ભાગ્યના ભેદ:જ્યોતિષશાસ્ત્રનું આનુષંગીક અંગ પ્રશ્નકુંડળી; જ્ન્મકુંડળીની માફક જ ભૂત-ભવિષ્ય-વર્તમાનનું સચોટ સૂક્ષ્મ માર્ગદર્શન આપે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

યસ્ય નાસ્તિ ખલુ જન્મપત્રિકા યા શુભાશુભ ફલ પ્રદાયિની| અંધકમ ભવતિ તસ્ય જીવિતમ દીપહીનમિવ મંદિરમ નીશી||

જેમની પાસે શુભાશુભ ફળદર્શક જન્મપત્રિકા નથી તેનું જીવન અંધકારમય દિપક વિનાના અંધારિયા ઘર જેવું ભેંકાર ભાસે છે. આ શ્લોક માનવીના જીવનમાં જ્યોતિષશાસ્ત્રની અનિવાર્યતાનો શુભ સંકેત આપે છે. દેવ-દાનવ કે માનવ ભાગ્ય-કભાગ્યની પકડમાંથી કોઈ બાકાત નથી તેનો અણસાર આ શ્લોક આપે છે.

પ્રશ્નકુંડળી: જ્યોતિષશાસ્ત્રનું આનુષંગીક અંગ છે. પ્રશ્નકુંડળીના આધારે જ્ન્મકુંડળીની માફક જ ભૂત-ભવિષ્ય-વર્તમાન એમ ત્રિકાળનું સચોટ સૂક્ષ્મ માર્ગદર્શન મળે છે. સામાન્ય રીતે જ્યારે જાતક પાસે જન્મકુંડળી હોય નહીં અથવા જન્મકુંડળી ખોટી બનાવેલી હોય તો પ્રશ્નકુંડળીનો આધાર લઈ શકાય. જાતકે આ બાબતે આ નિયમોનું પાલન કરવું જોઇએ.

  • પ્રશ્ન નૈસર્ગિક હોવો જોઈએ.
  • પ્રશ્ન એક જ હોવો જોઈએ.
  • પ્રશ્નકુંડળી માટે જ્યોતિષીની આપોઈન્ટમેન્ટ લેવાય નહીં.
  • પ્રશ્નકુંડળી માટે જાણકાર જ્યોતિષને ત્યાં અચાનક પહોંચી જવું અગર તો મનમાં પ્રશ્ન આવે તે સમય –તારીખ અને સ્થળ નોંધી જ્ઞાની જ્યોતિષીને પ્રત્યક્ષ મળી લેવું.

પ્રશ્નનો જન્મ પણ જાતકના મનમાં અચાનક પેદા થાય છે. આવા સમયે પ્રશ્નકુંડળી માટે જન્મકુંડળીની માફક સમય-સ્થળ અને તારીખની જરૂર પડે છે.

પ્રશ્નકુંડળીમાં લગ્ન (દેહસ્થાન) ખૂબ જ મહત્ત્વનું છે. તે ઉપરાંત સૂર્ય-ચંદ્રની સ્થિતિનો અભ્યાસ કરવો પણ જરૂરી છે. કારણ કે કોઈપણ કુંડળીનો આધાર લગ્ન છે અને જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્મા અને ચંદ્રને મન ગણવામાં આવ્યા છે. લગ્ન એટલે સ્વયં વ્યક્તિ, સૂર્ય એટલે વ્યક્તિનો આત્મા (હૃદય) અને ચંદ્ર એટલે પ્રશ્ન પૂછનારનું મન. સામાન્ય રીતે પ્રશ્ન પૂછનારનું મન, હૃદય, શરીર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રશ્ન સાથે સંકળાયેલા છે. આથી પ્રશ્નકુંડળીના અવલોકન બાબત જન્મલગ્ન, ચંદ્ર-સૂર્ય બાબત પર ખાસ વિચારવું જોઈએ.

હવે સ્થાન બાબત વિચારીએ તો પ્રથમ સ્થાન દ્વારા આકૃતિ, સ્વભાવ, વલણ અંગે વિચારી શકાય. બીજા સ્થાન દ્વારા ધન, કુટુંબ, આવક, સોનું, પત્થર બાબત વિચારી શકાય. ત્રીજા સ્થાન દ્વારા ભાઈ-ભાંડુ, ઘરરખ્ખું નોકરો, નાની યાત્રાઓ, પરાક્રમ અંગે વિચારવું. ચતુર્થ સ્થાન દ્વારા જમીન, વાહન, મકાન, માતા, ગુપ્ત ધન વગેરે બાબત નિર્ણય કરી શકાય. પાંચમા સ્થાન દ્વારા કલ્પના, વિચાર, બાળકના જન્મ વિષે, ઇષ્ટદેવ, મંત્ર, લેખન કાર્ય, સટ્ટો, પ્રણય બાબત વિચારી શકાય. છઠ્ઠા સ્થાન દ્વારા શત્રુ, રોગ, મોસાળ, ચિંતા, કોર્ટ કચેરી અંગે નિર્ણય કરવો. સાતમા સ્થાન દ્વારા દાંપત્યજીવન, જીવનસાથી, જાહેરજીવન, ધંધાકીય ભાગીદારો અને સાસરિયાં પક્ષ વિષે જાણી શકાય છે. આઠમા સ્થાન દ્વારા ઝેરી જીવજંતુ, પ્રાણી દ્વારા કરડવું, આયુષ્ય-મૃત્યુ, અપકીર્તિ, ગુપ્તાંગો અને લગ્નસાથીના ધન, કુટુંબ વિષે નિર્ણય કરવો. નવમા સ્થાન દ્વારા ધર્મ, મંદિર, દરિયાઈ મુસાફરી ભાગ્ય બાબત વિચારવું. આગિયારમાં સ્થાન દ્વારા પશુપક્ષી, મિત્રો, લાભ અંગે વિચારી શકાય અને બારમાં સ્થાન દ્વારા નુકસાન, ધાર્મિક ખર્ચ, ચેરિટી, સરકાર દ્વારા શિક્ષા, દંડ અને શયનસુખ વગેરે બાબત વિચારાય.

મહર્ષિ પારાશરના મત મુજબ જે રીતે જન્મકુંડળીનું નિરીક્ષણ કરીએ તે રીતે જ પ્રશ્નકુંડળીનું અવલોકન કરવું જોઈએ. પ્રશ્નકુંડળીમાં જે લગ્ન આવે તેનો અધિપતિ ક્યાં છે તે વિચારવું. જુદા જુદા લગ્નના અધિપતિ જુદા જુદા હોય જે આ પ્રમાણે છે. મેષ-વૃશ્ચિકનો મંગળ, વૃષભ-તુલાનો શુક્ર, મિથુન-કન્યા લગ્નનો અધિપતિ બુધ ગણાય. કર્કનો ચંદ્ર, સિંહ લગ્નનો સૂર્ય, ધન-મીન લગ્નનો ગુરુ અને મકર-કુંભ લગ્નનો અધિપતિ શનિ ગણાય. પ્રશ્નના નિરાકરણ માટે આ અધિપતિઓનું ઘણું મહત્ત્વ છે. અધિપતિઓના આધારે પ્રશ્નના નિરાકરણમાં કેટલો સમય લાગશે તે નક્કી કરાય છે. આ માટે દરેક ગ્રહની સમયમર્યાદા નીચે પ્રમાણે છે:

હવે ધારો કે કોઈ પોતાની ખોવાયેલી વસ્તુ અંગે પૂછવા આવે અને તે પ્રશ્ન દરમિયાન મેષ લગ્ન આવતું હોય તો મેષ લગ્નનો અધિપતિ મંગળ બને. જો મંગળ કુંડળીમાં બળવાન હોય તો ખોવાયેલી વસ્તુ ફક્ત એક જ દિવસમાં મળી જાય. કારણ કે સમયમર્યાદાના કોઠામાં મંગળની મુદત ફક્ત 1 દિવસ લખેલી છે. પ્રશ્નકુંડળીના સચોટ જવાબ માટે જે-તે ગ્રહનું કારકત્વ અને બળ જોવું ખૂબ જ જરૂરી છે. દરેક ગ્રહનું તત્વ નક્કી કરવું પણ જરૂરી બને છે. જેમકે શુક્ર-ચંદ્ર જળ તત્વના ગ્રહો છે. બુધ અને ગુરુ દિશા-ગામ નક્કી કરે છે. રાહુ-કેતુ-શનિ જંગલનું પ્રતિનિધિત્વ કરે છે. આ તમામ બાબતો ખોવાયેલી વસ્તુ અગર અન્ય પ્રશ્નોના નિરાકરણ બાબત ઉપયોગી બને છે.

આ જ રીતે ગ્રહો પરથી અન્ય બાબતો પણ નક્કી થાય છે. જેમ કે બુધ, ગુરુ કોઈપણ બનાવ સવારે બન્યો હોય તેવું જણાવે છે તો સૂર્ય અને મંગળ બપોરનું સૂચન કરે છે. શુક્ર-ચંદ્ર બપોર બાદનો સમય નક્કી કરે છે. શનિ-રાહુ રાત્રે બનાવ બન્યો હશે તેવું સૂચન કરે છે.

અમારા અનુભવ એવું કહે છે કે જો પ્રશ્ન કુંડળીમાં 6 -8 કે 12માં સ્થાનમાં ક્રૂર ગ્રહો બેસે તો પ્રશ્ન કર્તાને રોગ, મૃત્યુ કે જેલયાત્રા જેવા પ્રસંગોનું સર્જન કરે છે. પ્રશ્ન કુંડળીમાં ચંદ્ર બગડે તો માનસિક ચિંતા અને રોગ, સૂર્ય દુષિત થાય તો આરોગ્ય, પિતાને નુકસાન કરે છે. ગુરુ બગડે તો અભ્યાસ, બુધ દુષિત થાય તો ધંધા, વ્યવસાય પર પ્રતિકૂળ અસર આવે છે.

પ્રશ્ન કુંડળીનું એનાલીસીસ તલસ્પર્શી હોવું જરૂરી છે.

{આજની ટીપ- તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે થોડાં ગોળ ધાણા ચાવીને ખાઈ જવા. આ ટીપના પરિણામ અદ્દભુત આવે છે}

(બંને લેખકો એ આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે)

(ક્રમશ:)