જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિ દરેક જાતકને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે. સારાં કર્મ કરનાર લોકોને શુભફળ અને ખરાબ કર્મ કરનારા લોકોને સજા આપે છે. વર્ષ 2023માં શનિની સ્થિતિ અમુક રાશિના લોકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. 17 જાન્યુઆરી 2023ના રોજ શનિ મકર રાશિમાંથી કુંભ રાશિમાં 30 વર્ષ પછી પ્રવેશ કરશે. શનિના કુંભ રાશિમાં આવવાથી અમુક રાશિઓના દિવસ પલટાઈ શકે છે.
શનિદેવ 17 જાન્યુઆરીએ રાશિ બદલશે
હાલ શનિદેવ મકર રાશિમાં સ્થિત છે. 17 જાન્યુઆરી 2023ના રોજ આ ગ્રહ રાશિ બદલીને કુંભમાં પ્રવેશ કરશે. આ સાથે જ ધન રાશિના લોકો ઉપરથી સાડાસાતીનો પ્રભાવ પૂર્ણ થઈ જશે. ત્યાં જ મિથુન અને તુલા રાશિના લોકો પરથી શનિની ઢૈયા દૂર થશે, જેથી વર્ષ 2023માં ધન, મિથુન અને તુલા રાશિના લોકોને શનિના ખરાબ પ્રભાવથી મુક્તિ મળી જશે. એટલે આ વર્ષ આ રાશિના લોકો માટે ભાગ્યશાળી રહેશે.
વર્ષ 2023માં વૃષભ જાતકોને લાભ થશે
વૃષભ રાશિના દશમા ભાવમાં શનિનું ગોચર થશે. કુંભ રાશિમાં શનિના આવી જવાથી આ જાતકો માટે સારા દિવસો શરૂ થશે. શનિ તમારા ભાગ્ય ભાવને પ્રભાવિત કરશે. શનિના પ્રભાવોથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. વેપારમાં લાભ થશે. વિદેશયાત્રાનો યોગ બનશે. આર્થિક મામલે ઉન્નતિ શક્ય છે. જૂની સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.
મિથુન રાશિના લોકોને ઢૈયાથી મુક્તિ મળશે
17 જાન્યુઆરીએ શનિના કુંભ રાશિમાં પ્રવેશથી જ ઢૈયાનો પ્રભાવ દૂર થઈ જશે. જલદી જ શુભફળ આ રાશિના લોકોને મળવા લાગશે. રૂપિયાની ખોટ દૂર થશે અને દેવામાંથી મુક્તિ મળી શકશે. પરિવારના લોકો સાથે કોઈ જગ્યાએ હરવા-ફરવા જઈ શકો છો. નોકરીમાં બોસ તમારા કામથી ખૂબ જ પ્રસન્ન રહેશે. જો તમે કોઈ બીમારીથી ગ્રસ્ત છો તો એમાં પણ આરામ મળી શકે છે. અટવાયેલા રૂપિયા પાછા મળી શકે છે. કોર્ટ સાથે જોડાયેલા મામલાઓમાં સફળતા મળી શકે છે.
તુલા રાશિના જાતકો માટે આ વર્ષ શુભ રહેશે
17 જાન્યુઆરીએ શનિના રાશિ બદલતાં જ તુલા રાશિ પરથી શનિની ઢૈયાનો પ્રભાવ દૂર થઈ જશે. આ વર્ષે તમને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે અને તમે તમારી બુદ્ધિ અને મહેનતથી બિઝનેસને આગળ વધારવામાં સફળ થઈ શકો છો. નોકરીમાં તમને મોટું પદ મળી શકે છે. સ્વાસ્થ્યને લઈને જે પરેશાની હતી એ ઘટી જશે. મિત્રો અને સંબંધીઓનો પૂરેપૂરો સહયોગ મળશે. આ રાશિના લોકો માટે આ વર્ષ ખૂબ જ શુભ રહેવાનું છે.
શનિદેવની સાડાસાતીથી મુક્ત થશે ધન રાશિના લોકો
વર્ષ 2023ની શરૂઆતમાં જ એટલે 17 જાન્યુઆરીએ ધન રાશિના લોકો શનિની સાડાસાતીમાંથી મુક્ત થઈ જશે. લાંબા સમય પછી આ રાશિના લોકો રાહતનો શ્વાસ લેશે. આ વર્ષે આ રાશિના લોકોના ભાગ્યનાં દ્વાર ખૂલી શકે છે. જૂની સમસ્યાઓ એક-એક કરીને દૂર થઈ જશે અને સ્વાસ્થ્ય ઠીક રહેશે. આ વર્ષે આર્થિક સ્થિતિ સારી રહેશે, જમીન, ભવન કે પ્લોટ પણ આ વર્ષે તમે ખરીદી શકો છો. સંતાન સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર તમારું માન-સન્માન વધારી શકે છે.
વર્ષ 2023માં આ રાશિના લોકો પર સાડાસાતી અને ઢૈયા રહેશે
17 જાન્યુઆરી 2023થી કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોની ઢૈયા શરૂ થશે. કર્ક રાશિના આઠમા ભાવમાં ત્યાં વૃશ્ચિક રાશિના ચોથા ભાવથી શનિનું ગોચર શરૂ થશે. આ સિવાય મકર રાશિની સાડાસાતીનો અંતિમ તબક્કો, કુંભ જાતકોનો મધ્ય અને મીન રાશિના જાતકો માટે શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો શરૂ થઈ જશે.
શનિદેવને તલનું તેલ ચઢાવો
શનિની અશુભ અસરથી બચવા માટે મંદિરમાં જઈને શનિદેવ ઉપર કાળા તલ ચઢાવો અને તલનું તેલ ચઢાવો, સાથે જ તલના તેલથી માટીનો દીવો પ્રગટાવવો. શનિદેવને કાળાં કપડાં અને વાદળી ફૂલ ચઢાવો.
શનિપૂજામાં ધ્યાન રાખવામાં આવતી વાતો
જ્યોતિષમાં શનિને પશ્ચિમ દિશાનો સ્વામી જણાવવામાં આવે છે. આ કારણે તેમની પૂજા કે મંત્રજાપ કરતી સમયે પશ્ચિમ દિશા તરફ મુખ હોવું જોઈએ. કાળાં કપડાં પહેરી શકો છો. કાળા આસનનો ઉપયોગ કરવો જોઈએ. તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.
શનિદેવની પૂજામાં તાંબાનાં વાસણનો ઉપયોગ ન કરો, કેમ કે આ સૂર્યની ધાતુ છે. શનિ અને સૂર્ય એકબીજાના દુશ્મન છે. શનિની પૂજામાં લોખંડનાં વાસણનો ઉપયોગ કરો. લોખંડ કે માટીનો દીવો પ્રગટાવો. લોખંડનાં વાસણમાં તેલ ભરીને શનિદેવને ચઢાવો. શનિ મંત્ર ૐ શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ 108 વાર કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.