• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • If Mercury Is Weak And Moon Is Strong In The Horoscope, Then The Human Being Is Under The Control Of The Emotions Of The Mind And Performs Completely Irrational Deeds.

ભાગ્યના ભેદ:કુંડળીમાં બુધ નિર્બળ અને ચંદ્ર સબળ હોય તો માનવી મનની લાગણીઓના વશમાં રહી સાવ જ બુદ્ધિહીન કર્મ કરે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચંદ્ર મનુષ્યના જીવન પર ચોક્કસપણે અસર કરે છે તે બાબત નિર્વિવાદપણે સત્ય છે. ચંદ્ર માનવીના મન પર સારી કે નરસી અસર કરે છે તેનો વૈજ્ઞાનિક રીતે સ્વીકાર થયેલો છે. “ચંદ્રમા મનસો” એ વેદવાક્યમાં માનસિક પ્રક્રિયા પર ચંદ્રના આધિપત્યનો અણસાર છે. જ્યોતિષની દૃષ્ટિએ પણ ચંદ્રની શુભાશુભ સ્થિતિને આધારે માનવીના મનના ભેદ અને ઊંડાણ જાણી શકાય છે. ચંદ્ર શુભ ગ્રહની દૃષ્ટિ કે સંપર્કમાં હોય તો માનવીનું મન પ્રસન્નતા અનુભવે છે પણ જો ચંદ્ર દૂષિત હોય તો માનવી અપમાન-નિરાશા અને અશાંતિનો અનુભવ કરે છે. જ્યોતિષશાસ્ત્રના મતે સુદ સાતમથી વદ સાતમ સુધીનો ચંદ્ર બળવાન ગણાય અને આ દરમિયાન જો ચંદ્ર કર્ક અગર વૃષભ રાશિમાં હોય તો તેનું બળ ઘણું જ વધી જાય છે.

(ડો.પંકજ નાગરે કાશી બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલય દ્વારા ઈ.સ. ૨૦૦૦ ની સાલમાં જ્યોતિષ શાસ્ત્રમાં PhD ની ડીગ્રી મેળવેલ છે અને ડો.રોહન નાગર યુકે ખાતે નાઈન જ્વેલ્સ ઓફ યુકે નો અવોર્ડ ધરાવે છે)

જન્મકુંડળીમાં બુધ નિર્બળ હોય અને ચંદ્ર સબળ હોય તો માનવી મનની લાગણીઓના વશમાં રહી જીવનમાં સાવ જ બુદ્ધિહીન કર્મ કરે છે. જો બુધ બળવાન હોય અને ચંદ્ર નિર્બળ હોય તો વ્યક્તિના નિર્ણય હંમેશા ન્યાયી અને સમાજ ઉપયોગી હોય છે કારણ કે આવા નિર્ણયો લાગણીના ખેચાણથી નહીં પણ ફરજની સભાનતા અને મગજની જાગૃતિના આધારે લીધેલા હોય છે. ચંદ્ર-બુધના સંબંધ અગર યુતિ કવિઓ અને સાહિત્યકારોનું સર્જન કરે છે તો ક્યારેક આ સંબંધ ધૂની અને પાગલ માણસોને પણ જન્મ આપે છે. ચંદ્ર-બુધના સંબંધ જગતને સારા લેખક-જ્યોતિષી-સેલ્સમેન-કવિ-કમિશન એજન્ટ-વાણિજયના જ્ઞાતા-વાર્તાકાર-કથાકાર-પત્રકાર અગર તંત્રીની ભેટ આપે છે, તો ક્યારેક ચંદ્ર-બુધના વિપરીત સંબંધો માનવીને ગાંડપણની ચરમસીમાઓની સફર કરાવે છે. જગત પરના મોટા ભાગના ગાંડાઓ કે ધૂની માનવીઓની જન્મકુંડળીમાં ચંદ્ર-બુધની પ્રતિયુતિ જોવા મળે છે કારણ કે બુધ બુદ્ધિ-મનના વિચારો અને જ્ઞાનતંતુ (નર્વ સિસ્ટમ) સાથે સંકળાયેલો ગ્રહ છે જ્યારે ચંદ્ર એટલે મન અને મગજ (માઇન્ડ)પર આધિપત્ય ધરાવનારો ગ્રહ છે. જ્યારે કુંડળીમાં ચંદ્ર અને બુધ આમનેસામને બેસે એટલે મન અને જ્ઞાનતંતુ અર્થાત મન અને વિચારો વિરુદ્ધ દિશામાં બેઠા ગણાય. આવી પ્રતિયુતિ ધરાવનારો વ્યક્તિ માનસિક રીતે અસ્થિર બને છે અને મનની ચંચળતા-વિચારોની વૈમનસ્યતા વચ્ચે અટવાતો જાતક સમાજમાં પાગલ અને ધૂની તરીકે ઓળખાય છે. જે લોકોની કુંડળીમાં બુધ-ચંદ્રની પ્રતિયુતિ હોય તેઓ એકવાર તો અવશ્ય ડિપ્રેશનનો ભોગ બને જ છે તેવું અમારું પાકું તારણ છે.

જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્ર-બુદ્ધના સંબંધને એકપક્ષીય ગણ્યા છે કારણ કે બ્રહ્માંડમાં ચંદ્રને માતા કહે છે અને બુધને પુત્ર. બુધ ચંદ્રને પોતાનો શત્રુ માને છે પરંતુ માં એટલે કે ચંદ્ર બુધને પ્રેમ કરે છે કારણ કે તે માતા છે. આકાશી ગ્રહોના દરેક સંબંધ પાછળ કંઈક ને કંઈક રહસ્યો છુપાયેલા હોય છે. ઊંડાણપૂર્વક વિચારીએ તો ખ્યાલ આવશે કે બુધ એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે કારણ કે ખગોળની દૃષ્ટિએ બુધ કોઈ પણ સંજોગોમાં સૂર્યથી 27 અંશથી વધારે દૂર જતો નથી. પરિણામે બુધ હંમેશાં ગરમ રહે છે. ચંદ્ર એ શીતળ અને બુધ ગરમ ગ્રહ છે. આથી બંનેના ગુણ સાવ વિપરીત હોઇ ક્યારેક આ બંને ગ્રહોના વિપરીત સંબંધ માનવીને સાયકો ડિસઓર્ડરના ભોગ બનાવે છે.

ચંદ્ર-બુધની યુતિ જન્મકુંડળીના બીજા સ્થાનમાં હોય તો વ્યક્તિ પોતાના વ્યાખ્યાનો અને વક્તવ્ય દ્વારા ધનવાન બને છે. આ યુતિ આ સ્થાનમાં શ્રેષ્ઠ વાણી અને સારું કૌટુંબિક સુખ આપે છે. જો જાતક મધુર અને મિતભાષી હોય તો અવશ્ય તેના બીજા વાણી અને ધન સ્થાનમાં ચંદ્ર-બુધની યુતિ હોય છે. આ યુતિ પાંચમા સ્થાનમાં જાતકને શ્રેષ્ઠ સંતાન સુખ આપે છે અને સારો વિદ્યાભ્યાસ આપે છે. નવમા ભાગ્ય સ્થાનમાં આ યુતિ જાતકને પોતાની ફિલોસોફી અને જ્ઞાનને કારણે દેશવિદેશના પ્રવાસ અને માનસન્માન અપાવે છે. ચંદ્ર-બુધની યુતિ સાતમા અગર આઠમા સ્થાનમાં ક્યારેક જાતિયતા તરફ અરુચિ પેદા કરે છે કારણ કે બુધ નપુંસક ગ્રહ છે અને આવી યુતિ ધરાવતા જાતકો અતિ વિચારશીલ હોઇ લોહીનો મોટા ભાગનો પુરવઠો (બ્લડ સપ્લાય) મગજ તરફી હોય છે. આથી માનસિક સતર્કતા અને તર્કનું પ્રમાણ વધુ પરંતુ જાતિય સુખ અને જાગૃતિ તરફી ધ્યાન ઓછું હોય છે. જોકે ચંદ્ર-બુધની યુતિના ચોક્કસ પરિણામો જાણવા દરેક વ્યક્તિની વ્યક્તિગત કુંડળી અને અન્ય ગ્રહસ્થિતિનો તલસ્પર્શી અભ્યાસ મહત્ત્વની બાબત બની રહે છે.

ચંદ્ર અને બુધ સાથે શનિ જોડાય તો ક્યારેક વિદ્વતા બુઠી બની જાય છે કારણ કે આ બંને ગ્રહો સાથે શનિનું જોડાણ જાતકના મન અને બુદ્ધિ પર કુઠારાઘાત કરે છે ફલસ્વરૂપ આવો જાતક જીવનમાં સ્મૃતિ શક્તિ ગુમાવે છે અને નિરાશા તરફ ધકેલાય છે. અલબત્ત આ બાબત પર સિક્કો મારવા માટે પૂર્ણ કુંડળીનું તલસ્પર્શી નિરીક્ષણ કરવું જરૂરી છે. ચંદ્ર બુધની વિદ્ધવતામાં જો રાહુ જોડાય તો આવો જાતક વિદ્ધવાન હોવા છતાં સિફત પૂર્વક જુઠ બોલી શકે છે અને પોતાની વિદ્ધવતાની આડશમાં અચ્છા અચ્છાને મુર્ખ પણ બનાવી શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં સિદ્ધાંત કરતાં અવલોકનનું પ્રાધાન્ય વધુ રહેલું છે. તમારું અવલોકન જેટલું સુક્ષ્મ પરિણામ પણ તેટલું જ સશક્ત બને અને હા જ્યોતિષશાસ્ત્ર સિદ્ધાંતનું નહિ પણ અવલોકનનું અને સંશોધનનું વિજ્ઞાન છે. અપવાદ એ કોઈ પણ શાસ્ત્રનું અનિવાર્ય અંગ અને પૂર્વ શર્ત હોય છે. આથી અહી આપેલા તારણોના અપવાદ પણ હોઈ શકે..આશા રાખીએ કે અપવાદના વાદ અને વિવાદમાં પડ્યા વિના લેખને માણજો અને કૈક નવું જાણજો.

બંને લેખકોએ આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પબ્લીશ કરેલ છે