણયો અંગે ફરી વિચાર કરવો પડશે. પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળમાં એવું જોવા મળ્યું છે કે તેઓ પોતાના નિર્ણયોને બદલવાના પક્ષમાં ક્યારેય રહેતા નથી, પરંતુ આ વર્ષે લગભગ સ્થિતિ બદલાઈ શકે છે.

દશમ સ્થાનમાં મુંથા અને શુક્ર સ્થિત છે. શુક્ર દસમનો સ્વામી છે અને સાથે મુંથા છે. વર્ષ કુંડળીમાં મુંથાને બધા જ ગ્રહોથી બળવાન માનવામાં આવે છે અને દશમેશ સાથે હોવાથી એ ખૂબ જ સ્ટ્રોંગ છે, જેનો અર્થ એવો થાય છે કે આંતરિક અને બહારની શક્તિઓ દ્વારા તણાવનું વાતાવરણ પણ રહેશે. અફવાઓનો સિલસિલો પણ ચાલુ રહેશે. ખેડૂત-આંદોલન કે અન્ય જે પણ હોય, જો એના સમાધાન અંગે વિચાર કરવામાં આવે તો મુંથા એટલું બળ આપશે કે સમસ્યા હંમેશાં માટે નિયંત્રણમાં આવી જશે.

નવમ ભાવમાં સૂર્ય, મંગળ અને બુધની સ્થિતિ છે, જેનો અર્થ છે કે વિદેશ દ્વારા રોકાણ અને વેપારનો સિલસિલો ખૂબ જ ઝડપથી શરૂ થશે અને જીડીપીમાં સુધારો પણ આવશે. બધા ગ્રહ મળીને તેમને ઊર્જાવાન બનાવે છે અને તેઓ આ ગતિમાં ઘટાડો આવવા દેશે નહીં.

રાહુ પંચમમાં છે અને કેતુ એકાદશમાં છે. બંને ઉચ્ચના ગ્રહ છે, પરંતુ જોવામાં આવ્યું છે કે મોટા ભાગે રાહુ તણાવ અને વેદનાનું વાતાવરણ સમયે-સમયે બનાવતો રહે છે, જોકે આ નિર્ણય લેવામાં હંમેશાં સક્ષમ અને સ્વતંત્ર રહે છે અને આ વર્ષે પણ આવું જ કરવું જોઈએ. શક્યતા છે કે અન્ય લોકોની સલાહ તેમના પ્રમાણે રહેશે નહીં.

2026 સુધીનો સમય સારો નહિ રહે, વિરોધ વધશેઃ ડો. ગણેશ કુમાર, અંકશાસ્ત્રી

જયપુરના અંકશાસ્ત્રી ડો. કુમાર ગણેશ પ્રમાણે, વર્ષ 2026 સુધીનો સમયગાળો રાજનૈતિક દૃષ્ટિકોણ સાથે પીએમ મોદી માટે સારો કહી શકાશે નહીં. રાજનૈતિક વિવાદ ઊઠશે, વધશે અને આગળ વધશે. પ્રધાનમંત્રી તરીકે તેમના આ સમયગાળામાં થોડા મોટા નિર્ણયો અપમાન આપનારા સિદ્ધ થશે. જનતા સતત રસ્તા ઉપર પ્રદર્શન માટે ઊતરી શકે છે. કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઈ શકે છે. તેમણે પોતાના થોડા મોટા નિર્ણય બદલવા પડશે અથવા તેમના વધારે સંશોધન કરવા પડી શકે છે. ચૂંટણીના મામલે વિજયનું શ્રેય ઓછું અને પરાજય વધારે મળી શકે છે.

આ સમયગાળામાં મોદીજી 'સમાન નાગરિક અધિકાર કાનૂન'નો નિર્ણય લઈ શકે છે. CAA અને NRCના મામલાઓ આગળ વધારી શકે છે. પૂર્વોત્તર રાજ્યોને લગતા દીર્ઘકાલીન પ્રભાવકારી નિર્ણય લઈ શકે છે. જમ્મુ-કાશ્મીરમાં સફળતાપૂર્વક ચૂંટણી કરવાનું શ્રેય પીએમ મોદીના ખાતામાં જઈ શકે છે. પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલો કોઈ મોટો નિર્ણય પણ લઈ શકે છે.

હવે આંતરરાષ્ટ્રીય લેન્ડસ્કેપમાં પીએમ મોદીના ભવિષ્યની વાત કરીએ. વર્ષ 2022થી 2026ના સમયગાળામાં મોદીજીનું માન-સન્માન વધશે. તેમના ખાતામાં વૈશ્વિક સ્તરે થોડા મામલાઓમાં મુખિયાની ભૂમિકા આવી શકે છે. મોટા-મોટા દેશ તેમની વાતોને ધ્યાનથી સાંભળશે અને એના પર અમલીકરણની દૃષ્ટિ પણ રાખી શકે છે. ચીન સાથેના સંબંધોના મામલે પ્રગતિ તેમના ખાતામાં આવી શકે છે. પાકિસ્તાનની સરકારે મોદી સામે નમીને જ રહેવા વિવશ થવું પડી શકે છે.

મોંઘવારી અને બેરોજગારી મોટો પડકાર બનશેઃ નસ્તૂર બેજાન દારૂવાલા, જ્યોતિષાચાર્ય

પ્રધાનમંત્રી મોદીની સફળતાનું રહસ્ય તેમની કુંડળી અને હસ્તરેખા બંનેમાં છે. પ્રધાનમંત્રી મોદીની હથેળી ઉપર શુક્ર પર્વત ખૂબ જ શક્તિશાળી છે, એ તેમને લોકપ્રિય અને શક્તિશાળી નેતા બનાવે છે અને એક શાનદાર લાઇફસ્ટાઇલ પણ આપે છે. તેમની કુંડળીમાં સૂર્યની સ્થિતિ રાજયોગ આપનારી છે.

મંગળ તેમને વિપરીત પરિસ્થિતિઓ સામે લડવાની શક્તિ આપે છે. તેમની કુંડળીના નક્ષત્ર જણાવે છે કે આવનાર 4-5 વર્ષ તેમના જીવન માટે ખૂબ જ સારા સાબિત થઈ શકે છે. આ દરમિયાન વૃદ્ધો, વિધવા અને વિદ્યાર્થીઓ માટે થોડી સારી યોજનાઓ ઘોષિત થઈ શકે છે. જે ચિંતાનો વિષય છે તે રાહૂ અને કેતૂની સ્થિતિ છે, જે થોડા વિરોધની સ્થિતિઓ બનાવી રહી છે.

શક્યતા છે કે મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દા પર પીએમ મોદીને જનતાનો સામનો પણ કરવો પડી શકે છે. આ તમામ પરિસ્થિતિઓ સિવાય પણ મોદી અને શાહની જોડી ફરીથી રંગ લાવી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા, કેનેડા અને યુકે સાથે ભારતના સંબંધ ખૂબ જ મજબૂત રહી શકે છે. પાકિસ્તાન અને ચીન સાથે સંબંધ ખરાબ થઈ શકે છે, પરંતુ આ બંને દેશ હાલ કોઈ નુકસાન પહોંચાડશે નહીં.