• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Mankind Is Transformed If Man Uses The Power Of The Universe By Awakening His 7 Chakras Through Reiki Method By Dr Pankaj Nagar And Dr Rohan Nagar

ભાગ્યના ભેદ:રેકી પદ્ધતિ દ્વારા માનવી પોતાના 7 ચક્રોને જાગૃત કરી બ્રહ્માંડની તાકાતનો ઉપયોગ કરે તો માનવજાતની કાયાપલટ થઈ જાય છે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેકી સાત ચક્રોનું શાસ્ત્ર છે અને જ્યોતિષ મૂળ સાત ગ્રહોનું શાસ્ત્ર છે
  • જ્યોતિષમાં કાળપુરુષની કલ્પના કરવામાં આવી છે. આ કાળપુરુષના દરેક અંગ ઉપર ગ્રહોની શુભ-અશુભ અસરો થાય છે

ગ્રહોનું શાસ્ત્ર અતિ અર્વાચીન છે અને શાસ્ત્ર કરતાં પણ અતિ પ્રાચીન છે બ્રહ્માંડમાં તરતા ગ્રહો. બ્રહ્માંડના ઓળખાયેલા અને ગતિ કરતાં પદાર્થોને ગ્રહોનું નામ આપવામાં આવ્યું છે જેને અંગ્રેજીમાં “આઇડેંટીફાઈડ ઓબ્જેક્ટ્સ” તરીકે નવાજવામાં આવે છે. ગ્રહોની શક્તિને કોસ્મિક પાવર કહેવાય છે. કોસ્મિક પાવર પોતાના કોસ્મિક રેયઝ (કિરણોત્સર્ગ શક્તિ) દ્વારા સમગ્ર બ્રહ્માંડ- વિશ્વના પિંડ અને પંચમહાભૂત તત્વો પર સારીનરસી અસરો ઉપજાવે છે. આપણા શરીરની રચના પૃથ્વી, વાયુ, જળ, અગ્નિ અને આકાશ નામના પાંચ તત્વોમાંથી થઈ અને આ શારીરિક રચનાનું સંચાલન સાત ચક્રો વડે થાય છે.

આ સાત ચક્રોને કેટલોક વર્ગ શરીરના સાત કેન્દ્ર તરીકે પણ ઓળખે છે. શરીરમાં આવેલા આ સાત ચક્રો સહસ્ત્રાર ચક્ર (crown), આજ્ઞા ચક્ર (third eye), વિશુદ્ધ ચક્ર (throat), હ્રદય ચક્ર (heart), મણીપુર ચક્ર (solar plexus), સ્વાધિષ્થાન ચક્ર (hara), મૂલાધાર ચક્ર (root) ના નામે આપના શરીરમાં સ્થાયી થયેલા છે. આ સાત ચક્રો આપણું પ્રાણ શરીર કહેવાય છે. આ પ્રાણ શરીરરૂપી સાત ચક્રો દ્વારા શરીરના પાંચ તત્વોનો વિકાસ અને પોષણ થાય છે. જ્યારે આ તમામ સાત ચક્રોને વિશ્વવ્યાપી જીવનશક્તિ દ્વારા ચેતનવંતા બનાવવામાં આવે તેને જાપાનીઝ ભાષામાં રેકી કહેવામાં આવે છે. રેકી કહે છે કે માનવી બ્રહ્માંડમાં આવેલી નૈસર્ગિક શક્તિઓને માત્ર 1/3 ભાગનો જ ઉપયોગ કરે છે પરંતુ જો રેકી પદ્ધતિનો ઉપયોગ કરી માનવી પોતાના સાત ચક્રોને જાગૃત કરી બ્રહ્માંડની વૈશ્વિક તાકાતનો ઉપયોગ કરે તો સમગ્ર માનવજાતની કાયાપલટ થઈ જાય.

(ડો.પંકજ નાગર ગુજરાત અને વિદેશમાં અનેક અખબારમાં પોતાની કસાયેલી કલમ દ્વારા કોલમ લખે છે અને સાથે સાથે અનેક TV માધ્યમ દ્વારા નિયમિત શો કરે છે)

રેકી સાત ચક્રોનું શાસ્ત્ર છે અને જ્યોતિષ મૂળ સાત ગ્રહોનું શાસ્ત્ર છે. જો શરીરની રચનામાં આવેલા સાત કેન્દ્રોને સમજવામાં આવે અને બ્રહ્માંડના સાત ગ્રહોને ઓળખવામાં આવે તો બંને વચ્ચેના તાલમેલ અને સમન્વય સરળતાથી સમજાઈ જશે. બ્રહ્માંડના મૂળ સાત ગ્રહો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ પણ શરીરની મૂળ રચના સાથે સીધા સંકળાયેલા છે. જ્યોતિષમાં કાળપુરુષની કલ્પના કરવામાં આવી છે. આ કાળપુરુષના દરેક અંગ પર ગ્રહોની શુભ-અશુભ અસરો થાય છે જે અહી વિસ્તારપૂર્વક સમજાવ્યું છે.

માનવીના મસ્તક સાથે મેષ રાશિ સંકળાયેલી છે અને મેષ રાશિનો અધિપતિ ગ્રહ મંગળ છે. આમ મંગળ નામના ગ્રહનો સીધો પ્રભાવ માનવીના માથા પર છે.તો બીજી તરફ વિચારીએ તો રેકીમાં સહસ્ત્રાર ચક્રને (crown) બળવાન બનાવવું હોય તો મંગળ ગ્રહની ઉપાસના કરવી જોઈએ. આમ કરવાથી મનુષ્યની ચિંતાઘટે છે. માનસિક સંતુલન જળવાય છે, ગુસ્સો- બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. વિચારો સાત્વિક બને છે. આ બાબતો બીજી રીતે વિચારીએ તો સહસ્ત્રાર ચક્રને રેકીશક્તિ દ્વારા બળવાન બનાવવામાં આવે તો જાતકની જન્મકુંડળીમાં મંગળનું નડતર દૂર થાય છે. મંગળની પૂજાપાઠ અર્ચના દ્વારા રેકીના બે ચક્રો સહસ્રાર ચક્રઅને આજ્ઞા ચક્ર બળવાન બને છે કારણ કે માનવ શરીરમાં આ બંને ચક્રો મસ્તકના ભાગમાં આવેલા છે.

માનવીના ગળા સાથે વૃષભ રાશિ સંબંધ ધરાવે છે અને વૃષભ રાશિનો અધિપતિ ગ્રહ શુક્ર છે. જો જાતક શુક્ર ગ્રહની ઉપાસના કરે તો શરીરમાં આવેલું વિશુદ્ધચક્ર (throat) બળવાન બને છે અને વિશુદ્ધ ચક્રને રેકી આપવાથી જાતકની કુંડળીનો શુક્ર બળવાન બને છે. આમ અરસપરસ ગ્રહ અને ચક્રને બળવાન બનાવતા ગળાને લગતા રોગ જેવા કે ગળાનું કેન્સર, સ્વરપેટીની તકલીફો દૂર થાય છે. વાણી અને અવાજ મધુર-સૌમ્ય બને છે. વિશુદ્ધ ચક્ર સંતુલિત થવાથી કફ-વાત-પિત્ત મટે છે. શ્રવણ શક્તિ વધે છે.

બુધ અને ચંદ્ર ગ્રહો માનવીય શરીરમાં ફેફસાં, છાતી, લોહી પર આધિપત્ય ધરાવે છે. કારણ કે બુધ, ચંદ્ર અનુક્રમે કાળપુરુષની મિથુન અને કર્કના માલિક ગ્રહ ગણાય છે. મિથુન અને કર્ક રાશિ શરીરમાં ફેફસાં અને છાતી પર પ્રભાવ કરે છે. રેકી શાસ્ત્ર અનુસાર છાતી પર હ્રદય ચક્ર (heart) આવેલું છે. આમ હ્રદય ચક્ર પર રેકી આપવાથી જન્મકુંડળીના બુધ-ચંદ્ર મજબૂત બને છે. અગર તો આપ બુધ-ચંદ્રના પુજા-પાઠ-અર્ચન કરો તો તમારા શરીરમાં આવેલું હ્રદય ચક્ર બળવાન બને છે. આમ કરવાથી હ્રદય રોગ- ફેફસાના રોગ, નાડીઓને લગતી તકલીફો, લોહીનું દબાણ, નિરાશા, હતાશા, ભય, આત્મહત્યા જેવા વિકારોમાંથી મુક્તિ મળે છે. અનાહદ ચક્ર (heart) પર સતત રેકી આપવાથી જન્મકુંડળીનો સૂર્ય અને સિંહ રાશિ બળવાન બને છે. બીજી રીતે વિચારીએ તો સૂર્યની પુજા-ઉપાસના કરવાથી હ્રદય ચક્ર મજબૂત બને છે. સૂર્ય અને હ્રદય ચક્ર બળવાન બનવાથી લાંબુ આયુષ્ય-તંદુરસ્તી મળે છે. હાડકાંની બીમારી આવતી નથી.

શરીરમાં મણીપુર ચક્ર (સોલર પ્લેક્સસ) છાતી અને ડૂંટીના વચ્ચે આવેલું છે. આ ભાગને પેઢું (abdomen) કહે છે. પેઢુંના ભાગમાં નાના-મોટા આંતરડા, કિડની,પેન્ક્રીઆસ, લીવર, હોજરી આવેલા છે. શરીરના આ ભાગ પર કન્યા-તુલા રાશિનું આધિપત્ય છે અને કન્યા-તુલા રાશિના અનુક્રમે બુધ અને શુક્ર માલિક ગ્રહો ગણાય. જો તમે મણીપુર ચક્ર પર સતત રેકી લીધા કરો તો તમારી જન્મકુંડળીની કન્યા-તુલા રાશિ અને બુધ-શુક્ર ગ્રહો બળવાન બને છે. અગર તો બુધ શુક્રની પૂજા કરવાથી મણીપુર ચક્ર બળવાન બનશે અને પેટની તકલીફો, લીવર, ચામડીના રોગ, લોહીવિકાર, ઝાડા, ઊલટી, મધુપ્રમેહ, કિડનીના રોગ, કૃમિ રોગ નાબૂદ થશે.

સ્વાધીસ્થાન ચક્ર (hara) ડૂંટીના નીચેના ભાગમાં હોય છે. આ ચક્ર પર શુક્ર-મંગળનું સામ્રાજ્ય છે કારણ કે અહીં તુલા-વૃશ્ચિક રાશિનો શરીરમાં વાસ છે. મોટું આંતરડું, મળદ્વાર, ગુપ્તાંગો સ્વાધીસ્થાન ચક્રના ક્ષેત્રમાં આવે છે. આ ચક્ર પર રેકી આપવાથી અગર મંગળ-શુક્રના પુજા-પાઠ, ઉપાસના કરવાથી માનવીના સેક્સ પ્રોબ્લેમ, ગેસની તકલીફો માસિક ધર્મની તકલીફો, પ્રજનનના પ્રશ્નો વગેરેમાં રાહત મળે છે. માનવીના શરીરમાં મૂલાધાર ચક્ર (root) છેક નીચે ગુદા અને ગુપ્તાંગોની મધ્યમાં આવલું છે. આ ચક્ર હાડકાં, ગુપ્તાંગ, ગુપ્તાંગથી નીચેના તમામ ભાગ અને શરીરની તમામ આધ્યાત્મિક શક્તિઓ – મન અને મગજના કેન્દ્રો પર કાબૂ રાખે છે. મૂલાધાર ચક્રને જૂના જમાનામાં યોગીઓ – ઋષિમુનિઓ મહત્ત્વ આપીધ્યાનસ્થ બનતા હતા. આ ચક્રને બળવાન બનાવવાથી જન્મકુંડળીનો ચંદ્ર અતિ બળવાન બને છે અને માનસિક રોગો માંથી છૂટકારો મળે છે.

આમ રેકી અને ગ્રહોના તાલમેલ અથવા સમન્વયથી માનવી પોતાની જીવન સરળ અને સફળ બનાવી શકે છે. રેકી અને ગ્રહો બંને અદભૂત વૈશ્વિક શક્તિઓ છે અને વૈશ્વિક શક્તિઓનું જોડાણ કે મેળાપ માનવજીવનમાં અનોખાં-અદભૂત પરિણામ અને નવા પરિમાણ લાવે છે તેમાં કોઈ શક નથી. Planet એટલે plan અને net યોજનાબદ્ધ ગૂંથણ અને રેકી એટલે ray અને key, કિરણો મેળવવાની ચાવી.

(રેકી અને સાત ચક્ર પરનો આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કર્યો છે.)