ભાગ્યના ભેદ:કુંડળી મેળાપક ભાગ-1: સાધારણ કામ પણ અસાધારણ પરિણામો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કુંડળીમાં 36માંથી 36 ગુણ મળતા હોય પણ જીવનસાથીના અવગુણ જાણવા ગુણના ટેબલમાં વ્યવસ્થા નથી એ સત્ય છે
  • દરેક દીકરીની કુંડળીનું ચોથું સ્થાન તેના સસરાનું અને દસમું સ્થાન તેની સાસુનું હોય છે

ગુણથી મનુષ્ય ગૌરવશાળી થાય છે, મહાન સંપત્તિથી નહિ. જેવી રીતે કલંક દેખાય તેવો ચંદ્ર વંદનીય નથી પણ કૃશ-અલ્પ કળા જેમાં કલંક નથી તેવો બીજનો ચંદ્ર વંદનીય બને છે. આવી જ વાત લગ્ન જીવનમાં પણ છે. સામેનું પાત્ર શરીરે કૃશ હોય દેખાવે અલ્પ હોય પણ કલંક વિનાનું હોય તો લગ્ન જીવન વંદનીય બને છે. લગ્ન જીવન શરૂ કરવાનો અતિ સેન્સીટીવ અને મહાન નિર્ણય ક્યારેક ક્યારેક કોમ્પ્યુટરથી નીકળેલી એક શીટના આધારે લેવાય ત્યારે જાતક ચિટ(cheat) થઇ જાય છે. લગ્નના વિઘ્નોને ટાળવા બંને કુંડલીઓનો તલસ્પર્શી અભ્યાસ એ જ સાચો માર્ગ છે. કુંડળી મેળાપકનું સાધારણ જણાતું કામ ક્યારેક અસાધારણ અને આઘાતજનક પરિણામો આપતું હોય છે.

( આ લેખના લેખક ડો.પંકજ નાગર જ્યોતિષ વિષયમાં PhD થયેલા છે અને અનેક અખબારોમાં ૧૯૮૪થી તેમની કોલમનો લાભ આપે છે. ડો.રોહન નાગર લંડન ખાતે પ્રસિદ્ધ આર્યુંવેદાચાર્ય છે)

બે સાવ નોખી વ્યક્તિઓનો સુભગ સમન્વય કરવો અતિ અઘરું જ નહીં કઠિન કાર્ય છે.
બે સાવ નોખી વ્યક્તિઓનો સુભગ સમન્વય કરવો અતિ અઘરું જ નહીં કઠિન કાર્ય છે.

લગ્ન એ બે અલગ આત્મા-શરીર, ભિન્ન સંસ્કૃતિ અને સંસ્કારનું અદભૂત મિલન છે. બે સાવ નોખી વ્યક્તિઓનો સુભગ સમન્વય કરવો અતિ અઘરું જ નહીં કઠિન કાર્ય છે. સારો જીવનસાથી એ દરેક યુવા હૈયાનું સ્વપ્ન હોય છે. સાચા જીવનસાથી માટે જ્યોતિષશાસ્ત્ર એક ઉમદા અને સચોટ માધ્યમ છે. દરેક માં-બાપ ઇચ્છતા હોય છે કે તેમના સંતાનોનું દાંપત્યજીવન સરળ, નિર્મળ અને શાંતિમય હોય. અંગ્રેજીમાં એક કહેવત છે, “મેરેજીસ આર મેઈડ ઇન હેવન બટ સોલેમ્નાઈઝડ ઓન અર્થ” જો લગ્નની ઊજવણીને સાચા અર્થમાં ઊજવવી હોય તો જ્યોતિષનો સહારો સાચા અર્થમાં સાવધાન બનીને લેજો, કારણકે નાની અમથી ભૂલ પણ તમારા સંતાનના જીવનને સ્મશાન બનાવી શકે છે.

લગ્ન બાદ જીવનસાથીનું ચારિત્ર્ય એ અતિ મહત્વનું અને અનિવાર્ય અંગ છે
લગ્ન બાદ જીવનસાથીનું ચારિત્ર્ય એ અતિ મહત્વનું અને અનિવાર્ય અંગ છે

કુંડળી મેળાપકની વાત આવે ત્યારે જ્યોતિષશાસ્ત્રના જૂના નિયમોનું પાલન તો આપણે કરવાનું જ છે જેમકે નાડી, વર્ગ, વર્ણ, ગણ, તારા, યોનિ, ગ્રહ-મૈત્રી, રાશિ ષડાષ્ટક અને મંગળ દોષ જેવી અસંખ્ય અને અગત્યની બાબતો લગ્નજીવન પર અસર કરતી હોય છે. આ મહત્વની ચર્ચા ટૂંકાણમાં કરીએ તો સૌ પ્રથમ આપણે વર્ગનો વિચાર કરીએ. દા.ત. પતિ અને પત્નીમાં એકનો વર્ગ મૂષક હોય અને બીજાનો માર્જાર હોય તો સમગ્ર જીવન બંને વચ્ચે ઉંદર અને બિલાડી જેવુ વેર રહે છે. અલબત્ત અમે હસવા ખાતર ક્યારેક એવું કહેતા પણ હોઈએ છીએ કે પતિ તો આમેય સમગ્ર જીવન મૂષકની(ઉંદર) જેમ જ રહેતો હોય છે. 36માંથી 36 ગુણ મળતા હોય પણ જીવનસાથીના અવગુણ જાણવા ગુણના ટેબલમાં વ્યવસ્થા નથી એ સત્ય છે. લગ્ન બાદ જીવનસાથીનું ચારિત્ર્ય એ અતિ મહત્વનું અને અનિવાર્ય અંગ છે.

જન્મકુંડળીમાં શુક્ર ચંદ્રની યુતિ હોય તો આવા જાતકો સ્વભાવે અતિ લાગણીશીલ હોય છે
જન્મકુંડળીમાં શુક્ર ચંદ્રની યુતિ હોય તો આવા જાતકો સ્વભાવે અતિ લાગણીશીલ હોય છે

પતિ કે પત્નીના ચારિત્ર્યને જાણવા કુંડળીના ગ્રહોને તપાસવા પડે. જો તમે કુંડળીમાં ફક્ત ત્રણ ગ્રહો એટલે કે ચંદ્ર, શુક્ર અને મંગળને તપાસો તો પણ જીવનસાથીના ચારિત્ર્ય વિષે ઘણું બધુ જાની શકાય છે. જન્મકુંડળીમાં શુક્ર ચંદ્રની યુતિ હોય તો આવા જાતકો સ્વભાવે અતિ લાગણીશીલ અને પોતાના જીવનસાથી ઉપરાંતની કોઈ પણ વ્યક્તિ તરફથી સહેજ લાગણીનો અહેસાસ મળતાની સાથે ઢળી પડતા હોય છે. આવો યોગ મૂળ જીવનસાથી પ્રત્યે અન્યાયનો માહોલ પેદા કરે છે. જો જન્મકુંડળીમાં શુક્ર સાથે રાહુ હોય તો અમારું નિરીક્ષણ કહે છે કે આવા લગ્નજીવન મૃત્યુ સમાન પીડા ભોગવે છે અને ક્યારેક ખંડિત થઈ જતાં હોય છે. કારણકે શુક્ર લગ્નજીવનનો કારક ગ્રહ છે અને રાહુ નામનો પડછાયો લગ્નજીવનના સુખને હણે છે. શુક્ર અને મંગળની યુતિ જાતકને એક કરતાં વધારે જાતિય સંબંધો તરફ આકર્ષિત કરે છે અને પરિણામે લગ્નેત્તર સંબંધોનો આભડછેટ લગ્નની પવિત્રતાને અભડાવે છે. જો સામેના પાત્રની કુંડળીમાં આવા કોઈ ગ્રહયોગ કે યુતિ હોય તો વિચાર કરીને વિવાહ સંબંધના મંડાણ કરવા.

જન્મકુંડળીમાં વર કે વધુ બેમાંથી એકનો પણ સૂર્ય કે ચંદ્ર દુષિત હોય તો આવા જાતકો આત્મા અને મનથી સાવેય નિર્બળ હોય છે
જન્મકુંડળીમાં વર કે વધુ બેમાંથી એકનો પણ સૂર્ય કે ચંદ્ર દુષિત હોય તો આવા જાતકો આત્મા અને મનથી સાવેય નિર્બળ હોય છે

લગ્ન કરતાં પહેલા આપણે નાડી દોષનો વિચાર કરીએ છીએ પણ દીકરી લાડી બનીને જે ઘરમાં જવાની છે તેના સાસુ સસરાનું સુખ કેવી રીતે જોવું તેની જાણકારી હોવી જરૂરી છે. દરેક દીકરીની કુંડળીનું ચોથું સ્થાન તેના સસરાનું અને દસમું સ્થાન તેની સાસુનું છે. આ બાબતે અમે તમને વધુ સમજાવીએ. દરેક કુંડળીનું સાતમું સ્થાન જીવનસાથીનું છે અને સાતમા સ્થાનથી ચોથું સ્થાન જીવનસાથીની માતાનું થાય. સાતમા સ્થાનથી ચોથું સ્થાન એટલે જન્મકુંડળીનું દસમું સ્થાન. ( અલબત્ત જન્મકુંડળીનું દસમું સ્થાન પિતાનું ગણાય અને ચોથું સ્થાન માતાનું ગણાય પણ પતિ અને પત્ની એકબીજા માટે આ સ્થાન સાસુ અને સસરાના ગણાય.) જો છોકરીની કુંડળીમાં દસમા સ્થાનમાં મંગળ-શનિ-રાહુ-કેતુ જેવા ગ્રહો હોય તો સાસુ ભારેખમ અને કડક હશે તે વાત નક્કી સમજવી. તે જ પ્રમાણે જો દીકરીની કુંડળીમાં દસમા સ્થાનમાં ક્રૂર ગ્રહો હોય તો સસરાનું સુખ ઓછું મળે. સસરાના સ્નેહમાં ઉણપ વર્તાય.

જન્મકુંડળીમાં વર કે વધુ બેમાંથી એકનો પણ સૂર્ય કે ચંદ્ર દુષિત હોય તો આવા જાતકો આત્મા અને મનથી સાવેય નિર્બળ હોય છે ફળસ્વરૂપ લગ્નજીવનમાં આવનારા સામાન્ય દુખોને પણ સહન કરી શકતા નથી. કુંડળી મેળાપક સમયે ચંદ્ર અને સૂર્યનું બળ કેવી રીતે તપાસવું તેની પણ વિગતે આપણે આ વિભાગમાં ચર્ચા કરીશું જ.

આવી બધી ઘણી બાબતો છે કે જેને નજરઅંદાજ કરવાથી લગ્નજીવન ભગ્ન બને છે. જેમકે લગ્ન પહેલા જીવનસાથીની આર્થિક સ્થિતિ, જાતિય શક્તિ, તંદુરસ્તી, આયુષ્ય, અને ભૌતિક સુખની જાણકારી અગાઉથી લેવા જન્મકુંડળીનો તલસ્પર્શી અભ્યાસ કરવો જરૂરી છે.(ક્રમશ)

(લગ્ન જીવનનો આ મહત્ત્વનો લેખ ડો.પંકજ નાગર અને ડો.રોહન નાગર દ્વારા drpanckaj@gmail.com અડ્રેસ હેઠળ પબ્લીશ કરેલ છે )