પોષ મહિનાની મૌની અમાવસ્યા ધાર્મિક કાર્ય માટે સવિશેષ માનવામાં આવે છે. અમાવસ્યા તિથિનો સ્વામી પિતૃ ગણાય છે. તેથી જ પિતૃઓની શાંતિ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે. તો બીજી તરફ પિતૃ દોષ અને કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે.
આ વખતે આ તહેવાર 21મી જાન્યુઆરી, શનિવારે આવે છે. આ દિવસે ગ્રહોની શુભ સ્થિતિને કારણે હર્ષ, વરિષ્ઠ, સત્કીર્તિ અને ભારતી નામનો રાજયોગ પણ બનશે. જ્યોતિષીઓનું કહેવું છે કે, પોષ મહિનાની અમાવસ્યાના દિવસે શનિવાર અને ચાર રાજયોગની રચના થવી તે એક દુર્લભ સંયોગ છે.
શનિવારે અમાવસ્યાનો સંયોગ
પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્રા કહે છે કે શનિવારે પોષ-મૌની અમાસ હોવાથી આ દિવસે શનેશ્વરી અમાવસ્યાનો વિશેષ યોગ રહેશે. આ શુભ સંયોગ 20 વર્ષ પછી બની રહ્યો છે. અગાઉ આ 1 ફેબ્રુઆરી 2003ના રોજ આ યોગ બન્યો હતો. જ્યારે પોષ મહિનાની અમાસ શનિવારે જોવા મળી હતી, અને આ દિવસે મૌની અમાસનો પર્વ ઉજવવામાં આવ્યો હતો અને હવે આ યોગ ચાર વર્ષ પછી એટલે કે 6 ફેબ્રુઆરી 2027ના રોજ બનશે.
પોષ મહિનાની અમાસે સ્નાન, દાન અને ઉપવાસનો મહિમા
અમાસના દિવસે સવારે વહેલા ઊઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. જો તે શક્ય ન હોય તો પાણીમાં ગંગાજળ મિશ્રિત કરી સ્નાન કરવું જોઈએ. પોષ મહિનાની અમાસના દિવસે પિતૃઓને તર્પણ કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે. પવિત્ર નદી અથવા કુંડમાં સ્નાન કર્યા બાદ સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ પિતૃઓને તર્પણ આપવામાં આવે છે.
મૌની અમાવસ્યાના દિવસે વહેલી સવારે તાંબાના પાત્રમાં જળની અંદર લાલ ચંદન અને લાલ રંગના પુષ્પ મિશ્રિત કરીને ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ પીપળાના વૃક્ષ અને તુલસીના છોડની પૂજા કર્યા પછી પ્રદક્ષિણા કરવી જોઈએ. પિતૃઓની શાંતિ માટે આ દિવસે વ્રત રાખવું, અને જરૂરિયાતમંદ લોકોને તલ, ઊનના વસ્ત્ર અને પગરખાનું દાન કરવું જોઈએ.
મૌની અમાસનું મહત્વ
ધાર્મિક ગ્રંથોમાં પોષ મહિનાને અત્યંત પુણ્યશાળી અને ફળદાયી માનવામાં આવે છે. તેથી જ મૌની અમાવસ્યા પર કરેલા ઉપવાસ અને દાનથી તમામ પ્રકારના પાપો નષ્ટ થાય છે. ધાર્મિક ગ્રંથોના નિષ્ણાતોનું માનવું છે કે, મૌની અમાસના દિવસે વ્રત અને શ્રાદ્ધથી પિતૃઓને શાંતિ પ્રાપ્ત થાય છે. અને સાથે મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.
મૌની અમાવસ્યાના પર્વ પર માત્ર પિતૃઓની શાંતિ માટે સ્નાન-દાન અને પૂજા-પાઠની સાથે ઉપવાસ કરવા ફળદાયી માનવામાં આવે છે. માત્ર પિતૃઓ જ નહિ પરંતુ, બ્રહ્મા, ઈન્દ્ર, સૂર્ય, અગ્નિ, વાયુ અને ઋષિઓ સહિત ભૂત-પ્રેતને પણ તૃપ્તિ પ્રાપ્ત થાય છે. આ અમાસ પર ગ્રહોની સ્થિતિની અસર આગામી એક મહિના સુધી રહેશે. જેના કારણે દેશમાં બની રહેલી શુભ અને અશુભ ઘટનાઓની સાથે હવામાનની આગાહી કરી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.