તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Kundli Melapak Part 3; If The Marriage Is Sweet And Happy, Even The Gods From Heaven Shower Flowers On The Bride And Groom By Dr Pankaj Nagar

ભાગ્યના ભેદ:કુંડળી મેળાપક ભાગ-3; લગ્નજીવન મધુર અને સુખી હોય તો સ્વર્ગમાંથી દેવતાઓ પણ વર-વધુ ઉપર પુષ્પવર્ષા કરે છે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુંડળીમાં જાતિય સુખના ગ્રહો ના હોય તો લગ્નજીવનનું સુખ આપોઆપ અતૃપ્તિ અને છૂટાછેડાના કુંડાળામાં ફસાઈ જાય છે
  • ગોર મહારાજ મંડપમાં કન્યા પધરાવો સાવધાન બોલે તેનો એનો અર્થ એવો થાય કે કન્યાદાન કરતાં પહેલા સાવધાન રહેવું એ જ શ્રેષ્ઠ છે

જન્મકુંડળીનો પ્રથમસ્થાનનો માલિક સાતમા(દાંપત્યજીવન) સ્થાનમાં બેઠો હોય અને શુભ ગ્રહોની યુતિમાં હોય તો જીવનસાથી સુખી, સંસ્કારી કુટુંબનો મળે પણ જો પ્રથમસ્થાન(લગ્ન)નો અધિપતિ સાતમે ક્રૂર ગ્રહોની યુતિમાં હોય તો પતિ અગર પત્ની અતિ કજિયાખોર, અસંસ્કારી ખાનદાનના મળે. આ ઉપરાંત કુંડળી મેળાપકમાં એક મુદ્દો ગણનો આવે છે. આ ગણ એટલે દેવ, માનવ અને રાક્ષસ ગણ. આ ગણના આધારે દાંપત્યજીવનની ગુણવત્તા નક્કી થાય છે. જેમ કે એક જણનો માનવ ગણ હોય અને બીજાનો રાક્ષસ ગણ હોય તો એવું કહેવાય છે કે જેનો ગણ રાક્ષસ ગણ હોય તે માનવ ગણને ખાઈ જાય કે ભરખી જાય. માનવ અને દેવ ગણ હોય તો ચાલે. પણ લગ્નજીવનની વાત આવે ત્યારે બધાનો ગણ આપોઆપ રાક્ષસ થઈ જ જાય છે. કારણકે લગ્ન બાદ સ્ત્રી હોય કે પુરુષ બંનેના ઝઘડા એવા જંગલિયત પર ઉતરી આવે છે કે રાક્ષસો પણ શરમાઈ જાય. લગ્નજીવનને માણવા ગણ નહીં પણ બે જણ (વ્યક્તિ)ની જરૂર હોય છે. લગ્નજીવનની દરેક ક્ષણમાં માત્ર અને માત્ર બે જ જણ હોય છે. પણ આ બંને જણ આવેલી ક્ષણને માણવાની ક્ષમતા જ ના ધરાવતા હોય તો કુંડળી મેળાપકના ગુણ ગમે તેટલા મળતા હોય પણ દાંપત્યજીવન નગુણ અને અવગુણના વમળમાં ડૂબી જાય છે. ગોર મહારાજ મંડપમાં બોલે છે કન્યા પધરાવો સાવધાન એનો અર્થ એવો પણ થાય કે કન્યાદાન કરતા પહેલા સાવધાન રહેવું એ જ શ્રેષ્ઠ અને સ્તુત્ય પગલું છે.

(કુંડળી મેળાપક ગુણ અને અવગુણ લેખના લેખક ડો.પંકજ નાગર ૧૯૮૪થી જ્યોતિષ ક્ષેત્રે કાર્યરત છે અને પોતાની કોલમનો કલમ સ્વરૂપે અસંખ્ય અખબારોમાં સેવા આપી ચુક્યા છે.)

લગ્ન પછીનો પ્રથમ ભગવાન એટલે જાતિય સુખની પ્રાથમિકતા અને તે પણ તેની શ્રેષ્ઠતાની ચરમસીમા સાથે તે વાત આપણે જાગૃત કે અજાગૃત મન સાથે સ્વીકારવી જોઈએ
લગ્ન પછીનો પ્રથમ ભગવાન એટલે જાતિય સુખની પ્રાથમિકતા અને તે પણ તેની શ્રેષ્ઠતાની ચરમસીમા સાથે તે વાત આપણે જાગૃત કે અજાગૃત મન સાથે સ્વીકારવી જોઈએ

લગ્નજીવનની પ્રસન્નતાની પ્રથમ-પ્રાથમિક અને અનિવાર્ય જરૂરિયાત છે તંદુરસ્ત જાતિય જીવન. કુંડળી મેળાપક સમયે આ અતિ મહત્વના મુદ્દા તરફ જ્યોતિષીઓનું ધ્યાન કેમ નહિં જતું હોય તે ભગવાન જાણે પણ લગ્ન પછીનો પ્રથમ ભગવાન એટલે જાતિય સુખની પ્રાથમિકતા અને તે પણ તેની શ્રેષ્ઠતાની ચરમસીમા સાથે તે વાત આપણે જાગૃત કે અજાગૃત મન સાથે સ્વીકારવી જોઈએ. કુંડળીમાં જાતિય સુખના ગ્રહો ના હોય તો લગ્નજીવનનું સુખ આપોઆપ અતૃપ્તિ અને છૂટાછેડાના કુંડાળામાં ફસાઈ જાય છે. આવો તપાસીએ કે કયા ગ્રહો શ્રેષ્ઠ જાતિય સુખ બક્ષે છે અને કયા ગ્રહો જાતિય સુખને ભક્ષે છે?

જે સ્ત્રીની કુંડળીમાં શુક્ર બળવાન હોય તે લગ્નજીવનમાં જાતિય દ્રષ્ટિએ પતિ માટે પરી સમાન હોય છે. પરંતુ જો કુંડળીમાં મંગળ સાથે બુધ, શનિ કે યુરેનસ બેસે તો પુરુષની જાતિય શક્તિમાં લઘુતાગ્રંથી પેદા થાય છે
જે સ્ત્રીની કુંડળીમાં શુક્ર બળવાન હોય તે લગ્નજીવનમાં જાતિય દ્રષ્ટિએ પતિ માટે પરી સમાન હોય છે. પરંતુ જો કુંડળીમાં મંગળ સાથે બુધ, શનિ કે યુરેનસ બેસે તો પુરુષની જાતિય શક્તિમાં લઘુતાગ્રંથી પેદા થાય છે

જ્યોતિષશાસ્ત્રમાં નવ ગ્રહોમાં સૂર્ય-મંગળ અને ગુરુ પુરુષ ગ્રહો છે અને શુક્ર-ચંદ્ર સ્ત્રી ગ્રહો છે. જ્યારે શનિ અને બુધ નપુંસક ગ્રહો છે. મંગળ અને શુક્રમાં જાતિય શક્તિનો ખજાનો છે અને બુધ-શનિ જાતિય દ્રષ્ટિએ ક્ષીણ ગ્રહો છે. મંગળ મર્દની જાતિય શક્તિનો પ્રતિનિધિ છે. આથી જે પુરુષની કુંડળીમાં મંગળ બળવાન હોય તે કામદેવનો અવતાર સમજવો. શુક્ર સ્ત્રીની જાતિય શક્તિનો પરિચય આપે છે. જે સ્ત્રીની કુંડળીમાં શુક્ર બળવાન હોય તે લગ્નજીવનમાં જાતિય દ્રષ્ટિએ પતિ માટે પરી સમાન હોય છે. પરંતુ જો કુંડળીમાં મંગળ સાથે બુધ, શનિ કે યુરેનસ બેસે તો પુરુષની જાતિય શક્તિમાં લઘુતાગ્રંથી પેદા થાય છે. આવો પુરુષ પોતાની કામશક્તિ પર શંકા કરે છે અને શંકા એ નિષ્ફળતાનું ઉદભવસ્થાન છે. તે જ પ્રમાણે સ્ત્રીની કુંડળીમાં તેના શુક્ર સાથે જો બુધ, શનિ કે યુરેનસ બેસે તો તેની કામશક્તિમાં એક પ્રકારની ફ્રીઝીડિટી (ઉદાસીનતા) આવે છે. સૂર્ય અને ચંદ્ર કુંડળીના આત્મા અને મન છે જો આ બંને ગ્રહો સાથે શનિ, શુક્ર, રાહુ અગર પ્લુટો કે કેતુ બેસે તો પણ જાતકનો આત્મવિશ્વાસ અને મનોબળ ઘટે છે અને તેની અસર શારીરિક સુખ પર આવે છે.

સ્ત્રીની કુંડળીમાં આઠમે શનિ મંગળ હોય તો ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ્સ કે અલ્સર પણ આપે છે
સ્ત્રીની કુંડળીમાં આઠમે શનિ મંગળ હોય તો ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ્સ કે અલ્સર પણ આપે છે

લગ્ન કરતાં પહેલા જન્મકુંડળીનું આઠમું સ્થાન ખાસ અવલોકવું જરૂરી છે. કારણ કે આઠમું સ્થાન જાતકના આયુષ્યનું અને ગુપ્તાંગ અને ગુપ્ત રોગો સાથે સંકળાયેલું છે. આઠમા સ્થાનમાં શનિ આયુષ્ય દીર્ઘ આપે પણ એકાદ ગુપ્ત રોગની ભેટ પણ આપે જેમ કે ગોનોરીયા અને શ્વેત પ્રદર જેવા રોગ આ ગ્રહની દેન છે. જો આઠમે મંગળ રાહુ હોય અને સાથે પ્લુટો હોય તો આયુષ્યમાં ઘટાડો કરે છે અને ક્યારેક વેનેરીઅલ ડીસીઝ (ગુપ્ત રોગ) પણ આપે છે. સ્ત્રીની કુંડળીમાં આઠમે શનિ મંગળ હોય તો ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ્સ કે અલ્સર પણ આપે છે.

લગ્નજીવન જો મધુર હોય તો સ્વર્ગમાંથી દેવતાઓ પણ વર-વધુ પર પુષ્પવર્ષા કરે છે
લગ્નજીવન જો મધુર હોય તો સ્વર્ગમાંથી દેવતાઓ પણ વર-વધુ પર પુષ્પવર્ષા કરે છે

જો જન્મકુંડળીના સાતમા (દાંપત્યજીવન) સ્થાનનો અધિપતિ આઠમા (આયુષ્ય-મૃત્યુ) સ્થાનમાં હોય અગર આઠમા સ્થાનનો અધિપતિ ગ્રહ સાતમે બેઠો હોય તો લગ્નજીવન નર્ક સમાન બને છે. જો સાતમા સ્થાનનો અધિપતિ ગ્રહ છઠ્ઠે બેસે અગર છઠ્ઠા સ્થાનનો અધિપતિ સાતમે બેસે તો લગ્નજીવનમાં ચિંતા-દુ:ખ અને છૂટાછેડા સિવાય કશું જ ના મળે તેવું અમારું અવલોકન છે. આવા અસંખ્ય મુદ્દાઓ કે જેનું લગ્નજીવનમાં મહત્વ છે, પરંતુ આ તમામ મુદ્દાઓનું અર્થઘટન અને ચર્ચા કરવા બેસીએ તો પાનેપાનાં ભરાઈ જાય અને ઘડિયાળના કાંટા તમને સમયનું ભાન ભુલાવી વૃદ્ધાવસ્થા સુધી લઈ જાય તે પહેલા આપણે હાલ પૂરતા અહીં અટકીએ, થોડો શ્વાસ લઈએ અને આપના જીવનસાથીને સમય ફાળવી ન્યાય કરીએ.

છેલ્લે લગ્નજીવન જો મધુર હોય તો સ્વર્ગમાંથી દેવતાઓ પણ વર-વધુ પર પુષ્પવર્ષા કરે છે. આથી જ લગ્નજીવનને મધુર બનાવવા અને શરણાઈના સૂરને સમગ્ર જીવન કર્ણપ્રિય બનાવવા લગ્ન કરતાં પહેલા જ કુંડળીઓ નવા સંશોધન સાથે મેળવો. કુર્યાત સદા મંગલમ...

(ડો.પંકજ નાગર અને ડો.રોહન નાગરે આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પબ્લીશ કરેલ છે.)