સંતુશ્યે ભાર્યયા ભર્તા ભત્રા ભાર્યા તથૈવ! યસ્મિન્નેવ કુલે નિત્ય કલ્યાણમ તત્ર વૈ ધ્રુવમ જે કુળમાં પત્નીથી પતિ અને પતિથી પત્ની સંતોષથી રહે છે તે વંશમાં જરૂર મંગળ થાય છે.
લગ્ન કરો નહીં ત્યાં સુધી સામેનું પાત્ર રાજભોગના થાળ જેવું લાગે પછી જેમ જેમ સમય જાય પછી રાજભોગનો થાળ ઝેરી કાળ જેવો લાગે. અલબત્ત આપણે માનવું જ પડે કે દાંપત્યજીવનમાં જીવતે જીવતા પણ નરકનો એહસાસ થાય તો તેના માટે કુંડળીના ગ્રહો ક્યાંક તો જવાબદાર છે જ તેમાં કોઈ શકાં નથી. ગતાંકમાં અમે આ વિભાગમાં જ લગ્નમાં આવતા વિઘ્નો વિષયક શુક્ર અને રાહુની યુતિની ગહન ચર્ચા કરેલી. ફક્ત એક સપ્તાહના અતિ ટૂંકા ગાળામાં અમને અમારા વહાલા વાચકોએ અસંખ્ય ઈમેલ અને કોલ કરી અમારા શુક્ર-રાહુની યુતિના સંશોધનને સમર્થન આપ્યું તે બદલ આપ સૌનો આભાર.
આજે પુન: આ લેખ દ્વારા લગ્નમાં આવતા વિઘ્નો સંદર્ભે કોઈક નવી વાત સાથે આગળ વધીએ. અમે તમને એક નવો નક્કોર તરો તાજા કિસ્સો વર્ણવીએ. હજુ એક મહિના પહેલા જ એક પ્રૌઢ ભાઈ વિલે મોઢે અમારી પાસે આવ્યા. મારી બાજુમાં બેઠા અને તેમણે તેમની વાર્તા શરૂ કરી.
પંકજભાઈ, શું વાત કરું મારા પ્રથમ લગ્ન 1982માં થયા. અમારા ગામના મહારાજે કહેલું કે 36માંથી 34 ગુણ મળે છે. લગભગ ત્રણેક વર્ષ અમે બંને વૈકુંઠ સમાન લગ્ન જીવન માણ્યું અને 1986માં મારી પત્નીને ગર્ભાશયનું કેન્સર નિદાન થયું. લાખો રૂપિયાના આંધણ પછી પણ પત્ની તો ગુમાવી જ પડી. ત્યારબાદ 1990માં કૌટુંબિક દબાણને વશ થઈ પુન:લગ્ન કર્યા. મારી બીજી પત્ની દેખાવે અતિ રૂપાળી પરંતુ સ્વભાવે સાવે કદરૂપી. વાણીમાં કાગ અને વર્તણુકમાં ઝેરીલો નાગ. બે વર્ષમાં તો હું બેહાલ થઈ ગયો અને અંતે હારી કંટાળી મોટી રકમ ભરપાઈ કરી છૂટો થયો. પંકજભાઈ, મારા નરક જેવા લગ્નજીવનની કરૂણ કથનીનો અંત હજુ બાકી છે. બીજી પત્નીને છૂટાછેડા આપ્યા બાદ લગભગ 3 વર્ષ બાદ વળી પાછો એકલતાનો એહસાસ અને ખાલીપો દૂર કરવા મારાથી 16 વર્ષ નાની સ્ત્રી સાથે લગ્ન કર્યા અને 6 મહિનાની અંદર જ પોતાના પિયર જતી રહી અને તે ગઈ તે ગઈ.
આ અજાણ્યા ભાઈના ભગ્ન લગ્નના કિસ્સા અને ત્રણ-ત્રણ પત્નીઓ દ્વારા થયેલું પતન નરકની યાતનાઓથી ઓછું ના ગણાય. અમે એમની કુંડળીનું અવલોકન શરૂ કર્યું. ધ્યાનથી જોઈ અને ચોંકી પડ્યા. આ ભાઈનો જન્મ ઓગસ્ટ 1956માં થયો છે. તેમની સિંહ લગ્નની કુંડળીમાં લગ્ને સૂર્ય, ચોથે શનિ રાહુ, સાતમે મંગળ અને દસમે કેતુ. આમ બ્રહ્માંડના તમામે તમામ ક્રૂર ગ્રહોનો મેળો આ ભાઈની કુંડળીના કેન્દ્ર સ્થાનમાં હતો. બસ આ કારણ જ દુઃખી લગ્ન જીવન માટે કારણભૂત હતું. સ્વયં ભગવાન શ્રીરામની વાત કરીએ તો તેમના કર્ક લગ્નમાં કેન્દ્ર સ્થાને આવેલા ચાર-ચાર ક્રૂર ગ્રહોએ તેમના દાંપત્યજીવનને શૂન્ય કરી નાખેલું. ખુદ ભગવાન પણ કુંડળીના કેન્દ્ર સ્થાનમાં આવેલા ક્રૂર ગ્રહોના કારણે લગ્ન જીવનમાં ભાગ્યવાન ના બની શક્યા તો તમારા મારા જેવાની શું વિસાત?
જન્મકુંડળીના કેન્દ્ર સ્થાન (1-4-7-10)આ જાતક માટે સુખ-સમૃદ્ધિનો સાગર છે. તમામ દુન્યવી સુખોનો દરિયો અહી પૂનમની રાતની જેમ હિલોળા લે છે. જો આ શુભ સ્થાનોમાં શુભ ગ્રહો બેસે તો જાતકના લગ્ન જીવનને સ્વર્ગીય સુખ અને ઐશ્વર્ય બક્ષે છે પરંતુ ક્રૂર ગ્રહો બેસે તો દાંપત્યજીવનના સુખને ભક્ષે છે. અમારી પાસે એવી કેટલીય જાણીતી હસ્તીની કુંડળીઓ છે કે તેમના કેન્દ્ર સ્થાનમાં ક્રૂર ગ્રહોની હાજરીએ લગ્નજીવનને પસ્તી જેવુ બનાવ્યું છે. ભગવાન રામ, ફિલ્મ અભિનેત્રી રેખા, ડીમ્પલ કાપડિયા, દિગ્દર્શક કમાલ અમરોહી, પ્રસિદ્ધ લેખક વિચારક બર્નાડ શૉ હોય કે સોનિયા ગાંધી હોય પણ લગ્ન જીવનની આંધીએ તેમને શાંતિનો શ્વાસ લેવા દીધો નહીં.
જન્મ કુંડળીના મેળાપકમાં ભલે 36માંથી 36 ગુણ મળતા હોય પણ કેન્દ્રમાં ક્રૂર ગ્રહોની હાજરી તો તમારા લગ્ન જીવનમાં 36નો આંકડો જ રાખશે અને તમને વારંવાર યાદ અપાવશે કે “મેરેજીસ આર મેઈડ ઇન હેલ” અર્થાત લગ્ન જીવન નરકમાં નક્કી થાય છે તેમાં કોઈ શક કે શંકા નથી. અલબત્ત તમે નવું શોધો કે સંશોધન કરો એટલે થોડા કડવા તો લાગો જ પણ અમને ખાત્રી છે જ કે મોટા ભાગના કડવા લગ્ન જીવન જેવા અને જેટલા તો કડવા નહીં જ લાગીએ. હજુ પણ કેટલીક અગમનિગમ વાતો કે જેમાં લગ્ન જીવનનો ગમ છુપાયેલો છે તે લઈને તમારી સમક્ષ પુન : હાજર થઈશું. ત્યાં સુધી સ્વર્ગને માણો.
(લગ્ન જીવનનો આ લેખ બંને લેખકોએ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.