ઉત્તરાખંડના ચારધામ / 1 જુલાઈથી રાજ્યના લોકો બદ્રીનાથ અને કેદારનાથના દર્શન કરી શકશે, કોરોનાના કારણે પૂજારી અને સમિતિ હાલ યાત્રા શરૂ કરવાના પક્ષમાં નથી

X

  • દેવસ્થાનમ બોર્ડની વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું પડશે
  • ભક્તોએ શાસન દ્વારા નક્કી કરેલાં નિયમોનું પાલન કરવાનું રહેશે

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 01:13 PM IST

નેશનલ અનલોકની પ્રક્રિયામાં 1 જુલાઈથી ઉત્તરાખંડના ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી મંદિર રાજ્યના સામાન્ય દર્શનાર્થીઓ માટે ખુલી જશે. ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડે 29 જૂને આ અંગે આદેશ જાહેર કરી દીધો છે, પરંતુ કોરોનાવાઇરસના કારણે મંદિર સમતિઓ અને પૂજારીઓ હાલ દર્શન શરૂ કરવાના પક્ષમાં નથી.

આ અંગે અમે બદ્રીનાથના રાવણ ઈશ્વરપ્રસાદ નંબૂદરી, ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલ, કેદારનાથના તીર્થ પુરોહિત વિનોદ પ્રસાદ શુક્લા, ગંગોત્રી મંદિર સમિતિ અધ્યક્ષ સુરેશ સેમવાલ, યમનોત્રી મંદિર સમિતિ સચિવ કૃતેશ્વર ઉનિયાલ સાથે વાત કરી છે.

દેવસ્થાનમ બોર્ડના મીડિયા અધિકારી ડો. હરીશ ગૌડના કહેવા પ્રમાણે ચારધામ દર્શન માટે આવતાં લોકોએ બોર્ડની વેબસાઇટ https://badrinath-kedarnath.gov.in/ ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યાર બાદ જ મંદિરોમાં દર્શન કરવાની પરમિશન મળશે. ભક્તોએ પોતાની સાથે ઈ-પાસ અને ફોટો આઈડી રાખવા પડશે. જેના આધારે જિલ્લા પોલીસ ધામ ક્ષેત્રમાં પ્રવેશ માટે મંજૂરી આપશે.

અન્ય રાજ્યના લોકોને ક્વોરન્ટીન કરવામાં આવશે, કન્ટેન્મેન્ટ અને બફર ઝોનમાંથી આવતાં લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. અહીં આવતાં ભક્તોને મંદિર ક્ષેત્રમાં રોકાવા માટે એક દિવસની પરમિશન મળશે. વિશેષ પરિસ્થિતિઓમાં આ સમય વધી પણ શકે છે. આ મંદિરોની આસપાસ સ્થિત ધર્મશાળા, હોટેલ્સ, રેસ્ટોરાં, ઢાબા, ગેસ્ટ હાઉસ સાથે સંબંધિત લોકો માટે સમારકામ વગેરે કાર્ય કરવાની અનુમતિ રહેશે.

શ્રદ્ધાળુઓ માટે નિયમોનું પાલન કરવું જરૂરીઃ-
ચારધામની યાત્રા પર આવતાં શ્રદ્ધાળુઓએ માસ્ક પહેરવો પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. 65 વર્ષથી વધારે ઉંમરના લોકો અને 10 વર્ષથી નાના બાળકોને દર્શન કરવાની મંજૂરી મળશે નહીં. જે લોકોમાં મહામારી સંબંધિત કોઇપણ લક્ષણ હશે, તેમને પ્રવેશ આપવામાં આવશે નહીં. ભગવાનને પ્રસાદ, હાર-ફૂલ ચઢાવવા વર્જિત રહેશે. દૂરથી જ ભગવાનના દર્શન કરવા પડશે.

મંદિરના પૂજારી અને સમિતિઓ દર્શન યાત્રા શરૂ કરવાના પક્ષમાં નથીઃ-

ઉત્તરાખંડ સરકાર 1 જુલાઈથી આ મંદિરોમાં દર્શન વ્યવસ્થા શરૂ કરી રહી છે, પરંતુ આ મંદિરોના પૂજારી અને સમિતિઓ કોરોનાવાઇરસના કારણે હાલ દર્શન શરૂ કરવાના પક્ષમાં નથી.

બદ્રીનાથના રાવલ ઈશ્વરપ્રસાદ નંબૂદરીના કહેવા પ્રમાણે, હાલ દેશમાં કોરોનાવાઇરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આવી સ્થિતિમાં યાત્રા કરવી સ્વાસ્થ્યની દૃષ્ટિએ યોગ્ય નથી. બહારના લોકો અહીં આવશે તો આ ક્ષેત્રમાં મહામારી ફેલાઇ શકે છે. હાલ ભગવાન પણ એવું જ ઇચ્છે છે કે, બધા જ ભક્તો પોતાના ઘરે જ રહે અને ઘરમાં જ પૂજાપાઠ કરે. જ્યાં સુધી મહામારીનો પ્રકોપ ઓછો થઇ જતો નથી, ત્યાં સુધી બધાએ સાવધાની રાખવાની જોઇએ. બદ્રીનાથ ક્ષેત્રના લોકો પણ એવું જ ઇચ્છે છે કે, હાલ દર્શન શરૂ થવા જોઇએ નહીં.

બદ્રીનાથના ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલે જણાવ્યું કે, હાલ અહીં ઉચ્ચ સ્તરની સ્વાસ્થ્ય વ્યવસ્થાઓ ઉપલબ્ધ નથી. હાલ ક્ષેત્રમાં સુવિધાઓનો અભાવ છે. શાસનને ભક્તો માટે અહીં રહેવા, ખાસ અને રોકાવાની વ્યવસ્થા ઉપર ધ્યાન આપવું જોઇએ.

કેદારનાથના તીર્થ પુરોહિત વિનાદ પ્રસાદ શુક્લા આ સમયે યાત્રા શરૂ કરવાના પક્ષમાં નથી. તેમણે જણાવ્યું કે, કેદારનાથ ક્ષેત્રમાં બધી હોટેલ્સ, ધર્મશાળાઓ હાલ બંધ છે. એવામાં અહીં આવતાં લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. બહારના લોકો અહીં આવશે તો અહીં પણ કોરોનાવાઇરસ ફેલાઇ શકે છે. એટલે અમે આ સમયે યાત્રા શરૂ કરવાનો વિરોધ કરી રહ્યા છીએ.

ગંગોત્રી મંદિર સમિતિ અધ્યક્ષ સુરેશ સેમવાલ પ્રમાણે, અમે હાલ બહારના લોકો માટે દર્શન શરૂ કરવા માંગતાં નથી. જો આ ક્ષેત્રમાં મહામારી વધી જશે તો અહીંના લોકો માટે પરેશાનીઓ ખૂબ જ વધી જશે.

યમનોત્રી મંદિર સમિતિના સચિવ કૃતેશ્વ ઉનિયાલના કહેવા પ્રમાણે યમનોત્રી ક્ષેત્રમાં બધી હોટેલ્સ, રેસ્ટોરાં બંધ છે. મહામારીને જોતાં શાસને અહીં જરૂરી વ્યવસ્થાઓ ઉપર ધ્યાન આપવું જોઇએ. હાલ યાત્રા શરૂ થાય તો સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ વધી શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી