ભાગ્યના ભેદ:જન્મકુંડળીમાં જો ગુરુ અને શનિ સંબંધમાં આવે ત્યાં આર્થિક ક્ષેત્રે ભારે તબાહી અને ખાનાખરાબી આવે છે

4 મહિનો પહેલાલેખક: ડૉ. પંકજ નાગર
  • કૉપી લિંક

'ચાંદીકી દીવાર ના તોડી પ્યાર ભરા દિલ તોડ દિયા એક ધનવાનકી બેટીને નિર્ધનકા દામન છોડ દિયા...'
ફિલ્મ વિશ્વાસની મુકેશ દ્વારા ગવાયેલી ઉપરોક્ત પંક્તિઓ જીવનમાં ધનનું કેટલું અને કેવું મહત્ત્વ છે તે સમજાવે છે. જગત અને જીવનનો મુખ્ય એક્સટ્રેકટ (અર્ક)પૈસો અને પ્રેમ છે. સત્ય એ છે કે પૈસાથી પ્રેમ ખરીદાતો નથી પણ પૈસો ના હોય તો પ્રેમના માપદંડમાં મોટો ફર્ક પડી જાય છે. ટકો (ધન)એ માનવ જીવનનું સત્વ, તત્વ અને મહત્ત્વ છે.

ટકા ધર્મ: ટકા કર્મ ટકા હિ પરમ તપ:!
યસ્ય ગેહે ટકા નાસ્તિ હાટકે ટકતકાયતે!!

જન્મકુંડળીનું બીજું સ્થાન ધન સ્થાન છે. પ્રથમ સ્થાન દેહ સ્થાન છે તમે વિચારો જેવો દેહ જન્મ લે પછીની પ્રાથમિકતા ધન બની જ જાય છે. બી કોઝ ધન સ્થાન ઇઝ નેક્સ્ટ તો દેહ સ્થાન. તન પર મનની અસર છે પણ બંને પર ધનની અસર છે તે જીવનની કડવી વાસ્તવિકતા છે. જ્યોતિષીઓને ધન વગરની કુંડળીઓ જોવાનું મન થતું નથી. પણ અમારી તેમને ખાસ વિંનતી છે કે જો સંશોધનનો હેતુ હોય તો નિર્ધન કુંડળીઓ જોવાની પ્રમાણિકતા પણ દાખવવી જોઈએ.

1994ની સાલની વાત હજુ પણ મારા માનસપટ પર તરોતાજા છે. હું મારા એક મિત્રની ઓફિસ પર અગત્યના કામે ગયેલો ત્યાં મને અમદાવાદની એક બંધ પડેલી મિલ માલિકના પુત્રનો ભેટો થયેલો. મને જોઈને તેઓ ખુશ થયેલા અને તત્કાલીન ધોરણે તેમણે તેમની કુંડળી પોતાના બગલ થેલામાંથી ડુંગળીની જેમ કાઢી મારી સામે ધરી દીધેલી. હું કંઈ પણ કહું એ પહેલા જ તેમણે પોતાના આછા અને આછકલા જ્યોતિષજ્ઞાનના આધારે પોતાની જન્મકુંડળીનું પોસ્ટમોર્ટમ શરુ કરી દીધેલું. મને કહે પંકજભાઈ જુઓ મારા ધન સ્થાનમાં ઉચ્ચનો (કર્ક)ગુરુ છે. અને હા, જુઓ જુઓ મારા પાંચમાં સ્થાનમાં ઉચ્ચનો (તુલાનો)શનિ છે. કોઈએ મને કહ્યું છે કે 42 વર્ષની ઉંમર પછી તમે ગુજરાતના મોટા ઉદ્યોગપતિ બનશો.

1955માં જન્મેલા બંધ પડેલી મિલ માલિકના આ પનોતા પુત્રને મેં વચ્ચે વચ્ચે રોકવાનો અથાગ પ્રયત્ન કર્યો પણ બંધ મિલના આ એક્સ(માજી)માલિકની જીભ ચાલુ જ રહી. આશરે અડધો કલાક બાદ તેમણે વિરામ લીધો એટલે મેં તેમને સમજાવ્યા કે ભાઈ તમારા કર્ક (ઉચ્ચ)ના ગુરુ પર તુલાના (ઉચ્ચના)શનિની દૃષ્ટિ આર્થિક ક્ષેત્રે તમને મોટી પછડાટ આપશે. પણ આ ભાઈની વાણીમાં ખુવારીમાં પણ ખુમારીના દર્શન થતાં હતા એટલે મેં વાત પડતી મૂકી. પછી તો વર્ષો સુધી મારી કરેલી આગાહી અને આ બંધ મિલ માલિકના પુત્રની વાત ભૂલાઈ ગઈ પણ ગ્રહો કંઈ પોતાના નિયમ છોડે ખરા?

2021ની દિવાળી ટાણે વર્ષો બાદ ફરી આ ભાઈ સાથે એક સમાંરભમાં મિલન થયું. ધીરે ધીરે સરકતા સરકતા ચાલુ સમારંભે મારી બાજુની સીટમાં ગોઠવાઈ ગયા અને પાછું તેમણે તેમનું દુઃખ પુરાણ ચાલુ કર્યું. અલબત્ત પહેલા તેમણે મારી વર્ષો પહેલાની આગાહી સાચી પડી તે બદલ હાથ મિલાવી આભાર વ્યકત કર્યો. ફન્ક્સન પુરું થયા બાદ હું તેમને મળ્યો અને તેમની કુંડળીની સ્થિતિનો સમગ્ર ચિતાર આપ્યો અને તેમની આર્થિક બરબાદી પાછળ ગુરુ અને શનિએ કેવો નેગેટીવ રોલ ભજવ્યો છે તે પણ સમજાવ્યું. વાચક મિત્રો, જરૂરી નથી કે ઉચ્ચના ગ્રહો તમને ધનવાન બનાવે. ગ્રહોનો ભેદ અત્યંત ગુઢ અને માયાવી છે.

ગ્રહોને સમજવા માટે સંશોધનની ચક્કીઓ વર્ષો સુધી ચલાવો ત્યારે 100 મણ ઘઉંમાંથી માંડ એક કિલો આટો મળે છે. અમારી પાસે આવનારી અસંખ્ય કુંડળીઓના નિરીક્ષણમાં એક વાત તરીને અમારી સામે વારંવાર આવે છે કે જે કુંડળીઓમાં ગુરુ અને શનિ સંબંધમાં આવે ત્યાં આર્થિક ક્ષેત્રે ભારે તબાહી અને ખાનાખરાબી આવે છે. તમને જો યાદ હોય તો 1989થી 1991 સુધી શેર બજાર પર એક હત્થું સામ્રાજય ભોગવનાર અને શેર બજારને તહસનહસ કરનાર સ્વ.હર્ષદ મેહતાની કુંડળીમાં પણ કર્કનો ગુરુ અને તુલાનો શનિ હતો. આ ગ્રહ યોગે તેને આસમાની સુલતાની બતાવી પણ અંતે તેની પાસે મુલતાની માટી લેવાના પૈસા પણ હતા નહી.

કુંડળીમાં ગુરુ ગમે તેટલો બળવાન હોય પણ જો શનિની દૃષ્ટિમાં આવી જાય અગર શનિની સાથે બેસી જાય તો આર્થિક ક્ષેત્રે તો તમે ગયા કામસે,, કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ કુબેર ભંડારી ગ્રહ છે ઉપરાંત કુંડળીમાં તે ધન સ્થાનનો કારક ગ્રહ છે. જ્યારે શનિ કોઈ પણ શુભત્વનો મારક ગ્રહ છે. જેમ કે શનિ જો મંગળ સાથે કે શુક્ર સાથે બેસે તો લગ્નમાં વિઘ્ન આપે. ચંદ્ર સાથે બેસે તો મનને મારે અને નબળું બનાવે. અમારી પાસે સંશોધન માટે આવનારી મોટા ભાગના દેવાળું ફૂંકનારાઓની કુંડળીમાં ક્યાંક ને ક્યાંક ગુરુ અને શનિના દૃષ્ટિ કે સંબંધ (યુતિ)હોય જ છે અને ખાસ કરીને જે લોકોની કુંડળીમાં કર્કનો ગુરુ અને તુલાનો શનિ હોય તેવા જાતકો આર્થિક રીતે ભારે ખાનાખરાબી જોઈ રહ્યા છે. આવા જાતકો એટલે કે જેમનો જન્મ 1954ના અંતથી 1955ના નવેમ્બર મહિના સુધી થયો હોય. જો તમારી કુંડળીમાં ક્યાંક ખૂણે-ખાંચરે આવો સંબંધ દેખાય તો તમારી આર્થિક વ્યવસ્થાને સંતુલિત રાખવા કોશિશ કરજો. કારણ કે ગુરુ અને શનિનો સંબંધ એટલે સાધુ અને શૈતાન અગર સંત અને ઘંટનો સંબંધ અને સીધી વાત છે કે સાધુને શૈતાન પરેશાન કરે. મિત્રો ઉચ્ચના ગ્રહો જોઈ કુદાકુદ કરતા નહિ કારણ કે ક્યારેક ઉચ્ચના ગ્રહો તમને નીચું જોવરાવે તો નવાઈ નહિ.

આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રકાશિત કર્યો છે.