ભાગ્યના ભેદ:5 એપ્રિલથી ગુરુ ગ્રહનું કુંભ રાશિમાં ભ્રમણ શરૂ થયું; આ રાશિ પરિભ્રમણ કોના માટે પ્રગતિ લાવશે અને કોને કષ્ટ આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુરુનું નડતર દુર કરવા 'ઓમ હ્રીમ હ્રામ કલીમ કલીમ ઓમ ગ્રોમ ગુરુવે નમઃ' મંત્રનો જાપ કરવો
  • બ્રહ્માંડમાં ગુરુ માત્ર એક એવો ગ્રહ છે કે જે જાતકના શુભત્વ સાથે સંકળાયેલો છે

ગુરુ એટલે વંદનીય-માનનીય. ગુરુ એટલે વિનય અને સંસ્કારનો પર્યાય. ગુરુ એટલે જ્ઞાનનો કુબેરભંડાર. જ્યાં ગુરુ હોય ત્યાં જ્ઞાનનું તેજ હોય અને ઉન્નતિનો અવકાશ-પ્રગતિનું આકાશ હોય. જે માનદ્દ ,મહાન, શુભ અને પવિત્ર હોય ઉપરાંત જ્યાં શિક્ષણ અને સંસ્કારનો વાસ હોય ત્યાં ગુરુનો અવશ્ય રહેવાસ હોય. બ્રહ્માંડમાં ગુરુ માત્ર એક એવો ગ્રહ છે કે જે જાતકના શુભત્વ સાથે સંકળાયેલો છે ગુરુ એ જીવ છે અને જન્મકુંડળીની પ્રતિકારાત્મક શક્તિ છે.

તા.5 એપ્રિલ 2021ના રોજ બપોરે 24.32ના સમયે ગુરુ મકર રાશિમાંથી શનિની સ્વગૃહી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. ગુણધર્મની દૃષ્ટિએ વિચારીએ તો ગુરુ બ્રાહ્મણ ગ્રહ છે. ગુરુ અતિ પવિત્ર અને દેવોનો પણ ગુરુ છે. ગુરુ વિસ્તૃતિકરણ સાથે સંકળાયેલો ગ્રહ છે. ગુરુ 20/06/2021થી કુંભ રાશિમાં વક્રી ભ્રમણ કરી પુન: 18/10/2021ના રોજ માર્ગી થઇ 13/4/2022ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુનું આ ભ્રમણ કેવા લાભાલાભ જગતને આપશે? તેનો વિચાર કરીએ. કુંભ રાશિમાં ગુરુનું ભ્રમણ પ્રતિકુળ હશે કારણ કે ગુરુ અહીં શનિની રાશિમાં હશે. આવો જોઈએ ગુરુનું કુંભ રાશિમાં ભ્રમણ કોને ઝુમ પર લઇ જશે અને કોને બુમ પડાવશે.

(આ લેખના લેખક ડો.પંકજ નાગર જ્યોતિષશાસ્ત્રમાં કાશી બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયથી PhD ની પદવી પ્રાપ્ત કરેલી છે અને જ્યોતિષ ક્ષેત્રે ૧૯૮૪થી કાર્યરત હોવા ઉપરાંત નવ ગુજરાત ફાઉન્ડેસનનો સુવર્ણ ચંદ્રક પણ મેળવેલો છે.)

ગુરુનું કુંભ રાશિમાં ભ્રમણ મને તમને અને દેશ દુનિયાને કેટલું શુભાશુભ છે તેનો આ લેખમાં વિચાર કરીએ. કુંભ રાશિના ગુરુના ભ્રમણના સૌથી શુભ સમાચાર એ છે કે તમે મે-2021 પછી 6 માસની અંદર જ કોરોના મુક્ત હશો. કુંભના ગુરુના કારણે આ વર્ષે ડિસેમ્બર 2021થી 19 જાન્યુઆરી 2022 દરમિયાન ઠંડીનો ઠુંથવારો સહન કરવા તૈયાર રહેજો. કુંભ રાશિ વાયુ તત્વની રાશિ હોઈ સારો પાક થશે અને ખેતરો ખુશીથી લહેરાશે. પ્રકૃતિના લીલા હાસ્યની અનુભૂતિ થશે. ટૂંકમાં ધનધાન્ય સુતાન્વિત નામના વાક્યનો સાક્ષાત્કાર થશે. વિદેશ સાથેના સંબંધો સુધરશે અને સોનું, શેર બજારમાં તેજીના દર્શન થશે. શ્રીનરેન્દ્ર મોદીજી પ્રસંશા મેળવશે અને આર્થિક બાબતોમાં દેશ પ્રગતિ કરશે. ગત અંકમાં આપણે કન્યા રાશિના જાતકો સુધી કુંભના ગુરુ સંદર્ભે ચર્ચા કરેલી. હવે જન્મકુંડળીમાં ગુરુનું ગોચર ભ્રમણ તુલાથી મીન રાશિના જાતકોને કેવું ફળ આપશે તેનો વિચાર આ લેખમાં કરીએ.

ભાગ્યના ભેદ: ગુરુ ગ્રહના રાશિ પરિવર્તનની મેષથી કન્યા રાશિના જાતકો ઉપર કેવી અસર થશે તે અહીં ક્લિક કરીને જાણો

તુલા:- તમારી રાશિથી પાંચમા ભાવે ભ્રમણ કરનારો આ ગુરુ વિધ્યા પ્રાપ્તિમાં મદદ કરશે. પ્રણય જેવી બાબતોમાં સફળતા અને નવી આવકના સ્ત્રોત ઊભા કરશે. આ ગુરુ દરમિયાન કરેલા રોકાણો ભવિષ્યમાં તમને જબરદસ્ત વળતર આપશે. સંતાનોની પ્રગતિનો સંકેત આ ગુરુ આપે છે તેમજ વિદેશયાત્રા માટે વાંછુક જાતકો માટે આ ગુરુ અતિ ફળદાયી નિવડવાનો તે નિ:શંક બાબત છે. કુંભનો ગુરુ તમારા માટે તન-મન-ધનથી આશીર્વાદ સમાન બનશે અને સંચિત કર્મોનો પોઝિટિવ હિસાબ આપશે.

વૃશ્ચિક:- મકરના ગુરુનું ભ્રમણ તમારી કુંડળીના ચોથા ભાવે થશે અને આ ભ્રમણ તમને નવું મકાન વાહન તેમજ જમીનની ખરીદીમાં જબરદસ્ત મદદ કરશે. માતાની તબિયત સુધરશે. મન અને હૃદય પ્રફ્ફુલિત રહશે. જો તમે વૃદ્ધ હોવ તો આ ગુરુ તમને નિરોગી રાખવામા મદદ કરશે. આ ગુરુની સાતમી દ્રષ્ટિ તમારા દસમા સ્થાને પડતાં તમારા ધંધા વ્યવસાયમાં ઘણોજ લાભ આપશે. ટૂંકમાં આ ગુરુ તમને મન અને હૃદયથી પ્રસન્ન કરશે. ઉપરાંત બઢતી સાથે નવા હોદ્દાનો પોઝિટિવ ભાર આપશે.

ધન:- તમારી રાશિથી આ ગુરુનું ભ્રમણ ત્રીજે થતાં તેની દ્રષ્ટિ ભાગ્ય સ્થાને પડશે આથી વિદેશ યાત્રા ઉપરાંત લાંબી અને ધાર્મિક યાત્રાઓ આ ગુરુ તમને કરાવશે. ભાઈ ભાંડુઓ થકી લાભ અને પાડોસીઓ સાથેના સંબંધોમાં સુધારો આ ગુરુનો સંકેત છે. કુંવારા જાતકો માટે લગ્નનો મોટો પૈગામ આ ગુરુ આપે છે, માટે તૈયાર રહેજો. ભાગીદારીયુક્ત સાહસોમાં આ ગુરુ તમને લાભ આપશે. ભાગ્યની નવી દિશા અને તક માટે તૈયાર રહેજો કારણ કે આ ગુરુ એટલે તમારું નસીબ પરિવર્તન.

મકર:- ગુરુનું મકર રાશિમાં ભ્રમણ ધન રાશિના જાતકોના બીજા ધન સ્થાનમાં થશે. આ ભ્રમણ આ જાતકોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવશે. કુટુંબમાં બાળકનો જન્મ થાય અને તે દ્વારા કુટુંબનું કદ વધે. અગાઉ કોઈને ઉધાર આપેલા નાણાં પરત આવે. ગુરુનું આ ભ્રમણ તમને મિતભાષી બનાવે અને સમાજ તેમજ સંસ્થામાં તમારા સંબંધો મીઠા મધ જેવા બનાવે. આ ગુરુ પરિવારમાં સંપ અને એકતાનો એહસાસ કરાવે. નાણાકીય દ્રષ્ટિએ આ ગુરુ તમને અજીબોગરીબ લાભ આપશે તેમાં કોઈ શક નથી.

કુંભ:- આપની રાશિમાં જ ગુરુનું ભ્રમણ હોઈ આપને મનની શાંતિ અને તનની તંદુરસ્તી આપશે. ઉપરાંત આપ અત્યાર સુધી બારમાં ગુરુના ભ્રમણમાં હતાં તેમાંથી પણ મુક્તિ મળશે. અલબત્ત આ વચ્ચ ગાળાની રાહત કહી શકાય. ગુરુનું આ ભ્રમણ તમારા લગ્ન(દેહ) સ્થાને થતાં વિવાહ પ્રસ્તાવો અને લગ્નના સંજોગો પણ ઊભા થશે. ઉપરાંત જો આપ પ્રેમ લગ્ન કરવાની ખેવના ધરાવતા હોવ તો ગુરુ તમને મદદ કરશે. ગુરુના આ ભ્રમણનો ગાળો તમારા સંતાનો માટે અતિ પ્રગતિશીલ અને આનંદ આપનારો હશે તેમાં કોઈ શંકા નથી. ભૂતકાળમાં કરેલા રોકાણો અહી ફળશે અને નવી તક દ્વારા ભાગ્યના દરવાજા ખુલશે. ધાર્મિક પ્રસંગો અને ધાર્મિક મુસાફરીઓ આ ગુરુનો શુભ સંકેત છે.

મીન:- ગુરુનું આ ભ્રમણ તમને બારમા ગુરુના બંધનમાં મુકશે. કયારેક નાહકની દોડાદોડી અને વ્યર્થ ખર્ચા આ ગુરુનો અનિવાર્ય સંદેશ અને સંકેત છે આથી આવક પર ધ્યાન કેન્દ્રિત કરશો તો ફાવશો. અલબત્ત ગુરુ બારમે ભ્રમણ કરશે ત્યારે તમારા ચોથા સુખ સ્થાન પર દ્રષ્ટિ કરશે આથી નવા વાહન કે મકાનના શુભ યોગ ઊભા થશે. હૃદય રોગની જો કોઈ જૂની બીમારી હશે તો તેમાં રાહત આપશે. ગુરુની છઠા સ્થાન પર દ્રષ્ટિ તમને ક્યારેક અપયશ અપાવે અગર કોઈ અપમાનભરી સ્થિતિનું નિર્માણ કરે. નોકરીના સ્થળે ખાસ ધ્યાન રાખવું કારણ કે ક્યારેક કામનું ભારણ કે બોજ તમને માનસિક મુશ્કેલીમાં મૂકી શકે. મિશ્રફળ આપનારો ગુરુ પોતાના આ ભ્રમણ દરમિયાન તમને સુખ કરતાં દુખનો અહેસાસ વધારે કરાવશે. વહેલી સવારે ગુરુના શાસ્રોક્ત મંત્રની એક માળા પરિસ્થિતિમાં રાહત આપશે.

અંગ્રેજી તારીખ અનુસાર જે જાતકોનો જન્મ 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી અને 15 જુલાઈથી 15 ઓગસ્ટ દરમિયાન હોય તેમને શનિની વિપરીત અસરોમાંથી હંગામી આંશિક રાહત મળશે. જે જાતકોની કુંડળીમાં સૂર્ય મિથુન-સિંહ-તુલા અને કુંભ રાશિમાં હોય તેમને કુંભનો ગુરુ તન-મન અને ધનથી પ્રગતિ ઉન્નતી અને સમૃદ્ધિ આપશે તે બાબત ચોક્કસ છે. અલબત્ત આ રાશિના ચંદ્ર ધરાવતા જાતકોને પણ કુંભનો ગુરુ રાહત ચાહતની રાહ બતાવશે.

ગુરુનું નડતર દુર કરવા નીચેના ઉપાયો કરવાઃ-

  • દર ગુરુવારે ચણાની દાળનું સેવન કરવું.
  • ગુરુવારે પીળા વસ્ત્રમાં ચણાની દાળનું દાન કરવું.
  • 'ઓમ હ્રીમ હ્રામ ક્લીમ ક્લીમ ઓમ ગ્રોમ ગુરુવે નમઃ' આ મંત્રનો જાપ રોજ દીવો ધૂપ કરી 108 વાર કરવો.
  • સવારે ઉઠતાની સાથે જ કપાળ પર કોરી હળદર અને ચંદનના પાવડરનો ચાંલ્લો કરવો.
  • સોનાની ધાતુમાં અસલ પોખરાજ જેને અંગ્રેજીમાં યેલો સેફાયર કહે છે તે પણ ધારણ કરવાથી લાભ થાય છે. અને હા મધ્યમ વર્ગના જાતકો માટે રત્નની ખાસ વાત કે જો તમે પોખરાજ ખરીદવા માટે સક્ષમ ના હોવ તો તેનું ઉપરત્ન સેત્રીન પણ પેહરી શકાય છે.

(કુંભના ગુરુનું ગોચર ભ્રમણ મેદનીય હોઈ સૂક્ષ્મ નથી. આથી જાતકે સાચું ફળ જાણવા તેની કુંડળીમાં અન્ય ગ્રહોની સ્થિતિનો પણ વિચાર કરવો જરૂરી છે.) (ડો.પંકજ નાગર અને ડો.રોહન નાગર દ્વારા આ માહિતી drpanckaj@gmail.com હેઠળ પૂરી પાડવામાં આવી છે.)