• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • If Venus Is Good Then Married Life Is Proud And If It Is Corrupt Then Married Life Is Crooked By Dr Panckaj Nagar And Dr Rohan Nagar

ભાગ્યના ભેદ:શુક્ર સારો હોય તો લગ્ન જીવન પર ગર્વ થાય અને જો દુષિત હોય તો લગ્ન જીવન વક્ર થાય

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેરે હાથમે તેરા હાથ હો -સારી જન્નતે ફિર અપને સાથ હો
ફના ફિલ્મમાં સોનું નિગમે ગાયેલું આ અદ્દભુત ગીત દાંપત્ય જીવનની મીઠાસનો એહસાસ કરાવે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અને જન્મકુંડળીની વાત આવે અને જયારે જન્મકુંડળીના સાતમા લગ્નજીવનના સ્થાનની વાત આવે ત્યારે તેના કારક શુક્રની વાત યાદ આવે તે સ્વાભાવિક છે કારણ કે શુક્ર એ લગ્ન જીવનની સંતુષ્ટિ અને આનંદ છે.ઇટ્સ સેન્સ્યુલ પ્લેઝર ઓફ મેરેજ લાઈફ.

(શુક્ર વિષે લેખ પ્રસ્તુત કરનારા લેખકો પૈકી ડો. પંકજ નાગર ગુજરાત રાજ્યમાં એક જ ટીવી ચેનલ પર 500 શો પૂર્ણ કરનાર પ્રથમ જ્યોતિષી છે અને ડો. રોહન નાગર લંડન ખાતે સ્કાય ટીવી પર દર શનિવારે આયુર્વેદના શો કરે છે)

લગ્ન એ હિંદુ પ્રણાલિકા અને સંસ્કાર અનુસાર સ્ત્રી અને પુરુષ વચ્ચેનું અતિ પવિત્ર બંધન છે. જ્યાં વિશ્વાસનું વચન અને શ્રદ્ધાનો સંકેત છે તેનું નામ લગ્ન. અલગ અલગ સંસ્કારોનું કાયમી મિલન એટલે લગ્ન. જ્યાં માનવી બધી બાબતોને બાજુમાં મૂકી માત્ર ને માત્ર પોતાના પ્રિય પાત્રમાં મગ્ન બની જાય એનું નામ લગ્ન. પરંતુ જો લગ્નજીવન ભગ્ન બની જાય તો જાતકનું જીવન અતિ ઘાતક બની જાય છે. તેના મનની શાંતિ અને જિંદગીનું સત્વ હણાઈ જાય છે. લગ્નજીવન માટે અતિ મહત્ત્વનો ગ્રહ એટલે શુક્ર. દાંપત્યજીવનનું સત્વ અને જીવનમાં તમામ સુખોનું તત્વ એટલે શુક્ર. દાંપત્યજીવનને સ્વર્ગ બનાવે શુક્ર અને જો જન્મકુંડળીમાં શુક્રનું હીર હણાય તો લગ્નજીવનને શુક્ર નર્ક પણ બનાવે તેમાં બેમત નથી. કયા સંજોગોમાં શુક્ર જાતકના લગ્નજીવનના સુખને હણે છે તેના સચોટ અવલોકન અમારી દ્રષ્ટિએ.

અમારા એક નજીકના મિત્રની કુંડળીમાં સૂર્ય અને શુક્રની યુતિ છે. તેઓ લગ્ને લગ્ને કુંવારા છે. તેમનું દરેક લગ્નજીવન માંડ બેથી ત્રણ વર્ષ ટકે અને વળી પાછા નવા પાત્રની શોધમાં લાગી જાય. આજ દિન સુધી તેઓને દાંપત્યસુખ મળ્યું નથી તેનું મૂળ કારણ તેમની કુંડળીમાં આવેલી સૂર્ય-શુક્રની યુતિ છે. શુક્ર જ્યારે સૂર્યની યુતિમાં આવે ત્યારે સૂર્યની ભયાનક ગરમીના કારણે અસ્તનો (સળગી ઉઠેલો ગ્રહ) બને છે જેને અંગ્રેજીમાં ‘કમ્બસ્ટેડ પ્લેનેટ’ કહે છે. આથી શુક્ર પોતાના નૈસર્ગિક ગુણ જેવા કે લગ્નજીવનનું સુખ અને ભૌતિક સુખના ગુણ ગુમાવી બેસે છે. જેમની કુંડળીમાં શુક્ર-સૂર્યની યુતિ હોય તેવા અસંખ્ય કિસ્સા અમારા ધ્યાનમાં આવ્યા છે. ઉપરાંત સૂર્ય-શુક્રની યુતિ પ્રેમલગ્નના યોગ સર્જી વાદ-વિવાદ-વિસંવાદિતા ઊભી કરે છે. અલબત્ત સૂર્ય અને શુક્રની યુતિ ધરાવતા જાતકો અતિ મોહક અને આકર્ષક હોય છે ફળ સ્વરૂપ આવો જાતક જલ્દીથી મોહપાશમાં આવે છે અને પ્રેમ બંધનથી લગ્ન બંધન સુધીની યાત્રામાં બંધાય છે પરંતુ સૂર્ય અને શુક્રની યુતિમાં શુક્ર પોતાનું હીર અને ગુણ ગુમાવે છે આથી આવો જાતક જાતીય લઘુતાગ્રંથીથી પીડાય છે અને અંતે લગ્ન જીવન ભગ્ન બને છે.

શુક્ર અને પ્લુટોની યુતિ પણ લગ્ન જીવનમાં વિઘ્ન લાવે છે. શુક્ર એ સૌંદર્યવાન સ્ત્રી અને સ્વર્ગીય સુખ છે જ્યારે શુક્ર સાથે પ્લુટો નામનો યમ બેસે ત્યારે સુંદરતા કુરુપતા બને છે અને સ્વર્ગનો એહસાસ નરકમાં તબદીલ થાય છે. અસંખ્ય કુંડળીઓમાં અમારું અવલોકન છે કે જ્યાં જ્યાં શુક્ર સાથે પ્લુટો હોય ત્યાં ત્યાં લગ્ન જીવનની ધરતી નીચે રહેલી શાંતિની પ્લેટો ખસી જાય છે અને ધરતીકંપ સર્જાય છે.

અન્ય એક સંશોધનમાં એવું પણ અમારા હાથ લાગ્યું છે કે જેમની કુંડળીમાં શુક્ર જો શનિની યુતિ અગર દૃષ્ટિમાં હોય તેવા જાતકોનું લગ્નજીવન પણ કલેશમય અને કંકાસથી ભરેલું હોય છે કારણ કે શુક્ર એ લગ્નજીવનનો કારક ગ્રહ છે અને શનિ દરેક સુખનો મારક ગ્રહ છે. પ્રસિદ્ધ લેખક બર્નાર્ડ શૉની કદરૂપી પત્નીની કુંડળીમાં શુક્ર અને શનિની યુતિએ બર્નાર્ડ શૉની જીંદગીનો કચ્ચરઘાણવાળી નાખેલો તે બાબતથી જ્ઞાની વાચકવર્ગ અજાણ નથી.

અવલોકને અને અનુભવે લગ્નજીવનને પીડા આપનારી અને છુટ્ટાછેડા માટે જવાબદાર યુતિ અમને શુક્ર અને રાહુની પણ ધ્યાનમાં આવે છે. લગ્નજીવનના ભંગાણના સેમ્પલ કેસમાં સૌથી વધારે કુંડળીઓમાં આ યુતિ અમને પ્રથમ દાર્શનિક પુરાવા તરીકે હાથ લાગી છે કારણ કે શુક્રનું સ્વરૂપ અતિ સૌમ્ય અને કોમળ છે અને જ્યારે રાહુ જેવા ક્રૂર ગ્રહો સાથે બેસે ત્યારે લગ્નજીવનને ગ્રહણ લાગી જાય છે. આવી યુતિવાળા જાતકો અતિ કષ્ટદાયક અને દુ:ખદ લગ્નજીવન જીવતા હોય છે.

કેટલાક કિસ્સાઓમાં શુક્ર જ્યારે સાતમા (દાંપત્યજીવન) સ્થાનના અધિપતિ ગ્રહ તરીકે જન્મકુંડળીમાં છઠ્ઠા (રોગ-શત્રુ-છુટ્ટાછેડા) સ્થાનમાં આઠમે (મૃત્યુ સ્થાન) અગર બારમા (વ્યય) સ્થાનમાં બેસે તો દાંપત્યજીવનના ચઢાણ અતિ કપરાં બનાવે છે.

શુક્ર એ દાંપત્યજીવનની પ્રસન્નતા અને ભૌતિક સુખનો આધારસ્તંભ છે. માનવીના મોટા ભાગના વર્ષો પોતાના જીવનસાથી સાથે પસાર કરવાના હોય છે અને તેવા સમયે બ્રહ્માંડનો આ અતિ મહત્વનો ગ્રહ શુક્ર જો તમને અને તમારાં લગ્નજીવન પર ચાબખાં મારે તો એનાથી મોટી દુ:ખદ ઘટના અને કુઠારાઘાત કયો હોય શકે?

શુક્રના શુક્ર ગુજાર બનવા અને શ્રેષ્ઠ લગ્ન જીવનની મધુરતાને માણવા દરેક જાતકે હમેશાં શુક્રની પૂજા અર્ચના કરવી જરૂરી છે. "હ્રીમ હ્રીમ ક્રુન્દ મૃણા લાભમ દૈત્યાનામ પરમ ગુરુમ સર્વ શાસ્ત્ર પ્રવતકારમ ભાર્ગવમ પ્રણમામ્યહમ " મંત્રની માળા રોજ એકવાર કરવી જોઈએ. દર શુક્રવારે ગુલાબી રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ અને માં પાર્વતીના ચરણમાં દર શુક્રવારે એક ગુલાબનું ફૂલ મુકવું જોઈએ. લગ્ન જીવન ખરાબ હોય તેવા જાતકો એ ગૌરીશંકર રુદ્રાક્ષ અગર કૈલાશ યંત્ર ધારણ કરવું જોઈએ.

(શુક્ર અને લગ્ન જીવન પરનો આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ સંપાદિત કરેલ છે.)