• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • From 20th November, Jupiter Will Orbit Saturn In Aquarius Again. How Will This Position Affect Libra And Pisces? Dr Rohan Nagar And Dr Panckaj Nagar

ભાગ્યના ભેદ:20 નવે.થી ગુરુ ગ્રહ શનિની રાશિ કુંભમાં ફરી ભ્રમણ કરશે, આ સ્થિતિની અસર તુલાથી મીન જાતકો પર કેવી થશે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુરુ એટલે વંદનીય-માનનીય. ગુરુ એટલે વિનય અને સંસ્કારનો પર્યાય. ગુરુ એટલે જ્ઞાનનો કુબેરભંડાર. જ્યાં ગુરુ હોય ત્યાં જ્ઞાનનું તેજ હોય અને ઉન્નતિનો અવકાશ-પ્રગતિનું આકાશ હોય. જે મહાન, શુભ અને પવિત્ર હોય, ઉપરાંત જ્યાં શિક્ષણ અને સંસ્કારનો વાસ હોય ત્યાં ગુરુનો અવશ્ય રહેવાસ હોય. બ્રહ્માંડમાં ગુરુ માત્ર એક એવો ગ્રહ છે, જે જાતકના શુભત્વ સાથે સંકળાયેલો છે. ગુરુ એ જીવ છે અને જન્મકુંડળીની પ્રતિકારાત્મક શક્તિ છે. ગત લેખમાં આપણે કન્યા રાશિના જાતકો સુધી કુંભના ગુરુ સંદર્ભે ચર્ચા કરેલી. હવે જન્મકુંડળીમાં ગુરુના ગોચર ભ્રમણનો બીજો રાઉન્ડ(20/11/2021થી 13/4/2022) તુલાથી મીન રાશિના જાતકોને કેવું ફળ આપશે એનો વિચાર આ લેખમાં કરીએ.

(આ લેખના લેખક ડો.પંકજ નાગર જ્યોતિષશાસ્ત્રમાં કાશી બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયથી PhD ની પદવી પ્રાપ્ત કરેલી છે અને જ્યોતિષક્ષેત્રે ૧૯૮૪થી કાર્યરત હોવા ઉપરાંત નવગુજરાત ફાઉન્ડેશનનો સુવર્ણ ચંદ્રક પણ મેળવેલો છે.)

તુલા- તમારી રાશિથી પાંચમા ભાવે ભ્રમણ કરનારો આ ગુરુ વિદ્યાપ્રાપ્તિમાં મદદ કરશે. પ્રણય જેવી બાબતોમાં સફળતા અને નવી આવકના સ્ત્રોત ઊભા કરશે. આ ગુરુ દરમિયાન કરેલાં રોકાણો ભવિષ્યમાં તમને જબરદસ્ત વળતર આપશે. સંતાનોની પ્રગતિનો સંકેત આ ગુરુ આપે છે તેમજ વિદેશયાત્રા માટે વાંછુક જાતકો માટે આ ગુરુ અતિફળદાયી નિવડવાનો એ નિ:શંક બાબત છે. કુંભનો ગુરુ તમારા માટે તન-મન-ધનથી આશીર્વાદ સમાન બનશે અને સંચિત કર્મોનો પોઝિટિવ હિસાબ આપશે.

વૃશ્ચિક- કુંભના ગુરુનું ભ્રમણ તમારી કુંડળીના ચોથા ભાવે થશે અને આ ભ્રમણ તમને નવું મકાન વાહન તેમજ જમીનની ખરીદીમાં જબરદસ્ત મદદ કરશે. માતાની તબિયત સુધરશે. મન અને હૃદય પ્રફુલ્લિત રહેશે. જો તમે વૃદ્ધ હોવ તો આ ગુરુ તમને નીરોગી રાખવામા મદદ કરશે. આ ગુરુની સાતમી દૃષ્ટિ તમારા દસમા સ્થાને પડતાં તમારા ધંધા વ્યવસાયમાં ઘણો જ લાભ આપશે. ટૂંકમાં, આ ગુરુ તમને મન અને હૃદયથી પ્રસન્ન કરશે. ઉપરાંત બઢતી સાથે નવા હોદ્દાનો પોઝિટિવ ભાર આપશે.

ધન- તમારી રાશિથી આ ગુરુનું ભ્રમણ ત્રીજે થતાં એની દૃષ્ટિ ભાગ્યસ્થાને પડશે, આથી વિદેશયાત્રા ઉપરાંત લાંબી અને ધાર્મિક યાત્રાઓ આ ગુરુ તમને કરાવશે. ભાઈભાંડુઓ થકી લાભ અને પાડોશીઓ સાથેના સંબંધોમાં સુધારો આ ગુરુનો સંકેત છે. કુંવારા જાતકો માટે લગ્નનો મોટો પ્રોગ્રામ આ ગુરુ આપે છે, માટે તૈયાર રહેજો. ભાગીદારીયુક્ત સાહસોમાં આ ગુરુ તમને લાભ આપશે. ભાગ્યની નવી દિશા અને તક માટે તૈયાર રહેજો, કારણ કે આ ગુરુ એટલે તમારું નસીબ પરિવર્તન.

મકર- ગુરુનું ભ્રમણ મકર રાશિના જાતકોના બીજા ધન સ્થાનમાં થશે. આ ભ્રમણ આ જાતકોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવશે. કુટુંબમાં બાળકનો જન્મ થાય અને તે દ્વારા કુટુંબનું કદ વધે. અગાઉ કોઈને ઉધાર આપેલા નાણાં પરત આવે.ગુરુનું આ ભ્રમણ તમને મિતભાષી બનાવે અને સમાજ તેમજ સંસ્થામાં તમારા સંબંધો મીઠા મધ જેવા બનાવે. આ ગુરુ પરિવારમાં સંપ અને એકતાનો એહસાસ કરાવે. નાણાકીય દ્રષ્ટિએ આ ગુરુ તમને અજીબોગરીબ લાભ આપશે તેમાં કોઈ શક નથી.

કુંભ- આપની રાશિમાં જ ગુરુનું ભ્રમણ હોઈ આપને મનની શાંતિ અને તનની તંદુરસ્તી આપશે. ઉપરાંત આપ અત્યાર સુધી બારમાં ગુરુના ભ્રમણમાં હતા તેમાંથી પણ મુક્તિ મળશે. અલબત્ત આ વચગાળાની રાહત કહી શકાય. ગુરુનું આ ભ્રમણ તમારા લગ્ન(દેહ) સ્થાને થતાં વિવાહ પ્રસ્તાવો અને લગ્નના સંજોગો પણ ઊભા થશે. ઉપરાંત જો આપ પ્રેમ લગ્ન કરવાની ખેવના ધરાવતા હોવ તો ગુરુ તમને મદદ કરશે. ગુરુના આ ભ્રમણનો ગાળો તમારા સંતાનો માટે અતિ પ્રગતિશીલ અને આનંદ આપનારો હશે તેમાં કોઈ શંકા નથી. ભૂતકાળમાં કરેલા રોકાણો અહી ફળશે અને નવી તક દ્વારા ભાગ્યના દરવાજા ખુલશે. ધાર્મિક પ્રસંગો અને ધાર્મિક મુસાફરીઓ આ ગુરુનો શુભ સંકેત છે.

મીન- ગુરુનું આ ભ્રમણ તમને બારમા ગુરુના બંધનમાં મુકશે. ક્યારેક નાહકની દોડાદોડી અને વ્યર્થ ખર્ચા આ ગુરુનો અનિવાર્ય સંદેશ અને સંકેત છે આથી આવક પર ધ્યાન કેન્દ્રિત કરશો તો ફાવશો. અલબત્ત ગુરુ બારમે ભ્રમણ કરશે ત્યારે તમારા ચોથા સુખ સ્થાન પર દૃષ્ટિ કરશે આથી નવા વાહન કે મકાનના શુભ યોગ ઊભા થશે. હ્રદય રોગની જો કોઈ જૂની બીમારી હશે તો તેમાં રાહત આપશે. ગુરુની છઠા સ્થાન પર દૃષ્ટિ તમને ક્યારેક અપયશ અપાવે અગર કોઈ અપમાનભરી સ્થિતિનું નિર્માણ કરે. નોકરીના સ્થળે ખાસ ધ્યાન રાખવું કારણ કે ક્યારેક કામનું ભારણ કે બોજ તમને માનસિક મુશ્કેલીમાં મૂકી શકે. મિશ્રફળ આપનારો ગુરુ પોતાના આ ભ્રમણ દરમિયાન તમને સુખ કરતાં દુખનો અહેસાસ વધારે કરાવશે. વહેલી સવારે ગુરુના શાસ્રોક્ત મંત્રની એક માળા પરિસ્થિતિમાં રાહત આપશે.

અંગ્રેજી તારીખ અનુસાર જે જાતકોનો જન્મ 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી અને 15 જુલાઈથી 15 ઓગસ્ટ દરમિયાન હોય તેમને શનિની વિપરીત અસરોમાંથી હંગામી આંશિક રાહત મળશે. જે જાતકોની કુંડળીમાં સૂર્ય મિથુન- સિંહ- તુલા અને કુંભ રાશિમાં હોય તેમને કુંભનો ગુરુ તન મન અને ધનથી પ્રગતિ ઉન્નતી અને સમૃદ્ધિ આપશે તે બાબત ચોક્કસ છે. અલબત્ત આ રાશિના ચંદ્ર ધરાવતા જાતકોને પણ કુંભનો ગુરુ રાહત ચાહતની રાહ બતાવશે.

ગુરુનું નડતર દુર કરવા નીચેના ઉપાયો કરવા

  • દર ગુરુવારે ચણાની દાળનું સેવન કરવું.
  • ગુરુવારે પીળા વસ્ત્રમાં ચણાની દાળનું દાન કરવું.
  • ' ઓમ હ્રીમ હ્રામ કલીમ કલીમ ઓમ ગ્રોમ ગુરુવે નમઃ ' આ મંત્ર રોજ દીવો ધૂપ કરી ૧૦૮ વાર કરવા.
  • સવારે ઉઠતાની સાથે જ કપાળ પર કોરી હળદર અને ચંદનના પાવડરનો ચાંલ્લો કરવો.
  • સોનાની ધાતુમાં અસલ પોખરાજ જેને અંગ્રેજીમાં યેલો સેફાયર કહે છે તે પણ ધારણ કરવાથી લાભ થાય છે. અને હા મધ્યમ વર્ગના જાતકો માટે રત્નની ખાસ વાત કે જો તમે પોખરાજ ખરીદવા માટે સક્ષમ ના હોવ તો તેનું ઉપરત્ન સેત્રીન પણ પેહરી શકાય

(કુંભના ગુરુનું ગોચર ભ્રમણ મેદનીય હોઈ સૂક્ષ્મ નથી. આથી જાતકે સાચું ફળ જાણવા તેની કુંડળીમાં અન્ય ગ્રહોની સ્થિતિનો પણ વિચાર કરવો જરૂરી છે)

કુંભના ગુરુનો લેખ બંને લેખકો એ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કર્યો છે