ભાગ્યના ભેદ:13 એપ્રિલે ગુરુ ગ્રહએ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે, આ ભ્રમણ સમગ્ર જગતને લાભ આપનાર રહેશે

3 મહિનો પહેલાલેખક: ડૉ. પંકજ નાગર
  • કૉપી લિંક

ગુરુ એટલે વંદનીય-માનનીય. ગુરુ એટલે વિનય અને સંસ્કારનો પર્યાય. ગુરુ એટલે જ્ઞાનનો કુબેરભંડાર. જ્યાં ગુરુ હોય ત્યાં જ્ઞાનનું તેજ હોય અને ઉન્નતિનો અવકાશ-પ્રગતિનું આકાશ હોય. જે માનદ્દ, મહાન, શુભ અને પવિત્ર હોય ઉપરાંત જ્યાં શિક્ષણ અને સંસ્કારનો વાસ હોય ત્યાં ગુરુનો અવશ્ય રહેવાસ હોય. બ્રહ્માંડમાં ગુરુ માત્ર એક એવો ગ્રહ છે કે જે જાતકના શુભત્વ સાથે સંકળાયેલો છે ગુરુ એ જીવ છે અને જન્મકુંડળીની પ્રતિકારાત્મક શક્તિ છે. ગત લેખમાં આપણે કન્યા રાશિના જાતકો સુધી મીનના ગુરુ સંદર્ભે ચર્ચા કરેલી. હવે જન્મકુંડળીમાં ગુરુના ગોચર ભ્રમણનો (13/૦4/2022 થી 21/04/2023) તુલાથી મીન રાશિના જાતકોને કેવું ફળ આપશે તેનો વિચાર આ લેખમાં કરીએ.

(ડો.પંકજ નાગર ટીવી ક્ષેત્રે ૫૦૦ સળંગ શો પૂર્ણ કરનાર પ્રથમ જ્યોતિષી છે.)

તુલા- આપની રાશિથી છઠે ગુરુનું ભ્રમણ આપને નાહકની ચિંતામાં રાખે. ક્યારેક કાયદાકીય ગૂંચ ઊભી કરે અને કોર્ટ અને કચેરીના દોડા કરાવે. જો આપને કોઈ અસાધ્ય રોગ હોય તો ગુરુના આ ભ્રમણ દરમિયાન ચેતજો કારણ કે રોગની નકારાત્મક શક્તિઓ ઊથલો મારી શકે છે. ગુરુના આ ભ્રમણ દરમિયાન આપનો કોઈ છુપો શત્રુ આપને મહાત કરી શકે છે. મોસાળ પક્ષથી નુકસાન અને દેવામાં ડુબાડનારો આ ગુરુ તમને અશુભ સંકેત આપે છે. ગુરુ બુરું કરે તેવા સંકેત છે. આ ભ્રમણની નકારાત્મક અસરોથી બચવા દર ગુરુવારે પીળા કપડા ધારણ કરવા અને ખિસ્સામાં હળદરનો ગાંઠિયો અવશ્ય રાખવો.

વૃશ્ચિક- તમારી રાશિથી પાંચમા ભાવે ભ્રમણ કરનારો આ ગુરુ વિદ્યાપ્રાપ્તિમાં મદદ કરશે. પ્રણય જેવી બાબતોમાં સફળતા અને નવી આવકના સ્ત્રોત ઊભા કરશે. આ ગુરુ દરમિયાન કરેલા રોકાણો ભવિષ્યમાં તમને જબરદસ્ત વળતર આપશે. સંતાનોની પ્રગતિનો સંકેત આ ગુરુ આપે છે તેમજ વિદેશયાત્રા માટે વાંછુક જાતકો માટે આ ગુરુ અતિ ફળદાયી નિવડવાનો તે નિ:શંક બાબત છે. આ ગુરુ તમારા માટે તન-મન-ધનથી આશીર્વાદ સમાન બનશે અને સંચિત કર્મોનો પોઝિટિવ હિસાબ આપશે.

ધન- ગુરુનું ભ્રમણ તમારી કુંડળીના ચોથા ભાવે થશે અને આ ભ્રમણ તમને નવું મકાન વાહન તેમજ જમીનની ખરીદીમાં જબરદસ્ત મદદ કરશે. માતાની તબિયત સુધરશે. મન અને હૃદય પ્રફ્ફુલિત રહશે. જો તમે વૃદ્ધ હોવ તો આ ગુરુ તમને નિરોગી રાખવામા મદદ કરશે. આ ગુરુની સાતમી દૃષ્ટિ તમારા દસમા સ્થાને પડતાં તમારા ધંધા વ્યવસાયમાં ઘણો જ લાભ આપશે. ટૂંકમાં આ ગુરુ તમને મન અને હૃદયથી પ્રસન્ન કરશે. ઉપરાંત બઢતી સાથે નવા હોદ્દાનો પોઝિટિવ ભાર આપશે.

મકર- તમારી રાશિથી આ ગુરુનું ભ્રમણ ત્રીજે થતાં તેની દૃષ્ટિ ભાગ્ય સ્થાને પડશે આથી વિદેશ યાત્રા ઉપરાંત લાંબી અને ધાર્મિક યાત્રાઓ આ ગુરુ તમને કરાવશે. ભાઈ ભાંડુઓ થકી લાભ અને પાડોસીઓ સાથેના સંબંધોમાં સુધારો આ ગુરુનો સંકેત છે. કુંવારા જાતકો માટે લગ્નનો મોટો પૈગામ આ ગુરુ આપે છે માટે તૈયાર રહેજો. ભાગીદારીયુક્ત સાહસોમાં આ ગુરુ તમને લાભ આપશે. ભાગ્યની નવી દિશા અને તક માટે તૈયાર રહેજો કારણ કે આ ગુરુ એટલે તમારું નસીબ પરિવર્તન.

કુંભ- ગુરુનું ભ્રમણ કુંભ રાશિના જાતકોના બીજા ધન સ્થાનમાં થશે. આ ભ્રમણ આ જાતકોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવશે. કુટુંબમાં બાળકનો જન્મ થાય અને તે દ્વારા કુટુંબનું કદ વધે. અગાઉ કોઈને ઉધાર આપેલા નાણાં પરત આવે. ગુરુનું આ ભ્રમણ તમને મિતભાષી બનાવે અને સમાજ તેમજ સંસ્થામાં તમારા સંબંધો મીઠા મધ જેવા બનાવે. આ ગુરુ પરિવારમાં સંપ અને એકતાનો એહસાસ કરાવે. નાણાકીય દૃષ્ટિએ આ ગુરુ તમને અજીબોગરીબ લાભ આપશે તેમાં કોઈ શક નથી.

મીન- આપની રાશિમાં જ ગુરુનું ભ્રમણ હોઈ આપને મનની શાંતિ અને તનની તંદુરસ્તી આપશે. ઉપરાંત આપ અત્યાર સુધી બારમાં ગુરુના ભ્રમણમાં હતા તેમાંથી પણ મુક્તિ મળશે. અલબત્ત આ પ્રલંબ ગાળાની રાહત કહી શકાય. ગુરુનું આ ભ્રમણ તમારા લગ્ન(દેહ) સ્થાને થતાં વિવાહ પ્રસ્તાવો અને લગ્નના સંજોગો પણ ઊભા થશે. ઉપરાંત જો આપ પ્રેમ લગ્ન કરવાની ખેવના ધરાવતા હોવ તો ગુરુ તમને મદદ કરશે. ગુરુના આ ભ્રમણનો ગાળો તમારા સંતાનો માટે અતિ પ્રગતિશીલ અને આનંદ આપનારો હશે તેમાં કોઈ શંકા નથી. ભૂતકાળમાં કરેલાં રોકાણો અહીં ફળશે અને નવી તક દ્વારા ભાગ્યના દરવાજા ખુલશે. ધાર્મિક પ્રસંગો અને ધાર્મિક મુસાફરીઓ આ ગુરુનો શુભ સંકેત છે.

અંગ્રેજી તારીખ અનુસાર જે જાતકોનો જન્મ 15 માર્ચથી 15 એપ્રિલ અને 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન હોય તેમને મીનના ગુરુના ભ્રમણ દરમિયાન ગુરુના કારણે શનિની વિપરીત અસરોમાંથી હંગામી આંશિક રાહત મળશે. જે જાતકોની કુંડળીમાં સૂર્ય કર્ક - કન્યા - વૃશ્ચિક અને મીન રાશિમાં હોય તેમને મીનનો ગુરુ તન- મન અને ધનથી પ્રગતિ ઉન્નતી અને સમૃદ્ધિ આપશે તે બાબત ચોક્કસ છે. અલબત્ત આ રાશિના ચંદ્ર ધરાવતા જાતકોને પણ આ ગુરુ રાહત ચાહતની રાહ બતાવશે.

ગુરુનું નડતર દુર કરવા નીચેના ઉપાયો કરવા.

  • દર ગુરુવારે ચણાની દાળનું સેવન કરવું.
  • ગુરુવારે પીળા વસ્ત્રમાં ચણાની દાળનું દાન કરવું.
  • 'ઓમ હ્રીમ હ્રામ કલીમ કલીમ ઓમ ગ્રોમ ગુરુવે નમઃ ' આ મંત્ર રોજ દીવો ધૂપ કરી ૧૦૮ વાર કરવા.
  • સવારે ઉઠતાની સાથે જ કપાળ પર કોરી હળદર અને ચંદનના પાવડરનો ચાંલ્લો કરવો.
  • સોનાની ધાતુમાં અસલ પોખરાજ જેને અંગ્રેજીમાં યેલો સેફાયર કહે છે તે પણ ધારણ કરવાથી લાભ થાય છે. અને હા મધ્યમ વર્ગના જાતકો માટે રતનની ખાસ વાત કે જો તમે પોખરાજ ખરીદવા માટે સક્ષમ ના હોવ તો તેનું ઉપરત્ન સેત્રીન પણ પેહરી શકાય

(મીનના ગુરુનું ગોચર ભ્રમણ મેદનીય હોઈ સૂક્ષ્મ નથી. આથી જાતકે સાચું ફળ જાણવા તેની કુંડળીમાં અન્ય ગ્રહોની સ્થિતિનો પણ વિચાર કરવો જરૂરી છે)
( ગુરુનો આ લેખ બંને લેખકો એ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કર્યો છે.)