શાસ્ત્રો અને ફિલોસોફી કહે છે “મેરેજીસ આર મેઈડ ઇન હેવન એન્ડ સોલ્મનાઈઝડ્ડ ઓન અર્થ” અર્થાત લગ્નો સ્વર્ગમાં નક્કી થાય છે અને પૃથ્વી પર ઉજવાય છે. પરંતુ સત્ય એ છે કે લગ્નના માત્ર ચાર કે પાંચ વર્ષમાં આ સૂત્રની પવિત્રતા-સાર્થકતા પર પૂર્ણ વિરામ મૂકાઈ જાય છે અને દાંપત્યજીવનના આનંદનો અર્ક લડાઈ-ઝગડાના નર્કમાં ફેરવાઇ જાય છે. અમારી 37 વર્ષની જ્યોતિષીક કારકિર્દીમાં અમે આ બાબતને સાવે નજીકથી અનુભવી છે. કારણ કે અમારી પાસે આવનારા મોટા ભાગના કિસ્સાઓ દાંપત્યજીવનના વિખવાદો, વિવાદો અને વિસંવાદીતતાઓને વધુ સ્પર્શતા હોય છે.
અમારી મુલાકાત દરમિયાન જ્યારે પતિ-પત્ની સાથે આવે અને અમે એમના લગ્નજીવન વિશે પૂછીએ તો બંને એકબીજા સામે જુએ અને પછી બંનેના શબ્દોમાં પ્રેમનો પ્રસાદ વેહેંચાતો હોય તેવું લાગે પણ બંનેને અલગ અલગ સિટીંગમાં બોલાવીએ તો પ્રેમનો પ્રસાદ ગાળોના વરસાદનું રૂપ ધારણ કરે. લગ્ન જીવનનું નગ્ન સત્ય એટલે મિત્રતાના રહેવાસમાં શત્રુતાનો સહવાસ. આ અમે નથી કહેતા પણ આપણી કુંડળીના ગ્રહો આપણાં નરક જેવા લગ્ન જીવનની ચાડી ખાય છે.
અમારા એકદમ નજીકના મિત્ર છે. નામ તેમનું ખુશાલ પણ તેમનું દાંપત્યજીવન જરા પણ ખુશહાલ નથી. 26 જાન્યુઆરી 1973ની સાલમાં સ્વાતંત્ર દિને જન્મેલા ખુશાલના લગ્ન જીવનમાં માત્ર ને માત્ર ગુલામી જ છે. કેમ કે મિથુન લગ્નમાં જન્મેલા અમારા મિત્રના સાતમા પત્ની ભાવમાં ધનના શુક્ર-રાહુની યુતિ છે કે જે તેમને દાંપત્યજીવનમાં ચેનનો શ્વાસ લેવા દેતી નથી. પત્નીના કંકાશિયા અને કર્કશ સ્વભાવને કારણે ખુશાલે બબ્બેવાર આપઘાતની કોશીશ કરી પણ લાગે છે કે ખુશાલે પૃથ્વી પર જ નર્કનો અનુભવ અને અનુભૂતિ મેળવવાના હોઈ આપઘાતના પ્રયત્નો પણ તેને પત્નીની માફક જ આઘાત આપે છે અને તે બચી જાય છે. લાગે છે કે ખુદ યમરાજ પણ ખુશાલની પત્નીથી ગભરાઈ ગયા છે.
અમારી પાસે આવનારા એક બહેન કે જેમનો જન્મ ઓગસ્ટ 1964માં થયો છે તેમની કુંડળીમાં પણ મિથુન રાશિના શુક્ર રાહુની યુતિ છે. શુક્ર રાહુની યુતિએ આ બહેનના લગ્ન જીવનને એવું ભગ્ન કરી નાખ્યું છે છે કે હવે તેઓ પ્રભુ પાસે સામે ચાલીને નર્કમાં રહેવાની માંગણી કરે છે. શુક્ર-રાહુની યુતિએ તેમના લગ્નજીવનના બાર વગાડી દીધા છે. પતિનો ત્રાસવાદી સ્વભાવ જોઈ આ બહેન સતી થવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે પણ લાગે છે કે તેમની કુંડળીની શુક્ર-રાહુની યુતિ તેમને આ જન્મમાં આ પતિ સાથે જ નર્કના દર્શન કરવાની છોડશે.
અમારા એક વૃદ્ધ મિત્ર શુક્ર-રાહુની યુતિના કારણે ત્રણ ત્રણ વાર લગ્ન કરી ચૂક્યા છે. પ્રથમ પત્ની લગ્નના 4 વર્ષની અંદર અંદર જ મૃત્યું પામી. બીજા લગ્નના 7 વર્ષમાં જ પત્ની દર-દાગીના અને મિલકત લઈ રાતોરાત રાતા પાણીએ તેમને નવરાવી ગઈ. ત્રીજા પત્ની અત્યારે જીવિત છે પણ લકવાગ્રસ્ત છે એટલે અમારા આ વૃદ્ધ મિત્ર રાત દિવસ તેમની સેવામાં જ લાગેલા હોય છે. અમને જ્યારે અમારા આ વૃદ્ધ મિત્ર મળે ત્યારે તેમની ગામઠી ભાષામાં એક વાકય તો કાયમ બોલે જ કે પંકજભાઈ ચમ સો, મજામાં સો ન? દિયોર આવતા જનમમાં મું પૈણવાનો તો નહીં જ અને જો કોઈ મન પૈણવાનું કેશે તો ઈનું આઈ બન્યું હમજો.........
બોલો ઉપરના બધા કિસ્સા કેવા ખતરનાક છે? શુક્ર-રાહુની યુતિએ તેમના લગ્નજીવનને જીવતે જીવતા જ નર્કમાં ફેરવી નાખ્યું છે. અમે ઓછામાં ઓછી 350 કુંડળીનું અવલોકન કર્યું કે જેમાં શુક્ર-રાહુની યુતિ હોય અને તમને આઘાત લાગશે અને આશ્ચર્ય પણ થશે કે 310 જાતકોએ તેઓ લગ્ન જીવનમાં દુઃખી છે તેવું અનુમોદન અને અમારા સંશોધનને સમર્થન આપ્યું. બાકીના ચાલીસ તો એટલા બધા ડરેલા હતા કે હજુ સુધી તેમનો પત્તો જ નથી.
આવો સમજીએ શુક્ર-રાહુની યુતિ અને નરક સમાન દુઃખી લગ્ન જીવનની રામ કહાણી
જ્યોતિષશાસ્ત્રના મહાગ્રંથો અને મહાન લેખકો-આર્ષદ્રષ્ટાઓ ભૃગુ, કશ્યપ, વરાહ, મન્ત્રેશ્વર અને ભાસ્કરાચાર્યના મતાનુસાર જન્મકુંડળીમાં શુક્રને સાતમા સ્થાનનો કારક કહ્યો છે જો બીજા શબ્દોમાં વિચારીએ તો દાંપત્યજીવન-લગ્ન જીવનના સુખનો કારક-કર્તા અને દાતા માત્ર ને માત્ર શુક્ર છે. જો જન્મ કુંડળીમાં શુક્ર શુભ ગ્રહો સાથે હોય અગર શુભ સ્થાનમાં હોય અથવા ઉચ્ચ કે સ્વગૃહી રાશિમાં હોય તો તેવો જાતક લગ્ન જીવનમાં સ્વર્ગ કે વૈકુંઠનું સુખ મેળવે છે. બળવાન શુક્ર એટલે દાંપત્યજીવનમાં ઈશ્વરીય આશીર્વાદ અને પૂર્ણ ઐશ્વર્ય. પરંતુ જો શુક્ર જન્મ કુંડળીમાં રાહુ સાથે જોડાય તો લગ્ન જીવનના શરણાઈના સૂરમાં અસુર પ્રવેશે છે અને લગ્ન જીવનના અર્કને નર્કમાં ફેરવી નાખે છે. રાહુ એટલે અંધારું અને પડછાયો. જ્યારે આ પડછાયો શુક્ર ઉપર પડે તો શુક્રનું લગ્ન સુખ રાહુના દુર્ગુણોના અંધારામાં ઢંકાઈ જાય છે. ફળ સ્વરૂપ આવો જાતક આખી ઝીંદગી લગ્ન સુખ-પરિણીત જીવન કે દાંપત્યજીવનના આસ્વાદને માણી શકતો નથી. શુક્ર અને રાહુની યુતિ એટલે લગ્ન જીવનના સત્વ અને સારમાં નર્કનો અણસાર.
કુર્યાત સદા મંગલમને કુર્યાત સદા જંગલમમાં ફેરવતી આવી અસંખ્ય વાતો અને સંશોધનને લઈને અમે પુન: આપની સામે આવતા અંકમાં આવી રહ્યા છે ત્યાં સુધી બાય બાય.....
(લગ્ન જીવનનો આ લેખ બંને લેખકોએ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.