ભાગ્યના ભેદ:લગ્નજીવનનો મૂળ આધાર સંપ, સુમેળ અને સંધિ છે. પરંતુ શુભ ગ્રહ કહેવાતો ગુરુ પણ દાંમ્પત્ય જીવનની શાંતિ હણી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણા ઋષિમુનિઓને સો સો સલામ અને લાખો વાર નમન. અત્યારની આધુનિકતા અને સંદેશાવ્યવહારથી સાવ અલિપ્ત રહેલા છતાં પણ વિજ્ઞાનથી પણ હંમેશા પોતાની ગતિ આગળ રાખતા આપણા ઋષિમુનિઓના કેટલાક જ્યોતિષીક સિદ્ધાંતોની સરાહના કરવી પડે અને સ્ટેજ પર વાગોળવા પડે અને સંશોધનના પુસ્તકમાં સમાવવા પડે.

શાસ્ત્રોમાં ગુરુને દેવોના ગુરુ અને અતિ શુભ તેમજ પવિત્ર ગણ્યા છે. બ્રહ્માંડમાં ગુરુ એક માત્ર એવો ગ્રહ છે કે જે જાતકના વિસ્ત્તૃતિકરણ, ઉન્નતિ, શુભત્વ અને પ્રગતિ સાથે જોડાવા ઉપરાંત લગ્ન વૈવાહિક જેવા જીવનના અતિમહત્વના પાસાઓ સાથે જોડાયેલો ગ્રહ છે. જ્યોતિષમાં આજકાલ એવી ગેરસમજ પ્રવેશેલી છે કે શુભ ગ્રહ શુભ ફળ આપે અને અશુભ ગ્રહ હંમેશા અશુભ ફળ આપે. પરંતુ સમય, કાળ અને ઘડિયાળના કાંટા સાથે જગત, ગ્રહોનો વ્યવહાર અને ઘટનાઓની વ્યાખ્યા બદલાય છે.

શુભ ગ્રહો શુભ ફળ આપશે જ એવું કથન કરવું મૂર્ખામી છે. અલબત્ત “ગુરુ સ્થાન કરો હાનિ” આ સિદ્ધાંત અતિપ્રાચીન છે અને આ સિદ્ધાંતે જન્મકુંડળીનું સાતમું સ્થાન તો બરબાદ કર્યું જ છે. કાયમ કહેતા આવ્યા છીએ કે દાંપત્યજીવનના સાતમાં સ્થાનમાં રાહુ –શનિ-કેતુ ચાલશે અને લગ્નજીવન પણ ચલાવશે, પરંતુ ગુરુ હશે તો તમારું લગ્ન જીવન અતિ દુષિત કરશે. આ સિદ્ધાંત બાબતે લેશ માત્ર શંકા કરવી નહિ. જન્મકુંડળીના સાતમા સ્થાનમાં ગુરુ બેસે ત્યારે લગ્નજીવનનું બેસણું કરી નાખે તેના કેટલાક ઉદાહરણ મુક્યા છે.​​​​​​

થોડાક દિવસો પહેલા એક અતિસુંદર પરિણીત બહેન રડમસ અને ઉદાસ ચહેરો લઈ અમારી પાસે આવ્યા. એપ્રિલ 1985માં જન્મેલા અને 10 વર્ષ પહેલાં લગ્ન થયેલા એટલે લગ્નજીવનની વસંતને માણવાના દિવસો હતા. પરંતુ તેમના ચહેરાના હાવભાવ સ્પષ્ટ ચાડી ખાતા હતા કે તેઓ લગ્નજીવનની પાનખર ઋતુના અહેસાસ અને અનુભૂતિ હેઠળ હતા. સાસુ-સાસરાના ત્રાસે તેમના લગ્નજીવનના પ્રાસને ખોરવી નાખેલો.

પતિ અતિ માવડિયો અને મીંઢો. આથી આ બહેનને સાસરિયાં પક્ષેથી ન્યાય મળે જ નહીં. સાસુના મેંણા અને પતિના હાથનો મેથીપાક એ વાત આ બહેન માટે દિનચર્યા બની ગયેલી. અમને આ બહેનની કુંડળીમાં સંશોધનના દ્રષ્ટિકોણથી રસ પડ્યો અને અમે તેમની કુંડળી ખોલીને જોયું તો તેમના સાતમા સ્થાનમાં મકર રાશિનો ગુરૂ બિરાજમાન હતો...અને તે પણ કર્ક લગ્નમાં આ યોગ સર્જાયો. આમ જોવા જાવ તો ગુરુ શુભત્વ અને લગ્નજીવનની સંધિ તેમજ સૌભાગ્યમાં સાથ સહકાર આપે પણ અહી ગુરુએ આ બહેનની કુંડળીમાં સાતમે બેસી બહેનના લગ્નજીવન પર એવો કુહાડો મારેલો કે આ બહેને લગ્નજીવનમાં હંમેશા લંગડા જ ચાલવું પડે. આ કુંડળીમાં ગુરુએ સાતમે બેસી “ગુરુ સ્થાન કરો હાનિ” નામના સૂત્રને યથાર્થ કર્યું..

અમારા એક મિત્ર છે તેઓ ગુરુ સ્થાન કરો હાનિ સિદ્ધાંતના નામ હેઠળ સાવ ખુવાર થઈ ગયા છે. તેઓનો જન્મ 8 સપ્ટેમ્બર, 1955માં થયેલો છે. મકર લગ્નમાં સાતમા સ્થાનમાં કર્કનો
ગુરુ ધરાવતા અમારા આ મિત્ર લગ્ને લગ્ને સાવ કુંવારા છે. તેમનું પહેલું લગ્ન વિસનગર ગામે તેમની જ્ઞાતિના સુશિલ, સંસ્કારી બહેન સાથે થયેલું પણ સાવ નાની અમથી બાબતમાં બંનેનું
દૂધપાક જેવુ મીઠું લગ્નજીવન છાશમાં પરિવર્તિત થઈ ખાટું બની ગયું. આ ભાઈના પુન: લગ્ન 1990માં થયા પરંતુ ગુરુ મહારાજે તેમની લગ્નની લગન લાગે એ પહેલાં જ લગ્નને ભગ્ન બનાવી દીધું. આ ભાઈના લગ્નજીવનમાં અહંકાર બહુ જ નકારાત્મક ભાગ ભજવી ગયો. આજે 68 વર્ષે પોતાના સ્વભાવને કોસે છે, પણ હવે શું સાતમે બેઠેલો ગુરુ તો પોતાનું કામ કરી ગયો. એક વાત નિશ્ચિંત છે કે ભલે તમારું સામાજિક સ્ટેટસ ગુરુ સમાન હોય પણ જો તમારી કુંડળીના સાતમા સ્થાનમાં ગુરુ બેસે તો લગ્ન જીવનમાં તમને ચેલા બનાવી દે.
(ડો.પંકજ નાગરે હાલમાં જ TV પર જ્યોતિષ એક વિજ્ઞાનના ૭૦૦ શો પૂર્ણ કર્યા છે અને આ સિદ્ધિ
મેળવનાર ગુજરાત સ્ટેટમાં માત્ર તેઓ એક જ જ્યોતિષી છે. ડો.રોહન નાગર UK પાર્લિયામેન્ટ
બોર્ડમાં આયુર્વેદ પર વક્તવ્ય આપનાર એક માત્ર ભારતીય છે )

ઉપરોક્ત બંને ઉદાહરણ ‘ગુરુ સ્થાન કરો હાનિ’ નામના વાક્ય કે સૂત્ર સાથે સુદ્રઢ રીતે સંકળાયેલા છે. બંને કુંડળીઓનું નિરીક્ષણ અને વ્યક્તિગત પૃછા કરતાં અમને એવું તારણ હાથ લાગ્યું છે કે ઉપરોક્ત બંને કિસ્સાઓમાં જિદ્દ અને અહંકાર નામનું તત્વ મોટો ભાગ ભજવી ગયું છે. ગુરુ એટલે જ્ઞાન અને જ્યાં જ્ઞાન હોય ત્યાં અહંકાર અને આડંબર-દંભ હોય. ગુરુ એટલે જ મોટો અને જ્યાં મોટાઈ હોય ત્યાં મેળ-સુમેળ અને સંધિની ભાવનાની અછત અને ઓછાપ હોય.

જન્મકુંડળીમાં ગુરુ જ્યાં બેસે તે સ્થાને અહંકારનું તત્વ આપોઆપ ઉમેરાઈ જાય છે. પરિણામે જ્યાં અહંકાર અને દંભ હોય ત્યાં સંપ અને જતું કરવાની ભાવના ઓછી હોય. લગ્નજીવનની પવિત્રતાનો મૂળ આધાર સંપ, સુમેળ અને સંધિ છે. આ તત્વ જ્યારે સાતમા દાંપત્યજીવનના સ્થાનમાંથી ગુરુના કારણે નીકળી જાય ત્યારે લગ્નજીવનની શાંતિ પણ આપોઆપ છીનવાઈ જાય છે. ગુરુ જ્યાં બેસે ત્યાં સદગુણોની જગ્યાએ દુર્ગુણોનો વ્યાપ અને વિસ્તાર વધી જાય છે. આથી જ ગુરુ સ્થાન કરો હાનિ નામનું સૂત્ર કે વાક્ય આપોઆપ સિદ્ધ થઈ જાય છે.
‘ગુરુ સ્થાન કરો હાનિ’ સૂત્ર સૌથી વધારે સાતમા સ્થાન પર અસરકર્તા છે. અને હા અંતમાં એક વાત ચોક્કસ કહીશું કે તા.1જાન્યુઆરી 2023ના રોજ આ વિભાગમાં જ અમે આગાહી કરેલી કે 17 જાન્યુઆરી 2023 ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરનારો શનિ 17/01/23 થી 23/04/24 સુધી કોરોનાનો હાઉ ઉભો કરશે. પરંતુ આ ડર 2020 અને 2021 જેટલો નહિ હોય તે
આગાહી અક્ષરશ: સાચી પડી છે
{આજની ટીપ }
આવો યોગ હોય તેવા જાતકોએ હમેશાં બે મુખી ઓરીજીનલ રુદ્રાક્ષ અને ખાસ કરીને ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરવો જરૂરી છે. ઉપરાંત દર સોમવારે ખાસ કરીને બહેનોએ પાર્વતીજીના ચરણમાં બીલી પત્રમાં ૨૧ ચોખાના દાણા સુતરની દોરીથી લપેટીને મૂકવા. અમારા અનુભવ છે કે ફાયદો થશે. અને લગ્નજીવનનો રથ દોડશે

(આ લેખ બંને લેખકોએ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે)